પહેલા બે મેચમાં એકતરફી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ સોમવારે રમાનાર આખરી વન ડેમાં પણ ઝિમ્બાબ્વેને હરાવીને સુપડાં સાફ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજો મુકાબલો પણ એ જ મેદાન હરારે સ્પોર્ટસ કલબ ખાતે અને એ જ સમયે એટલે કે 12-4પથી શરૂ થશે. આ જ મેદાન પર પહેલા બે મેચ રમાયા હતા. જેમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઝિમ્બાબ્વેની ટીમને પરાસ્ત કરી હતી. ત્રીજા મેચમાં પણ કહાની બદલવાની સંભાવના નથી. ઝિમ્બાબ્વેની ટીમ આ વન ડે શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે તદ્દન નબળી સાબિત થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ત્રીજા મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે. યુવા ખેલાડીઓ મોકાનો પૂરો લાભ લઈ રહ્યા છે. જો કે કાર્યવાહક સુકાની કેએલ રાહુલનું બેટ હજુ સુધી બોલ્યું નથી. ભારતીય બોલરોએ બન્ને મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કાતિલ બોલિંગ કરી છે અને 189 અને 161 રનમાં ગૃહ ટીમનો સંકેલો કર્યો છે. પ્રતિભાશાળી શુભમન ગિલે બન્ને મેચમાં રન કર્યા છે. ત્રીજા મેચમાં તે વધુ એક મોટી ઇનિંગ રમવા ઇચ્છશે.
કપ્તાન રાહુલ ફરી એકવાર ઓપનિંગમાં આવી શકે છે. આ વખતે તેની સાથે કદાચ અનુભવી ધવન સાથીદારનાં રૂપમાં જોવા મળી શકે છે. ઇશાન કિશનને વધુ એક મોકો મળી શકે છે. ખાસ કરીને ભારતીય બોલર્સ દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ સામે ઝિમ્બાબ્વેના બેટધરોની ફરી કસોટી થશે. હોમ ટીમને તેના સ્ટાર બેટર્સ સિકંદર રઝા અને સીન વિલિયમ્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે.
મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની દીકરીનો એક હોસ્પિટલમાં ડોક્ટરને થપ્પડો મારતો વિડીયો વાયરલ થયો છે. તે પછી મિઝોરમના મુખ્યમંત્રીએ જાહેરમાં માફી માગી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કહ્યું કે, તેઓ પોતાની દીકરીના આવા વ્યવહારને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકે તેમ નથી. સીએમએ કહ્યું કે, દીકરીએ ડોક્ટર પાસે જઈને તેમની માફી માગી લીધી છે. મુખ્યમંત્રીની દીકરી મિલારી છાંગતેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તે એક ડોક્ટરને થપ્પડો મારી રહી હતી.
17/8/22, બુધવારે બનેલી આ ઘટનાથી ડોક્ટરોમાં રોષ છે. 20/8/22, શનિવારે 800થી વધુ ડોક્ટરોએ કથિત હુમલાની ટીકા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ડોક્ટરે કહ્યું કે, છાંગતેએ આઈઝોલ સ્થિત ચામડીના રોગના ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોક્ટરે છાંગતેને કહ્યું કે, તેમણે ક્લિનિક પર એપોન્ટમેન્ટ લઈને આવવું જોઈતું હતું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી અને થપ્પડો મારી દીધી હતી.
આઈએમએના મિઝોરમ યુનિટે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ડોક્ટરોની સાથે આ પ્રકારનો વ્યવહાર ફરીથી ન થાય.
મુખ્યમંત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘ડોક્ટર સાથે મારી દીકરીએ જે વ્યવહાર કર્યો તેના બચાવમાં હું કઈ કહેવા નથી માગતો. અમે જનતા અને ડોક્ટરોની માફી માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બીજી દીકરીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની બહેન તરફથી માફી માગી હતી અને કહ્યું હતું કે, માનસિક તણાવને કારણે તેમની બહેન ગુસ્સે થઈ ગઈ હતી.
ધો.12 બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ અને નીટ બેઝ સિવાયના કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી જેવા નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. તા.25મી ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે.
વધુ માહિતી માટે નીચે મુજબની સરકારની જાહેરાત વાંચવી.
દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી ત્યારે ઉજવણી માટેના મુખ્ય શહેરો પૈકીના એક મથુરાના જગપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભાગદોડની કમનસીબ ઘટના બની હતી.
મથુરા સ્થિત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તા.19મી ઓગસ્ટને જન્માષ્ટમી, શુક્રવારની રાતે મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા નોઈડાના રહેવાસી હતા.
આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલો મળ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
– ગુજરાત એટીએસ અને મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલનું ઓપરેશન
– સાવલી નજીક મોક્સી ખાતેની કેમિકલ ફેક્ટરીમાંથી 225 કિલો અને પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ સાથે 7ની અટકાયત
– દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપાયું
સાવલી,અંક્લેશ્વર : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે નેક્ટર કેમ નામની કેમિકલ કંપનીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સનો ૨૨૫ જથ્થો ઝડપી પાડયો છે આ ડ્રગ્સની કિમત આંતર રાષ્ટ્રીય બજારમાં આશરે ૧,૧૨૫ કરોડ થાય છે. બીજી બાજુ મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે ભરૂચ જિલ્લામાં પાનોલી જીઆઇડીસીની એક કંપની પર દરોડો પાડીને ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને સાતની અટકાયત કરી છે. આમ આ ડ્રગ્સની કિંમત ૧૦૨૬ કરોડ થાય છે. ગુજરાતમાં એક જ દિવસમાં આશરે ૨૧૫૧ કરોડની કિંમતનું આશરે ૭૩૮ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આમ દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનું ષડયંત્ર ઝડપી પાડયું છે.
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે,વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે એક ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. જેથી,એ.ટી.એસ.ની ટીમે મોક્સી ગામે આવેલી નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડો પાડયો હતો.કંપનીમાંથી કોઇ ભાગી ના જાય તે માટે કંપનીને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.કંપનીમાં તપાસ કરતા એમ.ડી.ડ્રગ્સનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેથી,ફોરેન્સિક નિષ્ણાંતની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરાવવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલો જથ્થો એમ.ડી.ડ્રગ્સ હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે ૨૨૫ કિલો એમ.ડી.ડ્રગ્સ કિંમત ૧,૧૨૫ કરોડનું જપ્ત કર્યુ છે.ડીવાય.એસ.પી.કે કે પટેલે જણાવ્યું હતું કે,ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો.આ ડ્રગ્સનો જથ્થો અન્ય કોઇ સ્થળેથી તૈયાર થઇને અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો.એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ક્યાં તૈયાર કરવામાં આવ્યો હતો ? તે અંગે તપાસ ચાલી રહી છે.ફેક્ટરીમાંથી કંપનીના માલિક પીયૂષ પટેલ અને એક કર્મચારી હાજર મળી આવ્યા હતા.તેઓની પૂછપરછ ચાલી રહી છે.ગુજરાતના ઇતિહાસમાં એમ.ડી.ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે.આ કંપની વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરે છે.અને કોરોના કાળમાં કોરોના સંબંધિત કેમિકલનું ઉત્પાદન થતું હતું.
પરંતુ, તેની આડમાં એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની જાણકારી મળી હતી.પરંતુ,રેડ પછી આ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.
પાનોલી જીઆઇડીસીની કંપનીમાંથી 513 કિલો ડ્રગ્સ જપ્ત
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર નજીક પાનોલી જીઆઇડીસીની એક ફાર્મા કંપનીમાંથી મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે દરોડો પાડી અંદાજે ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૃા.૧૦૨૬ કરોડ આંકવામાં આવી રહી છે.
