Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
ભારતીય વાયુ દળની શાન ગણાતા મિગ-27 વિમાનો આજરોજ તા.27મી ડિસેમ્બર 2019થી સેવા નિવૃત થઇ રહ્યા છે. મિગ-27 બનાવટના 7 વિમાનો આજે જયપુર ખાતે પોતાની છેલ્લી ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે. સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ 1958નાં રોજ વાયુસેના સ્ટેશન હલવારામાં ઓરાગન વિમાનથી કરવામાં આવી હતી.
પાકિસ્તાન સામેના વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27 આજે છેલ્લી વખત ઉડાન ભરશે.
વર્ષો સુધી સ્કવોડ્રનમાં અનેક વિમાનો ઉમેરાયા જેમાં મિગ 21 ટાઈપ 77, મિગ 21 ટાઈપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડ સામેલ છે. મિગ 27 ફાઈટર પ્લેનને રિટાયર્ડ કરવા માટે જોધપુર એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરાશે.આ સમારંભની અધ્યક્ષતા દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડનાં એર ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસકે ઘોટિયા કરશે. ત્રણ દશકા સુધી દુશ્મનોના દાંત ખાટા કરનાર મિગ 27ની વિદાયને લઈને વાયુસેનાએ એક ટ્વીટ પણ કર્યુ હતું જેમાં તેઓ લખ્યું કે ભારતીય વાયુસેના મિગ 27ને વિદાય આપશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાનોએ શાંતિકાળ અને યુદ્ધ સમયે રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
નાગરિકતા કાયદા(CAA) પર થઈ રહેલા આંદોલન અને વિરોધને જોતા આજે ઉત્તરપ્રદેશ યુપીમાં જુમ્માની નમાજ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે.
સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર
પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકારે
લાલ આંખ કરી છે.જિલ્લા વહીવટીતંત્ર તમામને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં
અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ
કરીને 373
લોકોને નોટિસ મોકલવામાં આવી છે.
હકીકતમાં લખનઉમાં 19 ડિસેમ્બરના રોજ
થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતાં કે જે લોકોએ
પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરવામાં આવે
અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની
ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ
છે.
રામપુર,
સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110,
ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34,
રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી
કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની
નોટિસ ફટકારી છે.
તોડફોડ અને સંપત્તિઓને નુકસાન
પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ
મોકલવામાં આવી છે. સંભલમાં 26
લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર
પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ
તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક
રાજકીય પક્ષો,
સંગઠન, અને વ્યક્તિગત આધાર
પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક
અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી
છે. જેમાંથી બુલંદશહેરમાં 6
લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે.
સંભલમાં 15
લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના
નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર
સુધી 19
લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર
આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ
નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના
ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ
કરાવવાના નિર્દેશ આપ્યાં છે
સેન્ટ્રલ જીએસટી વિંગ દ્વારા બોગસ બિલિંગ મામલે 20થી વધુ કંપનીઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 600 કરોડથી વધુનાં બોગસ બિલિંગ કૌભાંડના કેસો સામે આવ્યા છે. કાગળ ઉપર જ એક્સ્પોર્ટ કર્યાનું બતાવી ડ્રો બેકનો લાભ લેવા ઉપરાંત, બોગસ બિલિંગ કરનારા આ કૌભાંડમાં સંડોવાયેલા ગુલામ સલીમ ગોડીલે સમગ્ર કૌભાંડની કબૂલાત કરતા સીજીએસટીએ ધરપકડ કરી છે.
કૌભાંડીઓએ સસ્તુ કાપડ ખરીદીને તેને ઉંચા ભાવે બતાવીને વિદેશ મોકલવા ઉપરાંત કાગળ પર જ માલ મોકલીને આઇજીએસટીમાં કરોડો રૂપિયાની ખોટી રીતે આઇટીસી લીધી હતી. બોગસ બિલિંગની આશંકા હેઠળ છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તપાસમાં સ્ટાર ટ્રેડિંગ કંપનીએ જ રૂ. 133 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સીજીએસટીની ટીમે અલગ અલગ 20 જગ્યાઓ પર દરોડા પાડયા હતા. આ દરોડામાં સ્ટાર ટ્રેડિંગ દ્વારા જ સમગ્ર વેપલો કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગે બ્લ્યૂમૂન ટેક્સ્ટાઇલ, ક્લાસિક ઇન્ડસ્ટ્રિઝ અને એફ.એસ. ટેક્સ્ટાઇલમાંથી બોગસ ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ પકડાયા હતા. જેમાં કંપનીઓ સાથેનો વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટરપ્રાઇઝ પર તપાસ કરવામાં આવી હતી.
જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી. તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટની વસૂલાતમાં રૂ. 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હેવાનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ જયંશકર દુબેએ 1 હજાર કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.
2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજરોજ તા.26 ડિસેમ્બર 2019ને સવારે પોણા અગિયાર વાગ્યાના ભારતીય સમય અનુસાર પૂર્ણ થયું હતું. વર્ષ-૨૦૧૯નું છેલ્લું સૂર્યગ્રહણને લઇને ભારતમાં આધ્યાત્મિક, પરંપરાગત, વૈજ્ઞાનિક એમ અલગ અલગ દ્રષ્ટીએ લોકોએ જોયું જાણ્યું હતું.
આજે ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે ચાલુ વર્ષનું પાંચમુ અને અંતિમ ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભૂત નજારો આકાશમાં જોવા મળ્યો હતો. આ પહેલા આ વર્ષમાં બે સૂર્યગ્રહણો (સોનાર ઈેક્લિપ્સ) અને બે ચંદ્રગ્રહણો (લુનાર ઈક્લિપ્સ) થયા છે. સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે દેખાનાર આ સૂર્યગ્રહણ ગુજરાતમાં સવારે ૮ કલાક ૪ મિનિટ ૪૦ સેકન્ડે શરૂ થયું હતું, સવારે ૯.૧૯ વાગ્યે તે મહત્તમ દેખાયું હતું અને ૧૦ ક.૪૮ મિ.૪૦ સેકન્ડે પૂર્ણ થયું હતું.
ગ્રહણનું કોઇ શૂતક ના લાગે, વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાએ જણાવ્યા મૂજબ ગ્રહણથી કોઈ સૂતક લાગતા નથી અને આ બધી ગેરમાન્યતાઓ ચાલી આવે છે તેના ખંડનનો કાર્યક્રમ પણ યોજાયો છે. તેણે અપીલ કરી હતી કે ગ્રહણ વખતે રાંધેલા ખોરાકને બહાર નહીં ફેંકી દેતા ભુખ્યા લોકોને જમાડવા જોઈએ. તો બીજી તરફ ગ્રહણ અન્વયે આપત્તિ સહિતની આગાહીઓ પણ થઈ હતી અને લોકો આ દિવસે પરંપરાગત રીતે કેટલીક વિધિઓ કરતા રહ્યા છે.
વધુમાં ગુજરાતમાં સૌથી વધુ ૨ ક. ૪૮ મિ.માટે સૂર્યગ્રહણનો સમય (પૂણ્યકાળ) સુરતમાં રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૨ક. ૪૪ મિ. ૨૮ સેકન્ડ અને એ રીતે અમદાવાદ ૨ઃ૪૫ઃ૫૭, જુનાગઢમાં ૨:૪૪ઃ૪૮, જામનગરમાં ૨ઃ૪૩ઃ૧૬, પોરબંદરમાં ૨ઃ૪૩ઃ૨૯, વેરાવળમાં ૨ઃ૪૫ઃ૦૪ સે.સુધી દેખાયું હતું. આ રીતે સૂર્યગ્રહણ શરુ થવાના સમયમાં પણ એક બે મિનિટનો ફરક રહ્યો હતો. જેમાં દ્વારકા, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ખાતે ૮.૦૩ વાગ્યે, રાજકોટ, જામનગર, ભાવનગર, ભૂજ ,મુંબઈ ખાતે ૮ઃ૦૪ વાગ્યે, સુરેન્દ્રનગર, સુરત, ખાતે ૮ઃ૦૫ વાગ્યે, અમદાવાદમાં ૮ઃ૦૬ વાગ્યે ગ્રહણ શરુ થશે તો દિલ્હીમાં ૮ઃ૧૭ વાગ્યે આરંભ થયો હોવાના અહેવાલો મળ્યા હતા.
