CIA ALERT
17. May 2024

sgcci Archives - Page 2 of 2 - CIA Live

February 1, 2022
Cia_business_news-1280x936.jpg
2min576

Jayesh Brahmbhatt 98253 44944

લોકસભામાં આજે રજૂ થયેલા યુનિયન બજેટમાં સુરત શહેરને લાગે વળગે તેવી અનેક જોગવાઇઓ અને રાહતોની ઘોષણા કરવામાં આવતા સુરતના ઉદ્યોગોના સમૂહ, ચેમ્બર ઓફ કોમર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ, વેપાર ઉદ્યોગના સંગઠનો અને એસોસીએશનો વગેરેએ મળીને બજેટને આવકાર આપ્યો છે. હીરા ઝવેરાત ઉદ્યોગને રાહત અને ફાયદો કરાવતી અનેક જાહેરાતો બજેટમાં સમાવવામાં આવી છે જ્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને એવો દિલાસો મળ્યો છે કે બજેટ અગાઉથી જ ટેક્ષટાઇલ ઉદ્યોગને ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (ટીટીડીએસ), પીએમ મેગા ટેક્ષટાઇલ પાર્ક, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેની સોગાદ મળી ચૂકી છે જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સુરતીઓએ ત્રીસ ટકા ટેક્સનો કડવો ડોઝ આજે ગળે ઉતારવો પડ્યો છે. એ સિવાય સોલાર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ પ્રોત્સાહન, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને પણ મોટા ભાગે રાહત મળી છે અગર તો નવી યોજનામાં તેમને સામેલ કરાયા હોઇ, સુરતના ઉદ્યોગકારો માટે એકંદરે યુનિયન બજેટ સાનૂકુળ બની રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

આજે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બજેટ અને એ પછી સુરતના ઉદ્યોગકારોના આઘાત પ્રત્યાઘાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મક્કાઇપુલ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે બજેટ સાંભળ્યા બાદ એક જ સ્થળેથી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વગેરેએ તેમના ફર્સ્ટ રિસ્પોન્સ મિડીયાને આપ્યા હતા.

અત્યાર સુધીના બજેટની જેમણે આકરી ટીકાઓ કરી એ સુરતના સી.એ. વિરેશ રુદલાલે પણ બજેટને વખાણ્યું

અત્યાર સુધીના કેન્દ્ર સરકારના બજેટની આકરી ટીકા કરનાર સુરતના જાણીતા સી.એ. વિરેશ રુદલાલે આજે કેન્દ્ર સરકારના બજેટના મોંફાટ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે બજેટને 10માંથી 7 માર્ક આપવા પડે તેવું સારું બજેટ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી એ કહ્યું કે…

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે રેલ્વે ગુડ્સ, લોજિસ્ટીક પાર્ક તથા રિવર લિંકેજ પોલીસી પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે વોટર વેઈઝમાં વેગ આવશે. આ ઉપરાંત, એમએસએમઈ માટે ઈશ્રમ સહિતના પોર્ટલને લિંક કરવાની કામગીરી કરી છે. જેના કારણે અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતાં કામદારોની ખરી સ્થિતિ જાણીને તેના આધારે ઉદ્યોગ સંબંધિત નવી જાહેરાત કરવામાં આવશે.સુરતમાં વિકસેલી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તેવી જોગવાઇઓ બજેટમાં જોવા મળી છે જે આવકારદાયક બાબત છે.

ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળાએ કહ્યું કે..

વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કોઇ મોટી ખાસ જોગવાઇ નથી પરંતુ, ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટ પહેલા જ ઘણું બધું મળી ચૂક્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગને કોઇ મોટી અપેક્ષા બજેટમાંથી ન હતી.

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધીએ કહ્યું કે…..

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંઘીએ પણ જણાવ્યું કે એકંદરે પ્રગતિની દિશામાં લઇ જનારું બજેટ છે. સુરતમાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે પ્રોત્સાહક યોજનઓ અને રાહતો જાહેર કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના હીતમાં હવે કેન્દ્ર સરકારે 5 વર્ષ સુધી સાતત્યપૂર્ણ અને એક સમાન નીતિ અમલી બનાવવી જોઇએ.

હિરા ઉદ્યોગની 50 ટકા માંગણીઓને બજેટમાં સ્થાન મળ્યું : દિનેશ નાવડીયા

યુનિયન બજેટમાં હીરા ઉદ્યોગને સ્પર્શતી જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતા જીજેઇપીસીની રિજિનયોનલ કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગવતી માંગણી એવી કરવામાં આવી હતી કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, જેમ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી જે હાલમાં 7.5 ટકા વસૂલાય છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે. યુનિયન બજેટમાં માગણીને પ્રતિસાદ આપીને 7.5 ટકાની જગ્યાએ હવેથી 5 ટકા વસૂલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ આ જોગવાઇથી ખુશ છે અને આ ઘટાડાથી હીરા ઉદ્યોગકારોને મોટી રાહત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

જીજેઇપીસીએ એવી પણ માગણી મૂકી હતી કે ઇ કોમર્સ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવા માટે એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવે આ માગણીના પ્રતિસાદમાં આગામી જૂન 2022 સુધીમાં એક પોલીશી રજૂ કરવામાં આવશે જે પણ હીરા ઉદ્યોગ માટે અત્યંત આવકારદાયક છે.

હાફ (સોન) કટ ડાયમંડ પર વસૂલાતી 12 ટકાની આયાત ડ્યૂટી બિલકુલ નાબૂદ

સુરતના હીરા ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની એક જાહેરાત એ પણ કરવામાં આવી છે કે આયાતી સોન ડાયમંડ જેને ફેન્સી ડાયમંડ કે હાફ કટ ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની આયાતમાં અત્યાર સુધી 12 ટકા ડ્યૂટી વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ, હવે પછી આ ડ્યુટી બિલકુલ નાબૂદ કરીને બિલકુલ ઝીરો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આ જોગવાઇને કારણે નાના અને મધ્યમકદના ડાયમંડ એક્સપોર્ટર્સ, નાના કારખાનેદારોને મોટી રાહત થઇ છે કેમકે ફેન્સી, સોન કે હાફ કટ ડાયમંડ ઓછી માત્રામાં, નાના જથ્થામાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલના વેપારીઓ જ આયાત કરતા હોય છે અને 12 ટકાની ડ્યૂટી નાબૂદ થઇ જતા મોટી આર્થિક રાહત મળી છે.

હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી મહત્વની ઘોષણાઓ

  • મોતીની આયાત પર વસૂલાતી 10 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
  • – રોડીયમ પર વસૂલાતી 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરાઇ
  • – ઇમિટશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોએ રૂ.400 વસૂલાશે
  • – હીરા ઉદ્યોગ માટે બેંક ગેરેંટીને બદલી હવે સ્યોરિટી  બોન્ડ માન્ય ગણવામાં આવશે
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી.
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ અન્વયે કુલ રૂ.50 હજાર કરોડની ફાળવણી

આર્મી યુનિફોર્મ માટે ફેબ્રિક તૈયાર કરવા સુરતના ઉત્પાદકો માટે સુવર્ણ તક

યુનિયન બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તેમજ અન્ય ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન માટે ભારતના જ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી જણાવે છે કે સુરતમાં દરેક પ્રકારનું કાપડ બની રહ્યું છે. સુરતના કપડા ઉત્પાદકોએ હવે આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં પણ વિચારવું જોઇએ. ડિફેન્સ માટે જુદા જુદા ફેબ્રિકનું ઉત્પાદન પ્રાઇવેટ સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને પણ ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોએ કમાણીનો 30 ટકા ભાગ સરકારને ધરી દેવો પડશે

