Slider Archives - Page 340 of 491 - CIA Live

June 20, 2019
oil.jpg
1min5450

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.

બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

June 20, 2019
onenation.jpg
1min5320

એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બુધવારે બોલાવી હતી તે સમયે કાનૂની પેનલની ભલામણ ઘણું મહત્ત્વ ધરાવે છે. જોકે આ પેનલે ગત વર્ષે ઑગસ્ટમાં ડ્રાફ્ટ ભલામણ તૈયાર કરી હતી.

રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ અને બંધારણમાં અમુક સુધારા કરવા માટે લૉ પેનલે ભલામણ કરી છે. બીજું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે પણ બે તબક્કામાં કરવા ભલામણ કરી છે તે માટે બંધારણની ઓછામાં ઓછી બે જોગવાઈમાં સુધારો કરવાની જરૂર છે. મોટાભાગના રાજ્યોની મંજૂરી પણ અનિવાર્ય છે.

કાનૂની પેનલના અભિપ્રાય – ભલામણ સાથે સહમત થતાં ભૂતપૂર્વ ચીફ ચૂંટણી કમિશનર ટી. એસ. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે “એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર આકર્ષક છે, પરંતુ બંધારણીય સુધારા વિના અમલ શક્ય નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે મોટાપાયે વહીવટી વ્યવસ્થા અર્ધસુરક્ષા દળોની વધારે પ્રમાણમાં જરૂરિયાત સહિતના અન્ય પગલાં લેવાની જરૂર પડશે. આ બધું થાય તો એકસાથે ચૂંટણી યોજવી શક્ય છે.

આ વિચાર હકીકત બનશે તો તેના ઘણા લાભ છે. જોકે મોટો પડકાર અમલમાં મૂકવાનો છે. બંધારણમાં સુધારા કઈ રીતે કરી શકાય તે પણ મહત્ત્વનું છે. બધા પક્ષોનો સહકાર કેટલો મળે છે તે પણ જોવું રહ્યું.

બુધવારની બેઠકમાં હાજર રહેવાનું ઘણા પક્ષે ટાળ્યું હતું. ટ્રાન્ઝિશનલ જોગવાઈ પણ કરવી જરૂરી પડશે. કારણ કે ગૃહની મુદત અલગ અલગ હોય છે. બધા રાજ્યની મુદત એકસાથે પૂર્ણ થતી નથી. તે એકરૂપ કરવી પડશે. આમ એકસાથે લોકસભા – વિધાનસભાની ચૂંટણી યોજવા સામે પડકાર ઘણા છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8940

જયેશ બ્રહ્મભટ્ટ

મોદી સરકારે સમગ્ર દેશમાં ઉજળીયાતો (બિન અનામત કેટેગરી)માં શિક્ષણ અને રોજગારમાં આખા દેશમાં 10 ટકા રિઝર્વેશન આપવાના કરેલા ઠરાવની પહેલી અસર ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યવાહી પર જોવા મળી છે. ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હાલ પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે મોક રાઉન્ડનું એડમિશન લિસ્ટ જાહેર કરાયું હતું.

ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન પ્રક્રિયામાં ઉજળીયાતો માટે 10 ટકા રિઝર્વેશન સુપરહીટ પુરવાર થયું છે અને ડિમાન્ડવાળી કોલેજોમાં ઓપન કેટેગરીમાં જે પ્રવેશ અટક્યા હતા અથવા જે લેવલ પર પાછલા વર્ષોમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ અટકતા હતા તેનાથી નોંધપાત્ર કહી શકાય એટલા ઓછા મેરીટે પણ ઉજળીયાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન સીટ પર પ્રવેશ મળ્યા છે.

