જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.
વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે
જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે

યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે
- ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.
ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી
- બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.
બી.એસસી.માં પણ એ જ હાલત
- બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.
આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે
જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.
























