CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 12 of 79 - CIA Live

August 17, 2024
ramesh-sanghvi.png
1min551
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, ઘણા સમયથી હતા બીમાર 1 - image

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ.

રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબીયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદગતનું બેસણું તા.18 ઓગસ્ટને રવિવારે બપોરે 3થી 5 દરમિયાન ઇન્ડોર સ્ટેડીયમ, ઘોડદોડ રોડ, સુરત ખાતે યોજવામાં આવ્યું છે.

August 17, 2024
bad_weather.jpg
1min262

રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.’

આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરુઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

August 15, 2024
double-decker-train.jpg
1min247
Six coaches of Ahmedabad-Mumbai double-decker train derailed near Surat, leaving passengers stranded

દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

August 1, 2024
WhatsApp-Image-2024-08-01-at-09.24.22-1280x960.jpeg
1min282

ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણી


તા.1લી ઓગસ્ટે મળેલી સચીન ઇન્ડસ્ટીયલ કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠકમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સચિન ઇન્ડ. સોસાયટીના 2024-2025 વર્ષ માટેના નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

July 19, 2024
01-3.jpg
2min326

વિવર્સને ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કરાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા ગુરૂવાર, તા. ૧૮ જુલાઇ ર૦ર૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC, સરસાણા, સુરત ખાતે ‘વિવિંગ ટેકનોલોજીમાં તાજેતરના ડેવલપમેન્ટ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં નિષ્ણાત વકતા તરીકે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને પીકવેલ ટેક્ષ્ટાઇલ મશીનરીના ડિરેકટર શ્રી પરેશ ગોંડલીયાએ વિવિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં યાર્ન અને મશીનરીની ભૂમિકા વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચાઇનામાં ૮ લાખ મોડર્ન લુમ છે, જ્યારે ભારતમાં દોઢ લાખ જ છે. દોઢ લાખમાંથી અડધા મોડર્ન લુમ તો સુરતમાં છે. વણાટ ઉદ્યોગમાં મોડર્ન લુમને કારણે પ્રોડકશન કવોલિટી ખૂબ જ સારી આવે છે અને પ્રોડકશનમાં પણ વધારો થાય છે, આથી વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ મોડર્ન લુમમાં જવું જ પડશે.

ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડના ઉત્પાદકો અત્યાર સુધી ડોમેસ્ટીક માર્કેટ પૂરતું જ કામ કરી રહયા છે પરંતુ હવે ગ્લોબલી માર્કેટમાં ઝંપલાવવાની જરૂર છે. એના માટે કાપડમાં રિસર્ચ કરવાની જરૂર છે. દેશ – વિદેશમાં યોજાતા વિવિધ એકઝીબીશનમાં ભાગ લેવાની જરૂર છે. પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે તેમાં નવું કરવાની જરૂર છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ The way forward in Textile sector of World વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં મેન મેઇડ ફેબ્રિકની આખી વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે. રો મટિરિયલ પણ સરળતાથી મળી જાય છે. ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેકનોલોજી, સ્કીલ્ડ લેબર અને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગ માટે સુરતનું વાતાવરણ યોગ્ય છે. તેમણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં એગ્રીટેક, મેડીટેક, મોબીટેક, પેકટેક, સ્પોર્ટટેક, બિલ્ડટેક, કલોથટેક, હોમટેક, પ્રોટેક, જીઓટેક, ઇકોટેક અને ઇન્ડુટેક વિશે માહિતી આપી હતી.

શ્રી પરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં રેપિયર, વોટરજેટ અને એરજેટમાં હાઇસ્પીડ મશીનરી આવી છે. વર્ષ ર૦૧૦થી સુરતમાં વોટરજેટ આવ્યા છે. આ મશીનરી ઉપર કોઇપણ ફેબ્રિક સરળતાથી ચલાવી શકાય છે. એરજેટમાં વિવર્સ ભાઇઓ ડાયવર્ટ થઇ રહયા છે ત્યારે આગામી એક વર્ષમાં ફેબ્રિકની માંગ ખૂબ જ વધી જશે. સોલાર એનર્જીને કારણે પાવરની લિમિટેશન નીકળી જશે. સીમલેસ નીટીંગ દેખાશે અને નીટીંગને લગતા કપડા યુરોપમાં એક્ષ્પોર્ટ કરી શકાશે. યુરોપમાં કાપડનું મેન્યુફેકચરીંગ થતું નથી, આથી વૈશ્વિક માર્કેટમાં એક્ષ્પોર્ટ માટે ટેક્ષ્ટાઇલમાં અપડેટ થવું પડશે. તેમણે ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો.

જીએફઆરઆરસીના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્ર કાજીવાલા, શ્રી રશ્મી રંજન બિસ્વાલ, શ્રી મનિષ મુલે અને વિવર્સ ભાઇઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. શ્રી ભગીરથ કળથિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

July 18, 2024
jatin-naik-spb.jpeg
1min434

ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.

નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.

July 16, 2024
cia_windo-1-1280x793.jpg
1min286

મોહરમના તહેવાર નિમિતે સુરત શહેરમાં પારંપરિક રીતે તા 16/07/2024 ના મંગળવારે શહાદતની રાત્રે અને અને તા. 17/07/2024 બુધવારે યોવમે આસુરાના દિવસે તાજીયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવુ સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું.

છેલ્લા 20 દિવસ થી સુરત શહેર તાજીયા કમીટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોઈ, સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સેયદપુરા, હરીપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડા કુવા, સેતરંજીવાડ, ઝાલાવાડ ટેકરા, ઝાંપાબઝાર, રાણીતળાવ, ગોપીતળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રૂદદરપુરા, લીંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજીયાની સ્થાપના છેલ્લા નવ દિવસથી કરવામાં આવી છે અને તાજીયાઓ દર્શન માટે પડદાઓ ખોલવામાં આવ્યા હતા.

તાજીયા, સવારી, દુલ દુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે, સહાદાતની રાત્રે (મંગળવારે) સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીફળ વધેરી તાજીયા જુલુસને આગળ વધારશે. આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈવડ થઇ નવાબસાહેબના નવાબ મહેલે જઈ પરત પોત પોતાના સ્થાનક ઉપર થશે.

બુધવાર યોવમે આસુરા ના દિવસે તજીયા ઠંડા થવાના દિવસ લીંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજીયા ભાગળ ચાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ, ફાયદાબજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગર પાલીકાથી આઈપી મિશન સ્કુલ થઇ ચકલાબઝારથી હોડી બંગલા ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.

ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે યોજાશે. વહેલા તે પહેલા આવનારા 10 તાજીયાને સંત શ્રી અંબરીષાનંદ મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામો આવ્યો છે. જુલુસ દરમિયાન તાજીયા કમીટીના 1500થી વધુ સ્વયંવસેવકો ખડેપગે સેવા આપશે.

July 15, 2024
surat-airport.png
1min316

ગત ડિસેમ્બર 2023માં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસે કલાક ઓપરેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ આ પ્રકારનું સ્ટેટસ ફક્ત નામ પૂરતું રહી ગયું છે. સુરતનું એરપોર્ટ અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે 11 જેટલા ટોપ પ્રાયોરિટીના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે વી વોન્ટ વર્કીંગ એરપોર્ટ એટ સુરત WWWAS ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુધી રજૂઆતોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.

સુરત એરપોર્ટ માટે સતત સક્રીય WWWAS ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર જે પ્રકારે પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો છે, એ પ્રકારની ફ્લાઇટ્સ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે સુરત એરપોર્ટનો સમાવેશ કેન્દ્ર સરકારની બાયલેટરલ પોલિસીમાં નથી કરાય રહ્યો એ છે. આથી WWWASની માગણી છે કે સુરત એરપોર્ટને બાયલેટરલ કોન્ટ્રાક્ટ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળી શકે અને પ્રાઇવેટ એરલાઇન્સ સાથે વૈશ્વિક ડેસ્ટીનેશનના જોડાણો સુરતને મળી શકે.

