નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.
ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.
કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.
કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.
મહાવીર ઇન્ટરનેશનલ એપેક્સ અને એમઆઈ સુરત મુખ્ય શાખાનો ગ્રીન અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પર્યાવરણ નિરીક્ષણ શ્રી બસંત ખેતાનના સહયોગથી રવિવારે તા.25 જુલાઇ 2021ના રોજ સુરત એરપોર્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની, મહાવીર ઈન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય સચિવ વીર અનિલ જૈન, પર્યાવરણ પ્રેમી બસંત ખેતાન, રીજિયન -૮ ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વીર ગણપત ભણસાલી, આંતરરાષ્ટ્રીય નિયામક વીર સુરેન્દ્ર મરોઠી, વીર સંદીપ ડાંગી શાસન સમિતિના સભ્ય વીર મુકેશ જૈન, સચિવ વીર હસ્તીમલ બંઠિયા, એરપોર્ટ એન્જિનિયર સુનિલ કુમાર, એક સોચના પ્રમુખ, રીતુ રાઠી, યંગ ઈન્ડિયાની દીપિકા કલન્ત્રી ધૂત, રાજીવ કોઠારી, સમાજ સેવી સંજય જૈન ચાવત, પ્રીતમ ગોસ્વામી, રમેશ રાજપૂત વગેરે પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીર અનિલ જૈનની ઉપસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સવારે સિટીલાઇટ સ્થિત શાકમાર્કેટમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું, આ પ્રસંગે પર્યાવરણ નિરીક્ષક શ્રી બસંત ખેતાન સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાની સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફુટે છે જે સંભવતઃ આગામી દિવસોમાં વધીને 318 ફુટ સુધી પહોંચી શકે છે.
હથનુર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી હળવાથી ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર નોંધાવા પામી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજા ખોલવાની સાથે જ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદી થકી ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં પહોંચશે. અલબત્ત, ઉકાઈ ડેમના અધિકારીઓ પણ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થશે તે મહત્તમ 318 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હાલ ઉકાઈ ડેમની સપાટી 314.81 ફુટ નોંધાઈ છે અને રૂલ લેવલ 333 ફુટ છે. અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં થનાર વૃદ્ધિ દર વર્ષે જુલાઈ મહિનાથી વહીવટી તંત્ર સહિત શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી ઉકાઈ ડેમની સપાટીમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી નહિવત વરસાદ નોંધાતા સપાટી છેલ્લા એક મહિનામાં એક ફુટ પણ વધી નથી.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે.”
રાજ્યમાં 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.”
અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.
મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન સર્જાતા પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે હજુ સુધી 40 લોકો ગુમ છે અને તેમની શોધ ચાલુ છે.
સંપૂર્ણ રાયગડ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તેવામાં આજે ફરી એકવાર રાયગડ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મહાડ તાલુકાના તળઈ ગામમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ 35 મકાનો આ દુર્ઘટનામાં ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે અને 40 લોકો હજી ગુમ છે. તો જિલ્લાના સાકર સુતાર વાડી ગામમાં પણ વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ બંને ઘટનામાં કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ અકસ્માતમાં લગભગ 80 લોકો દબાઈ ગયા હોવાની માહિતી ગ્રામજનોએ આપી છે. એનડીઆરએફ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિપક્ષી નેતા પ્રવીણ દારેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાયગડના પાલકમંત્રી અદિતિ તટકરે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તળઈ ગામ એક અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવાથી રાહત કામગીરીમાં ઘણી અડચણો આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ત્યારે આ ભયંકર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં બચાવ કામગીરી ચાલુ છે.
ખેડમાં 17 લોકો ફસાયા હતા
તેવી જ રીતે રાયગડના ખેડ તાલુકામાં પણ શુક્રવારે સવારે ચોંકાવનારી દુર્ઘટના બની છે. તાલુકાના પોસરે બૌદ્ધવાડીમાં 17 લોકો ભૂસ્ખલન બાદ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા છે જ્યારે બે અન્ય લોકો બીરમણીમાં ફસાયેલા છે. આ બંને જગ્યાએ એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને સત્વરે બહાર કાઢવા માટે એનડીઆરએફની અન્ય એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય યોગેશ કદમે માહિતી આપી છે કે યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તાજેતરમાં બિરમણી તરફ જતા બે કિ.મી.ના માર્ગને નુકસાન થયું છે.
