ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.
ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.
કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.
પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.
પ્રકાશ, ઉમંગનો તહેવાર દીવાળી દરવર્ષે કારતક મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે દીપોત્સવ એટલે કે દીવાળી 24 ઑક્ટોબર 2022ના છે. પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે, પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાની રીત છે. દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે. જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.
રંગોળી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. શુભ કાર્યમાં લોટ, ચોખા કે માંડ અને હવે તો અનેક રંગોથી રંગોળી બનવવામાં આવે છે. રંગોળીનો અર્થ છે રંગ અને અવલ્લી (પંક્તિ). દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય. શાસ્ત્રો પ્રમાણે રંગોળી બનાવવાથી ઘરમાં આકર્ષણનું કેન્દ્ર એક જગ્યા પર બને છે. ધનતેરસથી લઈને દીવાળી સુધી દરરોજ સ્નાન બાદ સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવામાં આવે. પદ ચિન્હ ઘરની અંદર તરફ આવતા હોવા જોઈએ. આથી મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે. દીવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવમાં આવે છે. માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઋગ્વેદ પ્રમાણે દીવામાં દેવતાઓનો તેજ રહે છે, આના પ્રકાશથી યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ, કારણકે ધનનાં દેવી ત્યાં જ બિરાજમાન થાય છે જે ઘર પ્રકાશવાન છે. અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
માન્યતા છે કે પૂજા-પાઠમાં દરેક કામ માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્ર આપવામાં આવ્યા છે. આનું ઉચ્ચારણ કરતી વખતે શુભ કાર્ય કરવામાં આવે તો તેનો પ્રબાવ વધારે પડે છે. દીવાળી પર દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો – શુભમ્ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ્, શત્રૂ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતિ. માન્યતા છે કે આ મંત્રથી વાસ્તુ દોષ દૂર થાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા નહીં જાય એ તેના કારણે એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એ.જી.એમ.માં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને વિશેષ કરીને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો અમે આવતા વર્ષે ભારતમાં યોજનારા વનડેના વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ.
આમ તો ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે દ્વીપક્ષિય ક્રિકેટ રમવાનાં સંબંધ રાજકીય તનાવ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ પ્રવર્તતો હોઈ દોઢ દાયકાથી નથી. ભારત પાકિસ્તાનમાં છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમ્યું હતું.
આમ છતાં આઇસીસી આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત રમશે તેવું ઠરાવવામાં આવ્યું હોઈ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ થતા જ રહ્યા છે. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.
પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશઃ અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. આવતા વર્ષ સુધીમાં પણ પાકિસ્તાનનું ક્રિકેટ પુનઃ સ્થાપિત વધુ થઈ ગયું હશે અને એશિયા કપ રમવા જવા માટે વિદેશી ટીમોને વાંધો નહીં હોય.
રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો ૨૦૨૩માં પાકિસ્તાનનો છે.
ભારત અને અન્ય દેશોથી પાકિસ્તાનમાં રમવાના સંદર્ભમાં સ્થિતિ જુદી છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. ભારતના પાકિસ્તાન જોડેના સંબંધો તો વણસ્યા જ છે પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ કાશ્મીરમાં જારી જ છે.
પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી છે. આઇસીસીની આવકનો હિસ્સો પાકિસ્તાન બોર્ડને મળે.
ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે.
આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા.
સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.
નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે ટ્રક સાથે અથડાતા પ્રાઈવેટ લક્ઝરી બસ ભડભડ કરતી સળગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સરકારે લીધી છે.
