CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 12 of 51 - CIA Live

February 4, 2022
aap.jpg
1min488

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani)એ પક્ષને અલવિદા કહ્યા બાદ હવે સુરતમાં આમ આદમી પાર્ટી (Surat Aam aadmi party) ના ચાર કોર્પોરેટરો રાજીનામું આપશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 

સુરતના આમ આદમી પાર્ટીનાં 3 મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા, જ્યોતિકા લાઠિયા અને ભાવના સોલંકી ભાજપમાં જોડાવાના છે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. AAPના ત્રણેય મહિલા કોર્પોરેટર ગમે ત્યારે રાજીનામું આપી ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા સામે પણ પાર્ટી શિસ્ત ભંગના પગલાં લઈ શકે છે તેવી ચર્ચા છે. પક્ષે હાલ તેમને નોટિસ ફટકારી તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને કાઢી કેમ ના મૂકવા તેવો સવાલ કરી તેમની પાસેથી ખુલાસો કર્યો છે.

AAP પક્ષના નેતાઓ કબૂલી રહ્યા છે કે વિપુલ મોવલિયા સહિતના ચાર કોર્પોરેટરો હાલ સંપર્ક વિહોણા છે. તેમનો એવો પણ આક્ષેપ છે કે આ ચારેય આમ આદમી પાર્ટીના સિદ્ધાંતોની વિરુદ્ધ શાસક પક્ષ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જેના બદલ પક્ષે તેમની સામે કાર્યવાહી કરતાં તેમને નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે.

January 18, 2022
mahesh_savani.jpg
1min563

સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. એક પછી એક દિગ્ગજોના રાજીનામાના કારણે હાલ આમ આદમી પાર્ટીના ઉચ્ચપદના નેતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Gujarat News: Diamond businessman Mahesh Savani, who gifted employees from  door to door, joins AAP, Sisodia said – politics is taking a new turn in  Gujarat - PressWire18

ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી (AAP) છોડીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે. ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જોડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે રાજકીય સંન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીને ત્રીજુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો 4 મહિના પહેલા જ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો!

મહત્વનું છે કે, જૂન 2021માં વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાયા હતા. આપમાં જોડાતી વખતે ‘નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.’ તેવું કહેનારા વિજય સુવાળાએ ભાજપમાં જોડાયા બાદ આપને છોડવાનું સ્પષ્ટ કારણ ન બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપમાં જોડાવાની વાત કહેતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેમના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. જો કે, વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગતો પણ હજી બહાર આવી નથી.

January 8, 2022
voting.jpg
1min524

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.

January 6, 2022
sant.jpg
1min437
સંત સંમેલનમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે સાધુ સંતોને ભોજન પીરસ્યું હતું

અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટી શકે એવી DivyaBhaskarએ આશંકા વ્યક્ત કરી હતી.

ઉત્તરપ્રદેશમાં દિવ્યકાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના માટે 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા.

આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતાં હોય તેમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા.

December 24, 2021
allahabad-high-court.jpeg
1min599

અલ્હાબાદ હાઈકોર્ટે દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને લઈને 23/12/21 ગુરૂવારે દેશના વડાપ્રધાન અને ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષો તરફથી ભીડ એકત્રિત કરીને કરવામાં આવતી રેલીઓ ઉપર રોક લાદવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, પક્ષો ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રો મારફતે કરે. વડાપ્રધાનને અનુરોધ કરતા કોર્ટના જજે કહ્યું હતું ક,ઁ તેઓ પક્ષની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કોઈ પગલા ભરે. સાથે જ ચૂંટણી ટાળવા ઉપર વિચાર કરવા કહ્યું હતું.

