રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.
જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.
૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂ પીને છાકટા થતાં દારૂડીયાઓ સામે ગુજરાતના મોટા શહેરો જેવા કે સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખવાય એ માટે નાગરીક સુરક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સૂરતમાં દારૂડીયાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. રેવ પાર્ટીઓ અને નાકોર્ટિક્સ પર ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે.
થર્ટીફર્સ્ટની ઉજવણી અઠવાલાઇન્સ, ડુમસ રોડ. વી.આઇ.પી. રોડ, ગૌરવપથ, અડાજણ રોડ, પાલ, સિટીલાઇટ, યુનિવર્સિટી રોડ વગેરે મેઇન રોડ પર તેમજ ડુમસ કાંઠા વિસ્તાર, ઓલપાડ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં શોખીનો ભેગા થઇને પાર્ટી કરવાનો રિવાજ છે. થર્ટી ફર્સ્ટની સાંજથી જ અનેક રોડને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીના જગ્યાએ ‘મે આઈ હેલ્પ યૂ’ના કિઓસ્ક ઊભા કરવામાં આવશે. ૧૦૦૦ સીસીટીવી કૅમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, ૮૫ જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે.
મહલિા ક્રાઈમ બ્રાન્ચ અને ૫૨ ખાસ ટીમો પણ ખાનગી કપડામાં પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારમાં બંદોબસ્તમાં રહેશે. ૩૦૦ જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકિંગ કરશે. ૩૧ જેટલી પાર્ટીઓ માટે પાર્ટી પ્લોટ અને ક્લબના માલિકો દ્વારા અરજી આવી છે જેની પરમિશન આપવામાં આવી છે. મંજૂરી પાર્ટી પ્લોટના માલિકોએ પોલીસની તમામ શરતોનું પાલન કરી આયોજન કરવાનું રહેશે. પાર્કિંગને લઈ પણ તકેદારી રાખવાની રહેશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાતે ૧૦ વાગ્યા સુધી જ પાર્ટી અને માઇક વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.
કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.
માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.
મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.
સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.
અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.
પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે બિન સચિવાલયના પેપર લીક કરનારા 5 વ્યક્તિની ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની સંડોવણી સામે આવી છે. આ ઉપરાંત દાણીલીમડામાં નવાબ બિલ્ડરની એમ.એસ.સ્કૂલમાં જ સમગ્ર ષડયંત્ર ઘડાયુ હોવાનું ખુલ્યું છે. આ સ્કૂલ શાહઆલમના તોફાનના આરોપી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના કાકાની છે . સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, સ્કૂલના સંચાલક ફારુખભાઇ, દિપક જોષી અને પેપરના ફોટા પાડનાર ફખરુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. આમ, પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ક્લિન ચીટ આપી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન પેપરલીક થવા સાથે મોટાપાયે ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિની વીડિયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધના કારણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એસ.આઇ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત એસ.આઇ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, આઇબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.
દરમિયાન ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, દાણીલીમડા એમ.એસ.સ્કૂલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી. આ સ્કૂલ નવાબ બિલ્ડર્સની છે, આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે અને પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને પેપેર કાઢ્યું હતું અને ફોટા પાડયા હતા. સ્કૂલના શિક્ષક મહોમ્મદ ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરુદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતુ કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર લખવિંદરસિંહ પણ સામેલ છે. લખવિન્દરસિંહ પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલિતાણાનો વતની રામ ગઢવી, દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો. પોલીસે 11 મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા હતા. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. આરોપીઓની શોધખોળ માટે 6 ટીમ કાર્યરત બની છે. હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. હાલ કોઇ આંતરરાજ્ય ગેગેની વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા છે.
સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ-2019 પસાર થવાને પગલે ભાવનગરના અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડનું કામકાજ વધવાની શક્યતાઓ વધી ચૂકી છે. યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો અંતિમ સફર માટે હાલ ચીન અને તુર્કી જાય છે એ હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ સુધી દોરાય આવે તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. અલંગના શિપરિસાઇક્લિંગ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓના મતે આ બિલ દ્વારા ટર્નઓવર વધશે.
અલંગમાં દર વર્ષે સરેરાશ 250થી 280 શીપ ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.
જાણકારો કહે છે કે સંસદે પાસ કરેલા બિલને પગલે ચોક્કસપણે અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે. આ ખરડો પસાર થવાને પગલે હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરશે.
શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સેક્રટરી નીતિન કણકિયાએ જણાવ્યું હતું કે, “આ બિલ પાસ થવું અમારી માટે સારી બાબત છે. હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.”
અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધજહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોરશિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાના વિશાળ પ્લાન ચાલી રહ્યા છે.
જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક આગામી દિશામાં ઊભી થવાની છે.
ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.
માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે 13 થી 15 નવેમ્બરના રોજ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. દરમિયાન રાજકોટમાં રાત્રિનાં 8 વાગ્યા બાદ ધોધમાર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. જેથી રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતાં. આગાહી હતી નહીં છતાં ઓચિંતા ઉતરી આવેલાં વરસાદે લોકોમાં નાશભાગ મચાવી દીધી હતી. થોડા સમય માટે તો ભરચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. પોણો કલાક પડેલાં વરસાદમાં પોણો ઇંચ વરસાદ પડયાનું અનુમાન છે.
કેબિનેટ બેઠક દરમિયાન ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વીમા કંપની આગામી ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરશે, ઉપરાંત જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે એમ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત પર કુદરતની અસીમ કૃપા રહી છે. રાજ્યમાં ૧૪૪ ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ ઉમંગમાં હતા, પરંતુ અંતિમ સમયમાં ખેડૂતો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અકુદરતી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચારેય કંપનીઓને બોલાવીને ખેડૂતોને ‘પ્રધાન ફસલ બીમા યોજના’ની માર્ગદર્શિકા પ્રમાણે વળતર આપવાની સૂચના આપી છે. કૃષિ વિભાગના કર્મચારીઓ તરફથી પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો વીમા કંપનીઓને ફોનથી ફરિયાદ કરતા હતા. આ સમયે તમામ ખેડૂતોના ફોન કોલ લેવામાં આવતા ન હોવાની, તેમજ ફરિયાદ કરવા માટેનો સમય ખૂબ ઓછો હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. આથી રાજ્ય સરકારે ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવાની સૂચના આપી છે. ગુરુવારે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય કંપનીઓએ ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે. પછીના ૧૫ દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. આ ઉપરાંત ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે તેમ જ અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી ૧.૫૭ લાખ અરજી મળી છે. જે પ્રમાણે ૨.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.
કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’
‘મહા’ વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલી વાર સોમનાથમાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૫થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે.
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઈ દેસાઈ દ્વારા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ આ મેળો ત્રણ દિવસ માટે થતો હતો. મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂ પ્રસાદનાં નામે ઓળખાતાં આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવું દૃશ્યમાન થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.