
‘

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં વાયા વાવાઝોડાની મધદરિયે વિદાય થયા બાદ તેની અસરરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં આઠ ઇંચ જ્યારે સૂત્રાપાડામાં છ ઇંચ જેટેલો વસસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બીજી મોટા ભાગના જિલ્લાઓમાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી સોનલખી નદી વહેતી થઇ હતી તેમ જ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતી. જ્યારે ઉના અને તાલાલામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા વહ્યાં હતા.

સોરઠમાં વંથલી પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઇ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તાલાલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સૂત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ જોરદાર ઝાપટાં શરૂ થયા હતા. જિલ્લામાં તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લિલિયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વિછિંયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, પોરબંદર, ભરૂચ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.



સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
વાયુ’ વાવાઝોડાંને પહેંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં બહારના રાજ્યોમાંથી પણ એનડીઆરએફના જવાનો તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડાંની સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે અને અન્ય ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. જો કે, પોરબંદરની 1પ બોટ અને 4પ બોટ હજી પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે.’ લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી સાથે શાળાઓની ઈમારતો ખાલી રાખવામાં આવી છે અને સંખ્ય-ાબંધ એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

મોરબીમાં કાર્યવાહી
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.’ આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.
કચ્છની સ્થિતિ
‘કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના જોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે.
અમરેલી
અમરેલીના અહેવાલ મુજબ 700 જેટલી બોટ જાફરાબાદ લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના 11, રાજુલાના 12 સહિત 23 ગામોને હાઈએલર્ટ’ કરવામાં આવ્યા છે. 60 એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોરબીથી મળતા અહેવાલ મુજબ, મોરબી જિલ્લાના કુલ 348 ગામ પૈકી 39 ગામો અને તેના પ3પ3 નાગરિકોના સ્થળાંતર માટેની તમામ તૈયારી કરી લેવાઈ છે. આ માટે 48 સ્કૂલો અને પાંચ આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ-સમાજની વાડી વગેરે ખાલી રાખવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનને તકેદારી માટે અપિલ કરી છે. મોરબીનું ફાયર બ્રિગેડ 40ના સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ પરિસ્થિતિને પહેંચી વળવા તૈનાત છે.
જામનગરમાં સ્થિતિ
જામનગરથી મળતા અહેવાલ મુજબ, કલેક્ટર રવિશંકર રજા ઉપર ગયા હતા પણ રજા રદ્દ કરીને તે પરત આવી ગયા છે અને તમામ સ્થિતિની સમીક્ષા કરી છે. જામનગર અને જોડીયા માટે એનડીઆરએફની બે ટીમ આવી પહેંચી છે. માછીમારોને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાંમાં લોકોને મદદ કરવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે રહેશે અને આ માટે એક મિટીંગ પણ કરી હતી. પોરબંદરમાં પાલિકા તંત્ર પણ સુસજ્જ છે. પાલિકાના ચીફ ઓફિસર હુદડે લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા, સમુદ્રથી દૂર રહેવા સૂચના આપી છે. અહીં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેલ્ટર હોમ, શાળા, કોલેજના બિલ્ડીંગો વગેરેમાં સહયોગ આપવા કલેક્ટર મુકેશ પંડયાએ ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો.
પોરબંદરની ચોપાટી બંધ
ખંભાળીયાના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને ત્રણ આશ્રય સ્થાનો આરક્ષિત રખાયા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તમામ સ્થળોએ મોકુફ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાંને પગલે કોડીનારનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોડીનાર, માઢવાડ, કોટડા, વેલણ, મૂળ દ્વારકા સહિતની દરિયાઈ પટ્ટીના ગામોના લોકો સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે.
જૂનાગઢના હાલ
જૂનાગઢથી મળતા અહેવાલ મુજબ, જૂનાગઢનું વહિવટી તંત્ર સાબદું બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ પહોંચી છે જ્યારે એક ટીમને કેશોદ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળ તાલુકાના ખોડાદા, શેરીયાજ, આરેણા, શાપુર, માંગરોળ, લોએજ, આંત્રોલી જેવા ગામોમાં અને માળીયા હાટીનાના ગામોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.
બોટાદમાં પણ ડિઝાસ્ટરની મિટીંગ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી.
દીવમાં પણ ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દીવમાં તમામ તંત્રના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રહેશે. દીવમાં કંટ્રોલરૂમ નંબર 0287પ 2પ2081, 2પ2111 આપવામાં આવ્યા છે.ભાવનગરમાં પણ તંત્ર એલર્ટ છે અને શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ઘો-ઘો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
સુરતમાં એલર્ટ
સુરતમાં ગણેશ બિચ અને ડુમસ બિચ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના અહેવાલ મુજબ, તમામ 14પ2 બોટ અને પ3પ નાની હોડીઓ પાછી ફરી ગઈ છે. વાવાઝોડાંની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ આવી પહેંચી છે. વડોદરાના અહેવાલ મુજબ, વડોદરાથી એનડીઆરએફની 11 ટીમ સૌરાષ્ટ્ર માટે રવાના કરી દેવામાં આવી છે. આ તમામ ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે. મહારાષ્ટ્રના પુણે અને ભટીંડાથી પણ પાંચ ટીમો આવી છે. દરમિયાન જામનગર જિલ્લાના 2પ ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવા 100 એસ.ટી. બસ મૂકવામાં આવી છે.
હૈદરાબાદથી એનડીઆરએફની બે ટુકડી 30 ટન સામગ્રી સાથે રવાના થઈ છે. તેમજ સંરક્ષણની ત્રણેય વિંગને એલર્ટ કરવા સાથે જરૂર પડયે લોકોની મદદ માટે હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. અમરેલી જિલ્લા કલેકટરે રાજુલાના 13 અને જાફરાબાદના 10 મળી 23 ગામોને હાઈએલર્ટ જાહેર કર્યા છે.
ભાવનગરમાં 33 ગામો હાઇ એલર્ટ પર
ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે તળાજા, ધોધા, મહુવાના 33 ગામો હાઈએલર્ટ પર જાહેર કર્યા છે. કાળા તળાવ, હાથબ, નર્મદ, કોળિયાક, જસવંતપુર, ગણેશગઢ વગેરે ગામોનો સમાવેશ થાય છે. દરિયાકિનારાના હાઈએલર્ટવાળા ગામડાઓમાં બપોરબાદ સ્થળાંતર કરાવવામાં આવશે. અલંગ શીપ યાર્ડમાં શ્રમિકો પાસે જહાજોનું કટીંગ નહીં કરાવવા આદેશ અપાયો છે.
લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા
સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.
જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો
રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.
ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા
ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.
પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય
પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.
સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ
સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.
સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.
એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.
તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

રાજકોટથી મળતા અહેવાલો મુજબ શુક્રવારે સાંજથી સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં ઝરમર અને ક્યાંક મોટા ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યાના પણ અહેવાલો છે.
શનિવારે ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. ગુરુવારે બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું.