Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અને દૈનિક ધોરણે કમાઈને ખાતા પરિવારોની ચિંતા કરતા સંવેદનશિલ સરકાર દ્વારા જેમની પાસે રાશનકાર્ડ છે તેવા મજૂરોને અને ગરીબ કુટુંબોને 1લી એપ્રિલે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, દાળ તેમજ મીઠું મફત આપવાનો નિર્ણય કરાયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
એપ્રિલમાં રેશનિંગની દુકાનોમાં આ 60 લાખ કુટુંબોને તમામ અનાજ તેમજ ખાવા-પિવાની વસ્તુઓનું એક મહિના સુધી મફતમાં વિતરણ કરાશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આશરે 60 લાખ કુટુંબ, સવા ત્રણ કરોડ લોકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય કરાયો છે તેમ બેઠક બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. 21 દિવસ કામધંધા બંધ થવાથી નાના માણસો અને ગરીબ લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. આ સરકાર આવા લોકોની સમસ્યાને સમજે છે અને અન્ય સહાયતા આપવા પણ વિચારણા કરી રહી છે. જેમ જેમ સરકાર વિચારણા કરી રહી છે તેમ તેમ રાજ્યના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખશે અને ભવિષ્યમાં વધુ સહાયતા અંગે સમયાંતરે જાહેરાત કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આજથી ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતી સંસ્કૃતિમાં જેટલું આસો નારતાં જેટલો જ મહિમા ચૈત્રી નોરતાંનો હોય છે. આજે તા.25મી માર્ચ 2020થી ગુજરાતી કેલેન્ડરમાં ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતમાં માતાજીના બે મોટા મંદિરો, અંબાજી અને પાવગઢમાં મહાકાળી માતાના મંદિરમાં ભક્તજનો વગર જ માતાજીના ઘટનું સ્થાપન કરીને તેમની પૂજાઅર્ચના તથા અનુષ્ઠાનનો આરંભ કરાયો છે. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે આજે ભક્તજનોની ગેરહાજરીમાં માતાના મંદિરોમાં ચૈત્રી નોરતાંનો આરંભ ફક્ત પૂજારીઓએ કરાવ્યો છે. લોકડાઉનની અસર ગુજરાતના મોટા મંદિર અને શક્તિપીઠો પર પણ પડી રહી છે. આ ઉપરાંત આજથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ છે.
સૂરત અંબિકા નિકેતન મંદિર ખાતે આજે પહેલા નોરતેં સવારના માતાજીના દર્શન
સૂરતમાં અંબિકા નિકેતન મંદિરમાં માતાજીની સેવા પૂજા અવિરત જારી
સૂરતના પારલે પોઇન્ટ સ્થિત વિશ્વ વિખ્યાત અંબિકાનિકેતન મંદિર ખાતે આજથી શરૂ થયેલા ચૈત્રી નોરતાં ના પહેલા દિવસે માતાના ઘટનું સ્થાપન તેમજ અન્ય પરંપરાગત પૂજા અર્ચના અવિરતપણે કરવામાં આવી છે. સૂરતના અંબિકાનિકેતન મંદિરમાં આજે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર માતાજીના ઘટનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
ભક્તજનોની ગેરહાજરીમાં મંદિરના પૂજારીએ માતાજીની આરાધના કરી હતી. સૂરત શહેર સહિત સમગ્ર વિશ્વ કોરોનાથી મુક્ત થાય એ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે.
સૂરતના ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત નાગરીક શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા વર્ષમાં બન્ને નવરાત્રીના પહેલા દિવસે ઝઘડીયા નજીક ગિરનારીબાપૂના આશ્રમ ખાતે યોજાતી પૂજા, ઘટસ્થાપન, આરાધના આરંભમાં અવશ્ય હાજરી આપતા હોય છે. આજે તા.25મી માર્ચ 2020ના રોજ 35 વર્ષે પહેલી વખત એવું બન્યું કે તેઓ ગિરનારીબાપૂના આશ્રમ ખાતે પહેલા નોરતાં ની પૂજા વિધીમાં પહોંચી શક્યા નહીં.
