CIA ALERT
29. April 2024

સૌરાષ્ટ્ર Archives - Page 3 of 53 - CIA Live

September 2, 2022
1min240

અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત

– પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો

– રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે 

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે 2/9/22 અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.

પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

September 2, 2022
rajkot.jpg
1min614

આંખમાં કેમિકલ પ્રે છાંટી બે બુકાનીધારી ફરાર ! એક કર્મચારીની આંખો સોજી જતાં તેમજ બીજાને હાથમાં ચાંદા પડી જતાં સારવાર અર્થે ખસેડાયાંમ્યુનિ.કચેરીએ ઘટનાના ઘેરા પડઘા : કર્મચારી યુનિયનો, આગેવાનોની મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત : પોલીસે નોંધ્યો ફરજ રુકાવટનો ગુનો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છાશવારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના અકસ્માતો તેમજ અઘટિત મૃત્યુની ઘટના બાદ હાઈકોર્ટના આદેશથી ગુજરાતભરમાં ઢોર પકડ ઝુંબેશને સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ ‘ડે-નાઈટ’ ઢોર પકડવાની કામગીરી કરતા બે કર્મચારીઓની આંખોમાં કેમિકલ પ્રે છાંટીને અજાણ્યા શખસો નાખી છૂટતા બન્ને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મ્યુનિ.કચેરીએ આ ઘટનાના ઘેરા પડઘા પડયાં હતાં, એક તબક્કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવવાની માંગ સાથે મ્યુનિ.કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યાં હતાં અને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.’

1/9/22 આજરોજ વહેલી સવારે થોરાળા વિસ્તારમાં શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરસિયા (ઉ.વ.52) અને મેરુ કરણભાઈ ચાવડા (ઉ.વ.28) ઢોર પકડ પાર્ટી સાથે નિકળ્યાં હતાં, તેઓ ગાયો પકડીને ભાવનગર રોડ સ્થિત મનપાના ઢોરડબ્બે જઈ રહ્યાં હતાં ત્યારે અમૂલ સર્કલ નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે વાહન રોકી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં બન્નેએ અચાનક કેમિકલ પ્રે છાટીને નાસી છુટયાં હતાં. પ્રેની અસર થતાં ધીરુભાઈ અને મેરુભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને દેખાતું બંધ થઈ ગયું હતું. એક વ્યક્તિની આંખ સોજી ગઈ હતી અને જ્યારે બીજાને હાથમાં ચાંદા પડી ગયાં જતાં બન્નેને ઈન્સ્પેક્ટર નંદાણિયાએ તાબડતોબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં.

બનાવ અંગે સારવાર લીધા બાદ હોસ્પિટલ ચોકી સ્ટાફે એમએલસી કેસ જાહેર કર્યા બાદ થોરાળા પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હોવાનું ઈન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું. દરમિયાન આજની ઘટનાના મનપામાં પણ ઘેરા પડઘા પડયાં હતાં. કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લ સહિતના હોદ્દેદારો, કર્મચારી આગેવાનો અને કર્મચારીઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી તેમજ ઢોર પકડ સ્ટાફને પૂરતો વિજીલન્સ બંદોબસ્ત આપવાની માંગણી કરી હતી જેને મ્યુનિ.કમિશનરને ગ્રાહ્ય રાખી હતી.

રખડતા ઢોર હવે ગામડાઓમાંથી પણ પકડાશે !

હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી ઢોરપકડ કાર્યવાહીના આદેશ થયાં છે ત્યારે શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગામડાઓમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરાશે. આજરોજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આ અંગેનો પરિપત્ર જિલ્લાભરના અધિકારીઓને ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવાયું હતું કે, પંચાયત તલાટીઓએ આવતીકાલે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને સભ્યોને વાકેફ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પશુપાલન તથા જીવદયા સાથે સંકળાયેલા આગેવાનો સાથે બેઠક કરીને કામગીરી વિષે માહિતી આપવાની થશે. આગામી તા.5ને સોમવારથી પાલિકાની પાંચ કિ.મીની હદમાં આવતા ગામડાઓ, તાલુકા મથકે તથા 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને હાઈવે ઉપર ઢોર પકડવા તેમજ તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરીને દૈનિક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. જો કે, પકડાયેલા ઢોરને ક્યાં રાખવા ? તે મુદ્દો હજુ વણઉકેલ છે.

ઢોરને રખડતા મૂકનાર સામે ગુનો નોંધીને પગલાં લેવાશે

શહેરના માર્ગો પર ઢોરને રખડતાં મૂકી દેનાર પશુપાલક સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ છે. આ જોગવાઇનો કડક અમલ કરાશે. એટલું જ નહીં પણ ઢોર પકડ પાર્ટીને એસઆરપી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં માનવ જિંદગી જોખમમાં મૂકે તે રીતે ઢોરને રખડતાં મૂકી દેનાર સામે ગુનો નોંધવાની જોગવાઇ છે. આઇપીસીની કલમ 289 હેઠળ પશુપાલક સામે ગુનો નોંધી શકાય છે. આ ગુનામાં છ માસની કેદ અને દંડની જોગવાઇ છે.

રાજકોટવાસીઓને ઢોરના ત્રાસમાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરાયું છે. મનપા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી પણ છે. આ ઢોર પકડ પાર્ટીના ફૂટેલા કર્મચારીઓ દ્વારા માલધારીઓને તે કયા વિસ્તારમાં જાય છે તેની સૂચના આપી દેવામાં આવે છે. તેના કારણે રસ્તા પર રખડતાં ઢોરને માલધારી યુવકો શેરીમાં ખદેડી મૂકે છે. કેટલાય કિસ્સામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં ઢોર પકડ પાર્ટી સારી રીતે કામ કરી શકે અને તેના પર હુમલો ન થાય તે માટે એસઆરપી જવાન અને પોલીસનો બંદોબસ્ત આપવાનું પોલીસ કમિશનર દ્વારા આયોજન કરાયું છે. ઢોર પકડ પાર્ટી સાથે હથિયારધારી એસઆરપીમેન અને’ પોલીસનો બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે.

August 29, 2022
garba.jpg
1min266

પારંપરિક નૃત્યનો અવિનાશી સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ સંભવ

યુનેસ્કોની હેરિટેજ યાદી માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે ગુજરાતના વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત (અવિનાશી) સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કર્યા છે.

અધિકારી સૂત્રો અનુસાર આગામી વર્ષે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગત વર્ષ ડિસેમ્બરમાં કોલકત્તાના દુર્ગાપૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાનાં નોમિનેશન કરવા સાથે જોડાયેલી વિગતો પ્રસ્તુત કરી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોએ વર્ષ ર003નાં સંમેલનની આંતર સરકારી સમિતિએ કોલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું હતું.

કર્ટિસે કહ્યંy કે આગામી વર્ષ માટે નવીનતમ નામાંકન પર વિચાર કરાશે અને ર0ર3ના મધ્ય સુધીમાં નામાંકન ફાઇલનની તપાસ કરાશે ત્યાર બાદ વર્ષના અંત સુધીમાં નામો પર આખરી ફેંસલો આવી જશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી. જેનું શીર્ષક હતું – ગુજરાતના ગરબા : ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ. વર્તમાન સમયમાં યૂનેસ્કોની આ યાદીમાં ભારતના 14 સાંસ્કૃતિક વારસા તત્ત્વ સામેલ છે જેમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભમેળો, દુર્ગાપૂજા વગેરે સામેલ છે.

August 16, 2022
monsoon.jpg
1min229

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો 1-09-2022થી 23-10-2022 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સિવાય આ જ સમયગાળા દરમિયાન ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાંચી, કાવેરી નદીનો ભાગ, દક્ષિણના ભાગોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

August 15, 2022
gujarat_rain_map.jpg
6min211

છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ – ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી માત્ર ૩૭ ટકા વરસાદ હતો

-૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં ૧૨૭, ધરમપુરમાં ૧૦૩ ઈંચ : કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે  પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય  ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ  દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

રીજિયન પ્રમાણે

રીજિયન        વરસાદ સરેરાશ

કચ્છ            ૨૪.૨૨ ૧૩૫%

દક્ષિણ           ૫૪.૫૨ ૯૪%

સૌરાષ્ટ્ર         ૨૧.૧૨ ૭૯%

ઉત્તર           ૨૧.૧૫ ૭૫%

પૂર્વ મધ્ય       ૨૩.૦૨ ૭૩%

સરેરાશ       ૨૮.૨૦ ૮૪.૨૬%

કયા તાલુકામાં સૌથી વધુ?

તાલુકો       વરસાદ       સરેરાશ

કપરાડા      ૧૨૭.૦૮       ૧૧૪%

ધરમપુર      ૧૦૩.૦૦       ૧૦૬%

વાપી           ૮૭.૩૬         ૯૯%

ખેરગામ        ૮૬.૬૫       ૧૧૫%

વાંસદા          ૮૭.૦૦       ૧૧૨%

કયા જિલ્લામાં સૌથી વધુ?

જિલ્લો        વરસાદ સરેરાશ

વલસાડ        ૯૦.૯૪ ૧૦૧%

ડાંગ            ૭૬.૬૯ ૯૪%

નવસારી        ૭૦.૩૧ ૯૭%

નર્મદા        ૫૩.૨૬ ૧૨૭%

સુરત        ૪૯.૦૦ ૮૫.૩૦%

કયા જિલ્લામાં સૌથી ઓછો?

જિલ્લો       વરસાદ સરેરાશ

દાહોદ       ૧૩.૦૭ ૪૫.૯૭%

સુરેન્દ્રનગર  ૧૪.૧૩ ૬૦.૫૩%

ભાવનગર   ૧૫.૧૫ ૬૩.૦૦%

અમદાવાદ   ૧૫.૨૭ ૫૬.૩૮%

મોરબી      ૧૫.૭૪ ૭૨.૩૯%      


છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધી વરસાદ

વર્ષ    વરસાદ સરેરાશ

૨૦૧૫ ૧૯.૯૩૬૩.૪૯%

૨૦૧૬ ૧૭.૭૪ ૫૬.૫૪%

૨૦૧૭ ૨૬.૬૩ ૮૩.૫૧%

૨૦૧૮ ૧૮.૨૭ ૫૫.૮૭%

૨૦૧૯ ૨૭.૦૧ ૮૪.૦૯%

૨૦૨૦ ૨૩.૦૦ ૭૦.૩૨%

૨૦૨૧ ૧૨.૧૮ ૩૬.૮૪%

૨૦૨૨ ૨૮.૨૦ ૮૪.૨૬%

(*વરસાદના આંકડા ઈંચમાં.)

August 2, 2022
aap.jpg
1min220

ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 

  • કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?
  • હેમા ચૌધરી દિયોદર બેઠક 
  • સોમનાથ જગમાલા વાળા
  • અજુર્ન રાઠવા છોડા ઉદેપુર
  • સાગર રબારી બેચરાજી
  • રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા
  • સુરત કામરેજ રામ ધડૂક
  • રાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયા
  • સુધીર વાઘાણી ગારીયાદાર
  • રાજેન્દ્ર સોલંકી બારડોલી 
  • અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી
July 28, 2022
harsh.jpg
1min300

ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.

July 28, 2022
gseb.png
1min399

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.

  • પરીક્ષાઓનું કેલેન્ડર
  • પરીક્ષા                 સમય
  • ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા              ૧૦-૧૦થી ૧૮-૧૦
  • ૯થી૧૨ની દ્વિતિય પરીક્ષા             ૨૭-૧થી ૪-૨
  • ધો.૯ની પ્રખરતા કસોટી               ૭ ફેબુ્રઆરી
  • બોર્ડ વિષયની સ્કૂલ લેવલની
  • ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ               ૧૩-૨થી૧૫-૨
  • ધો.૧૨ સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષા      ૨૦-૨થી૨૮-૨
  • ધો.૧૦-૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા      ૧૪-૩થી૩૧-૩
  • ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાઓ         ૧૦-૪થી૨૧-૪
July 26, 2022
cia_multi-1280x1045.jpg
1min276

તા.25 જુલાઇ 2022ને સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે.  ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે. જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે. જ્યારે 117 લોકો હાલ સારવાર હેઠળ છે.

આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો જે મૂળ બોટાદનો રહેવાસી છે.

જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

Reported on 26/07/2022

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડઃ ધંધુકા-બરવાળામાં લઠ્ઠાકાંડમાં 26ના મોતથી ખળભળાટ

બોટાદના નભોઇમાં શંકાસ્પદ લઠ્ઠો તૈયાર કરાયો હતો

બરવાળાના તાલુકાના 10 અને ધંધુકા તાલુકાના નવ લોકોના શંકાસ્પદ મરણઃ ૨૫થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરાયાઃ મૃત્યુઆંક વધવાની સંભાવના

અમદાવાદ

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26  જેટલા લોકોના મરણ થતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે  ૨૫ થી વધુ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બરવાળાના નભોઇમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દારૂ પીનારાઓને અસર થતા તબિયત લથડી હતી. કુલ મૃત્યુ પામનારાઓમાં 17 મરણ બરવાળાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના નવ લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેેડીકલની ટીમને વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે તાકીદની બેઠક બોલાવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી  તેમજ આસપાસના  વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે ૨૫ થી વધુ લોકોની તબિયત લથડવા લાવી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોમવાર બપોર સુધીમાં કુલ 26  લોકોના મરણ થયા હતા. જેમાં બોટાદના બરવાળાના રોજીદ ગામના એક અને અન્ય ેબે વ્યક્તિના મરણ થયા છે.  અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં  કુલ 17 લોકોના મરણ થયા હતા. જેમાં એક વ્યક્તિનું મરણ કાર્ડીઆક એટેકના કારણે થયુ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે બરવાાળામાં અન્ય  નવ ના મરણ ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.   જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં  મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામા ંઆવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે.  જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.

તો બીજી તરફ૨૫  જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે  ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજીદ ગામ ખાતે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.

બરવાળા તાલુકાના નભોઇ ગામમાં ખુબ મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી ચે. જેથી કોણે ઝેરી દારૂ બનાવ્યો હતો તે અંગે ચોક્કસ વિગતો હજુ સુધી મળી શકી નથી. જો કે હાલ સમગ્ર વિસ્તારના બુટલેદરો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસ લઠ્ઠાકાંંડની કડી મેળવવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

July 21, 2022
Arvind-kejriwal.jpg
2min238

અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.

કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને  એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની  જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના  મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ  પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા. 

આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ?   દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી  નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.

હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે  તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.

આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના  પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા   જુદા જવાબ આપી તેમના ડબલ   સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા. 

દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે. 

અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. 

સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.