ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.
દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.
આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.
દિલ્હી પોલીસે તા.26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાનીમાં ટ્રેક્ટર પરેડની આડમાં આતંક મચાવનારા ખેડૂતો સામે અલગ-અલગ 15 FIR નોંધી છે. આ ફરીયાદોમાં ગંભીર પ્રકારની કલમો જેમકે બળવો કરવો સહિત તોડફોડ અને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવા જેવા કેસ નોંધાયા છે.
પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ કાઢી રહેલા ખેડૂતોએ દિલ્હીને આતંકિત કરી દીધું હતું. પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશો પણ થઈ હતી, આ સિવાય બસો અને વાહનોમાં તોડફોડ અને પત્થરમારો કરીને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. લાલ કિલ્લા પાસે ઘણાં પોલીસ જવાનોએ દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ પહેલા ત્રણ ખેતી બિલનો વિરોધ કરીને હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સ તોડી નાખ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પ્રદર્શનકારીઓએ તોડફોડ અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. જાણકારી મુજબ હિંસામાં 150 કરતા વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલ્ટી જવાથી તેનું મોત થઈ ગયું.
દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની ઘણી બેઠકો થઈ હતી. નિવેદન મુજબ સવારે 8-30 વાગ્યે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્રિત થયા. આ પહેલા નિર્ધારિત રસ્તાઓ પર ગયા પછી તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.
લોકસભાનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ વિશે જાણકારી આપતાં લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદનાં પહેલા ચરણમાં 12 બેઠકો થશે અને બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. જેમાં 21 બેઠકો થશે. આ ઉપરાંત વારંવાર જે બાબતે લોકરોષ ઉઠતો રહે છે તેવા સંસદની કેન્ટીનનાં સસ્તા ભોજન વિશે તેમણે કહ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનમાં ભોજન ઉપર અપાતી સબસિડીને સદંતર ખતમ કરી નાખવામાં આવી છે.
જો કે લોકસભા સ્પીકર બિરલાએ કેન્ટીન સબસિડીનાં આર્થિક પાસાઓ વિશે વધુ કોઈ જાણકારીઓ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં તમામ દળોનાં સદસ્યોએ એકમતે કેન્ટીન સબસિડી સમાપ્ત કરવાં ઉપર સહમતી વ્યક્ત કરી હતી. હવે સંસદની કેન્ટીનમાં નિર્ધારિત દરે સબસિડી વિના જ ભોજન મળશે.
પ્રતિવર્ષ સંસદની કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. લોકસભાનાં બજેટ સત્રની તૈયારી વિશે વિગતો સાંપડતા બિરલાએ એ પણ જણાવ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનનું સંચાલન ઉત્તર રેલવેને બદલે આઈટીડીસી દ્વારા કરવામાં આવશે. સંસદનાં સત્ર પહેલા તમામ સાંસદોને કોરોના ટેસ્ટ માટે અનુરોધ કરવામાં આવશે. સંસદનાં પરિસરમાં જ 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં 75.5 ઓવરમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. મેજબાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ 33 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસેલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 1988થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં 2-1થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.
ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ 48 રન, માર્કસ હેરિસે 38, કેમરોન ગ્રીને, 37, કેપ્ટન ટીમ પેઈને 27 તથા માર્નસ લબુશાનેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે 19.5 ઓવરમાં 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 19 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 1 વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આજરોજ તા.16 જાન્યુઆરીને સવારે સાડા દસ કલાકથી ભારતમાં કોરોના કાળ વચ્ચે વેક્સિન અભિયાન શરૂ થયું છે. એન્ટી કોરોના વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શરૂ કરાવ્યું હતું.
એન્ટી કોરોના રસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં આજરોજ તા.16મી જાન્યુઆરી 2021થી શરૂ થયો છે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહ્યા હતા. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવી રહી છે.
આજે તા.16મી જાન્યુઆરીના પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ અભિયાન હાથ ધરાય રહ્યું છે.આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.
ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 1057નો આરંભ કરવામાં આવ્યો હતો.
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.
વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.
ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.
આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.
કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે.
સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.
સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.
લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.
પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.
તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.
શરદ પવારને મળ્યો
દરમિયાન મંગળવારે 12 January 2021 સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને પોતાના અંદાજે ૩.૫ લાખ સભ્યને કોરોના સામેની રસી સ્વૈચ્છિક રીતે લેવા હાકલ કરી હતી કે જેથી વિશ્ર્વના અન્ય લોકો જોઇ શકે કે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક છે.દેશના ડૉક્ટરોના સંગઠન ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને રસીને લગતા વિજ્ઞાની ડેટા, નિષ્ણાતોની
સમિતિના અહેવાલની વ્યાપક સમીક્ષા કરીને અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ તેમ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પોતાના આશરે ૩.૫ લાખ સભ્યને દેશની સરકારે બહાર પાડેલી કોવિડ-૧૯ સામેની બે રસી લેવા હાકલ કરી હતી.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને જણાવ્યું હતું કે અમે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક હોવાનું વિશ્ર્વને બતાવી આપવા માટે ૧,૮૦૦ સ્થાનિક શાખા ખાતે સ્વૈચ્છિક રીતે રસી લેવા આગળ આવવા અમારા સભ્યોને અનુરોધ કર્યો છે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વિજ્ઞાનીઓ, દેશમાંના અત્યાધુનિક દવાના નિષ્ણાતો અને ભારત સરકારે આ બે રસી બહાર પાડવા માટે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર છે. આ બન્ને રસી દેશની પરિસ્થિતિ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સાચવવી અને વાપરવી સરળ છે.
તેણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ઔષધના ક્ષેત્રે મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યું છે.
આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.
સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.
કોર્ટની Modi Governmentને ફટકાર
નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.
સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.
અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?
ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.
કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.
સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.
West Bengal, Jan 04 (ANI): West Bengal Chief Minister Mamata Banerjee addresses during a press conference, in Kolkata on Monday. (ANI Photo)
પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઇને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. સરકાર આની માટે તમામ સ્તર પર વ્યવસ્થા કરી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનના શરૂઆતના તબક્કામાં પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન પ્રમાણે, તેમની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે.
બંગાળમાં આ વર્ષે યોજાનારી વિભાનસભાની ચૂંટણી પહેલાં મમતાની આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે. વેક્સિન મફ્તમાં આપવાના નિર્ણય અંગે મમતા બેનર્જીએ સરકારી આદેશ પણ જાહેર કરી દીધો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર ભાજપનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ત્રણ કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. દેશની બાકીની જનતાને વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે કે કેમ, તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવાઇ રહ્યું છે કે, રાજ્ય સરકાર નક્કી કરશે કે તેમના લોકોને મફ્તમાં વેક્સિન મળશે કે પૈસા ચૂકવવા પડશે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામે રસીકરણની ઝુંબેશ શરૂ કરાશે. ત્રણ કરોડ હૅલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસીકરણની આ સૌથી મોટી ઝુંબેશ ગણાવી હતી.
સરકારે જણાવ્યું હતું કે મોદીએ કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ માટેની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની ઉચ્ચ સ્તરની બેઠકમાં સમીક્ષા કરી હતી અને તે પછી રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકણના કાર્યક્રમને શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
રસીકરણમાં હૅલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કરને પ્રાથમિકતા આપ્યા બાદ પચાસ વર્ષથી મોટી વયના લોકો અને એકથી વધુ રોગના લક્ષણ ધરાવતા દરદીઓને રસી અપાશે. દેશમાં આવા કુલ લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.
મોદીએ ઉચ્ચ સ્તરની બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ સામેની લડતમાં ૧૬ જાન્યુઆરીથી મોટા પાયે રસીકરણ શરૂ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે રસીકરણમાં આપણા બહાદુર ડૉક્ટરો, હૅલ્થકૅર અને સફાઇ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે. ભારતે તાજેતરમાં બે રસી – સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. દેશમાં નોંધાયેલા કોરોનાના અંદાજે ૧.૦૪ કરોડ દરદીમાંથી હાલમાં આશરે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કૅસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.