મહાડ નજીક તળઈ આ ગામમાં પરિસ્થિતિ ભયાનક છે. કેટલાક લોકોના મૃતદેહોને કાટમાળ હેઠળથી ખુદ ગામલોકોએ જ બહાર કાઢ્યા છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તેવી માહિતી મને પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજન દ્વારા મળી છે. એવી પણ આશંકા છે કે હજુ કેટલાક વધુ લોકો કાટમાળ હેઠળ ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખતા સ્થાનિક વહીવટીતંત્રએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ સમયે નાગરિકોને તાત્કાલિક સહાયની જરૂર છે.
સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજે શુક્રવાર તા.23 જુલાઇ 2021થી જાપાનની રાજધાની ખાતે ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ સાદગીપૂર્ણ અને નાના સમારોહથી કરવામાં આવ્યો છે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે યોજાઇ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે.
ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે. એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે. દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે. આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 8પ મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.
સુરત સમેત સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે ત્યાં ત્યાં ફેબ્રિક મેન્યુફેક્ચર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ અને વિક્રેતાઓ વચ્ચે સીધો સેતુ નથી પણ વચ્ચે દલાલ, આડતિયાઓ વગેરેની પણ એક કડી ઉમેરાય રહી છે. પરીણામે ફેબ્રિક કોસ્ટથી લઇને ઇચ્છિત ક્વોલિટી, માગ, જરૂરીયાત બધી જ બાબતો અસરગ્રસ્ત થાય છે. પણ જો ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ જેમાં મોટા ભાગે વીવર્સ, નીટર્સ, પ્રોસેસર્સ સામેલ છે આ કડી તેમજ ફેબ્રિકના વિક્રેતાઓ, ફેશન મેકર્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, સ્ટીચર્સ વગેરે વચ્ચે સીધો સેતુ જો સધાય તો અનેક પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવે તેમ છે અને આ પ્લેટફોર્મ સૌથી પહેલી વખત સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પૂરું પાડવા જઇ રહી છે. વીવનીટ એક્ષ્પો એક એવું પ્રદર્શન હશે જે ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ તેમજ વિક્રેતા, ફેશન મેકર્સ વચ્ચે સીધો સેતુ કાયમ કરશે. જે સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગેમ ચેન્જર બની રહેશે.
સુરતનો વણાટ ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે, તેમાં પણ સોને પે સુહાગા કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે કેમકે વણાટ ઉદ્યોગને સ્પર્શતો પહેલો બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) એક્સપોનું આયોજન સુરત ખાતે થઇ રહ્યું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.11થી 12 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વીવનીટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વીવનીટ એક્સ્પો સ્થાનિગ વણાટ ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સમાન નિવડશે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત યોજાઇ રહેલા વિવનીટ એક્સ્પો વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
ભારતના 10થી વધુ શહેરોના મોટાગજાના બાયર્સ આવશે
વીવનીટ એક્સ્પોમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.
હેડિંગ બોક્સમેન્યુફેક્ચરર્સ માટે વન સ્ટોપ શોપનું પ્લેટફોર્મ
વિવનીટ એકઝીબીશન થકી વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.
નાગરીક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૭ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહયોગ એનાયત કરવામાં આવશે.
૧૯૯૯ ના કારગીલ યુદ્ધ પછી તેના વિજયના માનમાં ૨૬ જુલાઇ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬-૭-૨૦૨૧ સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ, સુરત ખાતે સાંજે ૬ કલાકે ગુજરાતના રાજયપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
કોવિડ-૧૯ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી મયાદિત મહાનુભાવોની હાજરી કાયક્રમ યોજાશે અને સમગ્ર કાયક્રમનું ટી.વી. ચેનલ તથા સોશ્યલ મિડીયામાં જીવંત પ્રસારણ થશે.
દેશ માટે વીરગતિ પામેલા ૧૭ વીર જવાનો પૈકી ૬ જવાનોના પરિવારોને સુરત રૂબરૂ નિમંત્રવામાં છે. બાકીના ૧૧ જવાનોના પરિવારોને કુલ રૂા. ૧૮,૨૫,૦૦૦ લાખ રૂપિયાની સહાય પુરા સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. સુરતથી કાર્યકર્તાઓની ટીમે દરેક વીર જવાનોના વતન તેમના પરિવારોની મુલાકાત લીધી છે. અને સુરતની લાગણી પહોંચાડી છે.
