CIA ALERT

Slider Archives - Page 59 of 491 - CIA Live

July 11, 2024
agniveer.jpg
1min312
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 10, 2024
india-vs-zim-2024.png
1min281

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની ત્રીજી મેચ આજે હરારેમાં રમાઈ હતી, જેમાં ભારતનો 23 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી20 મેચોમાંથી બે મેચ જીતી લેતા શ્રેણી વિજયની તકો ઉજળી બનાવી છે.

ગીલ-ગાયકવાડની દમદાર બેટિંગ

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં છ વિકેટે માત્ર 159 રન બનાવી શકી હતી. આજની મેચમાં ભારતીય સુકાની શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડની દમદાર બેટિંગ જોવા મળી હતી, તો બોલિંગમાં વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાને ઝિમ્બાબ્વેની ટીમને ઘૂંટણીએ લાવી દીધું હતું. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 27 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 36 રન, શુભમન ગિલે 49 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 66 રન, અભિષેક શર્માએ 9 બોલમાં એક ફોર સાથે 10 રન, ઋતુરાજ ગાકવાડે 28 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ સાથે 49 રન, સંજુ સેમસને અણનમ 12 રન અને રિંકુ સિંહે અણનમ એક રન નોંધાવ્યો હતો. બોલિંગની વાત કરીએ તો સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ, અવેશ ખાને બે વિકેટ અને ખલીલ અહેમદે એક વિકેટ ઝડપી હતી.

ડીયોન માયર્સની ફિફ્ટી

ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર ખેલાડી ડીયોન માયર્સ 49 બોલમાં સાત ફોર અને એક સિક્સ સાથે 66 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ક્લાઇવ મદંડે 37 રન, વેલિંગ્ટન મસાકાદઝાએ 18 રન, સુકાની સિકંદર રઝાએ 15 રન, તદીવાનશે મારુમણીએ 13 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીએ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો મુઝરાબાની અને સિકંદર રાજાએ બે-બે વિકેટ ખેરવી હતી.

પ્રથમ ટી20માં ભારતનો 13 રને પરાજય

ભારત અને  ઝિમ્બાબ્વે વચ્ચે છ જુલાઈએ પ્રથમ ટી20 મેચ રમાઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ટી20માં ભારતનો 100 રને વિજય

બંને દેશો વચ્ચે બીજી ટી20 મેચ બે જુલાએ રમાઈ હતી, જેમાં ભારતનો 100 રને વિજય થયો હતો. ભારતે 20 ઓવરમાં વિકેટે 234 રન ખડકી દીધા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં અભિષેક શર્માએ 100 રન અને ઋતુરાજ ગાયકવાડે 77 રન નોંધાવ્યા હતા.

ભારત 2016 પછી પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું

ભારતીય ટીમની પ્રથમ ટી20 મેચમાં હાર થયા બાદ ટીમ ઈન્ડિયા 2016 બાદ પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું. ભારત છેલ્લે 2016માં 18મી જૂને ઝિમ્બાબ્વે સામે હરારેમાં બે રનથી જીત્યું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રમાયેલી ત્રણેય ટી20માં ભારતની જીત થઈ હતી.

બંને દેશો વચ્ચે કુલ પાંચ ટી20 મેચ

આ પહેલા ભારત-ઝિમ્બાબ્વેએ છ જૂને પ્રથમ ટી20 મેચ રમી હતી, જેમાં ઝિમ્બાબ્વેનો 13 રને વિજય થયો હતો. ત્યાર બાદ બીજી ટી20માં ભારતનો 100 રને અને આજની ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય થયો છે. આમ ભારતે ત્રણ મેચોમાંથી બે મેચ જીતી લીધી છે. આજે ત્રીજી ટી20 મેચ રમાયા બાદ 13મીએ ચોથી અને 14 જુલાઈ પાંચ  ટી20 મેચ રમાશે. તમામ મેચો હરારે  સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે.

July 10, 2024
sda-pc-1280x853.jpg
1min322
  • ભારતના મોટા શહેરો ઉપરાંત અમેરીકા, લંડન, હોંગકોંગ, દુબઇમાં પણ રોડ શો યોજાયા
  • સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5માં કેરેટ એક્ષ્પોમાં લૂઝ ડાયમડ્સ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, મશીનરી, સોફ્ટવેર, ટેક્નોલોજીના 118 એક્ઝિબિટર્સ જોડાયા

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5મો ડાયમંડ એક્ષ્પો કેરેટ્સનું આયોજન આગામી તા.12થી 14 જુલાઇ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગ માટે આ કેરેટ એક્ષ્પો મંદીના સમયમાં ગેમ ચેન્જર પુરવાર થાય તેવી ધારણા સેવાય રહી છે. આ એક્ષ્પોમાં ભારત દેશના ખરીદારો આવે તે ઉપરાંત વિદેશી ખ્યાતનામ બાયર્સ આવે તે માટે દુબઇ, અમેરીકા, લંડન, હોંગકોંગ ખાતે રોડ શો કરવામાં આવ્યા હતા. વિદેશી ખરીદારોને સુરતના અવધ ઉટોપીયા ખાતે બિલકુલ મફત એકોમોડેશન અને એરટિકીટ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી કેરેટ એક્ષ્પોની મુલાકાત માટે 8 હજારથી વધુ ખરીદારોના પ્રી રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યા છે.

