ગત મે મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી દેશમાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાતમાં 86.65 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત 13મી મેના રોજથી અમલી બને તેમ સરકારે સોનાચાંદીની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ચાંદીની આયાત મે, 2025નાં 56.622 કરોડ ડૉલર સામે ઘટીને 7.557 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ગત મે મહિનામાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત)28.21 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે નવી દિલ્હી ખાતે ગત મે મહિનામાં સોનાના વેરા સહિતનાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.60 લાખ આસપાસ રહ્યા, જ્યારે ચાંદીના ભાવ 2.60 લાખ આસપાસ રહ્યા હતા.
દેશમાં સોનાની આયાત માટેના મુખ્ય સ્રોતમાં સ્વિટ્ઝર્લેન્ડ 40ના હિસ્સા સાથે મોખરે છે. ત્યાર બાદ અનુક્રમે યુએઈનો હિસ્સો 16 ટકા અને દક્ષિણ આફ્રિકાનો હિસ્સો અંદાજે 10 ટકા છે. જોકે, ગત મે મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડથી સોનાની આયાતમાં 57.73 ટકાનો અને એપ્રિલ તથા મે મહિનાની કુલ આયાતમાં 20.34 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય બાબત એ છે કે દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુઓની આયાતનો હિસ્સો પાંચ ટકા જેટલો હોય છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત એપ્રિલ અને મે મહિનામાં સોનાની કુલ આયાત ગત સાલના સમાનગાળાની તુલનામાં 60.14 ટકા વધીને 9.04 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાત 33 ટકા વધીને 48.658 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની સોનાની આયાત 24 ટકા વધીને 71.98 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી, પરંતુ પ્રમાણની દૃષ્ટિએ આયાત 4.76 ટકાના ઘટાડા સાથે 721.03 ટનના સ્તરે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકનો સૌથી મોટો સોનાનો વપરાશકાર દેશ છે અને સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની માગ આયાતથી સંતોષાય છે, પરંતુ સોનાની આયાત થતી હોવાથી તેની સીધી અસર ચાલુ ખાતાની ખાધ પર પડતી હોય છે. ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં અથવા તો ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં 0.7 ટકા અથવા તો 7.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, તે પૂર્વેના નાણાકીય વર્ષના સમાનગાળામાં ચાલુ ખાતાની પુરાંત જીડીપીના 1.4 ટકા અથવા તો 13.7 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.
જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 25.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે તે પૂર્વેના નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 22.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક નવી દિશા
SGCCI દ્વારા નીતિનું વિશ્લેષણ
ગુજરાત સરકારે જાહેર કરેલી “વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026″ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટેનું એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પગલું છે. આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને આગામી બે દાયકામાં વૈશ્વિક સ્તરે અગ્રણી મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને ટેક્નોલોજી હબ તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે તૈયાર કરવામાં આવી છે.
વર્ષ 2020ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પછી વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનમાં મોટા ફેરફારો આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને નવી પોલિસીમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇ-મોબિલિટી, રોબોટિક્સ, ડ્રોન, R&D અને સ્ટાર્ટઅપ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
2020 અને 2026ની પોલિસી વચ્ચેના મુખ્ય ફેરફારો
મુદ્દો
ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020
વિકસિત ગુજરાત પોલિસી 2026
તાલુકા વર્ગીકરણ
3 કેટેગરી (Category 1, 2, 3)
માત્ર 2 કેટેગરી – A (Developing) અને B (Developed)
MSME વ્યાખ્યા
જૂની MSME વ્યાખ્યા આધારિત
કેન્દ્ર સરકારની સુધારેલી MSME વ્યાખ્યા સાથે સુસંગત
થ્રસ્ટ સેક્ટર્સ
EV, Industry 4.0, Green Energy
Semiconductor, Green Hydrogen, Robotics, Drones, E-Mobility સહિત વિસ્તૃત ક્ષેત્રો
R&D સહાય
મર્યાદિત સહાય
50% સુધી કેપિટલ સબસિડી અને વિશેષ R&D સપોર્ટ
Startup સહાય
₹20,000 નિર્વાહ ભથ્થું
₹25,000 નિર્વાહ ભથ્થું અને મહિલા સ્ટાર્ટઅપ માટે ₹30,000
Mega Projects
મર્યાદિત પ્રોત્સાહન
વધુ ઊંચી કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડી
Environmental Support
પ્રાથમિક પ્રોત્સાહનો
ZLD, Wastewater Recycling અને Cleaner Production માટે વિશેષ સહાય
નવી નીતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉત્પાદન આધારિત અર્થતંત્ર નહીં પરંતુ ટેક્નોલોજી અને જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.
