CIA ALERT

Alert Archives - Page 262 of 521 - CIA Live

May 31, 2020
kyar_cyclone-1280x707.jpg
1min5340

ગુજરાત માથે હીકા વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડું તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. જો કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે વાવાઝોડાએ રૂટ બદલ્યાની શંકા છે.

હવામાન ખાતાના અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧૨૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ૩૧ મે સુધી હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૪ અને ૫ જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

May 31, 2020
ril-1280x721.jpg
1min5010

વિશ્વની તમામ લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2020માં અત્યાર સુધીમાં શેર્સના વેચાણ મારફત સૌથી વધારે ભંડોળ એકત્ર કરનારી કંપની બની છે. ભારતીય કંપનીઓમાં અન્ય ટોચના ભંડોળ એકત્ર કરનારાઓમાં ગ્લેક્સોસ્મિથક્લાઇન અને હોર્લિક્સે તાજેતરમાં ₹26,000 કરોડની કિંમતના હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સનું વેચાણ કર્યું હતું જ્યારે ભારતી એરટેલે ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ તથા ઓવરસિસ બોન્ડ મારફત ત્રણ અબજ ડોલર એકત્ર કર્યા હતા.

બ્લૂમબર્ગના ડેટા અને ઇક્વિટી ઓફરિંગ માટે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતો અનુસાર મુકેશ અંબાણીના વડપણ હેઠળની આ મહાકાય કંપનીએ ઇક્વિટી ઓફરિંગ મારફત 18.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેના પછી યુએસ સ્થિત મની મેનેજર બ્લેકરોકનો ક્રમ આવે છે જેણે 13.3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને તેના પછી રિજનરોન ફાર્માસ્યુટિકલ્સનો ક્રમ હતો જેણે 11 અબજ ડોલર એકત્ર કર્યા હતા. અન્ય કંપનીઓ જેમણે બજારમાંથી મોટા પાયે નાણાં એકત્ર કર્યાં હતાં તેમાં સિંગાપોર એરલાઇન, બ્રાઝિલની પેટ્રોબ્રાસ અને યુએસ સ્થિત સાઉથવેસ્ટ એરલાઇનનો સમાવેશ થાય છે.

એક વર્ષમાં સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ સાઉદી અરેબિયાની મહાકાય ઓઇલ કંપની અરામ્કોનું હતું જેણે પાછલા ડિસેમ્બર મહિનામાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મારફત આશરે 28.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા, તે અગાઉનો ટોચનો રેકર્ડ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ્સના નામે હતો જેણે 2014માં 25અબજ ડોલર એકત્ર કર્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઋણમાં કાપ મૂકવા માંગતી હોવાથી શેર્સ સેલની જાહેરાત કરી હતી. કંપનીનો ₹53,000 કરોડનો રાઇટ ઇશ્યૂ ખૂલ્યો છે ત્યારે તેણે પોતાના ડિજિટલ યુનિટ જિયો પ્લેટફોર્મમાં 17 ટકા કરતાં વધારે હિસ્સો વેચીને ₹78,562 કરોડ એકત્ર કરી દીધા છે. તેમાંથી ફેસબૂકે ₹43,574 કરોડમાં આ યુનિટમાં 9.99 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો જ્યારે સિલ્વર લેખે ₹5,665.75કરોડમાં 1.15ટકા હિસ્સો ખરીદ કર્યો હતો.

આઠ મેના રોજ યુએસ સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ₹11,367 કરોડમાં જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો અને 17 મેના રોજ ગ્લોબલ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે ₹6,598.38 કરોડમાં 1.34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પાંચમા સોદામાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર એન્ડ કંપનીએ ₹11,367 કરોડમાં જિયોનો 2.32 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.

31 માર્ચની સ્થિતિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બાકી દેવું ₹3,36,294 કરોડ નોંધાયું હતું. તેની પાસે હાથ પર ₹1,75,259 કરોડની રોકડ છે જેથી નેટ ડેટ ₹1,61,035કરોડ થાય છે.