તેમણે કહ્યુંકે નવા ટર્મિનલ બિલ્ડીંગને મંજૂરી મળવી જોઇએ જેથી ચોવીસ કલાક અને સાતેય દિવસ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકાય. સાથોસાથ પેરેલલ ટેક્સી-વે કે જેનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે તેને પણ ત્વરીત પૂર્ણ કરવામાં આવે. જૂનું ટર્મિનલ છે તેનો પણ વિસ્તાર કરવામાં આવે જેથી મુસાફરોની સુવિધા વધારવામાં એ ઉપયોગી નિવડી શકે. સુરતથી દેશના અન્ય ડેસ્ટીનેશન પર કાર્ગો સર્વિસ ઓપરેટ થઇ રહી છે, હવે કાર્ગો સેક્ટરમાં વન સ્ટેપ અહેડ જતા ઇન્ટરનેશનલ કાર્ગો ફેસેલિટી પણ સુરતથી શરૂ થાય તો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગને તેનો સીધો ફાયદો મળી શકે. આ સર્વિસથી અસરસપરસ બન્નેને લાભ થઇ શકે તેમ છે.

WWWASના સંજય જૈને કહ્યું કે હાલ શારજાહ અને દુબઇની ફ્લાઇટ ચાલી રહી છે, સુરત એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વિસ્તરે તે માટે બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ શક્ય એટલી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે સુરતથી દોહા સુધીની કનેક્ટીવિટી જો સુરત એરપોર્ટને મળી શકે, કતાર એરવેઝ સાથે આ માટે જોડાણ થઇ શકે તો દોહાથી સમગ્ર વિશ્વ સાથે સુરત એરપોર્ટ જોડાઇ શકે અને સિંગલ પીએનઆરથી સુરતથી જ મુસાફરો ટ્રાવેલ કરી શકે તેમ છે. એવી જ રીતે ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર સુરત એરપોર્ટના મુસાફરોનાં આંકડાઓ ધ્યાનમાં લે. અંતમાં WWWAS સુરત એરપોર્ટ માટે એક કાયમી એરપોર્ટ ડાયરેક્ટરની ત્વરીત નિમણૂંક કરવામાં આવે એવી પણ માગણી કરી છે.

July 12, 2024
sgcci-bc-and-ai.jpg
1min245

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૧ જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સંહતિ, સરસાણા, સુરત ખાતે સ્થાનિક વ્યાપાર વૃદ્ધિ માટે બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ વિષય પર ટેક ઇનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ગુજરાતના અલ્ગોભારત રિજીયોનલ એમ્બેસેડર તેમજ ઓપન બ્લોકચેન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને બ્લોકચેન આર્કીટેકટ શ્રી સુનિલ કાપડીયાએ આઇટી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને વ્યવહારમાં તેમજ વેપાર – ઉદ્યોગમાં બ્લોકચેન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સમિટમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં બ્લોકચેન ટેકનોલોજીની માર્કેટ ગ્રોથમાં હબનચ ૮૪.પ ટકાનો વધારો થવાનો અંદાજ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૩૦ સુધીમાં ૧પ.૭ ટ્રિલિયન યુએસ ડોલરની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પ્રદાન કરશે તેવી સંભાવના છે. અર્થશાસ્ત્રીઓની આગાહી મુજબ, બ્લોકચેન વર્ષ ર૦૩૦ સુધીમાં વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં ૧.૭૬ બિલિયન યુએસ ડોલરનો વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, નિષ્ણાંતોની ધારણા મુજબ વિશ્વભરની મોટા ભાગની કંપનીઓ દ્વારા બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બ્લોકચેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા ડેટા સિકયુરિટીમાં વધારો અને ભરોસો, કાર્યક્ષમતામાં વધારો અને ખર્ચમાં ઘટાડો, નવા બિઝનેસ મોડલ અને આવકના સ્ત્રોતોમાં વધારો અને સ્પર્ધાત્મકતામાં વધારો જેવી બાબતોમાં બિઝનેસમાં વૃદ્ધિને વેગ આપવામાં મદદ થશે.

નિષ્ણાંત વકતા શ્રી સુનિલ કાપડીયાએ જણાવ્યું હતું કે, બ્લોકચેન એ મેથેમેટિકસ ગ્રીવન્સ ટેકનોલોજી છે. બ્લોકચેન પર જે ડેટા અપલોડ કરવામાં આવે છે તેમાં ઉમેરો કરી શકાય છે પણ એક વખત જે ડેટા અપલોડ કરાયો તે ચેન્જ થતો નથી. ટ્રાન્ઝેકશનનો ડેટા ચેન્જ થઇ શકે છે. બ્લોકચેન પર બધા પાર્ટીસિપેટ કરી શકે છે અને પોતાનો ડેટા રાખી શકે છે. બ્લોકચેન ક્ષેત્રમાં પીયર ટુ પીયર ઇકોનોમી ઉભી કરાઇ છે, જેનાથી બધાને સમાન અધિકાર મળી શકે. એક વખત બ્લોકચેનમાં જે ડેટા નાંખ્યો તે બદલાતો નથી અને ગમે ત્યારે એ ડેટા મળી જાય છે. બધો જ ડેટા બધા પાસે સરખો હોય છે, આથી બ્લોકચેનનો રેકોર્ડ બદલાયો હોય એવી કોઇ ઘટના અત્યાર સુધી બની જ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્લોકચેન વર્ષ ર૦૧૩માં આવ્યું હતું. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ ર૦૧૮માં અને ચેટજીપીટી વર્ષ ર૦ર૪માં આવ્યું છે. બ્લોકચેનથી ડેટા આવે એટલે એના પર વિશ્વાસ મુકી શકાય છે. બ્લોકચેનથી ટ્રાન્ઝેકશન સુરક્ષિત થાય છે. બ્લોકચેનમાં કોઇ એક વ્યકિત પાસે પાવર હોતો નથી. તેમણે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બ્લોકચેનની ઉપયોગિતા વિશે ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત માહિતી આપી હતી.

વધુમાં, શ્રી સુનીલ કાપડીયાએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સાબિત થનારી બાબતો જેવી કે ઓથેન્ટીકેશન એન્ડ સર્ટિફિકેશન, માર્કેટ રેગ્યુલેશન કોમ્પ્લાયન્સ, સસ્ટેનેબિલિટી ઇનિશીએટીવ્ઝ, માર્કેટ ડિસ્રપ્શન, ગ્લોબલ ઇમ્પેકટ, સકર્યુલર ઇકોનોમિ ઇનીશિએટીવ્ઝ, ગ્લોબલ કનેકટીવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સમિટની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્લોકચેન દ્વારા વ્યવસાયિક કામગીરીમાં સુરક્ષા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો લાવી શકાય છે. દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપનારા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને કેમિકલ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે પણ બ્લોકચેન અલ્ગોરેન્ડનો ઉપયોગ કારગર સાબિત થઇ શકે તેમ છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી બશીર મન્સુરીએ સમિટમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના ચેરપર્સન સુશ્રી વંદના શાહે સમિટનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી પુનિત ગજેરાએ વકતાનો પરિચય આપ્યો હતો. આઇટી, કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના એડવાઇઝર શ્રી ગણપત ધામેલિયા, થોટ્‌સપાર્ક સર્વિસિસ પ્રા.લિ.ના ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી સમર્થ મહેતા અને ઉદ્યોગ સાહસિકો સમિટમાં ઉપસ્થિત રહયા હતા. વકતા શ્રી સુનીલ કાપડીયાએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સમિટનું સમાપન થયું હતું.

July 10, 2024
sgcci-cm-visit.jpeg
5min537

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોના નિરાકરણ હેતુ રજૂઆત

સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે નડતરરૂપ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાના નેતૃત્વમાં ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારો સાથેના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧૦મી જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે મિટીંગ કરી હતી.

In the Deligation

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઓફિસ બેરર્સ ઉપરાંત ચેમ્બરના પૂર્વ પ્રમુખો

  • શ્રી આશીષ ગુજરાતી,
  • શ્રી રાજેન્દ્ર ચોખાવાલા,
  • શ્રી અશોક શાહ,
  • શ્રી બી.એસ. અગ્રવાલ તથા
  • ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા,
  • કીમ–પિપોદરા વીવર્સ એસોસીએશનના અગ્રણી શ્રી કિરણ ઠુમ્મર,
  • ઝીંગા એસોસીએશનના પ્રતિનિધિ શ્રી ખલાસી,
  • ગૃપ ચેરમેન શ્રી હાર્દિક શાહ,
  • સીએ રાજીવ કપાસિયાવાલા,
  • ડેપ્યુટી સેક્રેટરી શ્રી પૌલિક દેસાઇ અને
  • ચેમ્બરના લાયઝનીંગ ઓફિસર શ્રી અજય સાયગલ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીને ઉપરોકત મામલે રજૂઆત કરી હતી.

