CIA ALERT

Alert Archives - Page 10 of 521 - CIA Live

July 7, 2026
cia_multi-1280x1045.jpg
2min827

તા.8મી જુલાઇને બુધવારે સુરત શહેર જિલ્લામાં તમામે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કામ બંધ રહેશે

ભારે વરસાદની આગાહીને પગલે આજે મંગળવારની જેમ આવતીકાલ તા.8મી જુલાઇને બુધવારે પણ સુરત શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જારી કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલસચિવની 8 જુલાઇના રોજ રજા અંગેની જાહેરાત

તા.7મી જુલાઇ, આજરોજ સવારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ કોલેજ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી કોલેજોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોલેજએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય કૉલેજના આચાર્યશ્રી/વિભાગીય વડા શ્રી એ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.સુરત જિલ્લા ઉપરાંત ના દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના વિસ્તાર માં આચાર્ય શ્રી વિધાર્થી ઓને રજા આપવા બાબતે વિવેકબુદ્ધિ ને આધિન યોગ્ય નિર્ણય લઈ શકે છે

નોંધ :જો કોલેજ ખાતે કોઈ પરીક્ષા ચાલતી હોય તો યુનિવર્સિટી સાથે યોગ્ય સંકલન/પરામર્શન કરવું પરીક્ષા બાબતે અને પછી રજા અંગે નિર્ણય કરવાનો રહેશે અથવા યુનિ એ પરીક્ષા સંબંધિત કરેલ જાહેરાત મુજબ કરવું

આજે તા.7મી જુલાઇના રોજ વહેલી સવારથી સુરતમાં વરસાદ ત્રાટક્યો હતો. સવારે 8થી સાંજે 4 સુધીના 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. BRTS અને ST બસ વ્યવહાર ઠપ થયો. ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઈંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બેંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

July 6, 2026
WhatsApp-Image-2026-07-06-at-17.27.38-1280x853.jpeg
1min116
  • SGCCI અને CAIT ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવા’ વિશે સેશન યોજાયું
  • બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ અને વેપાર વૃદ્ધિના માર્ગો જાણવા ઉદ્યોગકારો માટે અનિવાર્ય: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • સરકાર ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાવવા પ્રયત્નશીલ, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને PLI સ્કીમનો લાભ લેવા હાકલ

સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”

૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ
સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્‌ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.

આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.

July 6, 2026
image-6-1280x960.png
1min160

mumbai-pune-highway-closed-heavy-rain-mumbai-university-exams-postponed

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ

સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.

સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત

મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

July 6, 2026
image-3.png
1min144

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34 વર્ષીય નેમારે ભાવુક થઈને નિવૃત્તિ લીધી. તેમણે ‘મેટલાઈફ સ્ટેડિયમ’માં પોતાની પ્રથમ અને અંતિમ મેચ રમી. 16 વર્ષના કરિયરમાં 129 મેચમાં 80 ગોલ સાથે તેઓ બ્રાઝિલના સફળતમ ગોલસ્કોરર બન્યા.

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો 2-1 થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ 34 વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મેં મારી પૂરેપૂરી કોશિશ કરી. મારો પ્રવાસ જ્યાંથી શરૂ થયો હતો, આજે ત્યાં જ પૂરો થઈ ગયો છે. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.”

નેમારના આ આખરી મુકાબલામાં એક અદભુત સંયોગ પણ જોવા મળ્યો હતો. તેમણે 9 ઓગસ્ટ 2010ના રોજ અમેરિકા સામે ‘મેટલાઈફ સ્ટેડિયમ’ ખાતે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમીને કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 16 વર્ષ બાદ, બ્રાઝિલની જર્સીમાં તેમણે પોતાની છેલ્લી મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમીને ફૂટબોલ જગતને અલવિદા કહ્યું હતું. પોતાની છેલ્લી મેચમાં નેમાર જમણા પગની પિંડલી (રાઈટ કાફ) ની ઈજાના કારણે શરૂઆતની પ્લેઈંગ 11માં સામેલ નહોતા. જોકે, તેઓ બેન્ચ પરથી મેદાનમાં આવ્યા હતા અને મેચની છેલ્લી મિનિટોમાં પેનલ્ટી દ્વારા શાનદાર ગોલ પણ કર્યો હતો, પરંતુ તે બ્રાઝિલને હારથી બચાવી શક્યો નહોતો.

છેલ્લા કેટલાક વર્ષોથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા. આ આખા વર્લ્ડ કપ દરમિયાન પણ તેઓ ફિટનેસની સમસ્યાઓ સામે ઝઝૂમતા રહ્યા અને બ્રાઝિલની પાંચ મેચોમાંથી માત્ર બે જ મેચ રમી શક્યા હતા. ગ્રુપ સ્ટેજમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ તેઓ માત્ર 15 મિનિટ જ મેદાન પર વિતાવી શક્યા હતા. ઈજાઓએ તેમના પ્રદર્શનને ઘણું સીમિત કરી દીધું હતું.

આ આઘાતજનક વિદાય સાથે જ નેમારના 16 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરનો અંત આવ્યો છે. તેઓ બ્રાઝિલના ફૂટબોલ ઈતિહાસના સૌથી સફળ ગોલ સ્કોરર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે દેશ માટે 129 ઇન્ટરનેશનલ મેચો રમીને રેકોર્ડબ્રેક 80 ગોલ નોંધાવ્યા છે અને ટીમને અનેક યાદગાર જીત અપાવી છે. નેમારની નિવૃત્તિ બાદ હવે બ્રાઝિલિયન ફૂટબોલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ટીમની કમાન નવી પેઢીના યુવા ખેલાડીઓના હાથમાં રહેશે.