યુનિયન બજેટમાં આજે ક્રિપ્ટો કરન્સી વિષયની જોગવાઇ અંગે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને બોલવાનું શરૂ કર્યું તેમ તેમ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ભારે ધોવાણ શરૂ થયું હતું. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ રોકાણ કરનારા લોકોમાં સુરતીઓનો નંબર આવે છે અને સુરતમાંથી કરોડો નહીં પણ અબજો રૂપિયાનું રોકાણ અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ગણાતા ક્રિપ્ટો કરન્સી હેઠળના જુદા જુદા કોઇન્સમાં કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે આજે બજેટરી જોગવાઇમાં ક્રિપ્ટો કરન્સી પર ત્રીસ ટકાનો તોતિંગ ટેક્સ જાહેર કરતા અત્યાર સુધી નફો રળનાર ક્રિપ્ટો રોકાણકારોએ હવે નફો હોય કે નુકસાન એન્કેશ કરાવશે ત્યારે ભારત સરકારને ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે.

સ્થાનિક ક્રિપ્ટો કરન્સીના જાણકારો કહે છે કે ભારતમાં હવે આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ વસૂલવાનું શરૂ થશે તો સુરત સમેત દેશના ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોના પોર્ટફોલિયો હવે દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે અન્ય દેશો કે જ્યાં ક્રિપ્ટો કરન્સી પરત્વે કૂણું વલણ ધરાવતા દેશોમાંથી ઓપરેટ કરવાનું મુનાસિબ માનશે કેમકે ત્રીસ ટકાનું ટેક્સનું ભારણ અતિશય વધારે લાગી રહ્યું છે.

January 8, 2022
Cia_business_news-1280x936.jpg
3min449

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કપડા ઉત્પાદન ક્ષેત્રમાં સુરતીઓ ભારે ક્રિએટીવ છે, જો તમારે સુરતમાં બિઝનેસ કરવો હોય તો દરેક વખતે તમારે કંઇક નવું જ પ્રદાન કરવું પડે એવું વિધાન અન્ય કોઇએ નહીં પણ આધુનિક ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની ઇટેમીના એશિયન મલ્ટી નેશન હેડ સમીર કુલકર્ણીએ આજે સિટેક્ષ એક્ષ્પો 2022ના ઉદઘાટન સમારોહમાં કર્યું હતું. ટેક્ષટાઇલ ક્ષેત્રમાં ઉપલબ્ધ અત્યંત આધુનિક મશીનરીઓના લાઇવ ડેમો દર્શાવતા સિટેક્ષ એક્ઝિબિશનને આજે કેન્દ્રના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે સુરતી વીવીંગ, નીટીંગ અને એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે ખુલ્લો મૂક્યો હતો.

વિશ્વમાં કપડા ઉત્પાદન ક્ષેત્રમાં હાલ યુરોપ અને ચાઇનાની દિગ્ગજ કંપનીઓ દ્વારા બનાવાતી લેટેસ્ટમાં લેટેસ્ટ મશીનરીઓની શ્રેણીબદ્ધ નિદર્શન જો માણવું હોય તો સરસાણા સ્થિત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સિટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેવી પડે. આજે ઉદઘાટન સમારોહ દરમિયાન જાણે કન્વેન્શન સેન્ટર આખું જ એક ફેક્ટરીમાં તબદીલ થઇ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજે ઉદઘાટનની સાથે જ સુરતમાં ગ્રે કાપડ તૈયાર કરતા વીવીંગ કારખાનેદારો, નીટીંગ કારખાનેદારો, વીવીંગ કારખાનેદારો, મિલ માલિકો સરસાણા કન્વેન્શન સેન્ટરમાં એ જોવા માટે ઉમટી પડ્યા હતા કે તેમની ફેક્ટરીમાં હાલ ચાલી રહેલી મશીનરી કરતા કઇ મશીનરી અદ્યતન અને ઝડપી છે. હાઇસ્પીડ ટેક્ષટાઇલ મશીનરીની લોકલથી લઇને ગ્લોબલ બ્રાન્ડ લઇને સિટેક્ષ એક્ષ્પોમાં 80થી વધુ બ્રાન્ડસની મશીનરીના લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળી રહ્યા છે. સિટેક્ષ એક્ષ્પોમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે. તમામ સેકટર્સના એકઝીબીટર્સને આજે પહેલા જ દિવસે સુરતના કારખાનેદારો તરફથી જંગી ઇન્કવાયરીઓ સાથે ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