અંબાજી મંદિરમાં લાઇવ દર્શનની વ્યવસ્થા
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરે પ્રત્યક્ષ આવી ન શક્તા ભક્તજન પરિવારોને આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પર્વને લઇ દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકે એવી વ્યવસ્થા મંદિર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. આ દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.
પાવાગઢના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે ચૈત્રી નવરાત્રિમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના ઈતિહાસમાં પણ ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઈવ નિહાળી શકાશે.
લૉકડાઉનમાં ઘરની બહાર ગયા વગર મિટીંગ-સિટીંગ, પાર્ટી બધું થાય : લૉકડાઉનનો અફલાતૂન વિકલ્પ
જયેશ બ્રહ્મભટ્ટ 982563 44944
અમે આપના સુધી ઓથેન્ટિક સમાચારો પહોંચાડવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છીએ, કોઇપણ સંજોગોમાં અમે વાચકોને એજ્યુકેટ કરતા રહીશું.
ભારતમાં 21 દિવસનું લૉકડાઉનનો કડકાઇથી અમલ શરૂ થઇ ચૂક્યો છે. એક જવાબદાર નાગરીક તરીકે આપણે લૉકડાઉનને સન્માન આપીને ઘરે રહેવું જોઇએ. આ એક કઠીન કામ છે. આપણે મિત્રો સાથે, પારિવારીક સભ્યો સાથે, સોસાયટીઓ અડોશી-પાડોશીઓ સાથે કે બિઝનેસ ફર્મ હોય તો કર્મચારીઓ, કલીગ્સ, સહકર્મચારીઓ સાથે એવી રીતે સંકળાયેલા હોય છે કે દિવસમાં બે-પાંચ વખત ના મળીએ તો માનસિક સ્થિતિ ખરાબ થાય ત્યાં સુધીની અસર જોવા મળે છે.
વિકસિત દેશોના બુદ્ધિજીવીઓએ લૉકડાઉનમાં પણ મિત્રો, ફેમિલી મેમ્બસ, કર્મચારીઓ, સહ કર્મચારીઓ, ગ્રુપ્સ વગેરેને સતત મળતા રહેવાનો ઓનલાઇન તોડ શોધી કાઢ્યો છે. Zoom Cloud એપ એ વિડીયો કોન્ફરન્સિંગની એવી એપ છે કે જેને ડાઉનલોડ કરીને એક વ્યક્તિ પોતાના મનપસંદ કોન્ટેક્ટસના ઇમેલ થકી તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી લાઇવ વાતચીતો કરી શકે છે.
હાલમાં જ્યારે લૉકડાઉન છે અને લોકો પાસે સમય પાસ કરવા માટે કોઇ કામ નથી હોતું, ઘરે બેઠા બોર થતા હોય ત્યારે Zoom Cloud એપ એક વ્યક્તિને તેના મિત્રો, દૂર રહેતા પરિવારના સભ્યો, સાથી કર્મચારીઓ, એક જ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય મેમ્બર્સ સાથે ગમે તેટલી વખત મિટીંગ, સિટીંગ, કોન્ફરન્સ, ગપશપ, પાર્ટી વગેરે બધું જ કરી શકે છે.
Zoom Cloud એપ ડાઉનલોડ કર્યા પછી
Zoom Cloud એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કર્યા પછી યુઝરે સૌથી પહેલા તેમના ઇમેઇલ થકી રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેઓ બીજા યુઝર્સ, મિત્રો, ફેમિલી, ફ્રેન્ડસ્, કર્મચારીઓ વગેરેને ઇમેલ થકી ઇન્વાઇટ પણ કરી શકે છે અને તેમને જોઇન કરવા માટે લિંક પર મોકલી શકે છે. પોતાના કોન્ટેક્ટસને Zoom Cloud એપમાં આવ્યા બાદ મિટીંગ રૂમ્સમાં જઇને લાઇવ વિડીયો કોન્ફરન્સિંગથી સંપર્કમાં રહી શકાય છે.
