
જયેશ બ્રહ્મભટ્ટ
ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.
વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે
સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.
નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી
હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.
હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.
સવાલ-1
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?
સવાલ-2
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?
સવાલ-3
બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?
સવાલ-4
ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?
રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)ને એક વર્ષ થયું છે અને આમ છતાં સમગ્ર દેશમાં રેરાનો પૂરેપૂરો અમલ થઇ શક્યો નથી. કેટલીક રાજ્ય સરકારો આ ધારાને અમલ કરવામાં વિલંબ કર્યો છે અથવા તેની જોગવાઇ હળવી કરી છે. મહારાષ્ટ્રે પૂરી ભાવનાથી રેરાનો અમલ કર્યો છે અને મધ્યપ્રદેશ હવે તાલ મિલાવી રહ્યું છે, પરંતુ બીજા રાજ્યોમાં અમલીકરણ ધીમું છે. દેશમાં રેરા હેઠળ નોંધાયેલા આશરે 25,000 પ્રોજેક્ટ્સમાંથી 62 ટકા મહારાષ્ટ્રના છે. બંગાળ તદ્દન અલગ માર્ગ અપનાવ્યો છે. તેની સરકારે તેના પોતાના હાઉસિંગ કાયદા હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ (હીરા)નો અમલ કર્યો છે.