નીતિના મુખ્ય મુદ્દાઓ (Key Policy Highlights)
🔹 તાલુકા વર્ગીકરણ અને MSME વ્યાખ્યા
તાલુકા વર્ગીકરણમાં મહત્વનો ફેરફાર
અગાઉની નીતિમાં તાલુકાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. નવી નીતિમાં તેને સરળ બનાવીને માત્ર બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે:
Category A – Developing Talukas
Category B – Developed Talukas
આ ફેરફારથી ઉદ્યોગકારો માટે પ્રોત્સાહનોની સમજ વધુ સરળ બનશે અને પછાત વિસ્તારોમાં રોકાણને વધુ પ્રોત્સાહન મળશે.
MSME વ્યાખ્યા
MSME ની વ્યાખ્યાને કેન્દ્ર સરકારની નવી વ્યાખ્યા સાથે સુસંગત બનાવવામાં આવી છે, જેના કારણે વધુ એકમો MSME લાભો મેળવવા માટે પાત્ર બનશે.
🔹 સબસિડી અને પ્રોત્સાહનો
નવી પોલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે માત્ર MSME જ નહીં પરંતુ:
MSME
Large Industries
Mega Projects
Ultra Mega Projects
તમામ માટે કેપિટલ, વ્યાજ અને પાવર સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે.
માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે વિશેષ લાભ
માઇક્રો એન્ટરપ્રાઇઝિસને મળતી કેપિટલ સબસિડી પ્રથમ વર્ષમાં જ મુક્ત કરવામાં આવશે, જેના કારણે શરૂઆતના તબક્કે રોકડ પ્રવાહની સમસ્યા ઓછી થશે.
આ ક્ષેત્રો આગામી દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય વૃદ્ધિ એન્જિન બનવાના છે.
🔹 Startup Ecosystem માટે વિશેષ સહાય
ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્ર માટે વધુ આકર્ષક સહાય પેકેજ જાહેર કર્યું છે.
સહાય
લાભ
Sustenance Allowance
₹25,000 પ્રતિ મહિનો
Women-led Startups
₹30,000 પ્રતિ મહિનો
Seed Support
₹30 લાખ સુધી
Social Impact Startups
વધારાના ₹10 લાખ
Accelerator Support
ઉપલબ્ધ
Mentorship Support
ઉપલબ્ધ
આ પગલાંઓ ગુજરાતને દેશના અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે વધુ મજબૂત બનાવશે.
🔹 Industrial Infrastructure અને R&D
Industrial Parks
ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવતા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે:
પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી સહાય
મહત્તમ ₹50 કરોડ સુધી કેપિટલ સબસિડી
આ પગલાંથી રાજ્યમાં નવા ઔદ્યોગિક ક્લસ્ટર્સ વિકસવાની સંભાવના વધશે.
R&D Support
સંશોધન અને વિકાસ ક્ષેત્ર માટે ગુજરાત સરકારે વિશેષ પ્રોત્સાહન જાહેર કર્યું છે.
50% સુધી કેપિટલ સબસિડી
વાર્ષિક મહત્તમ ₹50 કરોડ સુધી સહાય
પેટન્ટ અને ઇનોવેશન માટે વિશેષ પ્રોત્સાહન
આ જોગવાઈઓ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબમાંથી ઇનોવેશન હબ બનાવવામાં મદદરૂપ બનશે.
🔹 પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે સહાય
નવી પોલિસીનો મહત્વપૂર્ણ ભાગ ટકાઉ વિકાસ (Sustainable Development) છે.
સામાન્ય પર્યાવરણ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વીજળી ટેરિફ સહાય – ₹1 પ્રતિ યુનિટ
💧 Wastewater Recycling
પ્રોજેક્ટ પ્રકાર
સહાય
70% અથવા વધુ રિસાયક્લિંગ
50% સહાય (મહત્તમ ₹75 કરોડ)
અન્ય પ્રોજેક્ટ્સ
40% સહાય (મહત્તમ ₹50 કરોડ)
💧 Zero Liquid Discharge (ZLD)
MSMEs માટે
50% સહાય
મહત્તમ ₹5 કરોડ પ્રતિ MLD
Large / Mega / Ultra Mega Projects માટે
40% સહાય
મહત્તમ ₹7.5 કરોડ પ્રતિ MLD
🌱 Cleaner Production Technologies
MSMEs માટે
50% કેપિટલ સબસિડી
મહત્તમ ₹1 કરોડ
Large / Mega / Ultra Mega Projects માટે
25% કેપિટલ સબસિડી
મહત્તમ ₹2 કરોડ
આ જોગવાઈઓ રાજ્યના ઉદ્યોગોને ESG અને વૈશ્વિક Sustainability Standards સાથે સુસંગત બનાવવામાં મદદ કરશે.
સુરત અને દક્ષિણ ગુજરાત માટે સંભવિત લાભ
આ નવી પોલિસીથી ખાસ કરીને નીચેના ક્ષેત્રોને મોટો લાભ મળશે:
ટેક્સટાઇલ અને ટેક્નિકલ ટેક્સટાઇલ
ડાયમંડ અને જ્વેલરી
એન્જિનિયરિંગ
કેમિકલ અને પેટ્રોકેમિકલ
પ્લાસ્ટિક ઉદ્યોગ
ફૂડ પ્રોસેસિંગ
રિન્યુએબલ એનર્જી
ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન
SGCCI નો અભિપ્રાય
વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 માત્ર પ્રોત્સાહન આપતી નીતિ નથી, પરંતુ ગુજરાતને આગામી 20 વર્ષ માટે વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાનો રોડમેપ છે.
આ નીતિ દ્વારા:
✔ નવા રોકાણો આવશે ✔ રોજગારીમાં વધારો થશે ✔ MSME ક્ષેત્ર વધુ મજબૂત બનશે ✔ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે ✔ ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ વિકાસને વેગ મળશે ✔ ગુજરાતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે
SGCCI ગુજરાત સરકારની આ દુરંદેશી પહેલને આવકારે છે અને માને છે કે આ નીતિ ગુજરાતને ભારતનું સૌથી આકર્ષક રોકાણ ગંતવ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અશોક જીરાવાલા પ્રમુખ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / જેલ સિપાઇ /એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની કુલ 12,733 પોસ્ટ માટે આજે 14 જૂનના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ મળી કુલ-7 શહેરોના મળીને કુલ 879 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. જેમાં, શિક્ષણ વિભાગના આશરે 17000 જેટલા અને પોલીસ વિભાગના આશરે 9000 જેટલા અધિકારી / કર્મચારીઓ દ્વારા ફરજ બજાવી હતી.
આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એ હેતુ દરેક જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાએથી તથા પોલીસ કમીશ્નર વિસ્તારમાં આઇ.જી.પી./ડી.આઇ.જી.પી. કક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં કુલ 19 જેટલા આઇ.પી.એસ. અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાનું CCTV રેકોર્ડીંગ તેમજ લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફીકેશન પણ કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષામાં કુલ 2,63,345 પૈકી, આશરે 2,40,000 ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારોના સરેરાશ 91% ઉમેદવારોએ હાજર રહીને પરીક્ષા આપી હતી. આમ આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. હાલ બોર્ડ દ્વારા દરેક ઉમેદવારોની OMR શીટની સ્કેનીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 24 કલાકમાં પરીક્ષામાં ભાગ લીધેલ તમામ ઉમેદવારોની સ્કેન કરેલ OMR શીટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે નહિ વધારે અઘરું કે નહિ વધારે સહેલું પણ એકંદરે સંતુલિત અને ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસનારું રહ્યું હતું. પ્રશ્નપત્રના વિષયવાર વિશ્લેષણ પર નજર કરીએ તો, ગણિત (Mathematics) અને રીઝનિંગ (Reasoning) વિભાગને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં કોડિંગ-ડીકોડિંગ , બેઠક વ્યવસ્થા (પઝલ) , લોહીના સંબંધો , નફો-નુકસાન , લ.સા.અ.-ગુ.સા.અ. , સંભાવના , અને સમય-અંતર-ઝડપને લગતા ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછાયા હતા.
આ ઉપરાંત, ઉમેદવારોની ભાષાકીય અને આકલન શક્તિની ચકાસણી કરવા માટે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ , પર્યાવરણ પ્રદૂષણ , સનદી સેવાઓ અને ગુપ્તચર સંસ્થા ‘રો’ (RAW) આધારિત લાંબા ફકરાઓ (Comprehension) મૂકવામાં આવ્યા હતા , જેના આધારે પ્રશ્નોના જવાબો શોધવાના હતા.
બીજી તરફ, સામાન્ય જ્ઞાન (GK) અને બંધારણ (Constitution) વિભાગમાં પણ પ્રશ્નોનું સ્તર ઘણું પ્રભાવશાળી જોવા મળ્યું હતું. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો , કટોકટીની જોગવાઈઓ , સંસદીય સમિતિઓ અને ન્યાયતંત્રને લગતા પ્રશ્નો વિગતવાર પૂછવામાં આવ્યા હતા.
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની લોકસંસ્કૃતિ , આદિવાસી મેળાઓ , ભવાઈ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિકારી ઘટનાઓ જેમ કે કાકોરી ટ્રેન લૂંટ અને ભગતસિંહ પર વિશેષ ભાર મૂકાયો હતો. ભૂગોળમાં ખડકો , જ્વાળામુખી અને નદીઓ તેમજ વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો (Current Affairs) માં વર્ષ 2026ના અંદાજપત્રની જોગવાઈઓ , રાષ્ટ્રીય પુરસ્કારો અને નવીન સરકારી યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં (ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતું ફ્રીઝ કરી દેવું એક બંધારણીય અધિકારના ઉલ્લંઘન (ભંગ) સમાન છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ દરમિયાન બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા માટે તપાસની એજન્સીની સત્તા પર વિવાદ હોઈ શકે નહીં પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિની રીતે કરવો ખૂબ જરૂરી છે.