સુરતમાં સૌપ્રથમ આજે સિટેક્ષ એકઝીબીશનમાં યુરોપિયન મશીન મેન્યુફેકચરર્સ જેવી કે સ્ટૉબલી અને ઇટેમા કંપનીઓ દ્વારા પોતાના ટેકસટાઇલ મશીનરીનો લાઇવ ડેમો દર્શાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા મુલાકાતીઓ આ મશીન જોવા માટે જ ધસારો કરી રહ્યા છે. આ ઉપરાંત 5376 હૂક ધરાવતું હાઇ સ્પીડ રેપીયર વીથ જેકાર્ડ, ઓટોમેટીક નોટીંગ મશીન, ઓટોમેટીક ડ્રોઇંગ મશીન અને હાઇ સ્પીડ એરજેટ મશીન જોઇને ગ્રે કાપડ ઉત્પાદન કરતા કારખાનેદારો પણ બે ઘડી અચંબિત થઇ રહ્યા હતા. આ કંપની ર૮ હજાર હુક સુધીનું જેકાર્ડ મશીન મેન્યુફેકચરીંગ કરે છે.

આધુનિક મશીનરીઓની હારમાળા

  • ૩ પન્ના સાથેનું 400 RPM સ્પીડ ધરાવતું ડબલ બીમ રેપીયર મશીન
  • – 5376 hooks ધરાવતું જમ્બો ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન – મેક ઇન ઇન્ડિયા
  • – દરરોજ ૯૦૦૦ મીટરનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટર
  • – હાઇ સ્પીડ એરજેટ મશીન
  • – દરરોજ ર૦૦૦ મીટરથી વધુનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ પોઝીશન પ્રિન્ટર
  • – નેરો ફેબ્રિકસ મશીન
  • – ડાયરેકટ ટુ ફેબ્રિક – ડિજીટલ પ્રિન્ટીંગ મશીન – કોસ્ટ ઇફેકટીવ મોડલ – મેક ઇન ઇન્ડિયા
  • – હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટીંગ મશીન
  • – કાર્ટુન પર ઇલાસ્ટીક ટેપ પેક કરવા માટે ફેસ્ટુનીંગ મશીન
  • – ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મટિરિયલ્સ હેન્ડલ કરવા માટે અદ્યતન ટ્રોલી
  • – હાઇસ્પીડ રેપીયર મશીન

આસામ બોડો લેન્ડમાં ટેક્ષટાઇલ વિકાસ માટે ચેમ્બર એમ.ઓ.યુ. કરશે

આજે સિટેક્ષ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં પૂર્વોત્તર આસામના કોકરાઝારથી ખાસ બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટીવ પ્રમોદ બોરો અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ક્ષેત્રમાં હેન્ડલૂમથી કાપડ વણાટનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે અને અહીં આ ફિલ્ડમાં સૌથી વધુ રોજગારી મહિલાઓ મેળવી રહી છે. હવે સુરતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનો જે રીતે વિકાસ થયો છે તે રીતે બોડોલેન્ડમાં વિકસેલા હેન્ડલૂમ ઉદ્યોગમાં કઇ રીતે ટેક્ષટાઇલ ટેક્નોલોજીનો વિકાસ કરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી સિક્કા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ ત્યાંના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરી આપશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.

આ મશીન જોવા છેક વાપી, સેલવાસ, અમદાવાદથી કારખાનેદારો આવી રહ્યા છે

Reoprted on 7/01/2022

SGCCI SITEX : કપડા ઉત્પાદનના સૌથી આધુનિક મશીન્સ વર્કીંગ કન્ડીશનમાં જોવા મળશે

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ટેક્ષટાઇલ મશીનરીઓના એક્ષ્પો, સિટેક્ષને આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવશે. કપડા ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વની સૌથી આધુનિક મશીનરીનું લાઇવ નિદર્શન સિટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. સિટેક્ષ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, હિમાંશુ બોડાવાળા, સુરેશ પટેલ, મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં સિટેક્ષ એક્ષ્પો યોજાશે. 80 વધુ એક્ઝિબિટર્સ તેમની અદ્યતન ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સનો લાઇવ ડેમો સુરતના કપડા ઉત્પાદક કારખાનેદારો સમક્ષ કરશે. સિટેક્ષ એક્ષ્પોમાં વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ ખૂબજ લાંબા સમય પછી પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત કરવામાં આવશે.

