જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસએ ખુદ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2019 પરીક્ષાનું અવમૂલ્યન કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજોને ધંધો મળે તે માટે હવે એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી એફિલિયેટેડ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે 2019માં ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા ધો.12 પાસ ઉમેદવારોને પણ પ્રવેશ આપવામાં આવશે.
ગુજકેટ વગર જ પ્રવેશ આપવાનો હતો તો મહેનત કરીને ગુજકેટ પાસ કરનાર વિદ્યાર્થીઓનો શું વાંક ગુનો હતો
એડમિશન કમિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ઇશારે આ પ્રકારનો ધંધો કર્યો હોવાનું કહેવાય છે. જો ગુજકેટ વગર જ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવાનો હોત તો
- જેમણે મહેનત કરીને માર્કસ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો હતો,
- પહેલેથી જ ગુજરાત સરકારે ગુજકેટ વગર પ્રવેશ આપવાની જાહેરાત કેમ ન કરી.
- જો ગુજકેટ પરીક્ષા વગર જ પ્રવેશ આપવાનો હોય તો ગુજકેટ લેવાય છે શું કામ
શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે માત્રને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ધંધો મળે તે હેતુથી એડમિશન કમિટી દર વર્ષે આ પ્રકારે ગુજકેટ પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપે છે.
જેમણે ગુજકેટ પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર હતી કે તેમને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળવાનો નથી, આથી એવા વિદ્યાર્થીઓ ગત જુન 2019માં જ ફર્સ્ટ ઇયર બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઇ ચૂક્યા છે, હવે આવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોના ઇશારે એડમિશન કમિટીએ ગુજકેટ વગર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપવાના દરવાજા ખોલ્યા છે.

ખુદ સરકારે ગુજકેટનો નિયમ બનાવ્યો છે
અગાઉ ગુજરાત સરકારે જીટીયુ હસ્તકની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ પરીક્ષા ફરજિયાત હતી એ મરજિયાત કરીને ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરી હતી. ધો.12 પીસીએમ થીયરીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરવાનો નિયમ સરકારે જ બનાવ્યો છે. હવે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો નથી ભરાઇ ત્યારે સરકારે આવી ખાનગી કોલેજોને ધંધો કરાવવા માટે પોતાનો જ નિયમ તોડીને હવે ગુજકેટ વગર જીટીયુ સંલગ્ન પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. નંબર 5 પર એવી જોગવાઇ પણ સામેલ કરવામાં આવી છે કે જેમણે ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે.

















