કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.
1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.
કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ સાથે જ તેમણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.
DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, મેજેન્ટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. જ્યારે પિન્ક અને મેજેન્ટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.
NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂપે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.
મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆરસી તરફથી હાલમાં 390 કિલોમીટરમાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.
અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.
માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.
રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે.
JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.
છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે.
માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.
ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી
તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.
આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.
આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.
શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.
એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.
રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બર, ગુરુવારથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું.
કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેન આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.
જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.