Reported on 6/01/2022

સુરતમાં કાલથી સિટેક્ષ એક્ષ્પો ચાલુ રહેશે, જાહેર જનતાને નો એન્ટ્રી

સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ગુજરાત સરકારે આગામી સપ્તાહે યોજાઇ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમીટ સમેતના કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરી છે જ્યારે સુરતમાં આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા સિટેક્ષ (ટેક્ષટાઇલ મશીનરી) એક્ષ્પોને ખાસ કેસમાં યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે. સિટેક્ષ એક્ષ્પોમાં સામાન્ય લોકો માટે નો-એન્ટ્રી કરી દેવામાં આવી છે. ફક્ત બીટુબી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સ્તરે આ એક્ષ્પો યોજાશે અને તેમાં પણ કોવીડ-19 નિયંત્રણ માટેની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે.

સુરતમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી અપગ્રેડેશન અને મોર્ડનાઇઝેશન માટે અત્યંત જરૂરી એવા સિટેક્ષ એક્ષ્પોની 6ઠ્ઠી આવૃતિનું આયોજન આગામી તા.8થી 10 જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આજે જ્યારે ગુજરાત સરકારે પોતાના જ તમામ જાહેર કાર્યક્રમો રદ કરી દીધા હતા ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના સિટેક્ષ એક્ષ્પોના આયોજન સામે પણ પ્રશ્ન ચિન્હો લાગી ગયા હતા. પરંતુ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ કલેક્ટરનો સંપર્ક કરીને સિટેક્ષ એક્ષ્પો એ સામાન્ય લોકો માટે ન હોવા ઉપરાંત સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ફક્ત એક તૃતયાંશ ક્ષમતાથી જ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો અને પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું. 

ચેમ્બર ઓફ કોમર્સને સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કેટલીક શરતોને આધિન જારી રાખવા માટે જિલ્લા વહીવટીતંત્રે લીલીઝંડી આપી છે. જેમાં (1) સામાન્ય લોકો માટે આ એક્ષ્પોમાં નો એન્ટ્રી (2) ફક્ત બીટુબી એટલે કે જે લોકો કારખાનેદારો છે, મશીન ખરીદવાની ઇચ્છા ધરાવે છે તેવા ધંધાર્થીઓને જ સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે. (3) દરેક મુલાકાતીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ફુલ્લી વેક્સીનેટેડ હોય તેવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. મુલાકાતી સાથે અન્ય કોઇપણ ફેમિલી મેમ્બર કે બાળક હોય તો કોઇપણ સંજોગોમાં સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં (4) સિટેક્ષમાં જુદાજુદા સ્ટોલ્સ પર મશીનરી જોવા ફરનારા લોકોએ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે. (5) એક્ઝિબિટર્સ તથા તેમના સ્ટાફે પણ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે.

Reported on 4/01/2022

SGCCI SITEX-2022 : પહેલીવાર સવાસો વર્ષ જૂની યુરોપીયન કંપનીઓ સુરતમાં ટેક્ષટાઇલ મશીનરી ડિસ્પ્લે કરશે

સુરત શહેરને દેશના સૌથી મોટા ટેક્ષટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેનો દરજ્જો મળી ચૂક્યો છે પરંતુ, હવે વિશ્વભરની નજરે સુરત વિશ્વનું સૌથી મહત્વનું અને મોટું કપડા ઉત્પાદન કરતું કેન્દ્ર બની ચૂક્યું છે અને તેના કારણે જ કપડા ઉત્પાદન માટે ટેક્ષટાઇલ મશીનરીઓ બનાવતી યુરોપની સવાસો વર્ષ જૂની કંપનીઓ સુરતમાં પોતાની ટેક્ષટાઇલ મશીનરીઓ વેચવા માટે આવી રહી છે.

