ફોબર્સ મેગેઝીને જારી કરેલી વિશ્ર્વની 2000 સૌથી મોટી પબ્લિક કંપનીઓની યાદીમાં ભારતની 57 કંપનીને સ્થાન મળ્યું છે. આ યાદીમાં 61 દેશ આવરી લેવામાં આવ્યાં છે અને તેમાં 575 કંપની સાથે અમેરિકા ટોચ પર છે.
ચીન અને હોંગકોંગ તથા જાપાન અનુક્રમે 309 કંપની અને 223 કંપની સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. એકંદર યાદીમાં સતત સાતમાં વર્ષે ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઇસીબીસી) ટોચના સ્થાને રહી છે.
ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં રોયલ ડચ શેલ કંપની ટોચ પર છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ક્રમ 11મો આવ્યો છે. જ્યારે એકંદર યાદીમાં આ કંપનીએ 71મું સ્થાન મેળવ્યું છે.

એ જ રીતે, ક્ધઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓની વૈશ્ર્વિક યાદીમાં અમેરિકન એક્સપ્રેસ ટોચ પર છે, જ્યારે ભારતની એચડીએફસી આ યાદીમાં સાતમા સ્થાને છે. એકંદર યાદીમાં આ કંપનીનું સ્થાન 332મું છે.
ભારતીય કંપનીઓમાં માત્ર રિલાયન્સે ટોચની 200 કંપનીમા સ્થાન મેળવ્યું છે, જ્યારે એચડીએફસી બેન્ક 209મા, ઓએનજીસી 220મા, ઇન્ડિયન ઓઇલ 228મા સ્થાને છે.
ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ અને એનટીપીસીએ પણ ટોપ-500માં સ્થાન મેળવ્યું છે. ભારતની અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્ર બેન્ક, ભારત પેટ્રો, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇટીસી, ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, હિન્દાલ્કો, એચસીએલ ટેકનો, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ગેઇલ વગેરેનો સમાવેશ હતો.