December 21, 2021
gopal.jpg
1min697

તા.20મી ડિસેમ્બર 2021ને સોમવારે બપોરે અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોફન મચાવવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ તથા કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. એ પછી ભાજપાએ પોલીસની મદદથી આપના તોફાનીઓને એવા ભગાડ્યા હતા કે ધમાચકડીમાં અનેકને માર પણ પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આપના નેતા ઈસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી. હવે આ મામલો ઝડપથી સૂલઝે એમ જણાતો નથી

આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈસુદાન ગઢવી નશાની હાલતમાં હતા. પોલીસે ઈસુદાનની અટકાયત કરી હતી અને ટેસ્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર અને નિખીલ સવાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે બિનજામીન પાત્ર કલમ પણ ઉમેરી છે.

ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન નશાની હાલતમાં હોવાનો દાવો કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ આક્ષેપોને AAPના નેતાને બદનામ હોવાનું કાવતરું હોવાનો દાવો કરતા આ આક્ષેપોને ફગાવી દેવાયા હતા.

December 17, 2021
karnataka.jpeg
1min507

કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.’ ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા. 

હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો. ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, ‘રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મેં નક્કી કર્યું છે કે, હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં. તમે લોકો ચર્ચા કરો.’ 

ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, ‘એક જૂની કહેવત છે… જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો. હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.’

આ વિવાદિત ટિપ્પણી બાદ રમેશ કુમાર હવે ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે. કોંગ્રેસી ધારાસભ્ય ડો. અંજલી નિમ્બાલકરે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને સદન પાસે મહિલાઓની માફી માગવાની માગણી કરી છે. અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ જે બન્યું તે યોગ્ય નથી તેમ કહીને માફીની માગણી કરી છે. 

December 7, 2021
modi.jpeg
1min502

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.

ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે. 

આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં.  એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.

December 3, 2021
jagdish_thakor.jpg
1min638

2016માં કોંગ્રેસના તમામ હોદ્દા છોડનારા જગદીશ ઠાકોરનું નામ પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થયું. માધવસિંહ સોલંકીના નજીકના નેતા ગણાય છે જગદીશ ઠાકોર.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

December 1, 2021
mamta-pawar.jpg
1min419

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મંગળવારે 1/12/21 મુંબઈમાં આવી પહોંચ્યા હતા. મમતાના નજીકના સુત્રો દ્વારા આ રાજકીય મુલાકાત ન હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેઓ મહારાષ્ટ્રના પ્રધાન અને આદિત્ય ઠાકરેને અને એનસીપીસુપ્રીમો શરદ પવારને મળવાના હોવાથી મમતાની મુંબઈ મુલાકાતને લઈને રાજકીય અટકળો ફેલાઈ હતી. મુંબઈમાં આવીને તેઓ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા.

1/12/21 મંગળવારે સાંજે તેમની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે નિર્ધારિત હતી, પરંતુ તેમની હાલત નાદુરસ્ત હોવાથી મમતા મુંબઈની એક પંચતારાંકિત હોટેલમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા અને રાજ્યની મહાવિકાસ આઘાડીના ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતને મળ્યા હતા. આ બેઠક બંધ બારણે યોજાઈ હોવાથી તેમાં શું ચર્ચા કરવામાં આવી તે જાણવા મળ્યું નહોતું. 

Dt.1/12/21 બુધવારે મમતા એનસીપીસુપ્રીમો અને મહાવિકાસ આઘાડીના સંઘટક શરદ પવારને મળવાના છે. આ સંબંધે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જ માહિતી આપી હતી. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાને થવાની છે. 

અહીં ઉલ્લેખનીય છે કે મમતા સંસદના શિયાળુસત્રના પ્રારંભ પહેલાં કૉંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી વિપક્ષની બેઠકમાં સહભાગી થયા નહોતા અને મુંબઈ મુલાકાત વખતે પણ તેઓ કોઈપણ કૉંગ્રેસના નેતાને મળવાના નથી. 

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવી અટકળો થઈ રહી છે કે કૉંગ્રેસથી અલગ મમતા પોતાનો મોરચો બનાવવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ મમતાની પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાથી મમતાનો પક્ષને રાષ્ટ્રીય કદ આપવાનો ઈરાદો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મમતાની ત્રણ દિવસની મુલાકાત પુરી થયા બાદ જ તેની ફળશ્રુતી વિશે કહી શકાશે.