બેન્ક ખાતું ફ્રીઝ કરવા પર હાઇકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે સામાન્ય નાગરિકોના હિતમાં એક ઘણો મોટો અને મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. ઘણીવાર એવું બને છે કે સાયબર ક્રાઇમની તપાસના નામે પોલીસ કે તપાસ એજન્સીઓ કોઈ પણ વ્યક્તિની સાચી સંડોવણી કે ભૂમિકા સાબિત કર્યા વિના જ તેનું આખું બેન્ક ખાતું ફ્રીઝ કરી દે છે. આના કારણે જે-તે વ્યક્તિ ગુનામાં ક્યાંય સામેલ ન હોય તો પણ તેના પોતાના કાયદેસરના નાણાં બ્લોક થઈ જાય છે અને રોજિંદા ખર્ચ માટે તેને બિનજરૂરી રીતે ભારે હાલાકી ભોગવવી પડે છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શંકાસ્પદ રકમ કેટલી છે તેની ચોખવટ કર્યા વગર કે નાગરિકનો વાંક સાબિત કર્યા વિના આખું એકાઉન્ટ બંધ કરી દેવું એ તેના મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. અદાલતનો આ ચુકાદો સાયબર ક્રાઇમની તપાસના બહાને હેરાન થતા નિર્દોષ લોકો માટે બહુ મોટી રાહત સમાન સાબિત થશે, કારણ કે હવે તપાસના નામે આડેધડ આખા ખાતા ફ્રીઝ કરી શકાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટે ખાતાને તાત્કાલિક ડી-ફ્રીઝ કરવાનો કર્યો હુકમ
ગુજરાત હાઇકોર્ટે પીડિત ખાતાધારકને મોટી રાહત આપતા તેનું બેન્ક ખાતું તાત્કાલિક ચાલુ (ડી-ફ્રીઝ) કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે વચગાળાનો માર્ગ કાઢતા જણાવ્યું કે, ખાતામાં જે માત્ર 1100 રૂપિયાની રકમ શંકાસ્પદ જણાઈ છે, બેન્ક ફક્ત એટલા જ રૂપિયા હોલ્ડ (લીયન) પર રાખે અને બાકીનું આખું ખાતું ઓપરેટ કરવાની ખાતાધારકને છૂટ આપે. આ કેસનો છેલ્લો નિર્ણય હવે પોલીસ તપાસના પરિણામ પર આધારિત રહેશે, પરંતુ ત્યાં સુધી નાગરિક પોતાના ખાતામાંથી કાયદેસરની લેવડ-દેવડ ચાલુ રાખી શકશે.
હાઇકોર્ટમાં અરજદાર ખાતાધારકની રિટ અરજી
આ કેસમાં પીડિત ખાતાધારકે હાઇકોર્ટમાં રિટ અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમનું ગાંધીનગરની ઇન્ફોસિટી બ્રાંચની એચડીએફસી બેન્કમાં એક સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. આ તેમનું મુખ્ય બેન્ક ખાતું છે, જેનો ઉપયોગ તેઓ પોતાના પગાર મેળવવા તેમજ ઘરખર્ચ, મકાનનું ભાડું અને લોનના ઇએમઆઈ ચૂકવવા જેવી રોજિંદી જરૂરીયાતો માટે કરે છે.
પરંતુ સાયબર ક્રાઇમ વિભાગ તરફથી મળેલી માત્ર બે ફરિયાદોના આધારે, બેન્કે તેમના આ આખા ખાતામાંથી થતા તમામ નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી. આ આડેધડ લેવાયેલા પગલાના કારણે નિર્દોષ ખાતાધારકને પોતાના જ પૈસા વાપરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અરજદારનો સાયબર ગુનામાં કોઈ જ હાથ નથી
અરજદારનો કોઈ સાયબર ગુનામાં હાથ નથી અને તેઓ આ કેસમાં આરોપી કે શંકાસ્પદ પણ નથી. પરંતુ સાયબર ક્રાઇમની તપાસમાં જે ખાતાઓના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે, તેમાં અરજદારના ખાતાના રૂ. 1100ના બે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના કારણે આખું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું, જેના લીધે તેઓ પોતાની કાયદેસરની કમાણી વાપરી શકતા નથી કે ઉપયોગ કરી શકતા નથી.
જસ્ટિસ નિરલ આર. મહેતાએ પક્ષકારોને સાંભળ્યા બાદ આપ્યો આદેશ
જસ્ટિસ નિરલ આર. મહેતાએ આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, સાયબર ક્રાઇમની તપાસમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફરની જે કડી (ટ્રેલ) સામે આવી છે, તેમાં અરજદારનું બેન્ક ખાતું પણ જોડાયેલું જોવા મળ્યું હતું. જોકે, આ કેસમાં શંકાસ્પદ વ્યવહાર માત્ર 500 અને 600 રૂપિયા મળીને કુલ 1100 રૂપિયા જેટલો જ મર્યાદિત હતો, છતાં પણ એજન્સી દ્વારા નાગરિકનું આખું બેન્ક ખાતું જ ફ્રીઝ કરી દેવાયું હતું.
