રશિયાની યુનિવર્સિટીમાં ઘૂસીને એક વ્યક્તિએ સોમવારે કરેલા ગોળીબારમાં આઠ જણનાં મોત થયાં હતાં અને ૨૮ વ્યક્તિ ઘાયલ થઇ હતી.

દરમિયાન ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે પર્મ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પોલીસે કરેલા ગોળીબારમાં હુમલાખોર ઘાયલ થયા બાદ એની અટક કરવામાં આવી હતી. હુમલાખોરની ઓળખ કે ગોળીબાર કરવાનો એનો આશય શું હતો તે હજુ સુધી જાણી શકાયા નથી. હુમલા વખતે પર્મ સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ રૂમને અંદરથી બંધ કરી દીધા હતા.
રશિયાની સમાચાર સાઇટે પોસ્ટ કરેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થી બીજા માળની બારીમાંથી કૂદતા દેખાયા હતા. અન્ય ફૂટેજમાં કાળાં કપડાં અને
હેલ્મેટ પહેરેલી વ્યક્તિ હાથમાં લાંબી રાઇફલ લઇને કૅમ્પસમાં આટા મારતી દેખાઇ હતી.
રશિયાની તપાસ કમિટીએ જણાવ્યું હતું કે હુમલાખોરે શિકાર કરવાની ગનથી ગોળીબાર કર્યો હતો અને એનો અર્થ એ થયો કે એણે શોટગન વાપરી હતી. ૨૯ જણ ઘાયલ થયાં હતાં અને એમાંથી કેટલાકને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, એમણે વધુ માહિતી આપી નહોતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે એમાંથી ૧૯ જણને ગોળી મારવામાં આવી હતી. બાકીના કઇ રીતે ઘાયલ થયા એ જાણી શકાયું નહોતું.
૧૨૦૦૦ વિદ્યાર્થીને પ્રવેશ આપનાર યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે ગોળીબાર વખતે કૅમ્પસમાં ૩૦૦૦ વિદ્યાર્થી હાજર હતા. આ સ્કૂલ પર્મ શહેરમાં આવેલી છે અને દસ લાખની વસતી ધરાવતું આ શહેર મોસ્કોથી ૧૧૦૦ કિ. મી. દૂર આવેલું છે.