મુંબઇની એન્ટી નાર્કોટિક્સ સેલના વરલી યુનિટ દ્વારા ગઇરાતે ભરૂચ જિલ્લા પોલીસની મદદ મેળવી પાનોલી જીઆઇડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જે પાવડર તેમજ પ્રવાહી સ્વરૂપે હતો.
આ સમગ્ર કાર્યવાહી અંગે જોકે પોલીસ તંત્રે કોઇ સતાવાર વિગતો જાહેર કરી નથી, હાલ પોલીસે સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લામાં સાવલી નજીક મોક્સી ગામે નેક્ટર કેમ કંપનીમાં ગુજરાત એટીએસ દ્વારા જે દરોડો પાડીને અંદાજે ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડયું તેની સાથે સાથે પાનોલી જીઆઇડીસી ખાતેની કંપનીમાં પણ દરોડા પાડતા રાજ્યમાં સંભવત પ્રથમ વખત આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.
આ કંપની પાનોલી જીઆઇડીસીમાં ડાઇઝ અને ડાઇ ઇન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ અગાઉ શરૂ થઇ હતી, જેમાં રૂપિયા ૪૪૨ લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ કંપનીમાંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે, તેનાથી સ્થાનિક ઉદ્યોગ જગત પણ ચોંકી ઊઠયું છે.
ભૂતકાળમાં ગુજરાત એટીએસે પાનોલી જીઆઇડીસીની મીરા કેમિકલની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો.
દરમ્યાન તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ કયાં મોકલવામાં આવનાર હતું, ક્યારથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે, તે અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાંથી એમડી ડ્રગ્સ મુંબઇ, કર્ણાટક તેમજ ગોવા મોકલવામાં આવતુ હતું. મુંબઇ નાર્કોટિક્સ વિભાગની ટીમે મુંબઇના નાલા સોપારા ખાતેથી હાલ એક ડ્રગ પેડલરને ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં પાનોલીમાં એમડી ડ્રગ્સ બનતું હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગત રાત્રિથી ગુજરાતમાં બે ઠેકાણે દરોડા પાડયા હતા.
તપાસ ટીમે ૮૧૨ કિલો કરતા વધારે સફેદ પાવડર જપ્ત કર્યો હતો. જે એમડી(મેફેડ્રોન) ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આ ઉપરાંત ૩૯૭ કિલો કરતા વધારે છીકણી રંગના ટુકડા કબજે કર્યા છે. જે પણ આ ડ્રગ્સ તૈયાર કરવામાં વપરાય છે. આમ, કુલ ૧૨૧૮ કિલો કરતા વધારે વજનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ૨૪૩૫ કરોડ થાય છે.
પાનોલીની કંપનીનો માલિક દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે
એન્ટી નાર્કોટિક્સ સેલના ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેના જણાવાયા મુજબ પાનોલી યુનિટનો માલિક ગિરિરાજ દિક્ષિત કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તા.૩ ના રોજ નાલા સોપારામાં ૭૦૦ કિલો એમડી ડ્રગ્સ, પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કિંમત ૧૪૦૦ કરોડ થાય છે. શમસુલ્લાહ ઓબેદુલ્લાહ ખાન (૩૮), અયુબ ઇઝહાર અહેમદ શેખ (૩૩), રેશમા સંજયકુમાર ચંદન (૪૯), રિયાઝ અબ્દુલ સતાર મેમણ (૪૩), પ્રેમ પ્રકાશ પ્રશાંતસિંહ (૫૨) અને કિરણ પવારને રેડ દરમિયાન ઝડપી પાડયા હતા દિક્ષિતની ફેક્ટરીમાંથી મુંબઇના પેડલર્સ અને આજુબાજુના વિસ્તારોમાં માલ સપ્લાય થતો હતો. દિક્ષિત અને તેના સાગરીતોએ પ્રયોગો કરીને એમડી ડ્રગ્સની ફોર્મ્યુલા વિકસાવી હતી.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો 1-09-2022થી 23-10-2022 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સિવાય આ જ સમયગાળા દરમિયાન ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાંચી, કાવેરી નદીનો ભાગ, દક્ષિણના ભાગોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક ઘોષણા કરી હતી. FIFAએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની કગાર પર છે પરંતુ હજુ થોડો સમય બાકી છે.