આ મિટીંગમાં SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી બાબતે સરકારશ્રી સાથે ઓકટોબર ર૦ર૩થી મિટીંગો શરૂ થઇ હતી અને ચૂંટણી પહેલા ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત થઇ જવાની તૈયારી હતી, પરંતુ હજી સુધી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને ઘણું નુકસાન થાય છે અને ઘણા પ્રોજેકટો અટકી ગયા છે તે બાબતે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

  • ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડી ૩૦ ટકા,
  • વ્યાજ સબસિડી ૬ ટકા, સોલાર અને
  • રિન્યુએબલ એનર્જી જે યુનિટ વાપરતું હોય એને ૧ રૂપિયો પર યુનિટ પાવર સબસિડી,
  • ગારમેન્ટમાં દર મહિને રૂપિયા ૧પ૦૦ લેબરની કમ્પેન્સેશન સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે
  • પીએમ મિત્રા પાર્કના માસ્ટર ડેવલપર વહેલી તકે નકકી થાય અને એની ગાઇડલાઇન જલ્દી બહાર પડે તો આ બાબતે પણ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત
  • પીએમ મિત્રા પાર્કમાં SGCCIના પ્રતિનિધિને પ્રાઇઝીંગ કમિટી અને એલોટમેન્ટ કમિટીમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯માં રૂપિયા ૧૦ કરોડથી વધારાનું રોકાણ કરતા એકમો ધરાવતા ઉદ્યોગકારોએ સબસિડી માટે અરજી કરી હતી. આ સ્કીમની ગાઇડ લાઇન મુજબ સ્ટેટ લેવલ એમ્પાવર કમિટીમાં ચર્ચા થયા બાદ જ તેની સબસિડી અંગેની અરજીને મંજૂરી આપવામાં આવનાર હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મિટીંગ મળી ન હતી, આથી અગાઉ ચેમ્બર પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આ મિટીંગ મળી હતી અને હવે મોટા એકમોની લાંબા સમયથી જે સબસિડી અટકેલી હતી તે હવે કલીયર થશે તેવો આશાવાદ વ્યકત થયો હતો.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯, ડિસેમ્બર ર૦ર૩માં સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ માટે નવી પોલિસીની જાહેરાત થઇ નથી. જેથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની વહેલી તકે જાહેરાત કરવામાં આવે અને તેમાં કોઇ પણ બ્લેક આઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને તા. ૧લી જાન્યુઆરી ર૦ર૪થી તેની અમલવારી થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.

ગેમઝોન ઉદ્યોગને રાહત આપવા રજૂઆત કરાઇ, વહેલી તકે નિરાકરણની ખાત્રી મળી

સાઉથ ગુજરાત ગેમઝોન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારની ગાઇડ લાઇન તેમજ કાયદા મુજબની પરવાનગી હોવા છતાં સુરતમાં ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે, આથી ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ગેમઝોનના ઉદ્યોગકારોને રાહત આપવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, જેથી વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રીશ્રી તરફથી મળી હતી.

જીઆઇડીસીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત રજૂઆત કરાઇ

  • (૦૧) જીઆઇડીસીમાં લીઝ ટ્રાન્સફર વખતે વિભાગ દ્વારા કલેઇમ કરવામાં આવતા ૧૮ ટકા જીએસટી બાબતે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વ્યવહારમાં જીએસટી નહીં લાગે તે પ્રકારની સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે.
  • (૦ર) જીઆઇડીસી પ્લોટ્‌સ સબ ડિવીઝન માટે પણ ટ્રાન્સફર ફી ઘણી ઊંચી છે, જે માત્ર ટોકન પૂરતી જ હોવી જોઇએ.
  • (૦૩) એનસીએલટી/ડીઆરટી ઓકશનમાંથી કોઇ જીઆઇડીસીમાં આવેલ પ્રોપર્ટી પરચેઝ કરે છે તે સમયે જૂના લેણાંનો કલેઇમ જીઆઇડીસી દ્વારા એનસીએલટી કે ડીઆરટીમાં કરવાનો હોય છે, આ અંગેની સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ જીઆઇડીસી દ્વારા વર્ષ ર૦ર૧માં તેનો તા. ર૦/૦૪/ર૦ર૧ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં કરવામાં આવ્યો છે તેમ છતાં જીઆઇડીસી દ્વારા ઉપરોકત સમયે જૂની કંપનીના બાકી લેણાં નવા ખરીદદારો પાસે માંગવામાં આવે છે અને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. આવા કેસમાં મસમોટી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે, આથી આવા કેસમાં માત્ર ટોકન ટ્રાન્સફર ફી માત્ર પ ટકા જ લેવાવી જોઇએ એવી નીતિ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવા પ્રકારના વ્યવહારોમાં જીઆઇડીસી નવા પરચેઝર પાસે જૂની કંપનીના બાકી લેણાં માંગ્યા વગર ટ્રાન્સફર એનઓસી આપી દે તે અંગેનો પરિપત્ર બહાર પાડવા વિનંતી કરવામાં આવી હતી.

