CIA ALERT
17. May 2024

sitex by sgcci Archives - CIA Live

July 6, 2023
WhatsApp-Image-2023-07-06-at-18.43.54-1280x534.jpeg
2min863

‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ સીટેક્ષમાં લોન્ચ કરાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું આ આઠમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. મને આનંદ છે કે, આ પ્રદર્શનના આયોજનમાં સુરત ટેક્ષમેક ફેડરેશન સહયોગી બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીડીપીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્મા અને અલિધરા ટેક્ષટુલ એન્જીનિયર્સ પ્રા.લિ.ના ચીફ મેનેજિંગ ડિરેકટર હંસરાજ એ. ગોંડલિયા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રપ૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેક્ષ્ટાઇલના એક્ષ્પોર્ટને ૧૦૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર દ્વારા યોજાનાર સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે.

આ પ્રદર્શનની મુલાકાત માટે અત્યાર સુધીમાં ર૦ હજારથી વધુ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં સુરત સહિત સમગ્ર ગુજરાત તથા દેશભરના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે. દેશમાં કાપડની જે મોટી મંડીઓ છે ત્યાંથી ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓનું ગૃપ તથા ડેલીગેશન્સ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવવાના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શિત કરાશે. હાઇ સ્પીડ હેવી ડેન્સીટી ફેબ્રિકસ બનાવતી આ મશીનરીનો લાઇવ ડેમો પ્રદર્શનમાં જોવા મળશે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓનું પ્રદર્શન કરાશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા તથા એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

નીચે મુજબની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

– મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન
– ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું ચાઇનીઝ એરજેટ મશીન
– એરજેટ ડોબી વીથ ડબલ બીમ રનીંગ ૭પ૦ આરપીએમ
– સુપર હાઇસ્પીડ ટીએફઓ
– એરજેટ JDF9100 plus ન્યુ હાઇ સ્પીડ મશીન
– વોટરજેટ JDF408 plus સ્પીડ upto 550 મશીન

સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં ૬૦ વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરાશે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. આથી અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ લોન્ચ કરાશે, લાઇવ ડેમો આપવામાં આવશે

ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું લોન્ચીંગ સીટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતમાં પ્રથમ વખત ઇલેકટ્રોનિકની સાથે ચાલનારા શટલ લુમનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ શટલ લુમ પર ડિફેકટ લેસ ચાર કલરનું ફેબ્રિક બને છે. સાથે જ બોર્ડર ઉપર બ્રાન્ડ નેમ પણ પ્રિન્ટ કરે છે. આ લુમ પર પેન ડ્રાઇવ થકી વિવિંગ ડિઝાઇન પણ ઓટોમેટિકલી બદલાય છે, જેને સરળતાથી ઓપરેટ કરવામાં આવે છે.

સુરત ટેક્ષમેક ફેડરેશનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનાર યોજાશે, ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે

સીટેક્ષ એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૯ જુલાઇ ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે એકઝીબીશનના સ્થળે જ એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાર્ન, ફેબ્રિક, જરી, એપરલ, મશીનરી, ફર્નિશિંગ વગેરેનું એક્ષ્પોર્ટ કરનારા નિર્યાતકારોની કેસ સ્ટડી ઉદ્યોગકારો સમક્ષ મુકવામાં આવશે. જેના કારણે નવા એક્ષ્પોર્ટર તૈયાર કરવાની દિશામાં મોટું કામ થશે. આ ઉપરાંત સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.