CIA ALERT

Alert Archives - Page 134 of 510 - CIA Live

October 19, 2021
rbi.jpg
1min453

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ) 2016નામાં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A (1) (c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.

આરબીઆઈએ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને આપવામાં આવી હતી.

જે બાદ આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને પુછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? જે બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો હતો. પણ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

SBI ઉપરાંત આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

October 18, 2021
fire.jpg
1min981

સુરત નજીક પલસાણા પાસે આવેલી કડોદરા GIDCની એક પેકેજિંગ કંપનીમાં આજે તા.18મી ઓક્ટોબર 2021ની વહેલી સવારે ભયાનક રીતે ફાટી નીકળેલી આગ બેકાબૂ બનતા આ આગ હોનારતમાં કંપનીના બે કર્મચારીઓના મોત થયાના અહેવાલો મળ્યા છે. બનાવ બન્યો ત્યારે કંપનીમાં કામ કરી રહેલા અંદાજે 125 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે સવારે આશરે 4.30ની આસપાસ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં ભોયરામાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કર્યા છે. બેકાબૂ બની રહેલી આગથી બચવા માટે કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કુદકો પણ માર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.

October 18, 2021
e_shram.jpg
1min591

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
cia_edu-1280x925.jpg
1min754

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.

બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.

નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજોનું વર્તમાન સ્ટેટસ

ગુજરાતની મેડીકલ કોલેજોનું 2020નું કટ ઓફ

October 17, 2021
rte-1280x719.jpg
1min484

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

October 17, 2021
ferti.jpg
1min445

ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.

અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.

સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.

એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min534

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
sumul.jpg
1min1072
Ghari

આ વખતે સુરતીઓ વિક્રમી ઘારી ઝાપટશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતીઓના પોતિકી તહેવાર ચંદની પડવા પર્વે આ વખતે સુરતીઓ ઘારી ખાવાના તમામ રેકોર્ડ તોડી નાંખશે. મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરી એકલા હાથે જ 100 ટન (અંદાજે 90 હજાર કિલો) જેટલી ઘારી બનાવીને સુરતીઓની ઘારીની ડિમાંડ પૂરી કરશે. આટલા મોટા જથ્થામાં સુમુલ ડેરીએ અગાઉ ક્યારેય કોઇ એક સિઝન માટે ઘારી બનાવી નથી. ગયા વર્ષ સુધી સુમુલડેરી દ્વારા 70થી 80 ટન જેટલી ઘારી બનાવવામાં આવતી હતી પરંતુ, આ વખતે સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રો જણાવે છે કે 100 ટન ઘારી બનાવીને ચંદી પડવા પહેલા સુમુલ ડેરીએ પોતે જ વિકસાવેલી સપ્લાય ચેઇન દ્વારા સુરત શહેર, જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં પણ સ્વાદના શોખીન લોકો સુધી પહોંચતી કરશે.

સુમુલ ડેરી સિવાય શહેરના મીઠાઇ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંગઠનો, સંસ્થાઓ પણ એડવાન્સ ઓર્ડર લઇને હજારો કિલો ઘારી તૈયાર કરી રહી છે

ચંદી પડવો તહેવાર ફક્ત સુરત કે દક્ષિણ ગુજરાતના કેલેન્ડરમાં જ જોવા મળે તેવો પર્વ છે. સમગ્ર ભારતમાં શરદ પૂર્ણિમાની ધૂમ હોય છે પરંતુ, સુરતમાં શરદપૂર્ણિમા પછીના દિવસે આવતા ચંદી પડવાની ધૂમ વધુ હોય છે.

ચંદી પડવાએ સુરતવાસીઓ ઘારી અને ભૂસું અને સાથે વેજ નોનવેજ પોતાની પસંદ અનુસાર જયાફત ઉડાવતા હોય છે.

મૂળ સુરતવાસીઓ ઉપરાંત સુરત આવીને વસેલા હિન્દીભાષીઓ, પરપ્રાંતીયો પણ ઘારીના શોખીન બની ગયા હોઇ, ચંદી પડવાએ દર વર્ષે સુરતની ઘારીની ડિમાંડ વધતી જ જાય છે. આ વખતે તો સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ એકલી સુમુલ ડેરી જ એકલા હાથે 100 ટન જેટલી ઘારી બનાવીને બજારમાં મૂકવા જઇ રહી છે.

ઘારીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.40નો વધારો

સુમુલ ડેરીની ઘારીના ભાવમાં આ વખતે રૂ.40 પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ રૂ.560 હતો જે આ વખતે રો મટિરિયલના ભાવ વધારાને ધ્યાને રાખીને રૂ.600 પ્રતિ કિલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન પણ મળશે સુમુલની ઘારી

આ વખતે સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તેવી પ્રતીતિ જે રીતે સુરતમાં ઘારીનું પ્રોડકશન થઇ રહ્યું છે તેના પરથી થઇને રહે છે. કેમકે સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને વેચશે. તદુપરાંત સુરતમાં મીઠાઇ વિક્રેતાઓ, જુદી જુદી સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને બધુ મળીને બીજી 100 ટન ઘારી સુમુલ સિવાયના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થાય તેવો અંદાજ છે. આમ, સુરતી આ વખતે વિક્રમસર્જક જથ્થામાં ચંદી પડવાએ ઘારી ઝાપટી જશે.