આગામી તા.8, 9 અને 10 જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કપડા ઉત્પાદન કરતા સુરતી કારખાનેદારો માટે સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કરવા જઇ રહી છે. હાલમાં સમગ્ર ભારતમાં કપડા ઉત્પાદન અને મશીનરી ક્ષેત્રમાં સૌથી વધુ મોર્ડનાઇઝેશન સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં થયું છે અને થઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં જેનું નામ વિખ્યાત છે એવી યુરોપની સો સવાસો વર્ષ જૂની કંપનીઓ પહેલી વખત સુરત આવી રહી છે અને તેઓ સુરતના કપડા ઉત્પાદકો સમક્ષ પોતાની આધુનિક મશીનરીઓનું ડિસ્પ્લે કરશે.આશિષભાઇએ કહ્યું કે  યુરોપની સ્ટૉબલી, ઇટીમા, ઇરો જેવી યુરોપની આવી કંપનીઓની મશીનરી કે જેને વિશ્વના ક્વોલિટી ફેબ્રિક ઉત્પાદકો ઉપયોગ કરે છે અને એક મશીનનું આયુષ્ય પચાસ વર્ષ જેટલું લાંબુ હોય છે એ કંપનીઓ પણ હવે સુરતમાં પોતાના મશીનનું ડિસ્પ્લે કરવા માટે આવશે.

એક કરોડથી નીચેની કિંમતમાં જેનું મશીન હોતું નથી

ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કપડા ઉત્પાદન કરતા હાઇસ્પીડ અને આધુનિક મશીનોની ખોજ રોજેરોજ થઇ રહી છે, સુરતના સિટેક્ષ એક્ષ્પોમાં આવી રહેલી સ્ટૉબલી, ઇટીમા, ઇરો વગેરે જેવી કંપનીઓનું એક મશીન અંદાજે એક કરોડ જેટલી મોટી રકમનું હોય છે અને સુરતના ઉદ્યોગપતિઓ આ પ્રકારના મશીનો હાલમાં ધૂમ ખરીદી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ સુરતમાં જંગી મૂડીરોકાણ અને આધુનિકરણ થવાનું છે એમ જણાવતા આશિષ ગુજરાતીએ કહ્યું કે આ મશીનોનું આયુષ્ય કમસે કમ પચાસ વર્ષ જેટલું લાંબું હોય છે અને તેના પણ વિશ્વભરમાં ડિમાન્ડ ધરાવતા ફેબ્રિક તૈયાર થતા હોય છે.

December 31, 2021
Cia_business_news-1280x936.jpg
1min353

जयेश ब्रह्मभट्ट 98253 44944

कपडा उधोग को केलेन्डर इयर 2021 के अंतिम दिन आज टेक्षटाइल के व्यापार-उत्पादन से जुडे लोगो को बडी राहत मिली है की जीसे 2022 का साल खुशीयो से हरा-भरां बन पाएगा. आज हूई जी.एस.टी. काउन्सिल के मिटींग में कपडा उधोग पर कल दि. 1-1-2022 से लागू की जानेवाले 12 प्रतिशत टेक्स के संदर्भ में जारी किया गया 18 नवम्बर का नोटिफिकेशन स्थगित करने का निर्णय लीया गया है. फिलहाल कपडा उद्योग में इन्वर्टेड टेक्स स्ट्रक्चर जारी रहेगा. कल दि. 1 जनवरी 2022 से कपडा उधोग में 5 प्रतिशत जीएसटी ही लागू रहेगा.

કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટી વસૂલ કરવા સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ તા.18મી નવેમ્બર 2021ના રોજ જારી કરેલા નોટિફિકેશનને આજે જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. કપડા ઉદ્યોગમાં હાલનું ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર જ યથાવત રાખવાનો નિર્ણય આજે તા.31મી ડિસેમ્બરના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી છે. સત્તાવાર રીતે નાણામંત્રી નિર્મલા સીતારમન બપોરે ત્રણ વાગ્યે મિડીયાને બ્રીફીંગ આપશે.