વધુમાં જણાવાયા મૂજબ ચંદ્ર દ્વારા સૂર્યનો જે ભાગ ઢંકાયો હતો તેમાં રાજકોટ, જુનાગઢ ખાતે મહત્તમ ૭૯ ટકા ભાગ સવારે ૯.૧૯ વાગ્યે. તો અમદાવાદમાં મહત્તમ ૭૨ ટકા ભાગ પણ આ જ સમયે ઢંકાયેલો નજરે પડયો હતો. આમ, રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ વધુ માત્રામાં જોવા મળી હતી.
આ ગ્રહણ ભારત ઉપરાંત સમગ્ર એશિયા,આફ્રિકા ખંડો, ઈથોપિયા, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં દેખાયું હતું. જેનો વૈજ્ઞાાનિકો સઘન અભ્યાસ કર્યો હતો. ગ્રહણને નરી આંખે કે ફિલ્ટર ચશ્મા પહેર્યા વગર જોવું તે આંખ માટે અતિ જોખમકારક છે અને લોકોએ આ રીતે ગ્રહણ અર્થાત્ સૂર્ય સામે નજર કરવાનું ટાળવું જોઈએ એવી જાગૃતિ પણ જોવા મળી હતી.
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડતા સૂર્યગ્રહણ
થાય છે અને ગુરુવારે સૂર્યગ્રહણમાં સૂર્ય સો ટકા ઢંકાવાનો નથી ત્યારે સૂર્ય સળગતી
વિંટી જેવો કે બંગડી (કંકણ) જેવો નજરે પડશે તેથી તેને કંકણાકૃતિ ખંડગ્રાસ
સૂર્યગ્રહણ પણ કહે છે.
વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.
‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.
આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.
જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ
BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ
ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ
કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.
આ છે પાઠ્યક્રમ
નવા કોર્સમાં ભૂત
વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની
અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને
આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં
ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે બિન સચિવાલયના પેપર લીક કરનારા 5 વ્યક્તિની ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની સંડોવણી સામે આવી છે. આ ઉપરાંત દાણીલીમડામાં નવાબ બિલ્ડરની એમ.એસ.સ્કૂલમાં જ સમગ્ર ષડયંત્ર ઘડાયુ હોવાનું ખુલ્યું છે. આ સ્કૂલ શાહઆલમના તોફાનના આરોપી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના કાકાની છે . સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, સ્કૂલના સંચાલક ફારુખભાઇ, દિપક જોષી અને પેપરના ફોટા પાડનાર ફખરુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. આમ, પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ક્લિન ચીટ આપી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન પેપરલીક થવા સાથે મોટાપાયે ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિની વીડિયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધના કારણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એસ.આઇ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત એસ.આઇ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, આઇબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.
દરમિયાન ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, દાણીલીમડા એમ.એસ.સ્કૂલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી. આ સ્કૂલ નવાબ બિલ્ડર્સની છે, આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે અને પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને પેપેર કાઢ્યું હતું અને ફોટા પાડયા હતા. સ્કૂલના શિક્ષક મહોમ્મદ ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરુદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતુ કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર લખવિંદરસિંહ પણ સામેલ છે. લખવિન્દરસિંહ પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલિતાણાનો વતની રામ ગઢવી, દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો. પોલીસે 11 મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા હતા. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. આરોપીઓની શોધખોળ માટે 6 ટીમ કાર્યરત બની છે. હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. હાલ કોઇ આંતરરાજ્ય ગેગેની વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પાડોશી દેશ છે, પણ ક્રિકેટના મેદાન પરની બન્નેની કટ્ટર હરીફાઇ જગજાહેર છે. આ પરંપરાગત હરીફ દેશ 32 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે આવતીકાલથી મેલબોર્નના મેદાન પર આમને-સામને હશે. ત્યારે ન્યુઝીલેન્ડની નજર બીજો ટેસ્ટ જીતીને સિરિઝ બરાબરી કરવા પર રહેશે. પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 296 રનના મોટા અંતરથી વિજય થયો હતો. આથી તેની નજર ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અતૂટ સરસાઈ કરવા પર રહેશે.
ન્યુઝીલેન્ડે આ પહેલા 26 ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્નમાં 1987માં રમ્યો હતો. ત્યારે વર્તમાન ટીમના ફકત ચાર ખેલાડી નીલ વેગનાર, રોસ ટેલર, બીજે વેટલિંગ અને કોલિન ડી’ ગ્રાંડહોમના જન્મ થયા હતા. કિવિ ફાસ્ટ બોલર ટિમ સાઉધીએ સ્વીકાર્યું છે કે તેની ટીમ માટે આ વિશેષ ક્ષણ છે. મેલબોર્ન મેદાન પર પહેલા દિવસે 7પ હજાર દર્શકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
બીજા ટેસ્ટની ન્યુઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર થયા છે. ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે ઇજામાંથી બહાર આવીને વાપસી કરી છે. જ્યારે ઓપનર જીત રાવલના સ્થાને ટોમ બ્લંડેલને તક મળી છે. આથી તે ટોમ લાથમ સાથે ઇનિંગની શરૂઆત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું છે કે તેની ટીમ પાંચ વિશેષજ્ઞ બોલર સાથે ઉતરી શકે છે. એમસીજીની વિકેટ પાછલા બે બોકિસંગ ડે ટેસ્ટ દરમિયાન સપાટ રહી હતી. આથી 20 વિકેટ લેવી ચુનૌતી બની રહી હતી. જો કાંગારૂ ટીમ પાંચ બોલર સાથે ઉતરશે તો ઝડપી બોલર માઇકલ નેસેરને પદાપર્ણનો મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 2013માં સિડની ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ પાંચ બોલર સાથે ઉતરી હતી. બીજા ટેસ્ટમાં ઇજાગ્રસ્ત જોસ હેઝલવૂડના સ્થાને જેમ્સ પેટિન્સનને મોકો મળવો નિશ્ચિત છે. એવામાં બેટસમેન ટ્રેવિસ હેડને બહાર બેસવું પડી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર સવારે પ-30થી શરૂ થશે.
યુએઇ તરીકે ઓળખ ધરાવતો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ આર્થિક સમૃદ્ધિમાં અળોટતા પ્રદેશ તરીકે વિખ્યાત છે. ક્રૂડ ઑઇલને કારણે વીસમી સદીમાં આ પ્રદેશે ઘણાં સારા દિવસો જોયા. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અસંખ્ય ભારતીયો મુખ્યત્વે અબુ ધાબી, દુબઇ અને શારજાહ અમિરાતમાં જઇને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં ખાસ્સા સફળ રહ્યા. આ વિસ્તારને કોઇ સમસ્યા નથી એવું નથી, પણ પૈસાનું જોર અને એની સગવડને કારણે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.
યુએઇની સાત અમિરાતોને જો કોઇ સૌથી વધુ સમસ્યા સતાવતી હોય તો એ પાણીની છે. સમસ્યા સામે તાકીને બેસી રહેવાને બદલે એને સુલઝાવવાનો પ્રયાસ જ એ તકલીફનું નિરાકારણ લાવી શકે છે. યુએઇના ૪૦ વર્ષના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા અલ શેહીએ ઍન્ટાર્કટિકામાં રહેલા આઇસબર્ગ-હિમખંડને ખસેડીને ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સુધી લાવવાની યોજના તૈયાર કરી છે. ત્યાં પરીક્ષણ થશે અને જો એમાં સફળતા મળશે તો એ આઇસબર્ગને યુએઇના સાત અમિરાતમાંના એક ફ્યુજેરાહ સુધી ખસેડીને લાવવામાં આવશે.
પ્રથમ નજરે આ વિચાર તુઘલખી લાગી શકે છે. ૧૪મી સદીમાં દિલ્હીના શાસક મોહમ્મદ-બિન-તુઘલખે રાજધાની દિલ્હીથી ખસેડીને દૌલતાબાદ લઇ જવાનો કરેલો પ્રયત્ન હાસ્યાસ્પદ અને વિચિત્ર હોવાને કારણે તુઘલખી વિચાર તરીકે જાણીતો થયો હતો. ત્યાર બાદ જો કોઇ આવા વિચિત્ર કે અસંભવ આઇડિયા રજૂ કરે તો એ તુઘલખી વિચાર ગણાતો. અલબત્ત અબ્દુલ્લા અલ શેહીનો આઇડિયા આજે ભલે અસંભવ લાગતો હોય, પણ આ બિઝનેસમૅનને હૈયૈ વિશ્ર્વાસ છે કે એ આઇડિયા સફળ સાબિત થશે.