FIFA દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે અને AIFF વહીવટ AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે. પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્શનનો અર્થ એ છે કે FIFA U-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 જે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાવાનું છે તે હાલમાં ભારતમાં આયોજન મુજબ યોજવામાં નહીં આવશે.
FIFA ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂરી હોય તો આ બાબતને કાઉન્સિલના બ્યુરોને મોકલશે. FIFAની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, FIFA ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે, હજુ પણ આ કેસનું સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.
છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ – ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી માત્ર ૩૭ ટકા વરસાદ હતો
-૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં ૧૨૭, ધરમપુરમાં ૧૦૩ ઈંચ : કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા
અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.
કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.
રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.
પીએમ મોદીનુ લાંબુ ભાષણ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યુ છે.જોકે એવુ નથી કે, આ પીએમ મોદીનુ લાંબામાં લાંબુ ભાષણ છે.આ પહેલા 2-21માં 15 ઓગસ્ટનુ તેમનુ ભાષણ 88 મિનિટનુ હતુ.2014માં જ્યારે તેઓ પહેલી વખત પીએમ બન્યા અને લાલ કિલ્લા પરથી ભાષણ કર્યુ ત્યારે તેનો સમયગાળો 64 મિનિટનો હતો.
પીએમ મોદી અત્યાર સુધીમાં દેશને નવ વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કરી ચુકયા છે.જેમાં માત્ર એક જ વખત 2017માં એક કલાકથી ઓછા સમયનુ ભાષણ આપ્યુ હતુ.જાણો પીએમ મોદીના અત્યાર સુધીના ભાષણોનો સમયગાળો
શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 2-3 સપ્તાહ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે આજે સવારે 6:45 કલાકે દિગ્ગજ કારોબારીના અવસાનની પુષ્ટિ કરી હતી.
મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ઝુનઝુનવાલાનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સની ટીમ તેમને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી. તેમને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી.
સ્ટોક માર્કેટમાં રોકાણકાર એવા રાકેશ ઝુનઝુનવાલાના નામે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી.
આજે તેમની નેટવર્થ આશરે 40 હજાર કરોડ રૂપિયાની છે. આ કારણે જ ઝુનઝુનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ તથા ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. સામાન્ય રોકાણકારો જ્યારે શેર માર્કેટમાં નુકસાનીમાં હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરી લેવામાં સફળ રહેતા હતા.
– ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો
મુંબઈ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર
શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા તેમના મૃત્યુની પષ્ટિ કરવામાં આવી છે. તેમને 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ગઈકાલે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા માત્ર શેર માર્કેટના જ કિંગ નહોતા પરંતુ તેમને બોલિવુડ સાથે પણ એક ખાસ કનેક્શન હતું.
જાણો શું હતું એ કનેક્શન
રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટ ઉપરાંત ફિલ્મોનો પણ ખૂબ જ શોખ હતો. આ કારણે તેમણે બોલિવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમણે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘શમિતાભ’ તથા ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી.
રાકેશ ઝુનઝુનવાલાએ 2012માં આવેલી શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને પ્રોડ્યુસ કરી હતી. તે ફિલ્મનું બજેટ આશરે 10 કરોડ રૂપિયાનું હતું. તે ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ને પણ પ્રોડ્યુસ કરી હતી.
અમિતાભ બચ્ચન, ધનુષ તથા અક્ષરા હાસનની ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કરીના કપૂર તથા અર્જુન કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’એ થિયેટર્સમાં સારૂં એવું પ્રદર્શન આપ્યું હતું. તે ફિલ્મને આશરે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.