અત્યાર સુધીમાં કુલ ૫.૨૧ કરોડની સહાય
૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સમયથી શરૂ થયેલ જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં ૩૪૮ વીર જવાનોના પરિવારો કુલ રૂપિયા ૫.૨૧ કરોડની સહાય અર્પણ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨૧ વર્ષથી આ પ્રવૃતિ અવિરત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્ર પ્રેમી લોકો – શાળાઓ – બાળકો અને યુવા કાયકતાઓ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જાેડાયેલ છે.
દેશ માટે પ્રાણનું બલીદાન આપનાર વીર જવાનોના પરિવારનું સન્માન કરવુ, આર્થિક સહાય કરવી, નાગરીકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાના મુખ્ય ત્રણ હેતુઓ સાથે દર વર્ષે આ કાયક્રમનું આયોજન થાય છે.
૮ પોલીસ જવાનોના પરિવારોને નાણાંકીય સહાય અપાશે
કોરોનાના મહાસંર્કટમાં સુરત પોલીસે પણ નોંધનીય કામગીરી કરી છે. કોરોના કાળમાં મોતના તાંડવ વચ્ચે પણ પોલીસે ફરજ બજાવી છે. કોરોના જંગમાં સુરત પોલીસના ૮ જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું પણ સન્માન સાથે દરેકને એક – એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે. અગ્રણી શ્રી લવજીભાઇ ડી. ડાલીયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને સહાય અર્પણ થશે. આ આઠ જવાનોમાં બે મહિલા કોન્ટેબલનો સમાવેશ છે. કોરોના જંગમાં પોલીસ જવાનોને યાદ કરી તેમના પરિવારોને લોકો તરફથી સન્માન સાથે સહાય કરવાની આ પ્રથમ ઘટના છે.
મહેમાનોની રૂબરૂ તથા ઓનલાઇન હાજરી
સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાનાર કાયક્રમમાં મુખ્ય મહેમાનપદે શ્રી લવજીભાઇ બાદશાહ તથા ખાસઅતિથી તરીકે મુંબઇથી હિરા ઉદ્યોગના યુવા અગ્રણી શૈલેષભાઇ પી. લુખી હાજર રહેશે. આ ઉપરાંર્ત સંસ્થાના માગદર્શક બ્રિગેડીયર બી. એસ. મહેતા, કાયક્રમના સૌજન્ય દાતાશ્રી મનહરભાઇ સાંસપરા, સેવાભાવી શ્રી ભરતભાઇ શાહ તથા સુરત જીલ્લા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી મુકેશભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિ રહેશે.
અમેરીકાથી લેઉવા પાટીદાર સમાજ તરફથી જવાનોના પરિવારોને આથિક સહાય કરવામાં આવી છે. તેમના પ્રમુખ નયનાબેન પટેલ તથા લેફટેનન્ટ કર્નલ મુકેશભાઇ રાઠોડ કાર્યક્રમમાં ઓનલાઇન જાેડાઇ શુભેચ્છા આપશે. આ ઉપરાંત અમેરીકાથી મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના પરિવારો અને દાતાઓ કાર્યક્રમ ઓનલાઇન નિહાળશે. સુરત રૂબરૂ નથી બોલાવ્યા તેવા ૧૧ જવાનોના પરિવારો ઓનલાઇન જાેડાઇને કાયક્રમમાં સહભાગી બનશે.
બે બહાદુર જવાનોની હાજરી
કારગીલ યુદ્ધમાં દુશ્મન દેશના ૨૨ સૈનિકોને ખાતમો કરનાર સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત ખાતે કાયક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજકોટ જીલ્લાના ઉપલેટા નજીક ચરેલીયા ગામના વતની અને હાલ નિવૃત છે. અને બીજા બહાદુર જવાન શ્રી વલ્લભભાઇ અરજણભાઇ બલદાણીયા જેમણે ૧૯૯૨માં પાકિસ્તાનની સામેના ઓપરેશનમાં ૪૫ દુશ્મનોને ઠાર મારી દીધા હતા અને સેવા મેડલ અને સીલ્વર મેડલથી સન્માનિત થયેલા છે. તેવા શ્રી વલ્લભભાઇ બલદાણીયા અમરેલીના ખાંભાં તાલુકાના લાસા ગામે હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ પણ ખાસ સુરત કાયક્રમમાં અતિથિ છે.