May 31, 2020
navkar.jpg
1min6980

આજે રવિવાર તા.31મી મે સવારે પોણા નવ વાગ્યાના અરસાથી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તે માટે 10 લાખ જૈનો દ્વારા 99 કરોડ નવકારમંત્ર જાપ શરૂ કરવામાં આવ્યા છે.

જૈન ધર્મના અનુયાયીઓ પણ આજે રવિવારે 99,99,99,999 વાર નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વ આ મહામારીથી મુક્ત થાય તે માટે પ્રાર્થના શરૂ કરી છે. આજે રવિવારે સવારે 8.41 વાગ્યાથી નવકારમંત્ર જાપ શરૂ થયા હતા. જે બપોરે 12.41 વાગ્યા સુધી જારી રહ્યા હતા. ચાર કલાક માટે સમગ્ર વિશ્વના જુદા જુદા ખૂણામાંથી આશરે 10 લાખ જેટલા જૈન ધર્માનૂયાયીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ભેગા થયા હતા. આ નવતર પ્રયોગ પહેલી વખત હાથ ધ વામાં આવ્યા હતો અને ઓનલાઇન મંચ પર એક મિલિયન લોકો દ્વારા નવકાર મંત્રનો જાપ કરવામાં હતા.

કોરોના મહામારીના સંકટ સામે વિજ્ઞાનની સાથે સાથે ધર્મ પણ લોકોનો આશરો બની રહ્યો છે. આ મહામારીથી બચવા માટે દરેક ધર્મના વ્યક્તિઓ પોતપોતાની શ્રદ્ધા અનુસાર વિશ્વની પરમશક્તિને પ્રાર્થના કરી રહ્યા છે.

May 31, 2020
corona-gujarat.jpg
1min6130

કેન્દ્ર સરકાર તરફથી ૧ જુનથી ૩૦ જુન સુધીની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણ ફેઝમાં હોટલ, રેસ્ટોરન્ટ,ધાર્મિક સ્થળો સિવાય અન્ય વસ્તુઓ ખોલવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ લોકડાઉન ૫.૦ના અનલોક ૧.૦ને લઇ મહત્વ જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં એસટી બસ ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષાઓ પણ દોડતી થશે જેમાં ૨ વ્યક્તિઓને બેસાડી શકાશે.

અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તે આ મુજબ છે :
•    કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
•    કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
•    સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
•    સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે બસ સેવા શરૂ થશે.
•    સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
•    સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
•    મોટરસાયકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત
•    મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
•    સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ
•    સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
•    ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે
•    હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય
•    કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
•     આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરવામાં આવશે.
•    શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય, માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.

લૉકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલૉક-૧માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી.

May 31, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5150

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વીતેલા ત્રણ દિવસમાં દેશમાં કોરોના વાયરસ 25 હજારથી વધારે કેસ નોંધાયા છે. શનિવારે ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોના વાયરસના 8,000થી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં સાતમી વખત સૌથી વધારે કેસ નોંધાયા છે. 

દેશભરમાં શનિવારે 200 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. અગાઉ શુક્રવારે 270 લોકોએ કોરોનનાને કારણે પોતાના જીવ ગુમાવ્યાા હતા. ભારતમાં શનિવાર રાત સુધી 1,78,823 કેસ નોંધાયા હતા. શનિવારે દેશભરમાંથી કુલ 8,023 નવા કેસ સામે આવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં શનિવાર રાત સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 65,168 હતી. રાજ્યમાં 34 હજારથી વધારે એક્ટિવ કેસ છે. ત્યાંજ ગુજરાતમાંથી શનિવારે 412 નવા કેસ સામે હતા. ત્યાંજ શનિવારે પશ્ચિમ બંગાળમાં 317, ઉત્તર પ્રદેશમાં 262, મધ્ય પ્રદેશમાં 246, બિહારમાં 208, હરિયાણામાં 202, કર્ણાટકમાં 141 અને આસામમાં 128 કેસ નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે 177 નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી 10 ગર્ભવતી મહિલાઓ છે. 

May 31, 2020
who_trump.jpg
1min5430

અમેરિકામાં કોરોનાના સૌથી વધારે કેસથી ખિન્ન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે અમેરિકાએ નાતો તોડવાની જાહેરાત કરતા ચીન પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સંબંધ ખતમ કરવાની સાથે સાથે કોરોના મહામારી અંગે દગો આપવા અને હૉંગકૉંગ મામલે ચીન વિરુદ્ધ પ્રતિબંધ મૂકી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે તે અમેરિકામાં અધ્યયન કરતાં ચીનના સંશોધકો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. આ લોકો અમેરિકાની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેની સાથે તે અમેરિકન સ્ટૉક એક્સચેન્જમાં પણ સૂચિબદ્ધ તે ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવા જઈ રહ્યા છે જે અમેરિકન કાયદાનું પાલન નથી કરતી.

અમેરિકા આની સાથે જ વ્યાપાર અને પર્યટનના ક્ષેત્રમાં હૉંગકૉંગને મળેલા વિશેષ દરજ્જો પણ પાછો ખેંચવા જઈ રહ્યું છે. ટ્રમ્પે આની સાથે જ ચીનના અમેરિકન હિત સાથે રમવાની છૂટ આફવા માટે પોતાના પૂર્વવર્તી શાસકોની આલોચના પણ કરી છે. તેમણે કહ્યું કે વાતની છૂટ હું નહીં આપું.

જો કે, ટ્રમ્પ દ્વારા ચીન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને ડેમોક્રેટિક તેમજ રિપબ્લિકન પાર્ટીના નેતાઓને ખૂબ જ સામાન્ય જણાવ્યા છે. ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સીમા વિવાદ અંગે કંઇ જ કહ્યું નથી.

કોરોના મહામારીને લઈને ટ્રમ્પે આ પહેલા પણ ડબ્લ્યૂએચઓને ઘેરી ચૂક્યા છે. ટ્રમ્પે તાજેતરમાં જ કોરોના વાયરસ સંકટ પર ગેરજવાબદાર રીતે કામ કરવાનો આરોપ મૂકતાં WHOને આપવામાં આવતી આર્થિક સહાય પણ અટકાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી કોરોનાના પ્રસારને ઘટાડવાને લઈને WHOની ભૂમિકાની સમીક્ષા નહીં થાય, ત્યાં સુધી તેમના પર આ પ્રતિબંધ લાગેલું રહેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના કરદાતા ડબ્લ્યૂએચઓને વાર્ષિક 40થી 50 કરોડ ડૉલર આપે છે. જ્યારે ચીન વાર્ષિક લગભગ 4 કરોડ ડૉલર કે તેનાથી પણ ઓછી રકમ આપે છે. ટ્રમ્પે WHO પર પ્રશ્નો ઉઠાવતાં કોરોનાના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં તે સંપૂર્ણપણે અસફળ રહ્યું છે.

May 31, 2020
unlock.jpg
1min6580

ગૃહમંત્રાલયે લૉકડાઉન પૂરું કરી દીધું અને હવે અનલૉક 1ની ગાઈડલાઇન્સ (Unlock 1 Guidelines and rules) જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, પણ હાલ કન્ટેન્મેન્ટ જોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્ય વસ્તુઓ માટે પરવાનગી છે. અનલૉક 1ની આ ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન માટે લાગૂ પાડવામાં આવી છે. તો જાણો શું છે લૉકડાઉન 5.0 નહીં પણ અનલૉક 1…

રાતનું કર્ફ્યૂ જળવાઈ રહેશે. જે જીવનાવશ્યક વસ્તુઓ છે, તેમની માટે કોઇ જ કર્ફ્યૂ નહીં હોય. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે નાઇટ કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતું, સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર પછીથી નિર્ણય લેશે.

