કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં લઈ કેટલાક દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (એસઓપી) રવિવારે જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા નિર્ણાયોની પણ સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સચિવ અજય ભલ્લાના વડપણમાં યોજાયેલી બેઠકમાં ઉપરોકત બે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ, વડા પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન, આરોગ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
શુક્રવારે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે ફેરવિચારણા કરવા મોદીએ સલાહ આપી હતી.
ઓમીક્રોન વાઈરસ અંગેની માહિતી મળ્યા પછી ઊભી થયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ‘સાવચેતિના પગલાં’ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા અગાઉ વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે તેવું ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટિંગ અને સર્વીલેન્સ અંગેની એસઓપીની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.