કોરોનાથી બચવાનું છે ત્યારે વિશ્વના વિકસીત દેશોમાં આ એપ ધૂમ મચાવી રહી છે
હાલ કોરોના પેન્ડેમિકને આગળ વધતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે Zoom Cloud એપ એવું માધ્યમ બન્યું છે જે કોઇને પણ મળ્યા વગર એક સમૂહને, એક ગ્રુપને એક જ સ્ક્રીન પર ભેગા કરી આપે છે. મેમ્બર્સ ધારે ત્યારે તેની સાથે ગમે તેટલી વાતો કરી શકે છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.
રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.
અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.
નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણની અડફેટે આવેલા દર્દીઓનો આંકડો છ લાખને ઓળંગી 6,13,828 થઈ ગયો છે. કોરોના વાયરસ વર્લ્ડોમીટર પ્રમાણે દેશભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6,13,828 થઈ ગઈ હતી. તેમજ મૃતકોની સંખ્યા 28,229 સુધી પહોંચી ગઈ હતી. વર્લ્ડોમીચરના જણાવ્યા પ્રમાણે કોરોનાની અડફેટે આવેલા દર્દીઓમાંથી સ્વસ્થ્ય થઈ જનારા લોકોની સંખ્યા 1,37,223 છે.
અમેરીકામાં વિશ્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓ 85,612 : ચીન અને ઇટાલી કરતા પણ વધી ગયા
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પિડીત રાષ્ટ્ર બન્યું અમેરીકા (એક જ ક્લીકમાં વિશ્વના અપડેટ્સ)
કોરોના વાઇરસની શરૂઆત ડિસેમ્બર 2019ના અંતમાં ચીનથી થઇ હતી, પરંતુ, આજે ત્રણ મહિનાના સમયગાળામાં સૌથી વધુ કેસો વિશ્વની મહાસત્તા અમેરીકામાં નોધાયા છે. અમેરિકામાં કુલ કેસનો આંકડો ચીનને પણ વટાવી 85,612ને પાર થઈ ગયો છે. ન્યુયોર્કમાં કોરોના વાઇરસથી અત્યારસુધી 1300થી વધુના મોત થઈ ગયા છે.
આજે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને અમેરિકા, રશિયા, ભારત, ઇરાન, બ્રિટન જેવા મોટા અને વિકસિત દેશો કે જ્યાં સૌથી બેસ્ટ મેડીકલ ફેસેલિટીઝ ઉપલબ્ધ છે તેઓ કોરોના સામે દયનીય સ્થિતિમાં આવી ગયા છે.
ન્યૂયોર્ક આ અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસનું એપીસેંટર બન્યું છે સાથોસાથ એપીસેંટર તરીકે લ્યુઇસિયાના બની રહ્યું છે જ્યાં વેન્ટિલેટરની માંગ પહેલાથી બમણી થઈ ગઈ છે. રાજ્યનાં સૌથી મોટા શહેરમાં યોજાયેલા એક ઉત્સવ દરમિયાન અહી રોગચાળો ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વ્હાઇટ હાઉસમાં આ અંગે માહિતી આપતા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન, રશિયા અને ઇરાન દ્વારા કોરોના વાઇરસ અંગે જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો તેને કારણે સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઇરસ ફેલાઇ ચુક્યો છે.
