ઇન્ડીયા Archives - Page 7 of 218 - CIA Live

February 19, 2026
image-21.png
1min95

: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે દિલ્હીમાં આયોજિત ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર જેટની ડીલ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

જ્યારે મેક્રોનને રાફેલ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે લોકો આની ટીકા કેમ કરે છે. આનાથી તમારા દેશને જ મજબૂતી મળી છે.’ તેમણે 114 રાફેલ લડાયક વિમાનોની ડીલનો બચાવ કરતા તેના પર થઈ રહેલી ટીકાઓને ફગાવી દીધી છે. મેક્રોને વધુમાં ઉમેર્યું હતું કે આ ફાઈટર જેટ્સ ભારતને સૈન્ય રીતે વધુ શક્તિશાળી બનાવે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે.

મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે આ સોદાનું વ્યાવસાયિક પાસું દસોલ્ટ એવિએશન અને ભારત સરકાર વચ્ચેના સંવાદનો એક ભાગ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ ડીલ ભારતને મજબૂત બનાવે છે, વ્યૂહાત્મક સંબંધો વધારે છે અને ભારતમાં વધુ રોજગાર પણ પેદા કરે છે, તો પછી તેની ટીકા કેવી રીતે થઈ શકે?

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગની પ્રશંસા કરતા મેક્રોને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે અત્યંત પ્રતિબદ્ધ છે કે રાફેલમાં મહત્તમ ભારતીય ભાગોનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ મહત્વના સાધનોનું ઉત્પાદન ભારતમાં જ થાય. તેમણે ટાટા-એરબસ ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે અમે રાફેલના કિસ્સામાં પણ એવું જ કરીશું અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો.

નોંધનીય છે કે, મેક્રોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ 114 રાફેલ વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ મેગા ડીલને મેક્રોનની ભારત મુલાકાત પહેલા જ લીલી ઝંડી મળી હતી.

February 13, 2026
image-18.png
1min157

13/02/2026 આજથી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંકુલમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આવેલું છે.

સેવા તીર્થ બિલ્ડીંગની દીવાલ ‘નાગરિકો દેવો ભવ’ સૂત્ર લખવામાં આવ્યું છે, એટલે કે ‘નાગરિકો ભગવાન સમાન છે’
સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નવી બિલ્ડીંગ ભારતની વહીવટી શાસન માટે આર્કિટેક્ચર વિકસાવવ અને વડા પ્રધાનની આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત શાસન ઇકોસિસ્ટમ બનાવવા માટેનાં પ્રયસોને દર્શાવે છે.

સેવા તીર્થ સાથે વડાપ્રધાન મોદીએ કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં નાણા, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોર્પોરેટ બાબતો, શિક્ષણ, સંસ્કૃતિ, કાયદો અને ન્યાય, માહિતી અને પ્રસારણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રસાયણો અને ખાતરો અને આદિજાતિ બાબતો સહિતના કેટલાક મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંનેમાં ડિજિટલી ઇન્ટીગ્રેટેડ ઓફિસો આવેલી છે, સેન્ટ્રલાઈઝડ રિસેપ્શન ફેસિલિટી અને પબ્લિક ઇન્ટરફેસ ઝોન આવેલા છે. આ સંકુલો 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ આજે 13 ફેબ્રુઆરીના સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે, આ તારીખનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજથી 95 વર્ષ પૂર્ણ પહેલા 13 ફેબ્રુઆરી, 1931ના રોજ નવી દિલ્હી શહેરને સતાવાર રીતે ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

February 12, 2026
image-17.png
1min87

  • ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ
  • જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા
  • સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય.

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

  • તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે.
  • જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે.
  • પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.
  • રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.
February 9, 2026
image-14-1280x768.png
1min142

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.

કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.