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર, ચર્ચમાં જઈ શકશો. કેટલાક રાજ્યોની ઇચ્છા છે કે મૉલ્સ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેસમાં જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે. 8 જૂનથી રેસ્ટૉરન્ટ્સ અને હૉટેલ્સ પણ શરૂ થઈ શકશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક કમ્પલસરી રહેશે. ધાર્મિક સ્થળો અને સલૂન શરૂ કરવામાં આવશે પણ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

એકથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો આવાગમન કરી શકશે, પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન આવશ્યક છે. ક્યાંય પણ આવવા કે જવા પહેલા કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે.

હવે રાજ્ય સરકારને વધારે તાકાત આપવામાં આવી છે. રાજ્ય સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યોમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધા છે, પણ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ મૂકી શકે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પહેલા જ કહ્યું હતું કે લૉકડાઉન 5.0 ખૂબ જ સામાન્ય હશે. તેમણે જણાવ્યું કે, “આમાં અમુક જ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય જનજીવન સામાન્ય કરી દેવામાં આવશે.” તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે હંમેશાં નહીં રહે. લોકોને ઘણી હદે છૂટ આપવામાં આવી ચે અને હવે આશા છે કે સામાન્ય જીવન થશે.

May 30, 2020
pmmodi.jpg
1min4670

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શનિવારે દેશવાસીઓને સંબોધતો એક ખુલ્લો પત્ર લખ્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં દેશમાં પ્રવર્તેલી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર અંગેની વાત રજૂ કરી છે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોની વેદનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સામાન્ય સ્થિતિમાં પીએમ મોદી લોકોની વચ્ચે હાજર રહીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે પરંતુ તાજેતરમાં લોકડાઉનની સ્થિતિને પગલે તે શક્ય નહીં હોવાથી આ પત્ર લખ્યો હોવાની સ્પષ્ટતા વડાપ્રધાને કરી હતી.

છેલ્લા એક વર્ષમાં તેમની સરકારે લીધેલા ઔતિહાસિક પગલાંઓને લીધે દેશમાં ઝડપથી વિકાસ થયો હતો. જો કે તેમણે સ્વીકાર્યું કે હજુ પણ ઘણું કરવાનું છે અને દેશ સમક્ષ અનેક મુશ્કેલીઓ તેમજ પડકારો ઊભા છે.

પીએમ મોદીએ પત્રમાં કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હું દિવસ-રાત કામ કરી રહ્યો છું. મારામાં કોઈ ત્રુટી હશે પરંતુ આપણા દેશમાં કોઈ જ નથી જણાતી. હું દેશવાસીઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું, તમારી શક્તિ અને ક્ષમતામાં મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. કોરોના વાયરસ સામેની જંગમાં દેશે જે એકતાના દર્શન કરાવ્યા છે તેનાથી વિશ્વના લોકો પણ અચંબિત થયા છે અને મને વિશ્વાસ છે કે આર્થિક પુનરુત્થાનામાં પણ તે એક દ્રષ્ટાંતરૂપ બની રહેશે.

એકતરફ વિરાટ આર્થિક સંશાધનો તેજ કુશળ હેલ્થકેર સિસ્ટમ ધરાવતી શક્તિઓ હતી, જ્યાં બીજીતરફ દેશમાં અન્ય મુશ્કેલીઓની સાથે વિશાળ વસ્તી તેમજ મર્યાદિત સંશાધનોનો પડકાર પણ હતો. ઘણા લોકોને લાગતું હતું કે ભારત કોરોનના વાયરસની લપેટમાં આવ્યા બાદ તે વિશ્વ માટે એક સમસ્યા બની રહેશે પરંતુ ભારતે વિશ્વના આ દ્રષ્ટિકોણને બદલી નાંખ્યો.

પીએમે પત્રમાં પરપ્રાંતિયો મજૂરો, કારીગરો તેમજ લઘુ ઉદ્યોગના કામદારો, ફેરિયાઓ સહિત તમામ લોકોને પડેલી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહામારીમાં દરેકને ઓછાવત્તા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે. આપણે સૌએ એક થઈને તેમની મુશ્કેલીઓનો અંત લાવવાનો નિર્ધાર કર્યો છે.

વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું હતું કે તેઓ ચુસ્તપણે નિયમો તેમજ માર્ગદર્શિકાનું પાલન કરે. અત્યાર સુધી જે પ્રકાશે સંયમ રાખ્યો છે તે આગળ પણ જાળવી રાખે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારત હાલમાં સુરક્ષીત છે તેથી જ તે એક સુરક્ષીત સ્થળ બન્યું છે. ભારત માટે કોરોના વાયરસનો જંગ ઘણો લાંબો છે પરંતુ તેના વિજયપથ પર આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ અને આપણે આ જંગ જીતીને જ રહીશું.

કોરોના વાયરય પછીના વિશ્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા કેવી હશે તે અગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મોદીએ જણાવ્યું કે ભારતે પોતાની એકતાની તાકાતથી જે રીતે વિશ્વને ચોંકાવ્યું છે તે પ્રમાણે આર્થિક પુનરુત્થાનમાં પણ આપણે મિશાલ બનીશું, તેમ વડાપ્રધાને પત્રમાં જણાવ્યું હતું.

આત્મનિર્ભરતા અંગે તેમણે કહ્યું કે, આ સમયની માંગ છે. આપણે વ્યક્તિગત ક્ષમતાના બળે આગળ વધવું પડશે. આ માટે એક જ વિકલ્પ છે- આત્મનિર્ભર ભારત. તાજેતરમાં સરકારે જાહેર કરેલા 20 લાખ કરોના આર્થિક પેકેજથી આ દિશામાં મહત્વની મદદ મળી રહેશે.  આનાથી દરેક ભારતીય માટે એક નવી તક ઉભરશે. ખેડૂતો, કામદારો, નાના ઉદ્યોગસાહસિકો અને યુવાનો તેમજ સ્ટાર્ટ અપ્સને પણ તેનો લાભ મળશે.

મોદી સરકાર 2.0ની કામગીરીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે સંસદની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે અને સંખ્યાબંધ ખરડાઓ પસાર કરાવવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું કે આ ગાળામાં કલમ 370 નાબૂદ કરવામાં આવી જે દેશના એકતા તેમજ અખંડિતતા માટે મહત્વનો નિર્ણય હતો. આ ઉપરાંત રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. તેમની સરકારે ટ્રિપલ તલાકના કાયદાને હટાવ્યો. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદો ભારતીયોની કરૂણા અને સમાવિષ્ટતાની ભાવનાનું ઉદાહરણ છે. સબકા સાથ સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ સાથે દેશ તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે.


May 30, 2020
GPSC.jpg
1min5670

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા ૩૧ મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ૨૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.

May 30, 2020
coronahotspot.jpeg
1min850

સુરત શહેરના ૫૮ વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી કેસ નહીં નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. તમામ ઝોનમાં એવા ક્લસ્ટર વિસ્તારોમાં નાના મોટા ફેરફાર કરાયા છે, જેમાં અઠવા અને રાંદેર ઝોનના ત્રણ ક્લસ્ટરને સંપૂર્ણ દૂર કરી દેવાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનને બાદ કરતા મોટાભાગના ક્લસ્ટરને નાના કરી દેવાયા છે. પાલિકાની ક્લસ્ટર રિક્ધસ્ટ્રક્શનની કામગીરીના કારણે ચાર લાખથી વધુ લોકો ક્લસ્ટરમાંથી મુક્ત કરી દેવાયા છે.

શહેરના જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહીં હોય તેવા વિસ્તારને કલસ્ટરમાંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જે મુજબ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહીધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે, પરંતુ આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનો સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. અન્ય ઝોનમાં પણ ઉપર મુજબ જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારમાં કલસ્ટરમાં ફેરફાર કરી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પરંતુ હવે પછી પણ શહેરના આ વિસ્તાર કે અન્ય કોઈપણ નવા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાશે તો તે વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવશે. કોરોના વાઈરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, ફરજિયાત માસ્ક પહેરવા તથા સેનિટાઈઝરથી નિયમિત હાથ સાફ કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.