CIA ALERT

Slider Archives - Page 483 of 492 - CIA Live

July 12, 2018
pilot-1.jpg
1min7180

ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.

ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.

તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.

એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા  વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.

યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.

July 12, 2018
bullet-1280x720.jpg
1min6150

મુંબઇ-અમદાવાદ વચ્ચેનો હાઇસ્પીડ રેલ પ્રોજેકટ- બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતમાં આવતાં મોટા ભાગના 175 ગામો કે તે વિસ્તારોએ જમીન સંપાદન અંગે મંજુરી આપી છે. જયારે 21 ગામોની જમીનના ભાવ અંગેનો મુદ્દો વાટાઘાટથી કે કોઇની નારાજગી વિના ઉકેલવામાં આવશે તેમ રાજયના મહેસુલ પ્રધાન કૌશીક પટેલે જણાવ્યું હતું.

રાજય સરકારના જણાવ્યા અનુસાર અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેનના 508 કિમીના રૂટ માટે 676 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. આ રૂટ 8 જિલ્લાના 196 ગામોમાંથી પસાર થાય છે જે પૈકીના 170 ગામોનું જમીન સંપાદન જાહેરનામું સેકશન 11 અંતર્ગત સ્થાનિક સ્તરે પ્રસિદ્ધ થઇ ચુકયુ છે, જે મોટી બાબત છે. અને હવે તેમાં 21 ગામોની રજુઆત સરકારને મળી છે, તે ભાવ બાબતે છે. જેમાં કયાંક વધુ ઉંચા ભાવની માંગ જમીન ધરાવનાર કરી રહ્યાં છે.

રાજયના બુલેટ ટ્રેનના રુટમાં આવતાં 170 ગામોમાં જમીન સંપાદન કામગીરી માટેના જાહેરનામા બહાર પડયા છે. 21 ગામોના જમીનધારકોની માંગ અંગે અમારો હકારાત્મક અભિગમ છે. અમે આ લોકોને બજાર ભાવ મુજબ વળતર આપીશું. આ ઉપરાંત જે પણ વાંધાઓ હોય તેને ચર્ચા કરીને ઉકેલાવાની દિશામાં પણ અમે આગળ વધ્યા છે અને રાજયના મુખ્યપ્રધાને ખાતરી આપી છે કે કોઇ પણ ખેડુત કે ને નારાજ નહીં કરીએ તમામને સાંભળવામાં આવશે.

હાલના ગુજરાતનો સુધારેલો જમીન સંપાદન કાયદો- 2016 કે જેમાં શહેરી વિસ્તારમાં જંત્રી કરતાં બે ગણી અને ગ્રામ્યમાં 4 ગણું વળતર અથવા બજારભાવ બે માંથી જે વધુ હોય તે આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જે અગાઉ સુધારો કર્યો હતો ત્યાર બાદ રાજય સરકારે વળતર આપવા નવો કાયદો લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેઓ જમીન સંપાદનની પ્રપોઝલ સ્વેચ્છાએ આપે તેને 0.25 ટકા વધુ રકમ આપવાની એટલે 4.25 ગણું વળતર આપવાની પણ જોગવાઇ છે.

રાજયમાં કોઇનો વિરોધ બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે નથી. મુદ્દો ભાવ અને વળતર બાબતે છે, જેને સ્થાનિક સ્તેરે વાટાઘાટ કરીને ઉકેલ લાવીશું. રાજયમાં જે આઠ જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે, તેમાં અમદાવાદ, ખેડા આણંદ વડોદરા, સુરત, નવસારી, ભરુચ, વલસાડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ પ્રોજેકટ મોટા ભાગે જમીન પર સાકાર થશે જયારે મહારાષ્ટ્રમાં દરિયા કિનારો આવતો હોઇ કયાંક એલીવીટેડ રુટનો સમાવેશ થાય છે.