યુએઇ પાણીની અછતથી પીડાય છે એ વાત તો જગજાહેર છે. આજની તારીખમાં આ વિસ્તારમાં પાણીનો વપરાશ જોતા આગામી ૨૫ વર્ષમાં યુએઇનો સમગ્ર વિસ્તાર તીવ્ર દુકાળમાં સપડાઇ જશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાથી વાકેફ અને એનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ અબ્દુલ્લા અલ શેહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આખી પ્રક્રિયાનો અમે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અમારા સંશોધન અનુસાર પાણીનું ડિસેલિનેશન (ખારા પાણીને ગરમ કરી એની બાષ્પને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ગુજરાતીમાં નિસ્યંદનની પદ્ધતિ તરીકે ઓળખાય છે)ની સરખામણીમાં આઇસબર્ગ ખસેડીને લાવવામાં ઓછો ખર્ચ થશે. ડિસેલિનેશનની પ્રક્રિયા કરવા માટેના ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ કરવું પડે છે.
આ ઉપરાંત મોટા પાયે દરિયાનું પાણી ગલ્ફ દેશોમાં લઇ આવવું પડશે અને એમ કરવાને કારણે માછલીઓ અને અનેક દરિયાઇ જીવો નાશ પામશે. અમારું દૃઢપણે માનવું છે કે આઇસબર્ગ ખસેડવા આર્થિક રીતે પોસાય એવી યોજના તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે.’ આટલું કહ્યા પછી તેઓ વાતમાં એક ખૂબ મહત્ત્વનો ઉમેરો કરે છે. તેમની દલીલ છે કે ‘પીવાના પાણીનો આ ઉકેલ કેવળ યુનાઇટેડ આરબ અમિરાત માટે જ નહીં બલકે સમગ્ર વિશ્ર્વ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’ આ વાત અત્યંત મહત્ત્વની છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે.
બિઝનેસમૅન અબ્દુલ્લા અલ શેહીનો આ રજૂઆતવાળો ઇન્ટરવ્યૂ રજૂ થયા પછી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન યુએઇની આ વિશિષ્ટ યોજના તરફ ખેંચાયું છે. તેમણે પ્રોજેક્ટ રજૂ કરીને એના માટે લાખો ડૉલરના રોકાણની જરૂર પડશે એવી માંડણી કરી છે. આ અનોખો આઇડિયા અને એમાં વ્યક્ત કરવામાં આવેલા અંદાજો આશાસ્પદ હોવાની ચણભણ થઇ છે. તેમની યોજના અનુસાર ૨૦૨૧ના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં આ પ્રયોગનું પ્રાથમિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. તેમને વિશ્ર્વાસ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કેટલીક અડચણો આવે એમ હોવા છતો તેમ જ નાણાભીડનો પણ કદાચ સામનો કરવો પડે એમ હોવા છતાં આ અનોખો પાણીદાર વિચાર અમલમાં મુકાઇ જશે. અત્યારે યુએઇ પીવાલાયક પાણી મહદ્અંશે અત્યંત ખર્ચાળ એવી ડિસેલિનેશન પદ્ધતિથી મેળવે છે. જો નવી પદ્ધતિ અમલમાં આવી તો પીવાનું પાણી મેળવવાના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થઇ જશે.
લાંબા અંતરે આઇસબર્ગ ખસેડવાનો અને એને પાણીના સ્રોત માટે વાપરવા વિશે ઘણાં દાયકાઓથી વિચાર થઇ રહ્યો છે, પણ એને ક્યારેય સફળતા નથી મળી. અલબત્ત મિસ્ટર અલ શેહીની વિચાર કરવાની પદ્ધતિ જરા જુદી છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને યુએઇની પાણીની સમસ્યાના નિરાકરણ વિશે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અન્ય લોકો જેમાં નિષ્ફળ ગયા એમાં પોતાને સફળતા મળશે જ એવો વિશ્ર્વાસ એમના હૈયે છે.
આ આઇડિયા તઘલખી છે એવા આક્ષેપનો જવાબ શું આપશો એવા સવાલના જવાબમાં અલશેહી કહે છે કે ‘આકાશમાં ઉડી શકાય એ વિશે અગાઉ લોકોના મનમાં શંકા હતી, પણ આજની તારીખમાં એ વાત વાસ્તવિકતા બની ગઇ છે ને. લોકો વિમાનમાં ઉડતા જોવા મળે છે ને. આ જે વિજ્ઞાને ગજબની હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ પણ થયો છે.
આ માત્ર વિજ્ઞાનની કાલ્પનિક વાર્તા નથી, એક દિવસ હકીકત બનીને નજર સામે આવી જશે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે હવામાં ઉડવા કરતાં આઇસબર્ગ ખસેડવો સરખામણીમાં સહેલો છે. હું જાણું છું કે કોઇ પણ નવતર પ્રોજેક્ટ આવે ત્યારે લોકોના ભવાં ઊંચકાય, એનો વિરોધ થાય અને એની સામે શંકાની નજરે પણ જોવામાં આવે.’ પોતાની યોજના વિશે વિગતવાર માહિતી આપતા અલ શેહી જણાવે છે કે એક ખાસ પ્રકારની નૌકાની અને દરિયાના પાણીના પ્રવાહની મદદથી આઇસબર્ગને ખસેડવામાં આવશે.
આજની તારીખમાં કેટલાક આઇસબર્ગ છૂટા પડીને દરિયાના પ્રવાહને કારણે ઍન્ટાર્કટિકાના ઉત્તરીય વિસ્તાર તરફ ખસવા લાગ્યા છે. પ્રોજેક્ટની દરખાસ્ત પ્રમાણે ઉપગ્રહની મદદથી એક યોગ્ય આઇસબર્ગની પસંદગી કરવામાં આવશે અને એની વિશિષ્ટ પદ્ધતિથી સાચવણી કરવામાં આવશે. આર્કટિક નજીક બરફને ઓગાળીને પાણીને મોકલવાનો વિચાર ટ્રાન્સપોર્ટનો તોતિંગ ખર્ચ જોતા વ્યવહારુ નથી.
પાઇલટ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની કે પછી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાની પસંદગી વિશે ચોખવટ કરતા અલશેહી સ્પષ્ટતા કરે છે કે ‘આ શહેરો પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે અને બીજું યુએઇથી આ શહેરો ત્રણથી ચાર હજાર કિલોમીટરના અંતરે આવેલા છે. સમગ્ર પ્રોજેક્ટ બરાબર કામ કરે છે એની તકેદારી લઇને તેમ જ સલામતીના મુદ્દે ચોકસાઇ રાખીને તેમ જ પર્યાવરણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન રાખવામાં આવશે. જો બધું અમારી યોજના અનુસાર સાંગોપાંગ પાર ઉતરશે તો ૨૦૨૧ના પ્રારંભમાં આઇસબર્ગ ગલ્ફના કિનારે પહોંચી જશે.
પ્રાથમિક ગણતરી પ્રમાણે આ આઇસબર્ગ બે કિલોમીટર લાંબો, ૫૦૦ મીટર પહોળો ૨૦૦ મીટર ઊંડો હશે. એને લાવવાનો ખર્ચ ૨૦ કરોડ ડૉલરની આસપાસ થશે. યુએઇના ફ્યુજેરાહના કિનારે પહોંચતા આઇસબર્ગને આશરે નવ મહિનાનો સમય લાગશે. સફળ પરીક્ષણના એક વર્ષ પછી આ પ્રોજેક્ટ અમલમાં આવશે. એક અંદાજ પ્રમાણે મુસાફરી દરમિયાન ૩૦ ટકા આઇસબર્ગ પીગળી જશે અને તેમ છતાં ૭૦ ટકા આઇસબર્ગ બહુ મોટો કહેવાય કારણ કે એમાંથી અબજો ગૅલન (એક ગૅલન એટલે પોણા ચાર લિટર) પાણી મળશે. આ એક ફેરાને કારણે એક લાખ લોકોને
પાંચ વર્ષ સુધી પીવાલાયક ફ્રેશ વૉટર મળી રહેશે એવી ગણતરી છે.