કોરોના વાઈરસે યુરોપને એવું ભરડામાં લીધું છે કે ત્યાં હાલત દિન પ્રતિદિન કથળતી જ જાય છે. સ્પેનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ગુરુવારે ૪,૦૦૦ને પાર કરી ગયો હતો. સ્પેનમાં ગુરુવાર સાંજ સુધીમાં ૪,૦૮૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૫ મોત થયાં હતાં. બુધવારે જાહેર થયેલા આંકની તુલનામાં ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સ્પેનમાં ગુરુવારે કોરોનાના કુલ ૫૬,૧૮૮ કેસ હતા. દરમિયાન, ફ્રાન્સમાં કોરોનાનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા ગુરુવારે ૨,૫૦,૦૦૦ ઉપર પહોંચી ગઈ હતી. આ આંકડો સ્પેન અને ઈટલીના કેસના આંકડાના સરવાળા કરતા બમણો છે. ફ્રાન્સમાં કુલ ૨,૫૮,૦૬૮ કેસ છે. એમાં ૧૪,૬૪૦ મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ છે. સ્પેનમાં ૫૬,૧૮૮ લોકોને અને ઈટલીમાં ૭૪,૩૮૬ને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ આખી દુનિયામાં ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે. આ જીવલેણ વાયરસ અત્યાર સુધીમાં 21 હજાર લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના 198 દેશોમાં 4,68,905 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કોરોના સામે જંગ માટે ભારત સહિત આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લગભગ 3 અબજની વસ્તી લોકડાઉનની સ્થિતિમાં જીવી રહી છે.
Spain’s Situation is very Crucial
24 કલાકમાં જે દેશોમાં સૌથી વધુ મોત થયા તેમાં સ્પેન સૌથી ઉપર છે. સ્પેનમાં કોરાના વાયરસના લીધે 24 કલાકમાં 738, ઈટાલીમાં 683 અને ફ્રાંસમાં 231 લોકોના મોત થયા છે.
ઈટાલીમાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના નિશાને સ્પેન છે. અહીં મોતનો આંકડો ચીનથી પણ આગળ નીકળી ગયો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 3,647 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં 3,287 લોકો મોતને ભેટ્યા છે. કોરોનાના કારણે ઈટાલીમાં હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં આ વાયરસે 7,503 લોકોનો ભોગ લીધો છે. ઈટાલીમાં કોરોના વાયરસથી 74,386 લોકો સંક્રમિત છે.
મોતના આંકડા પર નજર કરીએ તો ઈટાલી બાદ સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોના વાયરસના 49,515 કેસ સામે આવ્યા છે. સ્પેન પછી ચીન અને ઈરાનનો નંબર આવે છે. ઈરાનમાં 2,077 લોકોના મોત થયા છે જ્યારે 27,107 લોકો સંક્રમિત થયા છે. આ મામલે ફ્રાંસ પાંચમા ક્રમે પહોંચ્યું છે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 25,233 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે બ્રિટન પણ કોરોનાની ચપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. અહીં 9,529 લોકોને કોરાના વાયરસનો ચેપ લાગ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી કોરોના 465 લોકોને ભરખી ગયો છે. એટલું જ નહીં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના વાયરસ હવે આફ્રિકામાં પણ પગ પેસારો કરી રહ્યો છે. નાઈઝર, કેમરુન, ઈસ્ટોનિયા, જમૈકામાં કોરોનાથી પહેલું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. લાઓસ, માલી, લીબિયા, ગ્રેનાડા અને ડોમિનિકા અત્યાર સુધી કોરોનાના ઓછાયા હેઠળ આવ્યા નહોતા. પરંતુ હવે અહીં પણ પોઝિટિવ કેસ મળ્યા છે. એક અનુમાન મુજબ, યુરોપમાં કોરોના સંક્રમણના 2,40,000થી વધુ કેસ સામે આવ્યા છે અને 13,824 લોકોના મોત થયા છે.
પાકિસ્તાનમાં કોરોના કહેર, ઈમરાન ખાન IMFના શરણે
કોરોના વાયરસના કહેરથી પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ખરબથી વધારે રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી તો દીધી પરંતુ તે આપવા માટે તેમની પાસે પૈસા નથી. આ સંકટમાંથી પસાર થવા માટે ફરી એકવાર ઈમરાન સરકાર IMF, વર્લ્ડ બેંક અને ADBના શરણે પહોંચી ગયા છે.
એશિયા ખંડમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 3600થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને કેનેડમાં કોરોના સંક્રમણના 62 હજાર કેસ સામે આવ્યા છે અને 854 લોકોના મોત થયા છે. પશ્ચિમ એશિયામાં 32 હજાર લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આફ્રિકામાં અત્યાર સુધી 69 લોકો કોરોનાનો કોળિયો બન્યા છે અને 2,631 લોકો સંક્રમિત થયા છે.
વૈશ્ચિક ચિત્ર ઉપર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ મળીને 401096 એટલે કે આશરે ચાર લાખ લોકો કોરોનાનાં ભરડામાં સપડાઈ ચૂક્યા છે. તેની સામે મૃત્યુઆંક છેલ્લાં 24 કલાકમાં 2 હજાર જેટલો વધીને 17480 થઈ ગયો છે. તો કોરોનામાંથી ઉગરી ગયેલા લોકોનો આંકડો વધીને 103710 થયો છે.
ઈટાલીમાં એક જ દિવસમાં 743 લોકોના મોત થયા
ઈટાલીમાં સોમવારે 23 March 3,780 , મંગળવારે 24 March 3,612 અને રવિવારે 22 March 3,957 કેસ સામે આવ્યા હતા. જો કે મંગળવારે ઈટાલીમાં કોરોનાને કારણે 743 લોકોના મોત થયા છે. અગાઉ શનિવારે ઈટાલીમાં 793 લોકોના મોત થયા હતા.
ઈટાલીમાં નવા સંક્રમણના કેસમાં ઘટાડો થતા મેડિકલ ઓફિસર ખુશ થવા લાગ્યા હતા અને જણાવવામાં આવી રહ્યું હતું કે તેમણે તેમની અર્થવ્યવસ્થા અને આઝાદીને દાવ પર લગાવી જેની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. જો કે એક દિવસ બાદ મંગવારે ઈટાલીમાં 743 લોકોના મોત થયા હતા.
ઈટાલીમાં 5,249 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા 69,176 પર પહોંચી ગઈ છે. ત્યાંજ કોરોનાને કારણે અત્યાર સુધી 6,820 લોકોના મોત થયા છે. આ સાથે જ ઈટાલીના મૃત્યુદર પણ ચિંતાજનક 9.8 ટકા પર પહોંચી ગયો છે.
સ્પેનમાં 24 કલાકમાં 4540 નવા કેસ, 489નાં મૃત્યુ
દુનિયામાં આજે સૌથી વધુ કેસ સ્પેનમાં એક સાથે બહાર આવ્યા હતાં અને તેનો આંકડો 4540 છે. તેની સામે 24 કલાકમાં જ સ્પેનમાં 489 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં પણ ભયાનક ઝડપે કોરોના સંક્રમણ વધ્યું છે અને આજે એક જ દિવસમાં ત્યાં 5525 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 63નાં મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં ચીનને પણ પછાડનાર ઈટાલીમાં આજે એકપણ નવો કેસ કે નવું મોત નોંધાયું નથી અને ત્યાં કેસની સંખ્યા 63927 અને મૃત્યુઆંક 6077 યથાવત રહ્યાં છે.
ચીનમાં સુધારો
ચીનમાં ચિત્ર સુધર્યુ છે અને આજે ફક્ત 78 નવા કેસ સામે આવ્યા છે અને મૃત્યુ પણ ફક્ત 7 થયા છે. તેની સામે ઈરાન અને જર્મનીમાં આજે હાલત વણસી હતી. આ બન્ને દેશોમાં આજે દોઢ હજારથી વધુ કેસો સામે આવ્યા હતાં. જો કે જર્મનીમાં મૃત્યુ ફક્ત 9 નોંધાયા હતાં પણ તેની સામે ઈરાનમાં 122 જણાએ આજે દમ તોડી દીધો હતો.
Country wise Corona Cases on 25 March 2020 at 11 a.m.
13-14 માર્ચે અમદાવાદ આવેલી 11 ફ્લાઇટ્સના મુસાફરોને કોરોન્ટાઇન થવા સૂચના : વાંચો લિસ્ટ કઇ કઇ ફ્લાઇટ્સ?