મોટાભાગના રાજ્યોએ વચગાળાના નિયમનકાર બનાવ્યા છે અ્ને રેરા હેઠળ કાયમી નિયમનકારી સંસ્થાની નિમણુક કરી નથી. રેરાના હજુ પ્રારંભિક દિવસો છે. તેથી તેના ધીમા અમલ પર ફોકસ કરવાનો કોઇ અર્થ નથી. ત્રણથી ચાર વર્ષ પછી રિયલ એસ્ટેટ સંપૂર્ણ પણે અલગ ઉદ્યોગ હશે. મહારાષ્ટ્રના રેરાના તાજેતરના ચુકાદાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સમાં ખરીદદારના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં સફળતા મળે છે. કેટલાંક ચુકાદા ફરિયાદ દાખલ કર્યાના ૩૦ દિવસમાં આવ્યા હતા.
પારદર્શકતામાં વધારો
રેરાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તુલનાત્મક રીતે પારદર્શકતા આવી છે. ઉહાહરણ તરીકે બિલ્ડર્સ હવે બિલ્ટ-અપ અથવા સુપર બિલ્ટ અપ એરિયાને ટાંકને પ્રોપર્ટીની સાઇઝ અંગે ખોટી માહિતી આપી શકશે નહીં. હવે તમામ એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ કરવા ફરજિયાત છે. ખરીદદારો રેરાની વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ્સના સ્ટેટસ, સાઇટ પ્લાન, વેચાયેલા મકાન, બાંધકામનો તબક્કો, પઝેશનની તારીખ વગેરેની માહિતી મેળવી શકે છે.
પ્રોજેક્ટ્સની તમામ વિગત સાથેની એક વેબસાઇટતી રિયલ્ટી ટ્રાન્ઝેક્શનમાં મોટી પારદર્શકતા આવે છે. ખરીદદારો સમાન બિલ્ડર્સના હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી જોઇ શકે છે અને બિલ્ડર્સ પાસે વધુ પડતા પ્રોજેક્ટ્સ છે કે નહીં તેની વિગત મેળવી શકે છે.
સપ્લાયમાં ઘટાડો
નવા પ્રોજેક્ટ્સની રજૂઆતમાં વિલંબ રેરાની પ્રારંભિક નેગેટિવ અસર છે. ડેવપલર્સ હવે વગરવિચાર્યે પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા નથી. તેઓ નવા પ્રોજેક્ટ્સ અંગે ખૂબ સાવધ બન્યા છે અને સુનિશ્ચિત કરે છે કે લોન્ચ પહેલા તમામ મંજૂરી મળી જાય. સપ્લાયમાં હવે ફરી વધારો થઈ રહ્યો છે.
નબળા બિલ્ડર્સ પાસેથી મજબૂત બિલ્ડર્સ પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છે, તેથી ઇન્ડસ્ટ્રી હવે ઓર્ગેનાઇઝ્ડ બની રહી છે. અને સપ્લાયમાં ટૂંક સમયમાં વધારો થશે.
શું આવા કોન્સોલિડેશનથી રિયલ્ટી બિઝનેસ અમુક ગણ્યાગાંઠ્યા બિલ્ડર્સ પાસે આવી જશે અને તેનાથી સેલર્સ માર્કેટનું સર્જન થશે?
નબળા અને ખરાબ બિલ્ડર્સ માટે આકરા જોગવાઈ છે. તેથી રેરાથી નાના અને સારા બિલ્ડર્સ માટે તક ઊભી થઈ છે. નાના અને સારા બિલ્ડર્સ નાણા સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ શકે છે. તેથી રેરાથી ખરેખર તો બજારનું વિસ્તરણ થઈ રહ્યું છે.
પઝેશન તારીખ
રેરાથી પઝેશનની તારીખ લંબાઈ છે. પ્રોજેક્ટસમાં વિલંબ બદલ ભારે પેનલ્ટીથી બિલ્ડર્સ પઝેશન તારીખને લંબાવે છે. પ્રોજેક્ટ્સના બાંધકામના સમયે કેટલાંક મંજૂરી જરૂરી છે. બિલ્ડર્સને આવી મંજૂરીની ખાતરી ન હોય તો તેઓ પઝેશનની તારીખ લંબાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને રેરા હેઠળ લાવવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અ્ને એપ્રુવલ સિસ્ટમ વધુ સરળ બનશે.
મોટા ભાગના બિલ્ડર્સ રેરાના નિયમો હેઠળ નિર્ધારિત તારીખ પહેલા પઝેશન આપશે, પરંતુ મૌખિક ખાતરી ખરીદદારો માટે જોખમી બની શકે છે. તેઓ જણાવે છે કે પ્રોજેક્ટસ રેરા એપ્રુવ્ડ હોવાથી ખરીદદારોએ ભાર મૂકવો જોઇએ કે બિલ્ડર્સ તમામ પ્રતિબદ્ધતા લેખિતમાં આપે .
રેરા જાદૂઈ છડી નથી
રેરાની સાથે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી હોવા છતાં રેરામાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ રોકાણને લાયક હોતા નથી. શેરબજારમાં જેમ તમામ કંપનીઓ રોકાણને લાયક હોતી નથી, તેમ રેરા હેઠળ નોંધાયેલા કેટલાંક પ્રોજેક્ટ્સ પણ રોકાણની લાયક ન હોય તેવી શક્યતા છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટ્સનું યોગ્ય મૂલ્યાંકન ફરજિયાત છે.
કાયદા પંચે સ્પોર્ટ્સમાં જુગાર અને સટ્ટાને નિયંત્રિત કરવા ભલામણ કરી છે. આજે સરકારને સુપ્રત કરવામાં આવેલા વિગતવાર અહેવાલમાં પંચે એવો અભિપ્રાય આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી શકાય તેમ ન હોવાથી તેને કાયદા દ્વારા નિયંત્રિત કરવી જ સારું રહેશે.

પંચના અહેવાલ પ્રમાણે સંસદ રાજ્યો માટે આદર્શ કાયદો ઘડી શકે છે અથવા તો બંધારણની કલમ 249 કે 252 હેઠળ તેને મળેલી સત્તાઓનો પ્રયોગ કરીને કાયદો ઘડી શકે છે. આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યના વિષયમાં કાયદો ઘડવાની સત્તા છે.
પંચે જુગાર માટે 18 વર્ષની લઘુતમ વય નિર્દિષ્ટ કરી છે. તેણે એવી પણ ભલામણ કરી છે કે જુગાર અને સટ્ટાના તમામ વ્યવહારોને ઓપરેટર અને ખેલીના આધાર કે પાન કાર્ડ સાથે લિન્ક કરવા જોઇએ. અહેવાલમાં તો એમ પણ જણાવાયું છે કે કેસિનો/ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા એફડીઆઇ નીતિ પણ હોવી જોઇએ. મેચ ફિક્સિંગ અને સ્પોર્ટ્સ ફ્રોડને કડક સજા સાથે ફોજદારી ગુનો ગણવો જોઇએ એવું સૂચન કરવામાં આવ્યું છે.
પંચનું વડપણ ધરાવતા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) બી એસ ચૌહાણે એવો મત વ્યક્ત કર્યો છે કે જુગાર પર નિયંત્રણ લાદવાથી છેતરપિંડી અને મની લોન્ડરિંગને શોધી કઢાશે. જોકે પંચના એક સભ્યએ બહુમતી અભિપ્રાય સામે વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. પ્રોફેસર એસ સિવાકુમારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પંચ સમક્ષ સ્પોર્ટ્સમાં સટ્ટાનો મુદ્દો ક્યારેય રીફર ન કર્યો હોવાથી પંચનો અહેવાલ સર્વગ્રાહી ન કહી શકાય.

વિમ્બલ્ડનમાં તા.6 જુલાઇને શુક્રવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનની ગાર્બિન મુગુરુઝાને હરાવનાર બેલ્જિયમની ૨૪ વર્ષીય ખેલાડી ઍલિસન વૅન ઉઇતક્વેન્ક ટેનિસજગતની જાણીતી લેસ્બિયન ખેલાડી છે. તે પોતાના જ દેશ બેલ્જિયમની ૨૦ વર્ષીય ટેનિસ ખેલાડી ગ્રીત મિનેન સાથે સજાતીય સંબંધો ધરાવે છે અને એનો એકરાર તેઓ બન્ને ખેલાડીઓ જાહેરમાં કરી ચૂકી છે. ઍલિસને તા.6 જુલાઇએ સ્પેનની વિશ્વની ત્રીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મુગુરુઝાને ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવ્યા પછીની અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને લેસ્બિયન હોવાનો ગર્વ છે. આ કોઈ રોગ નથી. મેં અને ગ્રીટે અમારી વચ્ચેના સંબંધોને ગુપ્ત રાખવાનું ક્યારેય નહોતું વિચાર્યું. અમારી વચ્ચે આ સંબંધો હોવા બદલ અમને આનંદ છે. લોકોને એ વિશે કહેવામાં અમને કોઈ શરમ પણ નથી આવતી’ વર્તમાન ટેનિસમાં સ્વિડનની યોહાન્ના લાર્સન અને નેધરલૅન્ડ્સની રિચેલ વૅન હૉગેનકેમ્પ પણ લેસ્બિયન છે.
વિશ્વની સૌથી પ્રસિદ્ધ લોન ટેનિસ સ્પર્ધા વિમ્બલ્ડનમાં મેજર અપસેટ સર્જાયો છે. ગત વર્ષની ચેમ્પિયન મહિલા સ્પેનની મુગુરઝા બીજા જ રાઉન્ડમાં સ્પર્ધાની બહાર થઇ જતા ચાહકોમાં પણ નારાજગી પ્રવર્તી ઉઠી છે.

વિમ્બલ્ડનની સિંગલ્સમાં તા.6 જુલાઇએ મહિલાઓના વર્ગમાં ટોચની આઠ ક્રમાંકિતોમાં ગાર્બિન મુગુરુઝા આ વખતે સ્પર્ધામાંથી વહેલી બહાર થઈ જનારી છઠ્ઠી ખેલાડી બની હતી. બેલ્જિયમની વિશ્વની ૪૭મા નંબરની ઍલિસન વૅન ઉઇતક્વેન્કે થર્ડ-સીડેડ સ્પેનની મુગુરુઝાને બીજા રાઉન્ડમાં ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી.

ટોચની આઠ ક્રમાંકિત ખેલાડીઓમાં હવે ફક્ત ટૉપ-સીડેડ અને વર્લ્ડ નંબર વન સિમોના હાલેપ અને સેવન્થ-સીડેડ કરોલિના પ્લિસકોવાની વિજયકૂચ ચાલુ રહી છે.
પુરુષોમાં રાફેલ નડાલ અને નોવાક જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા.
વર્લ્ડ નંબર વન નડાલે કઝાખસ્તાનના મિખાઇલ કુકુશ્કીનને ૬-૪, ૬-૩, ૬-૪થી હરાવી દીધો હતો. તાજેતરમાં ઘૂંટણની ઈજામાંથી મુક્ત થયેલા જૉકોવિચે આર્જેન્ટિનાના હૉરેસિયો ઝેબાલોસને ૬-૧, ૬-૨, ૬-૩થી હરાવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડ અને હોલીવુડમાં હીટ થઇ રહેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સૌથી વધુ ૨.૫ કરોડ ફૉલોઅર્સ થઇ ચૂક્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે ૨.૫૦ કરોડ ફૉલોઅર્સ થયા છે. તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. દીપિકાના ફૉલોઅર્સ વધુ હતા, પરંતુ હવે પ્રિયંકાએ બાજી મારી લીધી છે. પ્રિયંકા તેની અમેરિકન ટીવી-સિરિયલ ‘ક્વૉન્ટિકો’ અને હવે તેના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસને લઈને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે પહેલી સેલિબ્રિટી છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફૉલોઅર્સ છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર ૨૫ મિલ્યન ફૉલોઅર્સ થતાં પોતાની પ્રોફાઇલને શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૫ મિલ્યન સ્ટ્રૉન્ગ ફૉલોઅર્સ. તમારા પ્રેમ બદલ આભાર. હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું.’

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ અવકાશયાત્રીઓને તાકીદની પરિસ્થિતિમાં ઉગારવા માટેની નવી ડિઝાઇનવાળી ક્રૂ એસ્કેપ સિસ્ટમની 5 જુલાઇ 2018ના દિને સફળ ફ્લાઇટ ટેસ્ટ કરી હતી.

ઇસરોએ જણાવ્યું હતું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમના યોજાનારા શ્રેણીબદ્ધ પરીક્ષણમાંનું આ સૌપ્રથમ પરીક્ષણ હતું. અવકાશયાન છોડવાની કામગીરી અચાનક રદ કરવી પડે તો એવા તાકીદના સમયે અવકાશયાત્રીઓને ક્રૂ મૉડ્યુલ સાથે લૉન્ચ વેહિકલથી સલામત સ્થળે લઇ જવા માટેની આ ખાસ યંત્રણા તૈયાર કરાઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની યાદીમાં જણાવાયું હતું કે લૉન્ચ પૅડ ખાતે કોઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ક્રૂ મૉડ્યુલને ઝડપથી સલામત સ્થળે ખેંચી જવા તૈયાર કરાયેલી પ્રથમ ‘પૅડ અબૉર્ટ ટેસ્ટ’ સફળ રહી હતી.
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ કૉંગ્રેસ-જેડી (એસ) યુતિ સરકારના પહેલા બજેટમાં રૂ. 34,000 કરોડની લોન માફી યોજનાની જાહેરાત કરતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. કુમારસ્વામીએ સંપૂર્ણ સરકારની રચનાના 24 કલાકમાં ખેડૂતો માટે બધા પ્રકારના પાક માટેની લોન માફી જાહેર કરવાની આપેલી ખાતરીની યાદ અપાવી હતી.

વિધાનસભામાં બજેટ રજૂ કરતાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેમણે લોનની રકમ રૂ. બે લાખ જેટલી મર્યાદિત રાખી છે કારણ કે વધુ કિંમતના પાક માટેની લોન માફી આપવાનું ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યને એક પક્ષની સરકારનો જનાદેશ મળ્યો નહીં હોવા છતાં મને યુતિ સરકારની રચના કરવાની અને મુખ્ય પ્રધાન તરીકે કામ કરવાની તક મળી છે. તેમણે જણાવ્યું હતું કે મેં પહેલા તબક્કામાં 2017ના 31 ડિસેમ્બર સુધીમાં પાક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત લોનની ભરપાઈ રકમ અથવા રૂ. 25,000 બેમાંથી જે ઓછી રકમ હોય તે ખેડૂતના ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સમયસર લોનની ચૂકવણી કરનારા ખેડૂતોને મદદરૂપ બની રહે.

પાક લોન માફી યોજનાને લીધે ખેડૂતોને રૂ.34,000 કરોડ જેટલો લાભ મળશે. જેડી(એસ)એ વિધાનસભાની ચૂંટણીઢંઢેરામાં આપેલા વચનનું પાલન સરકારે કર્યું છે.
લોન માફી યોજનાને લીધે સરકાર પર પડનારા મોટા બોજને અનુલક્ષીને મુખ્ય પ્રધાને પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ રૂ. 1.14 અને ડીઝલની કિંમત લિટર દીઠ રૂ. 1.12 જેટલો વધારો કરવા સહિત અન્ય વેરા વધારવાની જાહેરાત કરી હતી.
જોકે એક કાંટાળા પ્રસ્તાવમાં ઇંધણ અને વીજળી પરના વેરામાં વધારો કરવાની રજૂઆત કરી છે. બજેટમાં દેશી દારૂ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 18 સ્લેબમાં 4 ટકા વધારવાની દરખાસ્ત રજૂ કરી હતી.
જયેશ બ્રહ્મભટ્ટ
સુરતના ભરથાણા-વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના નામે ડઝનબંધ કોલેજો શરૂ કરીને રોકડી કરવાનો જ ઇરાદો રાખીને શિક્ષણની ગુણવત્તા સાથે ચેડાં સંચાલકોની કોલેજાેને ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશાર્થીઓએ જાકારો આપ્યો છે. વેસુ-ભરથાણા ખાતે એક જ કેમ્પસમાં ત્રણ-ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજાેની પરવાનગી લઇ આવેલા સંચાલકોની ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશના નામે ધંધો કરવાની નેમ પર પાણી ફરી વળ્યું છે. આજે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસની દ્વારા જાહેર થયેલા ડિગ્રી એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમેસ્ટરમાં પહેલા રાઉન્ડના પ્રવેશના આંકડા પર નજર કરીએ તો ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની બે કોલેજાે પૈકીની મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે જ્યારે આ જ ગ્રુપની આ જ કેમ્પસમાં ચાલતી અન્ય ડિગ્રી ઇજનેરી કોલેજ ભગવાન મહાવીર કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 86 ટકા બેઠકો ખાલી પડી રહી છે. પ્રવેશાર્થીઓએ આ કોલેજાેને ચોઇશ ફિલિંગમાં પ્રેફરન્સ (પસંદગી) નહીં આપીને સંચાલકોની ધંધો કરવાની મુરાદ પર પાણી ફેરવી દીધું છે.

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરત ખાતેની વાત કરીએ તો અહીં કુલ 420 સીટ્સ ઉપલબ્ધ છે જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 24 સીટો પર પ્રવેશ લીધો છે. મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરતની કુલ 396 સીટ્સ એટલે કે કોલેજની કુલ 94 ટકા બેઠકો ખાલી પડી રહેવા પામી છે.
મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરત
બ્રાન્ચ કુલ સીટ્સ ખાલી પડેલી સીટ્સ
ઓટોમોબાઇલ 120 111
ઇલેક્ટ્રીકલ્સ 60 58
સિવિલ 120 110
મિકેનિકલ 60 57
મિકેનિકલ સેકન્ડ 60 60
કુલ 420 396
ભગવાન મહાવીર કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
બ્રાન્ચ કુલ સીટ્સ ખાલી સીટ્સ
ઓટોમોબાઇલ 60 44
સિવિલ 180 32
સિવિલ-2 60 59
ઇ.સી. 60 54
ઇલેક્ટ્રોનિક્સ 60 56
મિકેનિકલ 180 165
મિકેનિકલ-2 60 58
કુલ 660 568
ભગવાન અરિહંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
બ્રાન્ચ કુલ સીટ ખાલી સીટ
એરોનોટિક્સ 60 10
કેમિકલ 60 03
નેનો ટેક્નોલોજી 60 52
રોબોટિક્સ 60 43
કુલ 240 108
આમ, ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની તમામ ઇજનેરી કોલેજાેને પ્રવેશાર્થીઓએ જાકારો આપ્યો હોવાનું પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં જણાય આવે છે.
જયેશ બ્રહ્મભટ્ટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની બેંકોને એક નિર્દેશ આપ્યો હતો કે તા.5મી જુલાઇ 2018ના દિવસે કામકાજના કલાકો પૂરા થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સીને સ્પર્શતા વ્યવહારો કરી શકાશે. એ પછી ભારતની કોઇપણ બેંક બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઇપણ ક્રિપ્ટોકરન્સીના કોઇપણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી આ અવધિ આજે પૂરી થઇ ચૂકી છે. હવે પછી ભારતની કોઇપણ બેંક કોઇપણ પ્રકારના ક્રિપ્ટોકરન્સીને સંબંધિત કોઇપણ વ્યવહાર કરી શકશે નહીં. જોકે, અહીં સ્પષ્ટતા એ કરવાની કે ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેંક દ્વારા કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી બલ્કે બેંકોને ક્રિપ્ટોકરન્સી અંગેનું કામ કરવા પર રોક મૂકવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક થોડા સમયમાં ક્રિપ્ટોકરન્સી અંગેના કામો અંગે દિશાનિર્દેશ બહાર પાડશે.

ક્રિપ્ટોકરન્સી અંગેના વ્યવહારો કરવા અંગે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને આપેલી એક અવધિ તા.5મી જુલાઇ 2018ના બેંકિંગ કામકાજના કલાકો પૂર્ણ થવા સાથે પૂર્ણ થઇ ગઇ છે
ક્રિપ્ટો કરન્સી પર રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ કોઇ પ્રતિબંધ નથી મૂક્યો, પણ બેંકોને અન્ય નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ક્રિપ્ટોકરન્સી અંગેના કોઇપણ વ્યવહારો નહીં કરવા માટેની સૂચના આપી દીધી છે
અત્યાર સુધી એવું હતું કે કોઇપણ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી જેમ કે બીટ કોઇનની લે-વેચ ચોક્કસ એક્ષચેન્જ પરથી કરી શકતી હતી. આ પ્રક્રિયામાં બેંક સામેલ એટલા માટે હતી કે લે-વેચની રકમ જે તે એક્સચેન્જ સાથે સંકળાયેલી બેંક દ્વારા જ કરી શકાતી હતી. પણ હવે જુદા જુદા એક્સચેન્જ સાથે સંકળાયેલી હોવા છતાં બેંકો ક્રિપ્ટોકરન્સીનું કશું પણ કામ આજથી નહીં કરી શકે.
હવે શું થશે
ક્રિપ્ટોકરન્સીનું ડિલિંગ કરતા એક્સચેન્જીસ હવે કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી લે-વેચ કરવા માગતા લોકોને ફક્ત બીજા લે-વેચ કરનારાઓ સાથે મેળાપ કરાવી આપશે. જેને પીઅર ટુ પીઅર કહેવામાં આવે છે. પીઅર ટુ પીઅરમાં કોઇ વ્યક્તિ કોઇ ક્રિપ્ટોકરન્સીની લે-વેચ કરી શકશે પરંતુ, તેને નાણાં મળી શકશે નહીં કે તેના અકાઉન્ટમાં જમા થઇ શક્શે નહીં.
જેમની પાસે ક્રિપ્ટોકરન્સી છે અને તેમણે તેનું વેચાણ કરવું હશે તો જોખમી પરિબળો જેમકે બ્લેક માર્કેટમાં બેનંબરી કારોબાર કરતા લોકો થકી તેનું વેચાણ કરવું પડશે જે અસલામત ગણાશે.
ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જો કે ક્રિપ્ટોકરન્સી કંપનીઓને હવે પછી બેંકો લોન પણ નહીં આપી શકે અગર તો તેઓ કોઇપણ બેંકમાં કોર્પોરેટ અકાઉન્ટ પણ ચલાવી નહીં શકે.
સૌથી વ્યાપક અસર ક્રિપ્ટોકરન્સીના ધંધામાં નવા પ્રવેશનારાઓની થાય તેમ છે. ક્રિપ્ટોકરન્સીના ધંધાની ઝાકમઝોળથી અંજાઇને જેમણે આ ધંધામાં આવવું છે તેમણે ક્રિપ્ટોકરન્સી હવે પછી એક્સચેન્જ થકી નહીં પણ મોટાભાગે જોખમી પીઅર ટુ પીઅર સિસ્ટમથી ખરીદવી પડશે.
ભારતમાં હજુ પણ કેવી રીતે શક્ય બનશે ક્રિપ્ટોકરન્સીનો વેપાર
ભારતમાં હજુ પણ જો કોઇએ ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવો હશે તો તેઓ પે-પલ થકી અમેરિકન ડોલરમાં ચૂકવણી કરીને ખરીદી શક્શે અગર તો વેચી શકે તેમ છે. જોકે, આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે કેમકે પે-પલને તેના વ્યવહારુ ખર્ચ તેમજ અન્ય છુપા ખર્ચ ખરીદનારા કે વેચનારાઓએ ભોગવવા પડે છે અને આથી જ આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે.