ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર કરોડો રૂપિયાના ખર્ચે શિક્ષણ સુધારણા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં ધોરણ 6થી 8ના 28 ટકા બાળકોને વાંચતા કે લખતાં પણ આવડતું નથી. જે સરકારની નિષ્ફળતા સૂચવે છે. ગુજરાતમાં ધોરણ 6થી 8ના બાળકોને લખતાં-વાંચતા ન આવડતું હોવા છતાં રાજ્યના શિક્ષણ પ્રધાન દિલ્હી જઈને ધોરણ 6થી 8માં ફરીથી પાસ-નાપાસની પદ્ધતિ શરૂ કરવા માટેની માગણી કરી ચૂક્યા છે.

ગત જુલાઈ માસથી શરૂ થયેલા ગુજરાત સરકારના મિશન વિદ્યા અભિયાનના કાર્યક્રમમાં સરકારી સ્કૂલોની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. જીસીઈઆરટી દ્વારા મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનના પ્રેઝન્ટેશનમાં ધોરણ.6થી 8ના સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓ એટલે કે, 28.38 ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં ન આવડતું હોવાનું બહાર આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે, જો ધોરણ 6થી 8ના બાળકોની આ સ્થિતિ હોય તો પછી ધોરણ 1થી 5ની શું સ્થિતિ શું હશે?
સરકારી સ્કૂલોના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પરિપક્વ બને તેના માટે મિશન વિદ્યા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આ કાર્યક્રમ નિરંતર કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પરંતુ આ કાર્યક્રમે સરકારી સ્કૂલોની સાચી સ્થિતિને ઉજાગર કરી હતી. મિશન વિદ્યા અભિયાન રાજ્યની કુલ 23,474 શાળાઓના નબળા હોય તેવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8માં 20 લાખથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય છે. જેની સરેરાશ પ્રમાણે એક ધોરણ.માં 6,66,666 બાળકો અભ્યાસ કરતા હોવાનો અંદાજ લગાવી શકાય. જોકે આ બાળકો પૈકી વાંચન, લેખન અને ગણનમાં 10 ગુણમાંથી 0થી 5 માર્કસ મેળવ્યાં હોય તેવા વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,73,352, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,03,261 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,06,867 થાય છે.જ્યારે ધોરણ.7માં વાચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,61,533, લેખનમાં નબળા હહોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,93,903 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,07,705 થાય છે. ધોરણ. 8માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,57,433, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,90,934 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,08,228 થાય છે.
