રાજ્યના એક સનદી અધિકારીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગઇ તા.13 અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી 14 જેટલી ફ્લાઇટ્સમાં ભારત, અમદાવાદ કે અન્ય કોઇપણ શહેરમાં આવેલા પેસેન્જરો જો સેલ્ફ કોરોન્ટાઇન ન હોય તો સત્વરે સરકારના ટોલફ્રી નંબર પર જાણ કરવા માટે જણાવાયું છે.
ગુજરાતના સનદી અધિકારી ડૉ. ઓમ પી. મછરાએ ટ્ટવીટ કરીને તા.13 અને 14મી માર્ચની અમદાવાદ આવેલી ફ્લાઇટ્સની માહિતી આપી
13-14 માર્ચ 2020ના રોજ અમદાવાદ આવેલી આ ફ્લાઇટ્સના પેસેન્જરો કોરોન્ટાઇન થાય
તા.13મી અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટસ પર જે ફ્લાઇટ્સ આવી હતી તે મોટા ભાગે મિડઇસ્ટ એટલે કે દુબઇ કે સાઉદી અરેબિયાથી આવેલી છે. કેમકે એ સમયે કોરોનાથી ઇફેક્ટેડ દેશોની ફ્લાઇટ્સ પર બેન લગાડી દેવામાં આવ્યો હતો. તા.13મી માર્ચે એક ફ્લાઇટ યુ.કે.થી અમદાવાદ આવી હતી.
ગુજરાતમાં 43 કેસ
સવારે 11 કલાકે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 43 થઇ છે. જેમાં અમદાવાદના 15, ગાંધીનગર અને સૂરતના 7-7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તથા કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
સૂરત માટે રાહતના સમાચાર, કોરોના શંકાસ્પદ 8ના રિપોર્ટ નેગેટીવ, કોઇ નવા શંકાસ્પદ કેસો નહીં (26/03/20 @ 11a.m.)
जिंदगी की पहली रेस होगी जिसमें रुकने वाले की जीत पक्की है : ગુજરાતમાં કોરોના કેસ 43 થયા
સૂરત શહેરના લાખો લોકો માટે આજે તા.26મી માર્ચ 2020નો દિવસ રાહતના સમાચાર લઇને આવ્યો છે. સૂરત શહેરમાં કોરોના વાઇરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8 દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે પેન્ડીંગ સ્ટેટસ ધરાવતા હતા. એ તમામનો આજે રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે.
આજે સવારે 10.30 કલાકે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૂરત શહેરમાં હવે કોરોના શંકાસ્પદ એક પણ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ નથી. સૂરત શહેરમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6 જ છે. 8 દર્દીઓના સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રવાહકો સમેત શહેરીજનો માટે ખાસ્સી રાહતના સમાચાર છે.
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા મંદ ગતિએ પણ આગળ વધી રહી છે. આજે તા.25મી માર્ચ 2020ને સવારે 10 વાગ્યે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકારોને આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 38 થઇ છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં બે કેસ થયા છે જેમાં 36 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે જે દુબઈથી પરત ફર્યો હતો જ્યારે 75 વર્ષના એક શખ્સને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. અમદાવાદમાં 31 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં દુબઈ ગઈ હોવાનું ખુલ્યું છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું ગુજરાતમાં 24 કલાકમાં પાંચ કેસ, કુલ 20,688 લોકો ક્વોરન્ટાઈન હેઠળ
ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા
અમદાવાદ 14
સૂરત 7 (એક મૃત્યુ સાથે)
વડોદરા 7
ગાંધીનગર 6
રાજકોટ 3
કચ્છમાં 1
ગુજરાત સરકારના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ તા.25મી માર્ચે માહિતી આપી હતી
કોરોનાના ગુજરાતના 25 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે, એટલે ઘરોમાં બંધ રહેવા તાકીદ
મંગળવારે છ નવા કેસ નોંધાતા, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તે સુરત, ગાંધીનગર અને રાજકોટના છે. 35 કેસમાંથી 9 એટલે કે 25 ટકા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના બંને કેસ સ્થાનિક ટ્રાન્સમિશનના છે. રાજ્યના પાટનગરમાં એક પુરુષ (53) અને મહિલા (52)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટમાં નોંધાયેલા બે કેસમાંથી 36 વર્ષનો યુવક દુબઈથી પરત ફર્યો હતો અને અન્ય 75 વર્ષીય મહિલાને લોકો દ્વારા ચેપ લાગ્યો હતો.