October 16, 2021
girlion.jpg
1min466

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 15, 2021
Cia_business_news-1280x936.jpg
1min449

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના વીવીંગ કારખાનેદારો ક્વોલિટી ફેબ્રિકના ઉત્પાદન માટે જે યાર્નનો મહત્તમ વપરાશ કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્પીનરોએ કરેલી અરજીના અનુસંધાને ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી દ્વારા પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની સિફારિશ કરી દેવાતા હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સુરતના વીવર્સને મોઘી પડવાની છે.

સુરતના વીવીંગ ઉદ્યોગના અગ્રણી મયુરભાઇ ગોળવાળા તથા અન્યોએ જણાવ્યું હતું કે આ બાબતનો ગેરફાયદો ઉઠાવતા સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદક સ્પીનર્સે સ્પન યાર્નના ભાવો વધારવા માંડ્યા છે અને એક સમયે બે મહિના અગાઉ રૂ.160 પ્રતિ કિલોએ મળતું સ્પન યાર્ન ઓક્ટોબરના નવા પડેલા ભાવ અનુસાર રૂ.198ના દરે વેચાવા માંડ્યું છે.

ઉપરોક્ત દરો પોલીએસ્ટર સ્પન ફાઇબર અને પોલીએસ્ટર સ્પન યાર્નના જુલાઇ માસથી ઓક્ટોબર માસના બિલના છે.

તાજેતરમાં જાહેર થયેલા ઓક્ટોબરના આંકડામાં એ વાત પુરવાર થઇ છે કે પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નંખાવીને વિદેથી આયાત મોંઘી થતાં જ સ્થાનિક સ્પીનર્સે જુલાઇમાં પોલીએસ્ટર સ્પન યાર્નનો પ્રતિ કિલોનો રૂ.160નો ભાવ ઓક્ટોબરમાં 198 રૂ.પ્રતિ કિલોએ પહોંચાડી દીધો છે અને હજુ તો દિવાળી પહેલા ભાવ વધારો તોળાય રહ્યો હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.

મયુર ગોળવાલાનું કહેવું છે કે સુરતના વીવીંગ ઉદ્યોગના કારખાનેદારો સામી દિવાળીએ જબરદસ્ત ભીંસ અનુભવી રહ્યા છે. સુરતના કપડા ઉત્પાદક વીવીંગ કારખાનેદારો જેમાંથી ક્વોલિટી ફેબ્રિકનું ઉત્પાદન કરી રહ્યા છે એ પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી દીધા બાદ હવે એ વાત નિશ્ચિત બની છે કે પોલીએસ્ટર સ્પન યાર્નની આયાત સ્થાનિક વીવર્સને મોંઘી પડવાની છે. સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના ઉત્પાદકોએ આ યાર્નની આયાત મોંઘી પડવાની છે એ જાણતાની સાથે જ ભાવ વધારો કર્યો હતો, જે હવે બે જ મહિનાના સમયગાળામાં વીસ ટકા સુધી કરી દેવામાં આવ્યો છે.

ચાલુ ઓક્ટોબર માસમાં સ્થાનિક પોલીએસ્ટર સ્પન યાર્નના બિલો પ્રતિ કિલોના રૂ.198ના ઇશ્યુ થવા માંડતા વીવર્સો પણ અકળાયા છે કે આયાત મોંઘી થવાની છે એની આડમાં જ જે બે મહિનામાં વીસેક ટકાનો ભાવ વધારો કરી દેવાયો તો જ્યારથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ થશે ત્યારથી શું પરિસ્થિતિ ઉદભવશે.

  • પીએસએફ એટલે પોલીએસ્ટર સ્પન ફાઇબર
  • પીએસવાય એટલે પોલીએસ્ટર સ્પન યાર્ન

કેન્દ્ર સરકારે હજુ સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વસૂલ કરવા કે નહીં કરવા અંગેની કોઇ જ સ્પષ્ટતા કરી નથી. એક તરફ સ્પષ્ટતા નથીને બીજી તરફ સ્પન યાર્નની આયાત મોંઘી થવાની છે તેવી ધારણાએ પોલીએસ્ટર સ્પન યાર્નના સ્થાનિક ઉત્પાદકો ભાવ વધારો કરવા માંડ્યા હોઇ, સુરતના સ્પન યાર્નના વપરાશકાર કારખાનેદારો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મૌખિક રીતે બાંયધરી આપી છે કે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં થાય પરંતુ, હજુ સુધી તે સંદર્ભનું કોઇ નોટિફિકેશન કે જાહેરાત કરવામાં આવી નથી.