કેરેટ એક્ષ્પોના આયોજન અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રેસિડેન્ડ જગદીશભાઇ ખૂંટ, મંત્રી ધીરુભાઇ સવાણી, કન્વીનર વીનુભાઇ ડાભી, સહ કન્વીનર જયેશભાઇ એમવી, ચંદ્રકાંત તેજાણી, ચંદ્રકાંત તેજાણી, ગૌરવ શેઠી વગેરેએ જણાવ્યું હતું કેરેટ્સ એક્ઝિબિશનમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન,જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજીના મળીને ૧૧૮ જેટલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસીસ ડિસ્પ્લે કરશે.આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખુબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એકપોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્સ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે. અને આ વખતનો એક્ષ્પો એટલા માટે જ ગેમ ચેન્જર નિવડશે.

કેરેટ્સમાં ખરીદારો આવે તે માટે ભારતના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS – સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. કેરેટ્સની મુલાકાત માટે 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે.

પ્રીમીયમ બાયર્સ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ

કેરેટ્સમાં આવીને ખરીદી કરી ચૂકેલા અને અવશ્ય ખરીદી કરતા હોય તેવા પ્રીમીયમ બાયર્સ માટે સુરત ડાયમંડ એસોસીએશને અવધ ઉટોપિયા ક્લબમાં રહેવાની સગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે.આ સુવિધા તેમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.

July 9, 2024
rathyatra_2019.jpg
1min321

ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.

ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ

જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

પુરીમાં પ્રથમવાર બે દિવસની  રથયાત્રા

ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.

સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી

આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

July 8, 2024
modi-in-russia.jpeg
2min327

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.

વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા

ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.

પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.

1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.

2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.  

3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે. 

સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા

1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.

ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?

રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે. 

ભારતની ચાણક્યનીતિ

યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?

અમેરિકાના પેટમાં રેડાયું તેલ

‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે.

ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે

ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.  

July 7, 2024
mahuva-moitra.jpeg
1min299

મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ કેસ નોંધ્યો છે.

અલબત્ત, આ કલમ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાઓની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા અન્ય કોઈ કૃત્ય) લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી ટ્વિટ સંબંધિત માહિતી પણ માંગી રહી છે.

દેશમાં પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતાએ લીધું છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો. તો વિગતે જાણીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના સ્થળે પહોંચ્યા હતા અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ રેખા શર્માની પાછળ ચાલતા હાથમાં છત્રી પકડેલી હોય છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે શું રેખા શર્મા પોતાની છત્રી ઉપાડી શકતા નથી? તે જ યુઝરની કમેન્ટના જવાબમાં મહુઆ મોઇત્રાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. એના સંબંધમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી છે. પંચની આ માંગને પગલે મહુઆ મોઇત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગને જવાબ આપતા મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું હતું કે દિલ્હી પોલીસે આ આદેશો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તમને આગામી 3 દિવસમાં ધરપકડ માટે મારી જરૂર પડી તો હું પશ્ચિમ બંગાળના નદિયા વિસ્તારમાં હોઈશ. આ સાથે તેમણે કહ્યું હતું કે હા, હું મારી પોતાની છત્રી પોતે પકડી શકું છું. જોકે, મહિલા પંચે મહુઆ મોઈત્રા પહેલી ટિપ્પણીને અભદ્ર અને અપમાનજનક ગણાવી છે તેમ જ તેની સાથે કહ્યું હતું કે આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. મોઇત્રાની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. મોઇત્રા સામે એફઆઈઆરની માંગણી કરતા તેમણે કહ્યું કે પંચને 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ આપવામાં આવે.

July 7, 2024
Cia-SDB-1.jpeg
1min356

સુરત ડાયમંડ બુર્સમાં મિનીબજાર કે મહિધરપુરા હીરા બજાર (દલાલ સ્ટ્રીટ) જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ

સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને પ્રવક્તા ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનો વિડીયો મેસેજ

હીરા બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે સુરત હીરા બુર્સમાં દલાલ મહિધરપુરા અને મિનિબજારમાં જે રીતે નાના વેપારીઓ, દલાલો હીરાની લે-વેચ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ કરવા આવી શકે તે માટે તેમને ટેબલ ખુરશી મૂકી શકાય તેટલી જ જગ્યા કે નાના વેપારીને ફક્ત ત્રણ ચાર લોકો બેસી શકે તેવી 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસની જગ્યા પણ એલોટ કરવામાં આવી રહી છે. એથી વિશેષ કતારગામ અને મિનિબજારથી દરરોજ સુરત ડાયમંડ બુર્સ સુધી નોન સ્ટોપ બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે બસ સુવિધા ઉપલબ્ધ બનશે જેથી કરીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા નાના સ્તરના વ્યવસાયીઓ, ધંધાર્થીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ કરવા માટે ડેઇલી આવી શકે.

વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ કે વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલું સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના 250 દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ પોતાની હીરા વેચાણની ઓફિસો શરૂ કરી હતી. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગમાં માણસોની અવરજવર વધે તે માટે મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે હવે સુરત ડાયમંડ બુર્સમાં નાનામાં નાના હીરા દલાલ કે જેને ઓફિસની જરૂર નથી તેના માટે એક ટેબલ ખુરશી જેટલી જગ્યા પણ ફાળવવામાં આવશે અને નાના વેપારી કે જેને માંડ 50 ચો.ફૂટ જેટલી નાની ઓફિસની જરૂરીયાત છે તેમને 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસ પણ ફાળવી આપવામાં આવશે.

21મી નવેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે પોતાની ઓફિસ સાથે કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ પણ પોતાની ઓફિસો શરૂ કરી હતી. એ પછી પહેલા તબક્કાનું ઉદઘાટન હીરા બુર્સને ધમધમતું કરી શક્યું નહીં એટલે આજે બીજા તબક્કામાં 7મી જુલાઇને અષાઢી બીજનો દિવસ પસંદ કરીને સુરત ડાયમડં બુર્સના વર્તમાન ચેરમેન ગોવિંદ ધોળકિયા સમેત 250 હીરા ઉદ્યોગપતિઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ટ્રેડીંગ ઓફિસ શરૂ કરી છે. સુરત હીરા બુર્સનો વહીવટ કરી રહેલા વર્તમાન પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું કે રાતોરાત હીરા બુર્સની બધી ઓફિસો શરૂ થઇ જાય તેવી સ્થિતિ નથી.

સુરત હીરા બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઇ જશે તેવી મને આશા છે, આગામી એક વર્ષમાં 2000થી વધુ ઓફિસો શરૂ થઇ જશે. 4 હજાર ઓફિસો શરૂ થતા 2,3, 4 વર્ષ પણ લાગી જાય તેવી સ્થિતિ છે.

July 7, 2024
assam-floods.png
1min348
Seven lakhs affected by floods in Assam 13 rivers flow at alarming levels

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે

સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

July 6, 2024
image-2.png
1min299

યુરો 2024માં તા.5 જુલાઇને શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું, ઊલ્ટાનું વહેલા આઉટ થઈ જવું પડ્યું હતું.

પોર્ટુગલના રોનાલ્ડોની એક્ઝિટ સાથે તેના કરોડો ચાહકોના દિલ તૂટ્યા છે અને આ સ્પર્ધાની ચમક અડધી ઓછી થઈ ગઈ છે.
ક્વોર્ટર ફાઇનલની મુખ્ય મૅચમાં ફ્રાન્સ અને પોર્ટુગલ 0-0થી બરાબરીમાં રહ્યા હતા. એ તબક્કે પણ રોનાલ્ડોપ્રેમીઓને પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલના વિજયની આશા હતી, પરંતુ ફ્રાન્સે એમાં પોર્ટુગલને 5-3થી માત આપીને પોર્ટુગલને સ્પર્ધામાંથી આઉટ કરી નાખ્યું હતું અને સેમિમાં એન્ટ્રી કરી લીધી હતી.

સેમિ ફાઈનલમાં ફ્રાન્સની સ્પેન સાથે ટક્કર થશે. તા.5 જુલાઇ 2024ને શુક્રવારની પ્રથમ કવોર્ટરમાં સ્પેને યજમાન જર્મનીને 2-1થી હરાવીને સ્પર્ધાની બહાર કર્યું હતું. 51મી મિનિટમાં ઓલ્મોએ ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. 89મી મિનિટમાં વિટઝે જર્મનીને 1-1થી બરાબરીમાં લાવી દીધું હતું. જોકે ભારે રસાકસીમાં મૅચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી જેમાં 119મી મિનિટમાં મેરિનોએ સ્પેનને વિનિંગ ગોલ કરી આપ્યો હતો.

July 6, 2024
india-vs-zim-2024.png
2min315

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે. 

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા. 

ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.  

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન 

ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો. 

ખેલાડીનું નામરનબોલ
અભિષેક શર્મા04
શુભમન ગિલ3129
ઋતુરાજ ગાયકવાડ79
રિયાન પરાગ23
રીન્કુ સિંહ02
ધ્રુવ જૂરેલ714
વૉશિંગ્ટન સુંદર2734
રવિ બિશ્નોઈ98
આવેશ ખાન1612
મુકેશ કુમાર03
ખલીલ એહમદ01

રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા 

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો. 

શુભમન ગિલે 31 રન બનાવ્યા 

જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. 

શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે.