CIA ALERT
30. April 2024
January 9, 20191min12800

Related Articles



IPL-2019 ભારતમાં જ રમાશે અને 23મી માર્ચથી જ શરૂ થઇ જશે

Share On :
Print Friendly, PDF & Email

ભારતનો સૌથી મોટો ક્રિકેટ-જલસો લોકસભાની ચૂંટણી અને વર્લ્ડ કપને કારણે વહેલો શરૂ થશે * ૨૩ માર્ચે થશે આરંભ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આ નવા વર્ષની સિઝન ભારતમાં યોજાશે કે અન્ય કોઈ દેશમાં એના નિર્ણયની બધા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા અને એ નિર્ણય હવે લેવાઈ ગયો છે. આ વખતની આઇપીએલ ભારતમાં જ રમાશે અને એની શરૂઆત આગામી ૨૩મી માર્ચે થશે.

દર વર્ષે આઇપીએલની શરૂઆત એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં થતી હોય છે અને મે મહિનાના અંત સુધી ચાલતી હોય છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી શક્યત: એપ્રિલ-મેમાં યોજાશે એટલે એની તારીખો સાથે આઇપીએલની તારીખો ટકરાવાની અટકળ હતી, પરંતુ આઇપીએલની શરૂઆત સામાન્ય તારીખોને બદલે વહેલી (૨૩ માર્ચથી) થશે અને આખી આઇપીએલમાં ભારતમાં રમાશે.

આ જાહેરાત, ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ) દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ સમિતિમાં ચૅરમૅન વિનોદ રાય અને મેમ્બર ડાયના એદલજીનો સમાવેશ છે અને તેમણે કેન્દ્રીય તથા રાજ્ય-સ્તરીય સંસ્થાઓ અને સંબંધિત સત્તાવાળાઓ સાથેની પ્રાથમિક ચર્ચા બાદ પોતાની સમિતિની બેઠક યોજી

હતી અને નક્કી કર્યું હતું કે ક્રિકેટ-વિશ્ર્વની સૌથી લોકપ્રિય તથા સૌથી સ્પર્ધાત્મક સ્પર્ધા આઇપીએલની ૧૨મી સિઝનનું આયોજન ભારતમાં થવું જોઈએ. આ લીગ ૨૩મી માર્ચે શરૂ કરવાનો પ્રસ્તાવ છે અને એનું સમયપત્રક યોગ્ય સત્તાધીશો સાથેની સલાહમસલત બાદ વિગતવાર નક્કી કરાશે.

અગાઉ આઇપીએલ માર્ચમાં શરૂ થઈ હોવાનો બનાવ વર્ષ ૨૦૧૦માં બન્યો હતો. ત્યારે સ્પર્ધા ૧૨મી માર્ચે શરૂ થઈ હતી અને પચીસમી એપ્રિલે પૂરી થઈ હતી. આ વખતે આઇપીએલ વહેલી શરૂ કરવા પાછળનું બીજું મોટું કારણ એ પણ છે કે ક્રિકેટ બોર્ડના નવા બંધારણ મુજબ આઇપીએલના અંત અને ભારતીય ટીમની નવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની શરૂઆત વચ્ચે ૧૫ દિવસનું અંતર હોવું જ જોઈએ. આગામી ૩૦મી મેથી ઇંગ્લૅન્ડમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે એટલે એ જોતાં આઇપીએલને ૨૩મી માર્ચે શરૂ કરીને મે મહિનાની મધ્યમાં પૂરી કરાશે. ચૂંટણી તબક્કાવાર યોજાશે અને એને ધ્યાનમાં રાખીને આઇપીએલનું ટાઇમટેબલ નક્કી કરાશે.

સામાન્ય રીતે લોકસભાના મતદાન કે મતગણતરીની તારીખો કે વડા પ્રધાનની ચૂંટણી રૅલી સાથેની તારીખો સાથે ટકરાતી હોવાથી જરૂર પડે તો આઇપીએલના આયોજન માટે વિકલ્પ તરીકે ભારત સિવાયના કોઈ દેશને પસંદ કરવામાં આવતું હોય છે. વર્ષ ૨૦૦૯ની આઇપીએલ લોકસભાની ચૂંટણીને લીધે સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. ત્યાર બાદ ૨૦૧૪માં ચૂંટણીને લીધે અમુક મૅચો યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં રાખવામાં આવી હતી.

ગયા મહિને જયપુરમાં ખેલાડીઓની હરાજી યોજાઈ ત્યારે જ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યો હતો કે વર્ષ ૨૦૧૯ની આઇપીએલ ભારતમાં જ યોજાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :