CIA ALERT

Slider Archives - Page 130 of 491 - CIA Live

August 12, 2021
KN_chavda-copy.jpg
1min2077

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.12મી ઓગસ્ટે વીર નર્મદ યુનિવર્સિટીની માહિતીથી ભરપૂર વ્હોટસએપ ચેટબોટ સિસ્ટમ વિદ્યાર્થીઓને સમર્પિત કરી હતી. વિદ્યાર્થીઓ પોતાના મનગમતા વ્હોટ્સ એપના માધ્યમથી યુનિવર્સિટીની તમામ સેવાઓ અને માહિતી એક્સેસ કરી શકશે. શરત એ જ છે કે તેમણે યુનિવર્સિટીમાં પ્રવેશ સમયે જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો હશે તે નંબરથી જ ચેટબોટમાં લોગઇન થવું પડશે.

વિદ્યાર્થીઓને મોબાઇલ પર હોલ ટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ જેવી તેમની તમામ માહિતીઓ ઉપલબ્ધ બનશે

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 17500 સ્ક્વેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને વધુ શુલભ બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજરોજ તા.12મ ઓગસ્ટે પોતાની વ્હોટ્સએપ ચેટબોટ સિસ્ટમ લોંચ કરી છે. વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબની વીર નર્મદ યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ સુવિધા વિકસાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરીયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુથી ચેટબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇપણ ખૂણેથી કોઇપણ વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામાન્ય જાણકારી-માહિતી ચેટબોટ થકી સરળતાથી એક્સેસ કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી સ્ટેટ યુનિવર્સિટી છે.

આજે અબાલવૃદ્ધો માટે વ્હોટ્સએપ મેસેજિંગ શુલભ, સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે, વીર નર્મદ યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ફ્યુચર સ્ટુડન્ટસથી લઇને કોઇપણ સામાન્ય વ્યક્તિને વીર નર્મદ યુનિવર્સિટી અંગેની કોઇપણ માહિતી વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ નંબરથી મળી શકે તે પ્રકારની માળખાગત સુવિધા વિકસાવવામાં આવી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઇપણ નાગરીકોએ 0261- 238 8888 નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. નંબર સેવ કર્યા પછી વ્હોટ્સએપ મેસેજિંગ સર્વિસ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટીવ થઇ જશે અને ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી પૂરી પાડશે.

હાલમાં વીર નર્મદ યુનિવર્સિટી અંગેની માહિતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અંગેની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી, પરીક્ષા સમયપત્રક અંગેની માહિતી, પરીક્ષા પરીણામ અંગેની માહિતી, હોલટિકીટની પ્રાપ્તિ અંગેની માહિતી, એફિલિયેટેડ કોલેજો અંગેની માહિતી તેમજ સંપર્ક અંગેની માહિતી સિસ્ટમમાં ફીડ કરવામાં આવી છે અને તબક્કાવાર વીર નર્મદ યુનિવર્સિટીને સ્પર્શતી તમામ બાબતો ચેટબોટ પરથી મળવાનું શરૂ થશે.

ખાસ નોંધવું ઘટે કે વીર નર્મદ યુનિવર્સિટીની ચેટબોટ સેવાઓ ફક્ત સાર્વજનિક માહિતી જ ઉપલબ્ધ કરાવશે. વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી જેમકે હોલટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ વગેરે તેમણે પ્રવેશ વખતે આપેલા યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ ખુદ જ એક્સેસ કરી શકશે.

August 11, 2021
phoghat.jpg
1min444

ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.

વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.

August 11, 2021
gseb-1280x720.jpg
1min405

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ જાહેર કર્યું હતું, જેમાં 4,00,127 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડે આ વર્ષે માસ પ્રમોશનના કારણે 100% પરિણામ જાહેર કર્યું હોવા છતાં, 90%થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

August 11, 2021
mansukh-mandaviya.jpg
1min506
Useless statements': States knew about vaccine availability in advance,  says Mansukh Mandaviya on shortage - Coronavirus Outbreak News

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.

માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.

અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

August 11, 2021
loards.jpg
1min405

ટ્રેંટબ્રિજનાં મેદાન પર તો વરસાદને લીધે ઇંગ્લેન્ડની લાજ બચી ગઈ પણ હવે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસનાં મેદાન પર ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હશે ત્યારે મુકાબલો કસોકસનો બની રહેશે. લોર્ડસનું મેદાન ઝડપી બોલરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ વખતે લોર્ડસમાં ગ્રીનટોપ વિકેટ પર બન્ને ટીમના બેટ્સમેનોની કસોટી થવી નક્કી છે. એવામાં ટીમ ઇન્ડિયાની ઇન ફોર્મ ફાસ્ટ બોલિંગને તેનો ફાયદો મળી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે વાપસીની તક રહેશે. જો કે લોર્ડસનાં મેદાન પરની ભારતની ટેસ્ટ સફર હજુ સુધી નિરાશાજનક રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસ પર ટીમ ઇન્ડિયા પહેલીવાર 1932માં ટેસ્ટ રમવા ઉતરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમને ફક્ત બે જીત જ નસીબ થઈ છે.

લોર્ડસનાં મેદાન પર ટીમ ઇન્ડિયા 2018 સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ફક્ત બે મેચમાં જ જીત મળી છે જ્યારે 12 મેચમાં હાર સહન કરવી પડી છે. ચાર મેચ ડ્રો રહ્યા છે. છેલ્લે 2018માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ લોર્ડસનાં મેદાન પર કંગાળ દેખાવ કરીને એક દાવ અને 1પ9 રને હારી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલિંગ આક્રમણ સામે ભારતીય ટીમ બન્ને દાવમાં નતમસ્તક થઈ હતી અને મહામુસિબતે 100ના આંકડાને પાર કરી શકી હતી. એન્ડરસન અને બ્રોડે એ મેચમાં ભારતીય બેટધરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.

ખાસ વાત એ રહેશે કે ભારતીય સુકાની લોર્ડસનાં મેદાન પર તેની સદીના દુકાળને ખતમ કરવા પણ ઇચ્છશે. તે આમ પણ હજુ સુધી લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ત્રણ આંકડે પહોંચી શક્યો નથી. મહાન સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર પણ લોર્ડસમાં સદીથી વંચિત રહ્યા છે.

કોહલી આ કમનસીબ સૂચિમાં સામેલ થવા ઇચ્છશે નહીં. કોહલી પાછલી 9 ટેસ્ટની 1પ ઇનિંગથી સદી કરી શક્યો નથી. છેલ્લે તેણે નવેમ્બર-2019માં સદી કરી હતી. આ પછી 1પ ઇનિંગમાં તે ફક્ત 34પ રન જ કરી શક્યો છે. સરેરાશ 23.00 છે. લોર્ડસ પર ગવાસ્કરે 10 ઇનિંગમાં 340 રન અને સચિન તો અહીં 9 ટેસ્ટ ઇનિંગ અર્ધસદી પણ કરી શક્યો નથી. કોહલી લોર્ડસમાં ચાર ઇનિંગ રમી ચૂક્યો છે. જેમાં તેનાં નામે 6પ રન છે. શ્રેષ્ઠ સ્કોર 2પ છે.

August 11, 2021
jammu-kashmir.jpg
1min434

કેન્દ્રે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી એટલે કે ૨૦૧૯ના ઑગસ્ટ બાદ (જમ્મુ અને કાશ્મીરની) બહારની  એટલે કે દેશના અન્ય રાજ્યની માત્ર બે વ્યક્તિએ  અત્યાર સુધીમાં ત્યાં બે પ્રૉપર્ટી ખરીદી હતી.

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

તેમને લોકસભામાં પુછાયું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી દેશના અન્ય રાજ્યના કેટલા લોકોએ ત્યાં પ્રૉપર્ટી ખરીદી હતી?
નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે આપેલી માહિતી મુજબ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૧૯ ઑગસ્ટ બાદ અન્ય રાજ્યની માત્ર બે જ વ્યક્તિએ બે પ્રૉપર્ટી ખરીદી હતી.

શું જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યની વ્યક્તિને હવે પ્રૉપર્ટી ખરીદતી વખતે કોઇ મુશ્કેલી પડે છે? એવા સવાલનો જવાબ નિત્યાનંદ રાયે નકારમાં આપ્યો હતો.

August 10, 2021
obc.jpg
1min437

અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવા સરકારે સોમવારે લોકસભામાં કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ડ ખરડો ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યો હતો.  

સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન વીરેન્દ્રકુમારે કન્સ્ટિટ્યુશન (૧૨૭મો સુધારા)ખરડો ૨૦૨૧ સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.  આ ખરડામાં ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી.  
દેશનું સ્વાયત્ત માળખું જાળવી રાખવા તેમ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (સોશિયલ ઍન્ડ ઈકોનોમિકલી બૅકવર્ડ ક્લાસ) એસઈબીસીની પોતાની યાદી જાતે તૈયાર કરી તેને જાળવી રાખી શકે  તે માટે બંધારણની કલમ ૩૪૨એ, ૩૩૮બી અને ૩૬૬માં સુધારો કરવાની જરૂર છે. 

વર્ષ ૨૦૧૮ના કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઍક્ટમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૩૮બી નેશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસના માળખા, ફરજ અને સત્તા સાથે કામ પાર પાડે છે.  બંધારણની કલમ ૩૪૨એ ચોક્કસ કોમની એસઈબીસી તરીકે નોંધણી કરવાની રાષ્ટ્રપતિની સત્તા અને યાદીમાં ફેરફાર કરવાની સંસદની સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૬૬ (૨૬સી) એસઈબીસીની વ્યાખ્યા કરે છે. 

૧૦૨ કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટે નોકરી અને પ્રવેશમાં એસઈબીસીની નોંધણી કરવાની રાજ્યની સત્તા છીનવી લીધી હોવાનું જણાવતા પાંચમી મેએ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. 

ઓબીસીને ઓળખી કાઢી તેની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકાર અને સ્વાયત્ત માળખા પર કેન્દ્ર સરકાર હુમલો કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. 

જોકે, કુમારે ગયા મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતો તેમ જ કાયદા ખાતા સાથે સલાહમસલત કરી રહી છે અને ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારનું રક્ષણ કરવાના વિકલ્પોની ચકાસણી કરી રહી છે. 

ન્યાયાધીશ અશોક ભૂષણના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચમી મેએ મરાઠાઓને આરક્ષણ આપતા મહારાષ્ટ્ર લૉને સર્વાનુમતીથી બાજુએ મૂકી દીધો હતો અને અનામતમાં પચાસ ટકા ટોચમર્યાદા રાખવાના વર્ષ ૧૯૯૨ના મંડલના ચુકાદાને ધ્યાન પર  લેવાનું નકારી કાઢ્યું હતું. 

આ અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ભારે ધાંધલધમાલ વચ્ચે લોકસભામાં સોમવારે ચર્ચા વિના જ ગણતરીની મિનિટોમાં મહત્ત્વના ત્રણ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી હતી. 

ધ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ કન્સ્ટિટ્યુશન (શિડ્યુઅલ ટ્રાઈબ) ઑર્ડર (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ એમ ત્રણ મહત્ત્વના ખરડાને સોમવારે લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ ખરડા મંજૂરી માટે રજૂ કર્યા હતા. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧માં લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઍક્ટ ૨૦૦૮માં સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી. 

આ ખરડાનો મુખ્ય આશય નાના અને મોટા ભાગીદારો વચ્ચે વેપાર કરવાનું સરળ બનાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું. 

ડીઆઈસીજીસી એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧ તરીકે પણ જાણીતા ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ૨૦૨૧ ખરડામાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સની કામગીરીમાં સુધારો આવી શકે તે માટે ત્રણ મહત્ત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 
દરમિયાન, પૅગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ અંગે વિપક્ષે સોમવારે પણ ધાંધલધમાલ ચાલુ રાખતા રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. કૉંગ્રેસ, ટીએમસી અને દ્રમુકે વૉકઆઉટ કર્યો હતો.

August 9, 2021
truck.jpg
1min449
Amreli truck accident 8 died: અમરેલીના સાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડાઓ  પર ફરી વળ્યો, 9ના મોત 4 ગંભીર - truck accident in amreli savarkundla 9  people died 4 critical | I am Gujarat

રવિવાર તા.8મી ઓગસ્ટની મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ નજીકથી પૂરપાટ સ્પીડે માતેલા સાંઢની જેમ પસાર થતા ટ્રક ચાલકે રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવારને કચડી નાંખતા 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં હજુ 4 લોકો જીવન મરણ વચ્ચે જંગ ખેલી રહ્યા છે. 12 ને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાથી મહુવા તરફ અત્યંત પૂરપાટ ગતિએ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા 10 ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. 

August 9, 2021
icmr.jpg
1min456

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે. 

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે.  આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ  વધારવામાં પણ કારગર નીવડે છે. 

ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે. 

આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ?  તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.

જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે. 

August 9, 2021
India-pm.jpg
1min370

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યોને લોકો પ્લાસ્ટિકના તિરંગાનો વપરાશ ન કરે એનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.

આ પાછળનું કારણ એ છે કે નોન-બાયોડિગ્રેડેબલ વસ્તુઓને નષ્ટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને એ પર્યાવરણ માટે હાનિકારક પણ છે. 

કેન્દ્રના ગૃહ મંત્રાલયે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાવેલા સંદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે અને માટે એને ગૌરવભર્યું સ્થાન મળવું જોઇએ.

રાષ્ટ્રધ્વજ માટે બધાના મનમાં આદર, સન્માન અને લાગણીની ભાવના હોય છે, પણ એવી બાબત ધ્યાનમાં આવી છે કે મોટેભાગે લોકો, સરકારી કે અન્ય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા બાબતના કાયદા અને નિયમોથી અજાણ હોય છે. એવી વાત ધ્યાનમાં આવી છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના મહત્ત્વના કાર્યક્રમો વખતે કાગળને બદલે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે. 

પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ ન હોવાથી એ સરળતાથી નષ્ટ નથી થતા અને પરિણામે રાષ્ટ્રધ્વજનું આડકતરી રીતે અપમાન થતું હોય છે. આ કારણસર તમને વિનંતી કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ફ્લૅગ કોડ ઑફ ઇન્ડિયા, ૨૦૦૨ પ્રમાણે લોકો ફક્ત કાગળના જ રાષ્ટ્રધ્વજ વાપરે અને આવા કાગળના રાષ્ટ્રધ્વજ રસ્તા પર કે ગમે ત્યાં ફેંકાવા ન જોઇએ એની તકેદારી રાખવી. આવા ધ્વજને યોગ્ય રીતે ખાનગીમાં ધ્વજનું અપમાન ન થાય એ રીતે નષ્ટ કરવા.