ઇન્ડીયા Archives - Page 6 of 218 - CIA Live

March 6, 2026
image-4.png
1min128
  • ભારત સતત બીજી વખત ફાઇનલમાંઃ અમદાવાદમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સાથે ટક્કર
  • સૅમસન લાગલગાટ બીજી વાર મૅચ-વિનરઃ હાર્દિક, અક્ષરના યાદગાર પર્ફોર્મન્સઃ બુમરાહે 500મી વિકેટ લીધી

ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.

ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.

બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.

એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.

અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.

32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.

વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.

March 2, 2026
image-2.png
1min109

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી ભારતીય શેરબજારમાં જોવા મળી છે. બજાર ખુલતા જ પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં લગભગ 2700 પોઈન્ટ તો નિફ્ટીમાં પણ 450થી પોઇન્ટથી વધુ તૂટી ગઈ હતી. જોકે પછીથી તેમાં ઝડપી રિકવરી પણ દેખાઈ હતી.

આજે 02/03/2026 શેરબજાર મોટા ગેપ અપ સાથે ખુલ્યું હતું. પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સે શુક્રવારના ક્લૉઝિંગ 81287થી આજે સીધું 78543ની સપાટીને સ્પર્શી ગયું હતું. જે 2700થી વધુ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. ત્યારબાદ તેમાં ઝડપી રિકવરી દેખાઈ હતી અને સેન્સેક્સ ફરી 80400ની સપાટીએ પહોંચવામાં સફળ રહ્યું હતું. જોકે બજારના મોટાભાગના સ્ટોક્સમાં તેની અસર દેખાઈ હતી.

જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ 25141 નું ક્લૉઝિંગ બતાવ્યું હતું. જોકે આજે શેરબજાર ખુલતાં જ નિફ્ટી પણ તૂટી હતી અને સીધી 24645ની સપાટીને સ્પર્શી ગઈ હતી. જોકે નિફ્ટીમાં પણ રિકવરી દેખાતા ફરી એકવાર 24800 ઉપર ટ્રેડ થવા લાગી હતી.

March 2, 2026
image-7.png
1min130

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

February 28, 2026
image-36.png
1min86

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 28, 2026
image-35.png
1min120

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે ઈરાન, ઈરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા અપીલ

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમણે હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેમને નીચેની લિંકનો ઉપયોગ કરીને નોંધણી કરાવવા વિનંતી છે:

https://indembassyisrael.gov.in/indian_national_reg

નોંધણી કરવાથી દૂતાવાસ તાત્કાલિક તમારો સંપર્ક કરી શકશે અને પરિસ્થિતિના વિકાસ દરમિયાન જરૂરી અપડેટ્સ અને સહાય પૂરી પાડી શકશે.

ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.

યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ

બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઇટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતાં ઈઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલૅન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.

February 25, 2026
image-29.png
1min131
  • ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને ‘કેરલમ’ નામ અપાયું છે

દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા.

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.

February 25, 2026
image-28.png
1min312

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-26.png
1min127

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-7.png
1min112

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.