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં વહેલી સવારે ઔરંગાબાદ રોડ પર એક ખાનગી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાયા બાદ ભીષણ આગની ઝપેટમાં આવી હતી અને તેના લીધે 11 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. ડે્પ્યૂટી કલેક્ટરટ ભગવત ડોઈફોડેએ અકસ્માત અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી. ઘટનામાં આશરે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે આ ઘટના બની હતી. ઘટના અંગેની જાણ થતાં જ નાસિક ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક પહોંચ્યા હતા. આ સિવાય સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળ પર આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
બસ લગભગ 3.30 વાગ્યે યવતમાલથી નીકળી હતી અને આશરે 5.20 વાગ્યે ટ્રક સાથે અથડાઈ હતી. બસ તરત જ સળગી ઉઠી હતી અને 11 લોકોના દાઝી જવાથી મોત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નાસિક સિવિલ હોસ્પિટલ અને શહેરની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા માટેનો આદેશ આપ્યો છે. ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
નાસિક જિલ્લાના સંરક્ષક મંત્રી દાદા ભુસેએ મીડિયા સાથે વાતચીત કરતાં જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હતું. તો મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘નાસિકમાં થયેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના ઘટનામાં પ્રિયજનને ગુમાવનારાના પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક તંત્ર પ્રભાવિત લોકોને દરેક શક્ય સહાય આપી રહ્યું છે’. આ સાથે તેમણે PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલિફ ફંડ)માંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.
ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે
1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’ નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.
રેલવેએ દેશભરની 130 મેઈલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓના ભાડામાં વધારો કરી દીધો છે. જેમાં ટ્રેનની એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ વ્યક્તિ, એસી-2,3, ચેર કારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આ પ્રકારે યાત્રીઓને એક પીએનઆર (છ યાત્રી)ના બુકિંગમાં એસી 1માં 450 રૂપિયા, એસી 2-3માં 270 રૂપિયા અને સ્લીપરમાં 180 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે.
જો કે આ તમામ ટ્રેનોમાં ભોજન, યાત્રી સુરક્ષા અથવા સુવિધામાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. રેલ નિયમ મુજબ 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડતી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટ કહેવામાં આવે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ભારતીય રેલ 45 વર્ષથી ટ્રેનની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દશકથી મેલ એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ ઝડપ 50થી 58 કિ.મી. પ્રતિકલાક રહી છે. જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનની ઝડપ 70-85 કિ.મી. પ્રતિકલાકની છે. 15-20 ટ્રેનો ક્યારે નિર્ધારિત સમયે ગંતવ્ય સ્થાને પહોંચતી નથી.
60 ટકા ટ્રેન 15-20 મિનિટ વિલંબથી પહોંચે છે.’ રેલવેના નવા ટાઈમ ટેબલમાં 2022-23મા મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ એક્સપ્રેસ ગણવામાં આવી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે દૈનિક યાત્રી આ ટ્રેનમાં સફર કરી શકશે નહીં કારણ કે તેનું ભાડું વધારે હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે
– GSM અથવા GPRS
– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
– સીસીટીવી કેમેરા
– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
– વેક્યૂમ બાયોટોયલેટ્સ
– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
– વાઈફાઈની સુવિધા
– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ
KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન
ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.
વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.
અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.
ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.
RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.
ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.
મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.
જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.
રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.
ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.
ગૃહ મંત્રાલયે દેશમાં 5 વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકી દીધો છે. અનેક રાજ્યો દ્વારા PFI પર પ્રતિબંધની માગણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના અનેક ઠેકાણે દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને પીએફઆઈ વિરૂદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા.
ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન ઘોષિત કર્યું છે. તે સિવાય અન્ય 8 સહયોગી સંગઠનો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
પીએફઆઈ ઉપરાંત
રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF),
કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI),
ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC),
નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO),
નેશનલ વીમેન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને
રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવાસહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી, ઈડી અને રાજ્યોની પોલીસે સાથે મળીને 22મી સપ્ટેમ્બરના રોજ પીએફઆઈ સામે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાઓ પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 106 લોકોની ધરપકડ કરાઈ હતી. બીજા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો અમુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને પીએફઆઈ સામે પૂરતા પુરાવાઓ હાથ લાગ્યા હતા.
દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય સમક્ષ કાર્યવાહી માટેની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.