આ બાબતને ધ્યાને રાખીને હાઇકોર્ટે વચગાળાનો રસ્તો કાઢ્યો અને આદેશ આપ્યો કે ખાતામાં માત્ર વિવાદિત 1100 રૂપિયાની રકમ પર જ પ્રતિબંધ રહેશે, જ્યારે બાકીનું આખું એકાઉન્ટ અરજદાર પહેલાની જેમ જ ઓપરેટ કરી શકશે. તેની સાથે જ કોર્ટે અરજદારને એવો પણ આદેશ કર્યો છે કે જ્યારે પણ તપાસ એજન્સીને જરૂર જણાય ત્યારે તેમણે તપાસમાં પૂરો સહકાર આપવો પડશે.
સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ચાલી રહેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં Date 7 June 2026 રવિવારે સ્ટેજ પાસે આવીને કેટલાક લોકો ધૂણતા તેમ જ એક મહિલાએ ધૂણતાં- ધૂણતાં આસપાસમાં ઊભેલા લોકો પર હુમલો કરતાં હોબાળો થયો હતો અને વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં લોકો ધૂણતા હોય એવા વિડિયો વાઇરલ થયા હતા જેના કારણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. આ મુદ્દે વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી.
સ્ટેજ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક બોલી રહ્યા હતા એ દરમ્યાન સ્ટેજની સામે કેટલીક મહિલાઓ, પુરુષો અને બાળક આવીને ધૂણવા માંડ્યાં હતાં. ધૂણતાં-ધૂણતાં કેટલાક લોકો ચીસો પાડતા હતા તો કેટલાક લોકો રડતા હતા. એટલું જ નહીં, કેટલાક જમીન પર આળોટતા હતા. ધૂણતા લોકોના વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર હુમલો કર્યો હતો. એક પત્રકાર પર પણ આ મહિલાએ હુમલો કર્યો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો. જોકે લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતમાં ગેરકાયદે છે : પુરુષોત્તમ પીપળિયા
રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતના પ્રવર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે છે તો શા માટે પોલીસ નથી રોકતી એને? શા માટે પ્રશાસન નથી રોકતું? શા માટે કલેક્ટર તંત્ર સરકારનું ધ્યાન દોરતી નથી? અને આવા ડખાળા થવા દે છે.’
બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું : મંગેશ દેસાઈ
કથાના આયોજકો પૈકીના મંગેશ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા મંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપ્યું નહોતું ધૂણવા માટે.’
દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે…
સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.
આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.
ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.
જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.
ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈના હેતુથી ઉતરેલા 4 સફાઈ કામદારોના અંદર ફસાઈ જવાથી મોત નીપજ્યા છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેન્કની અંદર એકત્રિત થયેલા અતિ ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની પ્રબળ આશંકા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ ઘટનાની વિગતો મુજબ, આજે સવારે અંદાજે 10.22 વાગ્યે સુરત ફાયર કંટ્રોલ રૂમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. આ કોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ચોર્યાસી ડેરીની બાજુમાં, ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) પરિસરમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બચાવ ટુકડી સત્વરે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ટેન્ક ચેમ્બર સાફ કરવા અંદર ઉતરેલા કુલ ચાર શ્રમિકો અંદર ઝેરી ગેસની અસરમાં આવીને બેભાન થઈ ગયા છે.
ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તમામની ગંભીર સ્થિતિને જોતા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિકહોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કયા કારણોસર આ બેદરકારી દાખવવામાં આવી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.
અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission)ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને CBSE ની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આવી સ્થિતિમાં પાછળ ચાલતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.