જીએસટી કાઉન્સિલની હવે પછીની મિટીંગમાં કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં જીએસટીના ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પમાં શું કરી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરીને ફાઇનલ રોડ મેપ તૈયાર કરવાનું પણ આજની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

આજે તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની મિટીંગના દ્રશ્યો

ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પ શોધવા માટે સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગોનું આયોજન હવે પછીના સમયમાં કરવામાં આવશે.

December 30, 2021
weavers.jpeg
1min580

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ આજે તા.30મીએ કરેલા દેખાવોની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ સોશ્યલ મિડીયા હેન્ડલ મારફત દિલ્હી સરકાર સુધી પહોંચી છે. સુરતમાંથી અનેક લોકોએ ટેક્ષટાઇલ, વાણિજ્ય અને નાણા મંત્રાલય સુધી ફોટો, વિડીયોઝ શેર કરીને ઝાંખી કરાવી દીધી છે કે કપડા ઉદ્યોગમાં પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર યથાવત્ રાખવા માટે સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

સુરતમાં આજે ફક્ત એક દિવસના પ્રતિક દેખાવોથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી જાય તેવી સ્થિતિ છે કેમકે અનેક રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓને જોતા નવું દેશવ્યાપી ઔદ્યોગિક આંદોલન હવે કેન્દ્ર સરકારને પોષાય શકે તેમ નથી. આવી સ્થિતિમાં આવતીકાલ તા.31મી ડિસેમ્બરની જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કપડા ઉદ્યોગની લાગણીને અનુરૂપ રસ્તો કાઢી આપવાની નીતિ અપનાવાય તેવા સંકેતો મળી રહ્યા છે.

દિલ્હી સુધી પહોંચ્યો થાળીનો રણકાર, કાળા વાવટા અને સદબુધ્ધિ હવન

કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલનની જેમ કપડા ઉદ્યોગનું આંદોલન રાષ્ટ્રવ્યાપી અને જલદ બને એ પહેલા જ આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળી રહેલી જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કેટલાક નિર્ણયો લઇને હાલ તુરત કપડા ઉદ્યોગમાં વિકસી રહેલા આંદોલનને થાળે પાડવાની રણનીતિ કેન્દ્રએ બનાવી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે અને આ બાબતને વધુ ત્યારે બળ મળ્યું કે જ્યારે આજે સુરતના વીવીંગ કારખાનેદારો, ટ્રેડર્સે મોટી સંખ્યામાં કાળા વાવટા ફરકાવ્યા, થાળીઓ વગાડીને કેન્દ્ર સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. સુરતના આંદોલનની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ દિલ્હી સુધી પહોંચી ગઇ છે.

50 હજારથી વધુ ટેક્ષટાઇલ દુકાનો બંધ રહી

સુરતમાં આજે કપડા ઉદ્યોગમાં જીએસટી વિરુદ્ધમાં ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એશોસીએશન (ફોસ્ટા)ના એલાન અનુસાર 50 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને દેખાવો યોજ્યા હતા. સુરતમાં જેટલું મોટું ટેક્ષટાઇલ વેપારીઓનું સંગઠન (ફોસ્ટા) છે તેટલું મોટું કપડા વેપારીઓનું સંગઠન દેશમાં અન્ય કોઇ જ શહેરમાં નથી. કેન્દ્ર સરકાર સુધી સુરતના ટેક્ષટાઇલ વેપારીઓના આજના બંધની પણ ફોટો વિડીયો સમેતની વિગતો પહોંચી ચૂકી છે.