લોકો-સહયોગથી કાર્યક્રમ શક્ય બને છે
જય જવાન નાગરીક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઇ આર. ભાલાળા જણાવે છે કે શહીદ જવાનોના પરિવાર માટે લોકોએ આપેલ ફંડનો દરેક રૂપિયો પરિવારો માટે જ છે. તે ફંડમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી. કાર્યકર્તાઓની ટીમ સ્વખર્ચે પરિવારોની મુલાકાત લે છે. સમર્પણ ગૌરવ સમારોહની વ્યવસ્થામાં લોકોનું સૌજન્ય પ્રાપ્ત થાય છે.
કાયક્રમનું સ્થળ સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટનું છે. પરિવારો માટે ઉતારા તથા ભોજન વ્યવસ્થા સૌજન્ય ઉમિયા પરિવાર ટ્રસ્ટ તરફથી છે.
કાર્યક્રમ હોલમાં સોફા – ખુરશી વગેરે મંડપ વ્યવસ્થા આકૃતિ મંડપ વાળા શ્રી અશ્વિનભાઇ અકબરી તરફથી થશે.
ફોટોગ્રાફી સૌજન્ય નવકલા સ્ટુડીયોનું છે. દરેક પરિવાર તથા મહેમાનો માટે ચાંદી સ્મૃતિમુદ્રા ધાની જ્વેલર્સના શ્રી વિજયભાઇ માંગૂકીયા આપે છે.
આમંત્રણ પત્રિકા તથા સન્માન વ્યવસ્થા ખર્ચ યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ લી. સુરત તરફથી છે. યુરોના શ્રી મનહરભાઇ સાસપરા તથા દિનેશભાઇ સાસપરા તરફથી આ સૌજન્ય દર વર્ષે પ્રાપ્ત થાય છે.
આવી રાષ્ટ્ર સેવા ભાવથી કાયકતાઓ, સંર્સ્થાઓ અને દાતાઓનો સહયોગ મળે છે. વર્ષ દરમ્યાન અસંખ્ય લોકો તરફથી જવાનોના પરિવારો માટે દાન પ્રાપ્ત થાય છે. એટલુ જ નહિ આ સંસ્થા સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ એસોસીયએશન, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, શ્રી સૌરષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, ધી વરાછા કો.ઓ.બેંક અને લોક સમર્પણ બ્લડ બેંક ૧૯૯૯થી સહયોગી તરીકે જાેડાયેલ છે. આ ઉપરાંત વ્યવસ્થા માટે અનેકવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ નિષ્ઠા અને ઉત્સાહથી રાષ્ટ્ર પ્રેમ સાથે કામ કરે છે.
કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન સાથે કયક્રમ યોજાશે
વર્તમાન કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનના પાલન સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન હોલમાં મર્યાદિત દાતા-મહાનુભાવો અને કાયકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. વીર જવાનોને ભાવાંજલી સાથે કાયક્રમનું જીવંત પ્રસારણ થશે. ૨૧ વર્ષમાં પહેલીવાર ભારતથી બહાર અમેરીકાની સંસ્થા અને તેના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે.
દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો અમેરીકા સ્થાયી થયા છે. તેમણે આર્થિક સહયોગ આપ્યો છે. તે તમામ પરિવારો ઓનલાઇન આપણી સાથે જાેડાશે. લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના મંત્રી ગીરીશભાઇ પટેલ જણાવે છે કે આ કાર્યક્રમ અંગે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર માટે અમારી આ ભાવાંજલી છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી કે. ડી. વાઘાણી, શ્રી દેવચંદભાઇ જે. કાકડીયા તથા શ્રી માવજીભાઇ ડી. માવાણી વગેરેએ જણાવ્યું છે કે કાર્યક્રમના સ્થળે પ્રવેશવા પ્રવેશ પાસ જરૂરી છે. તેથી લોકોને ટી. વી. તથા સોશ્યલ મિડિયામાં કાયક્રમ નિહાળવા જાહેર અપીલ છે.
