છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરવા સાથે અનેક પ્રશ્નો-સમસ્યાઓ વચ્ચે અટવાયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં નક્કર પગલાં ભરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સમાં શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જુદાજુદા સ્ટેક હોલ્ડર્સ, વેલ્યુ ચેઇન યુનિટ્સના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોજેક્ટ તેમજ અન્ય ડેવલપમેન્ટ મોટા પાયે થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક્સપર્ટસ સતત મોનીટરીંગ કરે તે માટે ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનું કામ કાપડ ઉદ્યોગના લગતા કોઇપણ ઇશ્યુ પરત્વે ચેમ્બર ઓફ કોમર્સ વતી પરામર્શ કરવાનું રહેશે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સના પહેલા ચેરમેને તરીકે આશિષ ગુજરાતીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું વિજય મેવાવાલાએ જણાવ્યું હતું. વધુમાં ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે.
મ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.
સુરત એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક અસલી નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતા હતા. 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકાતા હતા.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.
બાતમીના આધારે એઓસજીની ટીમે શનિવારે (21મી સપ્ટેમ્બર) સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચોથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઇડ કરી હતી. એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંથી 100 રૂપિયાના દરની 1 લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી. એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર કબજે કર્યા છે.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હતા. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલી નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો. માસ્ટર માઈન્ડ સાગરની સાથે રાહુલ, ભાવેશ અને પવનની ધરપકડ કરાઈ છે. ચાર આરોપીઓ માંથી એક મહારાષ્ટ્ર, એક એમપી અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.
સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત સ્ટેશન પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નં. 04 પર કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે. આથી બ્લોક 20 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.
આથી સુરત રેલ્વે સ્ટેશન પર ઉપડતી કે ટર્મિનેશન થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ, જેને ઉધના સ્ટેશન પર સ્થળાંતરીત કરી દેવામાં આવી હતી, તેને હજુ પણ લંબાવવામાં આવ્યું છે અને તે 30 સપ્ટેમ્બર 2024 સુધી યથાવત રહેશે. આ પરિવર્તન રેલવેની કામગીરીને સરળ બનાવશે અને સાથે જ સુરત સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે, મુસાફરોની સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે.
પશ્ચિમ રેલવેની અખબારી યાદી મુજબ, સુરત સ્ટેશનથી ઉપડતી કુલ આઠ પેસેન્જર ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશનથી ટૂંકી ઉપડશે, જ્યારે નવ ટર્મિનેટ ટ્રેનો ઉધનાથી ટૂંકી ઉપડશે. સ્ટેશનને બદલે સુરત સ્ટેશન. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
સુરત અને ઉધના વચ્ચે આંશિક રદ રહેનારી ટ્રેનની યાદી જોઈ લો:
એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં ભવ્ય નવરાત્રી નું આયોજન
જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જી નાઈન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે.
આયોજન દરમિયાન આઈસીયુ ઓન વિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે
વર્લ્ડ બીગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયમ ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રીફાઈંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઇન્ટની સુવિધા છે.
ખેલૈયાઓ માટે ફ્લોરિંગ માં આરસીસી સાથે લાઈન એલાઈમેન્ટ સેટ કરવામાં આવી છે તેમ જ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી ના સ્થળનાં આયોજન અંગે હિરેનભાઈ કાકડીયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા.
શહેરની વચ્ચે વચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી. શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નળી શકે છે.
દરરોજ 30 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટ ની સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રીનું આયોજન નક્કી કરાયું છે
અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમ જ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યા ની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.
સુરત વાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી નાઇન ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચના ઉપક્રમે કૉન્ફરન્સ IMACON SURAT 2024 રવિવાર, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ, સુરત ખાતે રાખવામાં આવી છે. આ કૉન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉકટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ, આણંદ, સુરતના ૧૪ જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. જેથી તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં સુરતના 500થી વધુ તબીબો ભાગ લેશે. આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે.
આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વકતવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. સુભાષ નંદવાની, ડૉ. જીગ્નેશ ઘેવરીયા, ડૉ. ચિંતન પ્રજાપતિ, ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. રીતેશ પ્રજાપતિ જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે.
ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ 2023-24 માટે “ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી” તેમજ “પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી” માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. જ્યારે “પ્રોફેટીબીલીટી મેનેજમેન્ટ” માટે રનર્સ અપ એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તા. 17/09/2024 ના રોજ પંજાબ રાજ્યના અમૃતસર શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ બેંકસ્ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ), દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 29 વર્ષમાં 26 શાખાઓ સાથે રૂ|. 5000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.
આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના 150 થી વધુ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી નાફકબના ચેરમેનશ્રી લક્ષ્મીદાસના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.
આ પ્રસંગે સકોબાના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બીરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.
મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોકજાગૃતિ માટેના કાર્ય કરતી રહી છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા પણ બેંકનાં ગ્રાહકોને આપી રહી છે. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. તે અમારા માટે આનંદની વાત છે. આ હર્ષ ને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.
લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા
યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.
નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.
ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.
મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત
કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર માટે રાજા પર વિદેશ જઈ રહ્યા હોવાની વાત બે દિવસથી સોશિયલ સાઇટ પર જંગલની આગની માફક વહેતી થઈ છે. તદ્દન પાયા વિહોણી આ વાતને લઈને સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થઈ ગયા છે. તેઓએ એક સાર્વજનિક કાર્યક્રમમાં માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે,આવી અફવાઓ કોણ ફેલાવે છે ? મુખ્યમંત્રી ક્યાંય -કશે વિદેશ જવાના નથી, આ હાથ-માથા વગરની કોરી અફવા જ છે’ તેમણે ચેતવણીના સૂર ઉચ્ચારતા કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને નોટિસ પણ ફટકારવામાં આવશે.
અફવાને આંખ કે પાંખ હોય ? જાણો, શી હતી મૂળ વાત ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)આગામી દિવસોમાં બીમાર પુત્રની સારવાર માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમઓ પાસે એક માસની રજા માંગી છે. જો કે આવા સમયે સીએમ અમેરિકાના પ્રવાસે જાય તો તેમનો ચાર્જ કોને સોંપવો તે અંગે મથામણ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે. તેમજ તેમનો આ પ્રવાસનો સમયગાળો ઓછો કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે તેવી પણ સંભાવના છે.
સચિવાલયમાં પણ ચર્ચાઓ
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ સીએમ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્યને કોઇ મંત્રીને આ ચાર્જ સોપવામાં આવી શકે છે. આ અંગે સચિવાલયમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે.
પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.
દેશ નહીં પણ દુનિયાની દિગ્ગજ કંપની રિલાયન્સ લિમિટેડના ડાયરેક્ટર અને રાજ્યસભાના સ્વતંત્ર એમ.પી. પરીમલ નથવાણી આજે સુરતની મુલાકાતે હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ સુરતના કોટ વિસ્તારમાં આવેલી દાયકાઓ જૂની જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની દુકાને પહોંચ્યા હતા. તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર લખ્યું કે તેઓ 20 વર્ષ પછી આ જગ્યાએ ફરી આવ્યા છે અને તેમણે સુરતની આ ફેમસ અને અસ્સલ સુરતી ફરસાણ માટે જાણિતી દુકાનમાં જઇને ગરમાગરમ રતાળુપૂરી, પૂરી ભાજી અને મિક્સ ભજીયા આરોગ્યા હતા.
તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચૌટાબજારમાં સ્થિતિ સામાન્ય હતી. અનેક રાહદારીઓ અને વાહનચાલકોને ખબર સુધ્ધા ન હતી કે દેશના હાઇપ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પૈકીના એક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીના ડિરેક્ટર અને રાજ્યસભાના મેમ્બર ચૌટાબજારની દુકાન આગળ ઉભા રહીને નાસ્તો કરી રહ્યા છે.
તેમણે જ્યારે ફેસબુક અને ટ્વીટર જેવા પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર આ માહિતી શેર કરી ત્યારે અનેક સુરતીઓ આશ્ચર્ય પામ્યા હતા.
Visited the iconic Joshi Jeshankar Dhanjibhai Bhajiyavala at Chauta Bajar, #Surat, after 20 years. Tried the delicious Ratalu Puri-sabji, and mix bhajiya. Had a great chat with the shop owner and learned they even cook fresh Undhiyu! A true gem of Surat's food culture.… pic.twitter.com/nzuKB2cEKK
ચૌટાબજારની સુવિખ્યાત જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની પેઢી સુરત ભાજપના પૂર્વ પ્રમુખ અને અસ્સલ સુરતી નીતિનભાઇ ભજીયાવાળાના પરીવારની છે. નીતિન ભજીયાવાળાએ પણ રિલાયન્સના ડિરેક્ટર પરીમલ નથવાણીની મુલાકાત બાદ તેમનો સોશ્યલ મિડીયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી.
રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.
સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.