સમગ્ર પ્રક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આઇસબર્ગ યુએઇના દરિયાકિનારેથી ૧૨ નૉટિકલ માઇલ્સ દૂર હશે ત્યારે બરફને ક્રશ કરી એને કારણે થનારા પાણીને સાચવવાની શરૂઆત થઇ જશે. અલ શેહીના અંદાજ પ્રમાણે ડિસેલિનેશન પ્લાન્ટથી એક વર્ષમાં જેટલું પાણી મળી શકે છે એટલું પાણી એક આઇસબર્ગમાંથી મળી શકશે. આ આઇડિયા સાવ નવો છે એવું નથી. અગાઉ ૧૯૭૫માં સાઉદી અરેબિયાએ આવો પ્રયાસ કરેલો જે સરિયામ નિષ્ફળ રહ્યો હતો. ટેક્નિકલ કારણોસર એ પ્રોજેક્ટ બે વર્ષ પછી પડતો મૂકવો પડ્યો હતો. જોકે, અલ શેહીની દલીલ છે કે એ વાતને ૪૫ વર્ષ વીતી ગયા છે. આજે ટેક્નોલૉજી ઘણી આગળ વધી ગઇ છે અને ૧૯૭૫માં જે સમસ્યાઓ આવી હતી એ આજની તારીખમાં ન આવે એની તકેદારી પણ રાખવામાં આવશે.
આ પ્રોજેક્ટના આડકતરા ફાયદા પણ છે. ડિસેલિનેશનનો પર્યાય ઊભો કરવાને કારણે પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે. ડિસેલિનેશન માટે ગલ્ફમાં ખારું પાણી મોટા જથ્થામાં લાવવું પડે છે. એને કારણે દરિયાની ખારાશ ખાસ્સી વધી જાય છે અને માછલીઓ તથા સમુદ્રી જીવો મરણ પામે છે. આઇસબર્ગને કારણે આ બધું અટકી જશે. એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે યુએઇના દરિયાકિનારે આઇસબર્ગ ખસેડવાને કારણે આજુબાજુના રણવિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જશે. એનો સીધો ફાયદો સ્થાનિક ખેતીને થશે.
વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. એને કેવી અને કેટલી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે.
સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.
છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.
આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.
અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.
લોકોનો ઉત્સાહ જોઈને કચ્છમાં યોજાતા
રણોત્સવની તારીખ લંબાવવામાં આવી છે. સફેદ રણમાં યોજાતા ઉત્સવની મજા હવે 12મી માર્ચની સુધી પ્રવાસીઓ માણી શકશે. આ ઉત્સવની મજા ફાગણ મહિનાની
પૂનમ એટલે કે હોળીની રાત્રે પણ ચંદ્રમાની ચાંદનીમાં માણી શકાશે.
અગાઉ રણોત્સવની તારીખ 28મી ઓક્ટોબર 2019
થી 23મી ફેબ્રુઆરી 2020
રાખવામાં આવી હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે તે 12મી માર્ચ સુધી યોજાશે એટલે કે તેમાં 15 દિવસ કરતા વધુ સમય માટે ઉત્સવને લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે
જે લોકો શિયાળાની ઠંડી ઓછી થાય તેવા સમયે રણોત્સવ જવા માગતા હોય તેમને પણ ફાયદો
થશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની
ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચશે તેવું આયોજકો માની રહ્યા છે. આ
સાથે તેના માટે બુકિંગ પણ ચાલી રહ્યા છે. આ વખતે ચોમાસું લાબું ચાલ્યું હોવાના
કારણે જ્યાં સફેદ રણ છે ત્યાં પાણી ડિસેમ્બર સુધી રહ્યું હતું, જોકે હવે પાણી સુકાઈ જવાથી સફેદ રણનો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો
છે.
પૂનમની ચાંદનીમાં અહીંનો નજારો સામાન્ય
દિવસો કરતા એકદમ અલગ હોય છે, આ નજારો માણવા માગતા પ્રવાસીઓ હવે સફેદ
રણને પૂનમના ચંદ્રની ચાંદનીમાં માણી શકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.