
પાકિસ્તાનની ટીમ શુક્રવારે જયારે તેના પહેલા મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે ટકરાશે ત્યારે ઇંગ્લેન્ડમાં બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરેલ તેના ચમત્કારિક પ્રદર્શનમાંથી પ્રેરણા લેવાની કોશિશ કરશે. પાકિસ્તાનની ટીમે તેના પાછલા 10 ઈન્ટરનેશનલ વન ડે મેચમાં પરાજય સહન કર્યોં છે. જેમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 0-પ અને ઇંગ્લેન્ડ સામે 0-4ની હાર સામેલ છે. આ ઉપરાંત વોર્મઅપ મેચમાં પણ અફઘાનિસ્તાન સામે આંચકારૂપ હાર મળી હતી. આથી વર્લ્ડ કપના તેના પહેલા મેચમાં પાકિસ્તાનની કસોટી થશે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વોર્મઅપ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની જોરદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને પાક.ને હાર આપવાનો મકકમ મનસૂબો ધરાવે છે.
આ મેચ પૂર્વે પાક.ના સુકાની સરફરાઝ અહેમદે કહયું છે કે અમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રદર્શનની પ્રેરણા લેવા કોશિશ કરશું કારણ કે ત્યારે પણ આવી જ સ્થિતિ હતી અને આખરે અમે વિજેતા બન્યા હતા ત્યારે પાક. ટીમે ભારત સામેના પહેલા લીગ મેચની હાર બાદ આફ્રિકા, શ્રીલંકા અને ઇંગ્લેન્ડને હાર આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સરફરાઝે એમ પણ કહયું કે મોહમ્મદ આમિરની આગેવાની હેઠળની અમારી બોલિંગ લાઇનઅપ વેસ્ટ ઇન્ડિઝની આક્રમક બેટિંગ હરોળને ધ્વંશ કરવા સક્ષમ છે. અમારા નિશાન પર ક્રિસ ગેલ અને શાઈ હોપ રહેશે.
બીજી તરફ બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઇન્ડિઝની ટીમનો રેકોર્ડ પાક. સામે સારો રહયો છે. બન્ને વચ્ચેની વિશ્વ કપની 10 ટકકરમાં વિન્ડિઝનો સાતમાં વિજય થયો છે. છેલ્લે 201પના વર્લ્ડ કપમાં ક્રાઇસ્ટચર્ચમાં કેરેબિયન ટીમે પાકિસ્તાનને 1પ0 રને મોટી હાર આપી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં આ વખતે ક્રિસ ગેલ, એવિન લૂઇસ, શાઇ હોપ, શિમરોન હેટમાયર અને આંદ્રે રસેલ જેવા સારા બેટસમેન છે. સુકાની હોલ્ડરની આગેવાનીમાં તેની બોલિંગ લાઇન પણ મજબૂત છે. આથી મુકાબલો બરોબરીનો બની રહેશે. નોર્ટિંગહામની વિકેટ જો ઘાસવાળી હશે તો વેસ્ટ ઇન્ડિઝને ફાયદો થઇ શકે છે.



