July 5, 2026
rain-alert.png
1min81

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અપાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

5/7/206: 8 જિલ્લામાં રેડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ ‘હાઇ વેવ એલર્ટ’ એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min150

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.

June 29, 2026
image-26-1280x1453.png
1min149

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.

Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.

નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.

નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.

આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.

June 29, 2026
image-25.png
1min91

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.

29/06/26 આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન!

મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.

રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.

બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

June 29, 2026
WhatsApp-Image-2026-06-28-at-17.17.29-1280x853.jpeg
1min82

ચેમ્બર ઓફ કોમર્સ અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે MOU સાઈન કરાયા

ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે શુક્રવાર, તા. ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ Memorandum Of Understanding (MOU) સાઈન કરાયા. આ MOUનો મુખ્ય હેતુ ભારત અને ઘાના વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને દ્વિપક્ષીય વ્યાપારને વધુ મજબૂત બનાવવાનો છે. આ ભાગીદારી દ્વારા બંને દેશોના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે નવાં બિઝનેસના અવસરો ઊભાં થશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે વેપાર કરતા પહેલા આપણે એમની સરકારની યોજનાઓ તેમજ સરકારના ઉદ્યોગના પ્રોત્સાહન માટેની નીતિઓ અંગેની માહિતી મેળવવી જોઈએ. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા ઘાના સાથો નાના પાયે વેપાર કરવામાં આવશે. સમયાંતરે વેપારમાં વધારો કરવામાં આવશે. ઘાના સાથે વેપાર કરતી વખતે ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને વેપાર કરવો હિતાવહ રહેશે.

ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિ. સ્ટીફન ક્વાકુ દારકુએ જણાવ્યું હતું કે, સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો પાસે ઘાના સાથે વેપાર કરવાની ઉત્તમ તક છે. ઘાના એક ફ્રી ટ્રેડ પોલિસી ધરાવતો દેશ છે. તેથી અહીં બિઝનેસ કરવું સરળ બને છે. ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે. ઘાના ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવા અથવા ઉદ્યોગ સ્થાપિત કરવા શક્ય હોય એટલો સહકાર આપશે.

ચેમ્બરના માનદ્ સેક્રેટરી શ્રી પરેશ લાઠિયાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મિ. ડેવિડ બ્રિયાન ઓબ્રો, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સ્ટીફન ક્વાકુ દારકુ અને સભ્ય સોલોમોન વિયાફ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ ઉપસ્થિત રહયા હતા.

June 28, 2026
image-21.png
1min83

ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે. 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ 15 જૂન પછી તેની પ્રગતિ અટકી ગઈ. દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત નોંધાઈ. નબળું MJO, કમજોર સોમાલી જેટ, રણની ગરમ હવા, ન્યુટ્રલ IOD અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ આ પાંચ પરિબળો જવાબદાર છે. ‘અલ નીનો’ની અસર જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ જોવા મળશે.

ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. જૂન 2026નો મહિનો ભારતીય હવામાન ઇતિહાસમાં વિતેલા 146 વર્ષના સૌથી સૂકા મહિનાઓમાંથી એક સાબિત થયો છે.

કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું હતું, પરંતુ 15 જૂન પછી તે અચાનક અટકી ગયું હતું. આશરે બે અઠવાડિયા સુધી મોનસૂનની પ્રગતિ અટકી જતાં દેશમાં 40 ટકાથી વધુ અને મધ્ય ભારતમાં 60 ટકા જેટલી વરસાદની ભારે અછત નોંધાઈ છે. 23 જૂન પછી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂનની આ ખાધ પુરાવવામાં હજુ સમય લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે કોઈ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ સિસ્ટમ એકસાથે વરસાદની વિરુદ્ધ કામ કરી રહી હતી:

નબળું MJO (મેડન જુલિયન ઓસિલેશન): વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાની આ મોટી લહેર દર 30 થી 60દિવસે પૃથ્વીનું ચક્કર લગાવે છે. તે જૂન મહિનામાં હિંદ મહાસાગર પરથી આગળ વધી જતાં ભારતમાં વરસાદની ગતિ પણ ઘટી ગઈ.

કમજોર સોમાલી જેટ (Somali Jet): આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા રહ્યા છે.

રણ પ્રદેશની ગરમ-સૂકી હવા: ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ મધ્ય ભારત પર એક ‘ઢાંકણ’ જેવી સ્થિતિ સર્જી, જેથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો.

ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD): હિંદ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ (Neutral) રહ્યો, જેથી ચોમાસાને પૂરતી મદદ ન મળી.

બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ: બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ ન બનવાને કારણે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નહીં.

અમેરિકન એજન્સી NOAA દ્વારા જૂનના બીજા અઠવાડિયામાં જ ‘અલ નીનો’ (El Nino) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનની અછતમાં તેની અસર ઓછી હતી, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનો મોટો ખતરો જોવા મળી શકે છે.

હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે અંદાજે 90 ટકા જેટલો જ રહેશે. આ સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા એ પણ વધી છે કે, ગરમ હવા વધુ પાણી સંગ્રહી શકે છે, જેના લીધે લાંબા સૂકા ગાળા પછી અચાનક અત્યંત ભારે વરસાદ (Flash Floods) આવવાનું જોખમ પણ વધી જાય છે.