CGDCR ટેબલ નં.૬, ૮ મુજબ પેઈડ FSIનો લાભ કોમર્શિયલ વપરાશકર્તાની જેમ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ આપવા માટે રજૂઆત કરાઇ

ગુજરાતના CGDCRના ટેબલ નં. ૬, ૮માં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI ૧.૦૦ મળવા પાત્ર છે તથા આ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે FSI ૧.૦૦ તથા ૦.૮ પેઈડ FSI મળીને કુલ ૧.૮૦ FSI મળવા પાત્ર છે. આ વિસ્તારમાં પાવર લૂમ, એમ્બ્રોઈડરી, ગારમેન્ટ જેવા નાના નાના ઉદ્યોગો ધમધમે છે, આથી CGDCR મુજબ આવી ઈન્ડસ્ટ્રીઝને માત્ર ૧.૦૦ FSI મળવા પાત્ર છે. જેથી તેઓને જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ મળતું નથી માટે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે. આમ CGDCRના ટેબલ નં. ૬, ૮માં જણાવ્યા મુજબ કોમર્શિયલ વપરાશ માટે ૦.૮ પેઈડ FSI મળવા પાત્ર છે. તે પેઈડ FSIનો લાભ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ મળે તો ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નહીં થાય અને આ ૦.૮ પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઈ શકે તેમ હોવાથી આ અંગે યોગ્ય જોગવાઈ કરવા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમબદ્ધ કરવા અંગેના વટહુકમ ર૦રર (ગ્રડા–ર૦રર)ના બાંધકામ નિયમબદ્ધ કરવા માટેના બાંધકામની સ્થળ સ્થિતિ ધ્યાને લેતા નિયમોમાં જુના ગ્રડા–ર૦૧૧ના નિયમ તથા શરતો મુજબ છુટછાટ આપવા વિનંતી કરવામાં આવી હતી.

બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતિમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો

બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા બિલ્ડરોએ જમીનમાં રોકાણ કરી સરકારની પરવાનગી મેળવી બાંધકામ કરેલા છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી (ર૦થી રપ વર્ષથી)સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ જાહેર થઇ છે, પરંતુ હજુ પણ તેને ફાઈનલ કરવામાં આવી નથી. આ જાહેર ટી.પી. સ્કીમોને ધ્યાને લઈને બાંધકામ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, આથી તેમના ઉદ્યોગ – ધંધાને ભારે નુકસાની થઇ રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ છેલ્લા ર૦થી રપ વર્ષથી જે કોઈ પણ ટી.પી સ્કીમ ડ્રાફટ, સ્થગિત કે પ્રાઇમરી લેવલ પર છે તેઓને ફાઈનલ મંજૂરી આપી બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતીમાં લાવવા અનુરોધ કર્યો હતો. જો આમ કરવું શકય નહીં હોય તો ઓ.પી.માં એફ.પી. ફાળવી બાંધકામ પરવાનગી આપવા વિનંતી કરાઇ હતી.

ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રા.નું અપગ્રેડેશન કરાવવા બાબતે રજૂઆત કરાઇ

ડીજીવીસીએલના કીમ, કરંજ તથા મોટા બોરાસરા સબ ડિવીઝનથી ઉદ્યોગને મળતી વીજળીની ગુણવત્તામાં સુધારો કરવા વિનંતી કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ગમે ત્યારે ગમે તેટલી વાર પાવર કટનો મેસેજ મોકલી પાવર બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે વિવિંગ યુનિટો સહિત તમામ ફેકટરીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રાસ્ટ્રકચરનું અપગ્રેડેશન તાત્કાલિક ધોરણે કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા રજૂઆત

સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ ગુજરાતમાં હવે જગ્યા રહી નથી, જેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં તેવા પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા જોઇએ. હંગામી NA કરવાની નીતિ આવકારદાયક છે પણ તેમાં ૩૦ વર્ષના રૂપાંતરકરણ એકસાથે લઇ લેવાની વાત યોગ્ય નથી, તેને બે તબકકામાં લેવાવા જોઇએ. ભરૂચ જિલ્લામાં કેટલાક ગામોમાં જંત્રીના દર વાસ્તવિક દર કરતા વધારે છે, તેથી તેને વાસ્તવિક દરની નજીક લાવવા જોઇએ. લો ટેન્શન ધરાવતા ઉદ્યોગો સોલારનો ઉપયોગ કરી શકે તે માટે ટીવીએમની છુટ આપવી જોઇએ અને એબીટી મીટરનો આગ્રહ રાખવો જોઇએ નહીં. આદિવાસીઓ પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી શકે તે માટે તેના ફોર્મમાં તે અંગેનું પ્રોવિજન કરવું જોઇએ અને તે માટેની પરવાનગી આપવી જોઇએ.

નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરાઇ
ગુજરાત રિન્યુએબલ પોલિસી– ર૦ર૩માં નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નાના ગ્રાહકો ઓપન એકસેસ મિકેનિઝમ થકી જ્યારે પોતાના પ્રોજેકટ સ્થાપે છે ત્યારે તેઓએ પોતાના ઉત્પાદન સ્થળે એનર્જી એકાઉન્ટીંગ માટે ટીવીએમ મીટર નાંખી શકે તે માટેની સ્પષ્ટતા ઉર્જા તથા પેટ્રો કેમિકલ વિભાગ દ્વારા લેખિતમાં થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ

આર્ટિફિશિયલ જરીના દર જ્યારથી પ ટકા કરવામાં આવ્યા છે ત્યારથી તેના ઉપર પોલિએસ્ટર ફિલ્મનું ઇન્વર્ટેડ ડયુટી હેઠળ મળતું રિફંડ બંધ કરવામાં આવ્યું હતું, જેથી નાના ઉદ્યોગોને ખૂબ જ નાણાંકીય મુશ્કેલી સહન કરવી પડતી નથી. તેથી આ રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવાનું સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી હતી. સાથે જ નેરો ફેબ્રિકસ કે જે પ૮૦૮ હેઠળ આવે છે એના ઉપર ૧ર ટકા જીએસટી લાગે છે એને બીજા HSNના નેરો ફેબ્રિકસના દર કે જે પ ટકા છે તેના સમકક્ષ કરવા જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા માટે સૂચન કરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરાઇ હતી. આ ઉપરાંત વેટ સમાધાન યોજના નવેસરથી લાગુ કરવા અને તેમાં વેરામાં પણ રાહત આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.

ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે રજૂઆત

ગુજરાત રાજ્યમાં આવેલ ઝીંગા ફાર્મિંગ પ્રવૃત્તિને કૃષિ દરે વીજળીનો દર નક્કી કરવા બાબતે, ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે અને કલેકટર કક્ષાથી CAA લાયસન્સની પ્રક્રિયા ઝડપી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવા રજૂઆત કરાઇ
સાદી રેતી કવોરી લીઝની મુદતમાં ૩ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જે તા. ૩૧ માર્ચ ર૦ર૪ સુધી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, આ સમય મર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાદી રેતી કવોરી લીઝ ૧ર કલાક ચલાવવામાં આવે છે અને બ્લેક ટ્રેપ કવોરી લીઝ ર૪ કલાક ચલાવવામાં આવે છે તો આ અંગે બંને રેતી કવોરી લીઝનો સમય સરખો એટલે કે ર૪ કલાક કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ સાથે મિટીંગમાં પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી મુખ્યમંત્રીશ્રીએ SGCCIના પ્રતિનિધિ મંડળને આપી હતી.