સુરતના રોકાણકારો તેમજ ઉદ્યોગ-ધંધા માટે અગરતલામાં છે તકોની ભરમાર : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા
ચેમ્બરના નેજા હેઠળ વિવિધ ઈન્ડસ્ટ્રી પ્રતિનિધિઓની ત્રિપુરા મુલાકાતે ખોલ્યા નવી દિશાના દ્વાર
સુરતના ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા માટે ત્રિપુરા રાજ્યમાં સારામાં સારી તક હોવાની માહિતી સાથે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વાંસમાંથી બનતું લાકડું, પાઇનેપલ, લિચી અને ચ્હાના તમામ પ્રકારના કારોબાર માટે ત્રિપુરા ઉત્તમ હોવાનું સુરતથી ત્રિપુરા ગયેલા પ્રતિનિધિ મંડળને જણાયું છે. પ્રતિનિધિમંડળે ત્રિપુરાની મુલાકાત સાથે ત્યાં રાજ્ય સરકાર તરફથી અનેક પ્રકારના પ્રોત્સાહન પણ આપવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે જે ઉદ્યોગ સાહસિકોએ ત્રિપુરા ખાતે ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે ઇચ્છુક હોય તેમણે ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરવો.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા સમેત સુરતના 8 ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મન્સુખ માંડવીયાની આગેવાની હેઠળ તાજેતરમાં અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે અનેક મિટીંગો યોજીને સુરત કે ગુજરાતથી ઉદ્યોગ સાહસિકો જો ત્રિપુરા આવે તો તેમને કેવી રીતે પ્રોત્સાહન મળે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન ત્રિપુરાના ઈન્ડસ્ટ્રીઝ સેકે્રટરી ડો. પી. કે. ગોયલ, ઈન્ડસ્ટ્રીઝ ડાયરેકટર તરીત ચકમા, એડીશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રવિણ અગ્રવાલ, હોર્ટીકલ્ચર એન્ડ સોઈલ કન્ઝર્વેશન ડાયરેકટર ડો. પી. બી. જમાતીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડાયરેકટર પી. એલ. ચકમા, મેનેજિંગ ડાયરેકટર, ત્રિપુરા રીહેબીલીટેશન પ્લાન્ટેશન કોર્પોરેશન પ્રસાદ રાવ વદરાપુ, ત્રિપુરા ફોરેસ્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્લાન્ટેશન સેકટરના એકિઝકયુટીવ ડાયરેકટર બી. દેબરામના, મેડીકલ પ્લાન્ટ બોર્ડ, ત્રિપુરાના ડી.સી.એફ વાંગડુપ ભુતીયા, ત્રિપુરા ટી–બોર્ડના ચેરમેન સંતોષ સાહા સાથે મિટીંગ કરી હતી. આ ઉપરાંત ડેલીગેશને ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.
ધુપ,ઓઇલ અને પરફ્યુમમાં અત્યંત ઉપયોગી અગર વૃક્ષની ચીપ્સ
ડેલીગેશનના સભ્ય અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેલજી શેટા જણાવે છે કે, ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને ૩–૪ વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે. તદુપરાંત બામ્બુ ફર્નિચર, રબરવુડ જેવી આઈટમો રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં લાકડાના સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જે વધુ ટકાઉ છે અને તેમાં પાણી/ઉધઈથી કોઈ સમસ્યા ઉભી થતી નથી. આ તમામ ક્ષેત્રમાં ખુબજ સારી તકો રહેલી છે. આ ઉપરાત, સભ્યો દ્વારા ટી માર્કેટીંગ, એકઝોટિક ફુ્રટનું વાવેતર, રબરની પ્રોડકટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ તથા બામ્બુ પ્રોડકટમાં રહેલી તકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પાઇનેપલ, લિચી અને જેકફ્રુટનો વિપુલ જથ્થો અનેક બિઝનેસ ખેંચી લાવે
ડેલીગેશન સભ્ય અને ફુડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનહર સાંસપરા જણાવે છે કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબજ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. જો પલ્પીંગ પ્લાન્ટ, ફ્રુટ પાવડર મેકિંગ પ્લાન્ટ, કેન ફુડ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તેનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે અને માત્ર ભારતની ફુડ ઈન્ડસ્ટ્રી જ નહીં વિદેશમાં એક્ષ્પોર્ટ પણ કરી શકાય તે માટેની તકો રહેલી છે.
હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે. ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે.
આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે.
આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે.
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.