હોમ કોરન્ટાઇનનો ભંગ બદલ 147 લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો
રાજ્યના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ માહિતી આપી હતી કે રાજ્યમાં 14 દિવસ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો પૈકી અનેક લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે આવા કુલ 147 લોકો બહાર ફરતા પકડાતા તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરીને તેમને સરકારી કોરોન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ તમામ સામે એફ.આઇ.આઇ. દાખલ કરવામાં આવી છે.
દેશભરમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે તા.24મી માર્ચે રાત્રે 12 વાગ્યાથી લૉકડાઉનનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં જો સામાન્ય લોકો (બિનઆવશ્યક સેવા સિવાયના) બહાર ફરતા દેખાશો તે તેમને સજા અને દંડ એમ બંનેની જોગવાઈ કરાયેલી છે. લૉકડાઉન ભંગ બદલની સજાને એક મહિનાથી 2 વર્ષ સુધી વધારી શકાય છે.
21 દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 અંતર્ગત કાર્યવાહી કરાશે. જેમાં સજા અને દંડ એમ બંનેની જોગવાઈ છે. લોકડાઉનનું પાલન ન કરનારાને 200 રૂપિયાનો દંડ અને 1 મહિનાની જેલની સજા. પરંતુ આ કારણથી કાયદાકીય વ્યવસ્થામાં કોઈ તકલીફ આવી, તોફાનની સ્થિતિ પેદા થઈ તો સજા 6 મહિના સુધી વધારી દેવાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આદેશ નથી માનતા અને કોઈનો જીવ જાય છે અથવા તો ખતરો ઊભો થાય છે તો તેવી સ્થિતિમાં દોષી જાહેર થવા પર જેલ થશે, જે બે વર્ષ સુધી વધી શકે છે.
અફવા ફેલાવતા લોકો સામે પણ પગલાં
ગૃહ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કોરોના વાયરસથી સંબંધિત અફવા ફેલાવે છે, તો તેને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે, સાથે દંડ પણ ભરવો પડશે. લોકોની સહાયતા માટે આપવામાં આવેલા ફંડમાં ભ્રષ્ટાચાર કરનાર સામે પણ કાર્યવાહી કરાશે. આવી સ્થિતિમાં બે વર્ષની સજા ફટકારાશે. સરકારી અધિકારીઓએ પણ પાલન કરવું પડશે. સરકારે જણાવેલી ગાઈડલાઈનનું પાલન ન કરવા પર કોર્પોરેટ પર દંડ ફટકારાશે.
સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઇ પાઠકે સુરત શહેર તેમજ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ સુમુલ ડેરીનું દૂધ તેમજ દુધની પ્રોડક્ટસ અગાઉ જે રીતે મળતી રહી છે એ રીતે સતત લૉકડાઉન દરમિયાન પણ મળતી રહેશે. લોકો કોઇપણ પ્રકારની દોડધામ કે સ્ટોરેજ કરે નહીં.
તેમણે કહ્યું કે સુમુલ ડેરી પાસે તમામ સામગ્રી તેમજ દુધનો આવરો અવિરત પણે જારી છે અને રહેશે. અફવાઓથી ભરમાશો નહીં કે ખોટી દોડધામ કરશો નહી. કોઇ નકારાત્મક વાત નહીં માનવા રાજુ પાઠકે સૂરત શહેર તેમજ જિલ્લાના તમામ નાગરીકો તેમજ સુમુલ ડેરીના યુઝર્સને જાહેર અપીલ કરી છે.
સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુ પાઠકે વિડીયો મેસેજથી યુઝર્સને ફિકર નહીં કરવા જણાવ્યું
21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.
ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ
તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.
આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે
હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.
ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.
સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.
કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.
કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.