July 12, 2018
indianeco.jpg
1min6230

વર્લ્ડ બૅન્કના 2017ના વર્ષના સુધારેલા આંકડા મુજબ ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્ર્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 ટ્રિલ્યન યુએસ ડૉલરની ઊંચાઈને સર કરી હતી, જ્યારે ફ્રાન્સે 2.582 ટ્રિલ્યન યુએસ ડૉલર પર હોવાનું એક સમાચાર સંસ્થાએ બુધવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

અમેરિકાએ તેનો પહેલો ક્રમ જાળવી રાખ્યો હતો અને ત્યાર પછી ચીન, જાપાન, જર્મનીનો ક્રમ હતો. બ્રિટન 2017ના પૂરા થતા વર્ષે 2.622 ટ્રિલ્યન યુએસ ડૉલરના જીડીપી દર સાથે પાંચમા ક્રમે રહ્યું હતું.સરકારના ખર્ચ અને રોકાણના કારણે ભારતના અર્થતંત્રએ 2018ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 7.7 ટકાનો આર્થિક વિકાસ સાધ્યો હતો, પરંતુ તેનાથી જીડીપીના વિકાસને રોકી શકાયો નહોતો એ, નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષે પણ નીચા સ્તરે ગબડયો હતો.નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 2018-19માં 7.5 ટકાના દરને આંબી જશે. ભારતને એવી આશા છે કે, 2018ના અંતમાં વિકાસદર 7.4 ટકાનો થશે અને 2019માં એ 7.8 ટકા સુધી પહોંચશે. એ ઊંચાઈએ પહોંચતાં જ નજીકના હરીફ ચીનને બે વર્ષમાં 6.6 ટકા અને 6.4 ટકાના દરે પાછળ રાખી દેશે, તેવું આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું હતું.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ (ડબલ્યુઈએલટી) 2018, સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ ફોરકાસ્ટે જાહેર કર્યા મુજબ ઈન્ડિયા બ્રિટન અને ફ્રાન્સને પાછળ ધકેલી દઈ 2018 સુધીમાં વિશ્ર્વની પાંચમા ક્રમની આર્થિક સત્તા બની જશે.

એપ્રિલ, 2018માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, 2018માં ભારત 7.4 ટકાનો વિકાસદર સાધશે અને 2019માં એ વિકાસદર 7.8 ટકાનો થઈ જશે અને ચીનને પાછળ રાખી દઈને દક્ષિણ એશિયામાં ઉપરનો ક્રમ હાંસલ કરશે.

આઈએમએફના જણાવ્યા મુજબ ભારત એશિયન-5 દેશોમાં સ્થિર અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. 2017માં ચીન 6.8 ટકા સાથે સૌથી આગળ હતું, જ્યારે ભારતનો વિકાસદર 6.7 ટકા હતો. જેના કારણે ચીને ઝડપથી વિકસતા અર્થતંત્રનું બિરુદ મેળવ્યું હતું, જે છેલ્લાં કેટલાક વર્ષોથી જળવાઈ રહ્યું છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, 2016ના વર્ષમાં ભારત 7.1 ટકાના વિકાસદર સાથે ઝડપથી વિકસતા અર્થતંત્રવાળો દેશ હતો, પરંતુ 2016માં નોટબંધીના તેમજ જીએસટી લાદવા જેવાં પગલાં લેવાવાના કારણે ભારતનો વિકાસદર ઘટીને 6.7 ટકા પર પહોંચ્યોે હતો. 2017માં એ વિકાસદરમાં પણ ઘટાડો થયો હતો.

July 12, 2018
sensex-up.jpg
1min5610

બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજરોજ તા.12 જુલાઇ 2018ના દિવસે સૌપ્રથમ વાર 36,600ની સપાટી કૂદાવતા નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સમાં 36,400ની ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ખુલતામાં જ 250 પોઈન્ટના ઉછાળા સાથે 36,500 કૂદાવી ગયો હતો.

તા. 12મી જુલાઇએ સવારે 11.15 કલાકે બીએસઈમાં 330 પોઈન્ટ વધીને સેન્સેક્સ 36,597ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. ડોલર સામે રૂપિયો રીકવર થતા તેમજ અર્થતંત્રમાં ઝડપી સુધારાના આશાવાદે ચોતરફી તેજી ફરી વળતા બેન્ચમાર્કે 36,627 પોઈન્ટની રેકોર્ડ નવી ટોચ બનાવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગયો હતો. જૂન મહિનાના યુએસ જોબ ડેટા અપેક્ષા કરતા સારા જાહેર થયા હોવાથી બજારમાં તેજીનો ઉન્માદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતીય અર્થતંત્ર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવાના અહેવાલ અને વૈશ્વિક તેમજ સ્થાનિક ફંડોની ઓલરાઉન્ડ લેવાલીને પગલે તેજી આવતા સેન્સેક્સે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

શેરબજારની રેલીમાં તમામ સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.25થી 2.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ આંકમાં પણ એક ટકાની મજબૂતી રહી હતી.

July 12, 2018
IMG-20180712-WA0143-1280x960.jpg
3min6650

સુરતમાં ગુરુવાર, 12મી જુલાઇ 2018ના રોજ પડેલા વરસાદની દુર્લભ તસ્વીરો

 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામી ચૂક્યું છે. વલસાડ, વાપી, ડાંગ, ધરમપુર, નવસારી બાદ બુધવારે મધરાતથી મેઘરાજા સુરત શહેર પર એ રીતે અનરાધર અને મન મૂકીને વરસી રહ્યા છે કે સુરતનું સામાન્ય જનજીવન ખરાબ રીતે અસર પામ્યું છે.

ગુરુવારે સવારથી વરસી રહેલા અનરાધર વરસાદને પગલે સુરત શહેરની પ્રાઇવેટ સ્કુલ્સ તેમજ સુરત મ્યુનિ.ની શિક્ષણ સમિતિ સંચાલિત સ્કુલોમાં તાત્કાલિક અસરથી રજા ઘોષિત કરી દેવામાં આવી હતી. ખુદ કલેક્ટર ડો.ધવલ પટેલએ સુરત શહેરની શાળાઓમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજા ઘોષિત કરી દેવામા ંઆવી હોવાનું ટ્વીટ કર્યું હતું.

ભારે વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ગુરુવારે સવારથી શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાવા પામી હતી. વરસાદને પગલે નોકરીયાત વર્ગ વિસામણમાં મૂકાઇ જવા પામ્યો હતો. ઠેરઠેર પાણી ભરાવાના કારણે આવી સમસ્યા વકરી  હતી. વરસાદની ઇન્ટન્સિટી એટલી વ્યાપક હતી કે સ્ટોર્મ ડ્રેનેજમાંથી પાણી વહે તે પહેલા રસ્તાઓ પર પુસ્કળ પ્રમાણમાં વોટર લોગિગંને કારણે પાણી ભરાવાની સમસ્યા ઠેરઠેર જોવા મળી હતી. બેંક, સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ વગેરેમાં પણ કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

સુરત મહાનગરપાલિકાએ પણ એવા ટેક્સ્ટ મેસેજ કર્યા હતા કે આગામી 48 કલાક દરમિયાન સુરત શહેર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ખાડી કિનારે વસતા લોકોએ સાવચેતીના દરેક પગલાં ભરી રાખવા.

ખુદ સુરત કલેક્ટર સુરત જિલ્લામાંથી વહેતી નદીઓમાં વધી રહેલા જલસ્તર પર મોનિટરીંગ કરી રહ્યા છે. તેમણે ખાસ ટ્વીટ કરીને નદીઓમાં વધી રહેલા જળસ્તરથી સામાન્ય લોકોને વાકેફ કર્યા હતા.

ડો. ધવલ પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે મિંઢોળા, પૂર્ણા અને અંબિકા નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યા છે. મારી તમામને વિનંતી છે કે નદીઓ પાસે જવાનું બિનજરૂરી સાહસ ન ખેડે. માછીમારી, બોટિંગ કે અન્ય કોઇ પ્રવૃતિ ટાળે અને ખાસ કરીને સેલ્ફી લેવાનું હાલ તુરત બંધ કરી દે એ જરૂરી છે.

સચીન પોલીસ મથક પાણીમાં, વાહનો ડૂબી ગયા

ભારે વરસાદને પગલે શહેરના સચીન વિસ્તારમાં પણ પાણીનો ભારે ભરાવો થયો હતો. અત્રે તસ્વીરો બયાન કરે છે કે સચીન પોલીસ મથક જ્યાં આવેલું છે ત્યાં પાણી ભરાવાના કારણે વાહનો ડૂબી ગયા હતા.

July 10, 2018
fifa.jpg
1min14700

સ્પર્ધામાં છેલ્લી ચાર યુરોપિયન ટીમ બાકી રહેતા ફિફા વર્લ્ડ કપ-2018 હવે બિલકુલ યુરો કપ બની ગયો છે અને આમ તેના ઈતિહાસમાં પાંચમી વેળા તથા 2006 પછી પહેલી વાર બન્યું છે.

સ્પર્ધામાં સેમી-ફાઈનલ તબક્કામાં રમનાર ચાર ટીમ છે ફ્રાન્સ, ક્રોએશિયા, ઈંગ્લેન્ડ અને બેલ્જિયમ.

પહેલી સેમી-ફાઈનલ મંગળવાર, 10મી જુલાઈએ ફ્રાન્સ (વિશ્ર્વ ક્રમાંક 7) અને બેલ્જિયમ (3) વચ્ચે સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય સમય અનુસાર રાતે 11.30 વાગ્યે રમાશે અને બુધવાર, 11મી જુલાઈએ રમાનારી બીજી સેમી-ફાઈનલ મેચમાં ક્રોએશિયા (20) અને ઈંગ્લેન્ડ (12) વચ્ચે મોસ્કોમાં ભારતીય સમય અનુસાર 11.30 વાગ્યે મુકાબલો થશે.

ફ્રાન્સ 2006 તથા 2002માં, ક્રોએશિયા 1998 તથા 1994માં, ઈંગ્લેન્ડ 1990માં અને બેલ્જિયમ 1986માં પણ વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં પહોંચ્યું હતું.

બેલ્જિયમ-ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 73 મુકાબલા રમાયા છે જેમાંથી બેલ્જિયમ 30 અને ફ્રાન્સ 24 જીત્યું છે તથા 19 મેચ ડ્રો ગઈ હતી.

ઘણા લોકો માટે સ્પર્ધા જીતવા ફેવરિટ ટીમો તરીકે રહેતી ફ્રાન્સ-બેલ્જિયમ વચ્ચેની આગામી મેચ ફાઈનલ પહેલાની ફાઈનલ મેચ સમાન છે. બેલ્જિયમની ટીમ તેની છેલ્લી 24 મેચમાં અજેય રહી છે, જ્યારે ફ્રાન્સની ટીમના ખેલાડી સમયસર પોતાના ફોર્મમાં પ્રવેશી રહ્યા છે.

ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મુકાબલા યોજાયા છે જેમાંથી ઈંગ્લેન્ડ 4 અને ક્રોએશિયા બે જીત્યું છે તથા એક મેચ ડ્રો નીવડી હતી.

સેમી-ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કરનાર સૌથી નીચલા ક્રમની ટીમ તરીકે રહેતા ક્રોએશિયાને વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચવાનો આ વેળા સોનેરી મોકો છે, પણ તેના માર્ગમાં સફળતાની ‘ભૂખ’ સાથેના યુવા ખેલાડીઓની ઈંગ્લેન્ડની ટીમ છે જે મૅનેજર ગેરેથ સાઉથગેટના માર્ગદર્શનમાં નવો ઈતિહાસ લખવા ઉત્સુક છે.

July 10, 2018
rathyatra.jpg
1min6360

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે, એવું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Ahmedabad: A priest performs worship of Lord Jagnnath inside Jagnnath Temple, ahead of Annual Rath Yatra procession in Ahmedabad on Monday. PTI Photo (PTI7_4_2016_000216B)

તા.14મી જુલાઇના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે તા.9મી જુલાઇએ ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે.

અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરાશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 117, અન્ય દેવી-દેવતાઓની 47 મળી કુલ 164 રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં 15 જિલ્લામાં મોટી જનમેદનીવાળી 18 સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમ જ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, રાજ્યના ડી.જી.પી. શીવાનંદ ઝા, એડિશનલ ડી.જી.પી. વી.એમ.પારઘી, સી.આઇ.ડી. ઇન્ટેલીજન્સના ઇન્ચાર્જ ડી.જી.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૂરી પરામર્શ કર્યો હતો.

July 10, 2018
noida.jpg
1min7710

મોદી સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આદરેલી કામગીરીમાં ફોન ઉત્પાદકની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકનું ફોન ઉત્પાદક બન્યું છે. ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ઉત્પાદન કરતા હોય તેવા માત્ર બે કારખાનાં હતાં તેની સંખ્યા વધીને 120ની થઈ ગઈ છે. તે પૈકી 50 કારખાના ફક્ત નોએડામાં જ છે.

ભારતની રાજધાની દિલ્હીના સીમાડે આવેલા નોએડા ખાતે વિશ્ર્વની સર્વાધિક મોટા ફોન ઉત્પાદન કારખાનાની સંખ્યામાં વધારો થયો હોવાથી સીધે સીધી ચાર લાખ રોજગારી ઊભી થઈ છે. આવા કારખાના, પ્લાન્ટ તેમ જ સવલતો સ્થાપવામાં કરાતું રોકાણ ભારતના દક્ષિણ કોરિયા જેવા દેશો સાથેના આર્થિક તથા વ્યાવસાયિક સંબંધોમાં ભારે મહિમાવંતા નીવડે છે.

ભારતમાં 40 કરોડ સ્માર્ટફોન વપરાશમાં લેવાય છે તેમ જ 32 કરોડ લોકો બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ભારત ડિજિટલ ક્રાંતિ ભણી આગેકૂચ કરી રહ્યું છે.

સ્માર્ટફોન બજારમાં સેમસંગ વિશ્ર્વનેતા છે. તેનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબ ભારતમાં છે તથા હવે ઉત્પાદનનો બેઝ પણ છે જ.

મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂને જાએ ઈને ઉપભોક્તા વિજાણુ બજારના માંધાતા સેમસંગે 9મી જુલાઈએ નોઈડા ખાતે વિશ્વના સર્વાધિક મોટા મોબાઈલ ફોન કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી 2020 સુધીમાં હેન્ડસેટ ઉત્પાદન ક્ષમતા બમણી થઈને 12 કરોડ યુનિટના આંકને આંબી જશે.

કોરિયાની કંપનીના સેમસંગના નોઇડા ખાતે તા.9મી જુલાઇએ ઉદઘાટિત થયેલા કારખાના જેવા પ્લાન્ટથી 2000 ભારતીય માટે નવી નોકરી ઊભી થશે.  આ કારખાનાંમાં બનેલા સ્માર્ટ ફોનની મધ્ય પૂર્વના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવશે.

July 9, 2018
munna.jpg
1min15500
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં અંડરવર્લ્ડ ડૉન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની જેલમાં જ ગોળી મારી હત્યા કરાતાં ઉત્તર પ્રદેશ જેલ પ્રશાસનથી લઇને લખનૌના પોલીસ અધિકારીઓમાં સન્નાટો મચી ગયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આજે તા.9મી જુલાઇને સોમવારે સવારે 5.30 વાગ્યે જેલ ખૂલ્યા બાદ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવી હતી. મુન્ના બંજરગીની પત્નીએ 29 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી જેલમાં મુન્ના બંજરગીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. એ આશંકા સાચી ઠરી છે. સૌથી વધુ સવાલો જેલ પ્રસાશકો સામે જ ઉઠી રહ્યા છે.
આજરોજ તા.9મી જુલાઇએ પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિતથી રંગદારી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગી હાજર થવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેણે તન્હાઈ બેરકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે રાખવામાં આવ્યો હતો.
સોમવાર તા.9મી જુલાઇએ મુન્ના બજરંગી કોર્ટમાં હાજર થવાનો હતો
મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ છે. તેનો જન્મ 1967માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગાંમમાં થયો હતો. તેના પિતા પારસનાથ સિંહ તેણે ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાના સપના જોયા હતા. પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ પિતાના સપનાઓને ચકનાચુર કરી દીધા હતા. મુન્ના બજરંગીએ પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. કિશોર અવસ્થા સુધી પહોંચતા તેણે એવા ઘણા શોખ લાગી ગયા જેના કારણે ગુનાઓની દુનિયામાં આવવા પૂરતા હતા.
July 9, 2018
dollarvsrupeee.jpg
1min7170

ડોલરમાં સતત મજબૂતાઈ, વિદેશી રોકાણપ્રવાહનો અભાવ અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ચિંતાથી રૂપિયો ચાલુ સપ્તાહે ઘટીને 70 થવાનો અંદાજ બેન્કર્સે વ્યક્ત કર્યો છે. જોકે, RBI સ્થાનિક કરન્સીને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, રૂપિયો 28 જૂને ડોલર સામે 69.10ની અત્યાર સુધીની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. તા.5 જુલાઇને ગુરુવારે તે 68.95 અને તા.6 જુલાઇને શુક્રવારે 68.87ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયો થોડા સમય માટે 70ના સ્તરે પહોંચશે, પણ ત્યાં લાંબો સમય ટકે તેવી શક્યતા નથી.” એક બેન્ક ટ્રેઝરરના જણાવ્યા અનુસાર જે કંપનીઓને વિદેશી વેપારી ઋણ (ECB) ચૂકવવાનું છે તે પણ ડોલર એકત્ર કરી રહી છે. અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે, “RBI રૂપિયાને 69.30ના સ્તરની નીચે નહીં જવા દે. જોકે, આ સ્તર તૂટશે તો સ્થાનિક ચલણ ઝડપથી 70ને સ્પર્શશે.”

બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડના ઊંચા ભાવને કારણે રાજકોષીય ખાધ વધવાની ચિંતા તેમજ ઓઇલ કંપનીઓ અને આયાતકારો તરફથી ડોલરની માંગની અસરને કારણે રૂપિયો દબાણમાં રહેશે.

રિઝર્વ બેન્કે હંમેશા જણાવ્યું છે કે, રૂપિયા માટે તેણે કોઈ ટાર્ગેટ નક્કી કર્યું નથી, પણ ચલણની વોલેટિલિટીને અંકુશમાં રાખવા તે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરે છે. 29 જૂનના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 406.058 અબજના સ્તરે હતું, જે RBI માટે ઘણું અનુકૂળ સ્તર છે.

વિશ્લષકોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ના કારણે તમામ એશિયન કરન્સી પર દબાણ વધ્યું છે, પણ રૂપિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી ખરાબ રહ્યું છે. ટ્રેડ વોરની ચિંતાના કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ મુજબ RBI દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ થાય ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBIએ 6 જૂને રેપો રેટ વધાર્યો ત્યારથી રૂપિયો 1.9 ટકા ઘટ્યો છે.