દાખલા તરીકે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ગાંધીનગર ખાતે આવેલી પી.ડી.પી.યુ. (પંડીત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી) ખ્તાયનામ કહેવાય અને આઇ.આઇ.ટી. કે એન.આઇ.ટી.ને સમકક્ષ કહેવાય છે. આ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં પહેલો પ્રવેશ 1281 મેરીટ રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 4901 રેન્ક પર અટક્યો હતો. હવે ઉજળીયાતો માટેની જ ઇડબલ્યુએસ કેટેગરીમાં પહેલો પ્રવેશ 5282 રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 6098 રેન્ક પર અપાયો. આમ ઉજળીયાતો માટે જ્યાં 5200 રેન્ક પર પ્રવેશ અટકી જતા હતા ત્યાં છેક 6100 રેન્ક સુધી ઉજળીયાતોને પ્રવેશ મળી શક્યા હતા.

ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત મેડીકલમાં તો ઇડબલ્યુએસ કેટેગરી માટે ખાસ નવી બેઠકો વધારવામાં આવી રહી છે. આ સિવાયની બ્રાન્ચ કે અભ્યાસક્રમોમાં પણ ઓપન કેટેગરી (બિન અનામત) વર્ગને 10 ટકા રિઝર્વેશનથી ફાયદા પુરવાર થઇ રહ્યા છે.

આ પ્રકારે ડિગ્રી ઇજનેરીની દરેક કોલેજમાં ઉજળીયાતોને અનામત આપવા માટે ઉભી કરાયેલી ઇડબલ્યુએસ કેટેગરીથી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો જોવા મળ્યો છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11270

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતમાં શિક્ષણના નામે રીતસરનો વેપાર કરી રહેલા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સંચાલકોની ધંધાદારી પ્રવૃત્તિઓ હવે વાલીઓ વિદ્યાર્થીઓ પારખી ગયા છે. એક સાથે ત્રણ ત્રણ ડિગ્રી ઇજનેરી કોલેજો ચલાવતા ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની ત્રણયે કોલેજોમાં મોક રાઉન્ડમાં જ જંગી સંખ્યામાં સીટો ખાલી પડી રહી છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભઘવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમ ત્રણેય કોલેજો મળીને સ્ટેટ ક્વોટામાં કુલ 1637 ડિગ્રી ઇજનેરીની સીટો પ્રવેશ માટે રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 280 (ફક્ત 17 ટકા) બેઠકો પર પ્રવેશ ચોઇશ આપી છે.

એડમિશન કમિટીએ આપેલી વિગતો મુજબ ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય ડિગ્રી ઇજનેરી કોલેજોમાં કુલ 1357  બેઠકો (83 ટકા) મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા તો દૂરની વાત પરંતુ, પ્રયોગ માટે લેબોરેટરી, લાઇબ્રેરી, કમ્પ્યૂટર લેબ જેવી માળખાગત સુવિધાઓ નહીં આપતા સંચાલકો ફક્ત રૂપિયા ઉસેટવામાં જ રચ્યા પચ્યા રહે છે. એ તો ઠીક પરંતુ, કોલેજોમાં અધ્યાપકોને પૂરો પગાર પણ નહીં ચૂકવતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે.

અત્યાર સુધી પ્રવેશાર્થીઓ અજાણતામાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, પરંતુ, હવે ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની પ્રવૃતિઓ જગજાહેર થઇ ચૂકી હોઇ, વિદ્યાર્થીઓ આ સંસ્થાની કોલેજોને જાકારો આપી રહ્યા છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનયિરંગ એન્ડ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર અને મહાવીર સ્વામી ડિગ્રી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગ બ્રાંચ તો એવી છે જેમાં એકેય વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ચોઇશ આપી નથી એટલે કે ઇચ્છા દર્શાવી નથી. તમામ 71 બેઠકો મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

આ તો હજુ મોક રાઉન્ડનું પરીણામ છે, હજુ પણ એવા પ્રવેશાર્થીઓ હશે જેઓ એક્ચ્યુઅલ રાઉન્ડમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોની ચોઇશ કાઢીને સુરત કે રાજ્યની અન્ય ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવશે.

June 19, 2019
sakib.jpg
1min14780

વર્લ્ડ કપમાં શકિબનો અદ્ભુત દેખાવ

વર્લ્ડ કપમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બંગલાદેશનો શકિબ અલ હસન અદભૂત પ્રદર્શન કરી રહયો છે. ખાસ કરીને તેના બેટમાંથી સતત રન નીકળી રહયા છે. શકિબની અણનમ સદીથી બંગલાદેશે ગઇકાલના મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટે હાર આપી હતી. બંગલાદેશે પાવર બેટિંગ કરીને 322 રનનો વિજય લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવીને 41.3 ઓવરમાં જ કરી લીધો હતો.
બંગલાદેશની રનનો પીછો કરતા આ સૌથી મોટી જીત છે. 99 દડામાં અણનમ 124 રન અને બે વિકેટ લેનાર શકિબ મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચ બાદ તેણે કહયું હતું કે આ એક અદભૂત અહેસાસ છે. આખર સુધી વિકેટ પર ટકી રહીને ટીમને જીત અપાવી સૌથી સંતોષજનક અહેસાસ છે. હું પાછલા દોઢ મહિનાથી મારી બેટિંગ પર મહેનત કરી રહયો હતો. હવે ખુશ છું કે મહેનત રંગ લાવી છે. મેં વિચાર્યું ન હતું કે વિશ્વ કપમાં મને નંબર ત્રણ પર બેટિંગ પર મોકો મળશે.
વનડાઉનમાં આવવાથી મને સેટ થવાનો મોકો મળે છે. અમારે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા હવે પછીના મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શકિબના વિશ્વ કપમાં કુલ 382 રન થયા છે અને સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં તે પહેલા નંબર પર આવી ગયો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિંચ છે. તેણે 5 ઇનિંગમાં 343 રન બનાવ્યા છે. શકિબની વર્તમાન વિશ્વ કપમાં ચાર ઇનિંગમાં આ મુજબનો સ્કોર છે. 75, 64, 121 અને અણનમ 124. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં પણ તે સૌથી વધુ પોઇન્ટ સાથે આગળ ચાલી રહ્યો છે.
June 19, 2019
cbdt1.jpeg
1min5920

આવકવેરા વિભાગમાં અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ‘સફાઈ’ કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે આજે ફરી નાણા મત્રાલયના 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મુખ્ય કમિશનર, કમિશનર, અને અધિક કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ છે. ફરજિયાત રિટાયર કરવામાં આવેલા આ અધિકારીઓ પૈકી મોટાભાગના સામે ભ્રષ્ટાચાર, લાંચના આરોપો છે.
આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કસ્ટમ વિભાગના ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા અધિકારીઓમાં
પ્રિન્સિપલ કમિશનર ડો. અનુપ શ્રીવાસ્તવ,
કમિશનર અતુલ દીક્ષિત,
કમિશનર સસારચંદ,
કમિશનર હર્ષા,
કમિશનર વિનય વ્રિજ સિંહ,
એડિશનલ કમિશનર અશોક મહિદા,
એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ,
ડેપ્યુટી કમિશનર અમરેશ જૈન,
જોઈન્ટ કમિશનર નલીન કુમાર,
આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના,’
આસિસ્ટન્ટ કમિશનર એસએસ બિષ્ટ,
આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા,
એડિશનલ કમિશનર રાજુ સેકર,
ડેપ્યુટી કમિશનર અશોક કુમાર અસવાલ અને
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ અલ્તાફનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ નિર્મલા સીતારામને નાણા મંત્રાલય સંભાળતાંની સાથે જ સખત નિર્ણય લીધો હતો અને ગયા સપ્તાહે ટેક્સ વિભાગના’ જ 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સના નિયમ-56 અનુસાર નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમયથી પહેલાં જ નિવૃત્તિ આપી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ફરજિયાત નિવૃત્ત કરાયેલા આ અધિકારીઓ પૈકીના અનેકની સામે ભ્રષ્ટાચાર, ગેરકાનૂની અને બેહિસાબ સંપત્તિ ઉપરાંત જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા.
ઉલ્લેખનીય છે કે નિયમ-56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરી શકાય છે જેમની વય 50-55 વર્ષની હોય અને 30 વર્ષનો સેવાકાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી શકાય છે.
June 19, 2019
monsoon.jpg
1min4520

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે.

દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ તાલુકાઓમાં ૧૨થી ૬૮ મી.મી. જ્યારે ૧૦૪ તાલુકાઓમાં ૧૧થી ૧મી.મી સુધીનો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નોંધાપાત્ર વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં બપોરે એક કલાકમાં જ એક ઇંચથી વધારે વસસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહતિના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ઊના અને ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઊમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ સુરતમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી હતી.

June 19, 2019
ratnagiri.jpg
1min5300

તાલાલા ગીરની કેસર કેરીના ભાવ જૂનાગઢની બજારમાં ગગડયા છે. સીઝનની શરૂઆતમાં કેરીના ૧૦ કિલોના એક બોક્સના ભાવ, ૧૨૦૦ થી ૧૫૦૦ હતા તે હવે રૂ. ૨૦૦ થયા છે. બીજી બાજુ કેરીની આવક પણ ઘટી છે.

પાંચ દિવસ પહેલા ૧૨૦૦૦ ઉપરાંત બોક્સ ની આવક હતી તેની સામે ૬૦૦ બોક્સ આવી રહ્યાં છે. કેરીની સીઝન હવે પૂરી થવામાં છે. તા. ૨૨ જૂનથી આદરા નક્ષત્ર બેસે છે. ત્યારે જૈનો કેરીનો ત્યાગ કરશે. હજુ જોઈએ તેવો વરસાદ થયો નથી. ચોમાસુ બેસશે ત્યારે કેરીમાં જીવાત આવવા લાગશે. તેથી કેરી ખાવાલાયક રહેશે નહીં. આમ કેસર કેરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે.

June 19, 2019
bitcoin_1.jpg
1min5860

ચાર હજાર કરોડના બિટકનેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાના સાત દિવસના રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં ૧૫.૭૩ કરોડના બિટકોઇન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કુંભાણીએ અમેરિકાની કંપની પાસેથી બિટકનેક્ટ ટોડ કોમનું ડોમેન ખરીદ્યું હોવાની વાત પણ સપાટી પર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિટકોઇનના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા સતીશ કુરજી કુંભાણી અને સુરેશ ગોરધન ગોરસિયા હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ પાસે રિમાન્ડ તળે હોઈ જેની પાસેથી ૨૬૦ બિટકોઇન પોલીસને હાથ લાગ્યા હતા અત્યારની કિંમત પ્રમાણે એક કોઇનની કિંમત રૂ. ૬ લાખ ૫ હજાર ગણવામાં આવે છે.

આ રીતે કુલ રૂ. ૧૫ કરોડ ૭૩ લાખની કિંમતના કોઇન કબજે કર્યા હતા. આ ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી રૂ. ૩ લાખની કિંમતની એક કાર તેમજ સુરેશ ગોરસિયા પાસેથી રૂ. ૧ લાખની કિંમતનું બુલેટ પણ પોલીસે કબજે કર્યું હતું. જ્યારે સીઆઇડી ક્રાઇમે સતીશ કુંભાણીના ઘરેથી ત્રણ લેપટોપ, એક ઓલ ઇન વન સિસ્ટમ અને ચાર પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. જેની તપાસ કરી તો તેમાંથી બિટકોઇનની જેમ જ અન્ય કોઇનો બિટકોઇન કેશ, પીઅર કોઇન, નોવા કોઇન, બીસીસી કોઇન અને મલ્ટિબિટ કોઇનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યાં હતાં.

કરોડોના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડકારો સુરતના સતીશ કુંભાણીની ટોળકીએ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દુનિયાના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. જેથી અમેરિકાની એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અમેરિકા, જાપાન, દુબઈ સહિતના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. સુરતના સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા, ધવલ માવાણીએ બિટકોઇનના નામે ૨૦૧૬ના વર્ષમાં કૌભાંડનો પ્રારંભ કર્યો અને છેક અમેરિકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં સતીશ અને સુરેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હજુ નાસતા ફરે છે. દરમિયાન વિશ્ર્વવ્યાપી આ કૌભાંડ સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કુલ સાત ગુના નોંધાયા હતા અને સીઆઇડી ક્રાઇમ વડા તપાસ કરી રહી છે.

June 19, 2019
parliament.jpg
1min5900

મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ૪૮ સાંસદમાંના ૩૪ સાંસદે મરાઠીમાં શપથ લીધા હતા. અમુક બિનમરાઠી સાંસદોએ પણ મરાઠીમાં શપથ લીધા હતા, પરંતુ કેટલાક મરાઠી સાંસદે અંગ્રેજી કે હિંદીમાં શપથ લેતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહારાષ્ટ્રના ત્રણ સાંસદે સંસ્કૃતમાં સાંસદ તરીકેના સોગંદ લીધા હતા.

ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને અમરાવતીનાં સાંસદ નવનીતકૌર રાણા બિનમરાઠી ભાષી હોવા છતાં તેઓએ મરાઠીમાં શપથ લીધા હતા.

આમ છતાં, રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હિંદીમાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ સુજય વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના સાંસદ ઉદયનરાજે ભોસલેએ અંગ્રેજીમાં સોગંદ લીધા હતા. આ પ્રકરણમાં અનેક લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. હિંદીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુપ્રિયા સુળે ઉપરાંત પૂનમ

મહાજન, હીના ગાવિત, સુધાકર શ્રુંગારે અને ગોપાલ શેટ્ટીનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુજય વિખે પાટીલ ઉપરાંત ઉદયનરાજે ભોસલેનો સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં શપથ લેનારા મહારાષ્ટ્રના ત્રણે સાંસદ – સુનીલ મેંઢે, ગિરીશ બાપટ અને ઉન્મેશ પાટીલ ભારતીય જનતા પક્ષના જ છે.

સોનિયા ગાંધીએ હિન્દી ભાષા પસંદ કરી

લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની શપથવિધિ ૧૭-૧૮ જૂન દરમિયાન પૂર્ણ થઈ છે. મંગળવારે સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, સુખબીરસિંહ બાદલ સહિત ૨૦૦થી વધુ સાંસદોએ શપથ લીધા હતા. બાદલે વાહેગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી દે ફતેહ સૂત્ર પોકારીને શપથ લીધા હતા. ભગવંત માને શપથના અંતે “ઇન્કલાબ ઝીન્દાબાદ બોલતા ગૃહમાં હંગામો થયો હતો.

ભાજપના સાંસદ અને લોકસભામાં સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા શપથ લેવા આવ્યા હતા ત્યારે તાળીઓનો ગળગળાટ થયો હતો. સની દેઓલે ભારત માતા કી જય બોલીને શપથ લીધા હતા.

પી. ચિદમ્બરમે સ્પીકરની ગેલેરીમાં બેસીને પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની શપથવિધિ નિહાળી હતી. સોનિયા ગાંધીએ હિન્દીમાં સોગંધ લીધા હતા. રાહુલ ગાંધીએ આ પળને મોબાઈલમાં ઉતારી હતી. મેનકા ગાંધીએ શપથ લીધા બાદ દેરાણી-જેઠાણીએ એકબીજાને હાથ જોડ્યા હતા.

મુલાયમસિંહે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. આરોગ્યના કારણસર તેમને પ્રાધાન્યતા અપાઈ હતી. ભાજપના અમુક સભ્યોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટીએમસીના સાંસદોએ જય દુર્ગા અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

ઔવેસીએ જય ભીમ, જય મીમ, અલ્લાહો અકબરનો અને જય હિંદના નારો લગાવ્યો હતો. હેમા માલિનીએ રાધે રાધે બોલીને શપથ લીધા હતા. જે સભ્યોના શપથ બાકી છે તેમને બુધવારે સોગંધ લેવડાવાશે.