February 8, 2026
image-9.png
1min97

ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા, સરકારે 37 એન્ટી માઈક્રોબિયલ દવા બૅન કરી

ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

વિશ્વમાં ઉત્પાદિત થતી દર ત્રણમાંથી બે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માણસોની સારવાર માટે નહીં, પરંતુ દૂધ, માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે પશુ-પંખીઓ પર કરવામાં આવે છે. આ આડેધડ ઉપયોગને કારણે બેક્ટેરિયા દવાઓ સામે રક્ષણ મેળવી લે છે (રેઝિસ્ટન્ટ બની જાય છે) અને જ્યારે માણસ આવા ઉત્પાદનોનું સેવન કરે છે, ત્યારે સામાન્ય ચેપની સારવારમાં પણ દવાઓ અસર કરતી નથી. ત્યારે સરકારે 18 એન્ટિબાયોટિક્સ,18 એન્ટિવાયરલ અને એક એન્ટિ-પ્રોટોઝોઆન દવાઓ પ્રતિબંધ મુક્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે દૂધ, માંસ અને માછલીના ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો હવે ગુનો બનશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો મુજબ, ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને નબળી જૈવ સુરક્ષા (Bio-security) આ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ ના રિપોર્ટ અનુસાર, ભારતીય હોસ્પિટલોમાં આવતા 83% દર્દીઓમાં ‘મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ’ બેક્ટેરિયા જોવા મળે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2025 થી 2050 વચ્ચે વિશ્વમાં દર વર્ષે 3.9 કરોડ લોકો AMR ના કારણે જીવ ગુમાવી શકે છે. સામાન્ય શરદી કે તાવમાં અપાતી એન્ટિબાયોટિક્સ હવે ઘણાં દર્દીઓ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

આ પ્રતિરોધક બેક્ટેરિયા માત્ર ખોરાક જ નહીં, પરંતુ પશુઓના મળ-મૂત્ર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતોને પણ દૂષિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સંકટ હવે માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણા જંગલો, નદીઓ અને ખેતરોમાં પણ ફેલાઈ ચૂક્યું છે.

•ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટિબાયોટિક ન લેવી.
•ખોરાકને બરાબર રાંધીને ખાવો.
•જૈવિક કૃષિ અને પશુપાલન પેદાશોને પ્રાધાન્ય આપવું.

February 7, 2026
image-8.png
1min158

હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?

ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.

અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

February 7, 2026
image-6.png
1min123

મુંબઈના ઑલરાઉન્ડર આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતે અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 100 રનથી કચડીને વિક્રમજનક છઠ્ઠી વખત આ જુનિયર ફૉર્મેટનો તાજ જીતી લીધો હતો. બિહારનો વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર) આ વિજયનો સુપરસ્ટાર હતો.

ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 40.2 ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને એ સાથે ભારતના જુનિયર ક્રિકેટરોએ મેદાન પર જશન શરૂ કરી દીધું હતું. ખરેખર તો વૈભવ (VAIBHAV)ના 175 રનની ફટકાબાજી વખતે જ બ્રિટિશ ટીમ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. વૈભવે 32 બૉલમાં 50 રન, પંચાવન બૉલમાં 100 રન અને 71 બૉલમાં 150 રન પૂરા કર્યા હતા. આ દમામદાર વિજય સાથે ભારતે (INDIA) મેન્સ જુનિયર ક્રિકેટમાં વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

મોડાસાના ખિલન પટેલે ઝીલ્યો છેલ્લો કૅચ

મૂળ મોડાસાના સ્પિનર ખિલન પટેલે કનિષ્ક ચૌહાણના બૉલમાં બ્રિટિશ સેન્ચુરિયન કૅલેબ ફાલ્કનર (115 રન, 67 બૉલ, સાત સિક્સર, નવ ફોર)નો બૅકવર્ડ પૉઇન્ટ પર નીચો કૅચ ઝીલીને અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી અને એ સાથે જ ટાઇટલ ભારતના નામે લખાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમે 412 રનના લક્ષ્યાંક સામે જોરદાર લડત આપી હતી, પણ તેમના માટે શરૂઆતથી જ એ લક્ષ્યાંક મહાકાય હતો અને છેવટે તેઓ એ બોજ નીચે દબાઈ ગયા હતા અને હારી ગયા.

કૅલેબ ફાલ્કનર અને જેમ્સ મિન્ટો (41 બૉલમાં 28 રન) વચ્ચે આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી થઈ હતી. એ પાર્ટનરશિપે ભારતીયોને ખૂબ હંફાવ્યા હતા અને વિજય માટે ભારતને રાહ જોવડાવી હતી. જોકે પેસ બોલર અંબરિશે મિન્ટોને આઉટ કરીને તોડી હતી. સબસ્ટિટ્યૂટ મોહમ્મદ એન્નાને તેનો કૅચ ઝીલ્યો હતો. ઇંગ્લૅન્ડે બાવીસ ઓવરમાં 175 રન કર્યા હતા, પરંતુ એમાં એણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પહેલાં, વૈભવ સૂર્યવંશીની (1983ના કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની અણનમ 175 રન જેવી) 175 રનની ધમાકેદાર બૅટિંગ પરથી પ્રેરણા લઈને ભારતીય બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ સામે છેક છેલ્લા બૉલ સુધી ફટકાબાજી કરી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવીને બ્રિટિશ ટીમને 412 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના 400-પ્લસ રન આ ટૂર્નામેન્ટનો તમામ ટીમોમાં હાઇએસ્ટ સ્કોર છે.

જો વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર વધુ ટક્યો હોત તો ભારતે કદાચ 500 રન પણ બનાવી લીધા હોત. કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 51 બૉલ, બે સિક્સર, સાત ફોર), અભિજ્ઞાન કુન્ડુએ (40 રન, 31 બૉલ, એક સિક્સર, છ ફોર), કનિષ્ક ચૌહાણ (અણનમ 37 રન, 20 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), વેદાંત ત્રિવેદી (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) અને વિહાન મલ્હોત્રા (30 રન, 36 બૉલ, બે ફોર)ના પણ ભારતના 9/411ના સ્કોરમાં મહત્ત્વના યોગદાન હતા.

February 5, 2026
image-5.png
1min145

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો વિજય ઉત્સવ અને સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન આરોન જ્યોર્જ.
સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

February 4, 2026
image-4.png
1min149

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

February 3, 2026
image-2.png
2min216
  • નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત
  • નરેન્દ્ર મોદીની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો : ભારતીય વડાપ્રધાને આનંદ વ્યકત કર્યો
  • ભારતે અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા એમ 500 અબજ ડોલરની ખરીદીની ખાતરી આપી : ટ્રમ્પ
  • ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાની દરેક પ્રોડક્ટ્સ પર ભારતમાં ઝીરો ટેક્સ, પણ યુએસમાં ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ

Dated 02/02/2026
ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરતાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેના કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધા કરી શકશે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન ટ્રેડ ડીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ૧.૪ અબજ લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની છે. ભારત તેમના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપે છે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈએ લઈ જવા પર અમે મીટ માંડી રહ્યા છીએ.

તેની સામે ભારતીય પક્ષે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે યુરોપીયન યુનિયનના સ્વરૂપમાં અમેરિકાનું વૈકલ્પિક ભાગીદાર શોધી લેતા અમેરિકા પોતે જ ડીલ કરવા સંમત થઈ ગયું છે. તેને લાગ્યું કે જો ઇયુ સાથે ભારતનું ટ્રેડ ડીલ ઝડપથી અમલી બન્યું તો અમેરિકન કંપનીઓ પાછળ રહી જશે અને યુરોપીયન યુનિયનની કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવશે. જો કે આ ટ્રેડ ડીલની જાહેરાત છતાં અમેરિકાએ ભારત પરનો સંપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ નાબૂદ કર્યો નથી તે હકીકત છે.

  • વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે, દુર્લભ ખનીજની બેઠકમાં ભાગ લેશે

ભારત અને અમેરિકાના સંબંધો સુધરતા હોવાનો સંકેત આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં પોસ્ટ મૂકી હતી. નવી દિલ્હીના આઈકોનિક ઈન્ડિયા ગેટની તસવીર મૂકીને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતનું આ વિજયદ્વાર સુંદર છે. આપણું તો એનાથી પણ સુંદર હશે. અમેરિકામાં સ્વતંત્રતા ગેટ બનવાનો છે. તે સંદર્ભમાં આ પોસ્ટ મૂકાઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.

એસ જયશંકર પાંચમી ફેબુ્રઆરી સુધી અમેરિકામાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવોય દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને ૫૦ ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના ૨૫ ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.