સુરતના ઉદ્યોગોએ આંદોલનમાં લીડ ના લીધી હોત તો કદાચ 31મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટીંગ ના મળી હોત

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ વતી સુરતમાંથી જ જો ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર સરકાર સામે લડત ચલાવવાની લીડ ના લીધી હોત તો સંભવ છે કે જીએસટી કાઉન્સિલની તાબડતોડ મિટીંગ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી ના યોજાઇ હોત. અને તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટીનો અમલ શરૂ પણ થઇ ચૂક્યો હતો. પણ સુરતની લિડરશીપને કારણે સમગ્ર દેશમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારો, કપડા વિક્રેતાઓ વગેરેએ નાના મોટા દેખાવો, પ્રદર્શનો શરૂ કરી દીધા જેની ગૂંજ ફોટો, વિડીયો, સોશ્યલ મિડીયા પોસ્ટ મારફતે નીતિ ઘડનારાઓ સુધી પહોંચી ગઇ છે.

December 30, 2021
Cia_business_news-1280x936.jpg
1min598

Jayesh Brahmbhatt 98253 44944

નાણામંત્રાયલે ખુબ જ શોર્ટ નોટિસથી આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ જીએસટી કાઉન્સિલની મિંટીગ યોજી છે. આ મિટીંગનો ઉદેશ કેન્દ્ર સરકાર સામે વિકસી રહેલા વધુ એક દેશવ્યાપી આંદોલનને થાળે પાડવાનો હોવાના સ્પષ્ટ સંકેત સમાન છે. ફક્તને ફક્ત ટેક્ષટાઇલ અને ફૂટવેયરમાં ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના મુદ્દે તા.1લી જાન્યુઆરી 2022 પહેલા કોઇ નિર્ણય લઇ શકાય એ માટે જ જીએસટી કાઉન્સિલની તાકીદની અને શોર્ટ નોટિસથી મિટીંગ યોજવામાં આવી છે.

વિકલ્પ -1

જીએસટી કાઉન્સિલની તા.31મી ડિસેમ્બરે મળનારી મિટીંગમાં ટેક્ષટાઇલ અને ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર દૂર કરીને 12 ટકા ફ્લેટ દરે જીએસટી વસુલ કરવા સંદર્ભે ગઇ તા.18મી નવેમ્બર 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ તા.1લી જાન્યુઆરી 2022થી નહીં પરંતુ, તેને ત્રણેક મહિના એટલે કે તા.31મી માર્ચ 2022 સુધી મુલતવી રાખીને એ સમયગાળા દરમિયાન સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરીને તા.1લી એપ્રિલ 2022થી કપડા ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.

વિકલ્પ -2

જીએસટી કાઉન્સિલ એવો પણ નિર્ણય લઇ શકે કે કપડા અને ફૂટવેર ઉધોગમાં 12 ટકા જીએસટીના અમલ કરવા અંગે તા.18મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને કાયમી રીતે રદબાતલ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરનો અમલ યથાવત રાખવામાં આવે.

બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ માટે તાકીદની મિટીંગ યોજાઇ જ ન હોત

જીએસટી કાઉન્સિલ જો 18 નવેમ્બરના નોટિફિકેશનનો અમલ કરાવવા માંગતી જ હોત તો આવતીકાલ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી મિટીંગ યોજવાનો કોઇ મતલબ કે હેતુ જ ના હોત

ટૂંકમાં એ વાત કન્ફર્મ છે કે ક્યાં તો 12 ટકા જીએસટી જાહેરનામાનો અમલ મુલતવી રાખવામાં આવે અથવા તો જાહેરનામું જ રદ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવે. જાણકારો કહે છે કે નોટિફિકેશન રદ કરવા જેવું પગલું કેન્દ્ર સરકાર કે કાઉન્સિલ નહીં ભી શકે. પરંતુ, ત્રણેક મહિના મુલતવી રાખીને સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર મંથન કરીને બાદમાં તેનો અમલ કરવામાં આવે.

ટેક્સટાઇલ માર્કેટોએ આજે 30 સજ્જડ બંધ પાળ્યો

12 ટકા જીએસટીના વિરોધમાં સુરત શહેરની 98 ટકા જેટલી ટેક્ષટાઇલ માર્કેટોના વેપારીઓએ આજે તા.30મી ડિસેમ્બર 2021ના રોજ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.

થાળી વગાડી, કાળા વાવટી બતાવીને જીએસટીનો વિરોધ

December 17, 2021
kagzi.jpeg
1min328

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી

ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્‌સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.