ગુજરાત બોર્ડની હાલ ચાલી રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પૈકી આજરોજ તા.11મી માર્ચ 2020ના રોજ ધો.10માં મેથેમેટિક્સની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા જુદા જુદા વિષય તજજ્ઞ શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યો, તેના તારણ પરથી એવું જાણવા મળ્યું કે ગણિતનું પેપર ટ્વીસ્ટ કરવામાં આવેલા પ્રશ્નપત્રો ધરાવતું હતું. આવા 7 માર્કસના પ્રશ્નો પૂછાયા હતા. અગાઉના બન્ને પેપરોની સરખામણીમાં ધો.10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર હાર્ડ રહ્યું છે.
ધો.10 ગણિતના પેપરમાં અત્યાર સુધી એવું હતું કે 100માંથી 100 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 600 પ્લસ હતી. પરંતુ, આ વખતે 2020માં ધો.10 ગણિતમાં 80માંથી 80 માર્કસ લાવવાના મુશ્કેલ બની રહેશે. એનો અર્થ એ નથી કે પ્રશ્નપત્ર એટલું પણ અઘરું રહ્યું કે સામાન્ય વિદ્યાર્થીઓની ગીલ્લી ઉડી જાય. પાસ થવાનું અઘરું ન હોય તેવું પેપર હતું.
ધો.10 ગણિતના પ્રશ્નપત્રનું એનાલિસીસ કરતા જણાય છે કે પાઠ્ય પુસ્તકમાંથી ફક્ત 4 પ્રશ્નો સરખી રકમ સાથે પૂછાયા હતા. એ સિવાય બાકીના બધા જ પ્રશ્નોમાં રકમ બદલીને પૂછવામાં આવ્યા હતા.
પ્રમેયમાં ત્રિકોણના નામ નામ બદલીને પૂછાતા અનેક વિદ્યાર્થીઓ મૂઝાયા હતા. 2 રાઇડર પૂછવામાં આવી હતી જેમાંથી એક રાઇડર પ્રમેયની અવેજીમાં પૂછવામાં આવી હતી. થિયરી ટેકનિકનો ઉપયોગ આધારિત દાખલાઓ પૂછવામાં આવ્યા પરીણામે અનેક વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ અને ઘણાં વિદ્યાર્થીઓને થોડું અઘરું પણ લાગ્યું.
ટૂંકમાં કહીએ તો મગજ કસીને પ્રશ્નોના ઉત્તરો લખનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવું પેપર રહ્યું.
સીબીઆઇના વિવાદીત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાના ફરીથી ચર્ચામાં આવ્યા છે. રાકેશ અસ્થાના હવે ગુજરાતના નવા ડીજીપી બની શકે એવી અટકળોને વેગ મળ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડીજીપી સમેત અનેક ઉચ્ચ અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપા હાઇકમાન્ડની ગુડબુકમાં રહેનારા રાકેશ અસ્થાનાના શિરે ગુજરાતના પોલીસવડાની નવી ભૂમિકાનો તાજ પહેરાવવા માટેની હલચલ શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે જ રાકેશ અસ્થાનાની નિમણૂંક ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના અનુગામી તરીકે થઇ શકે તેમ છે.
ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું. પરંતુ, હવે ગુજરાત સરકાર આ બાબતના મતમાં નહીં હોવાનું પણ જાણવા મળે છે.
ગુજરાત ડીજીપી પદ માટે દાવેદાર તરીકે આશિષ ભાટિયાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ સીબીઆઇના કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાનાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. એવા શક્યતાઓ જોવાય રહી છે કે રાકેશ અસ્થાનાને કેન્દ્રના હાલના ડેપ્યુટશનથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય તો નવાઇ નહીં.
ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’ સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’
તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.
આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.
૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.
૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.
ગુરુવાર તા.5મી માર્ચ 2020થી શરૂ થયેલ ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10માં ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા હતા. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ હોય છે અને તેના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓની જનરલ અવેરનેસ કેટલી છે એની ચકાસણી કરતા પ્રશ્નો પૂછાયા હતા.
જેમકે એસ.એસ.સી. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજીના પેપરમાં અમેરિકામાં યોજાયેલી હાઉડી મોદી ઇવેન્ટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. હાઉડી મોદી ઇવેન્ટમાં એક સ્વયંસવેક તરીકે ડાયરી લખવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું.
ડાયરી લખવા માટેનો બીજો પ્રશ્ન કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હોય તો કેવો અનુભવ થાય તે પોતાના શબ્દોમાં વર્ણવા કહેવાયું હતું.
આ ઉપરાંત ચંદ્રયાન-2 ભારતને ગર્વ અપાવનાર અંતરિક્ષ મિશન અથવા ઓનલાઇન શોપિંગ વિ. ઓફલાઇન શોપિંગ અંગે નિબંધ લખવા માટે પણ કહેવાયું હતું. જ્યારે પત્ર લખવાના પ્રશ્નમાં પોતાના મિત્રને સુરક્ષિત દિવાળી ઉજવવાની અપીલ સાથે ચાઈનિઝ ફટાકડાથી દૂર રહેવા માટે પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જ્યારે બીજો ઓપ્શન એક ઇમેલ પત્રાચારનો હતો જેમાં તેમણે નવી ઇન્સ્ટોલ કરવામાં આવેલ પ્રીકોલેશન સિસ્ટમ જે કેવી રીતે પાણી બચાવે છે તેના અંગે માહિતી આપવાની હતી.
ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10 માટે ભાષાનું પેપર, ધો.12ના વિજ્ઞાન પ્રવાહ માટે ફિઝિક્સનું પેપર અને ધો. 12ના સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટનું પેપર પ્રમાણમાં ઇઝી રહ્યું હોવાના અહેવાલો સાર્વત્રિત રીતે મળ્યા હતા.
જૂનાગઢ પોલીસે ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે ડુપ્લીકેટ હોલ ટિકીટ (ફી રશીદ) છાપીને ડમી વિદ્યાર્થીઓને બેસાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
જૂનાગઢમાં ચાલતી ધો. ૧૨ની પરીક્ષાની ડુપ્લિકેટ રિસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી રિસીપ્ટ બનાવવાના સાધનો સાથે અન્ય 3ની ધરપકડ કરી હતી તેમ જ કુલ ૪૭ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસને માહિતી મળી હતી કે જૂનાગઢના ભવાનીનગર ખાતે રહેતો રાજેશ ડાયા ખાંટ નામનો વ્યક્તિ પોતાના ઘરે કેશોદના રણજિત ગઢવી તેમ જ પ્રવીણ સોલંકીએ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ (ધો.૧૨)ના બનાવટી પ્રવેશપત્રો (હોલટિકીટ) છાપવાનું ગેરકાનૂની કામ કરી રહ્યો છે.
આ માહિતી મળતા એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ. તેમ જ હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે દરોડો પાડી પોલીસે સ્થળ પરથી ધો. ૧૨ની પરીક્ષાના વિદ્યાર્થીઓની અસલ રિસીપ્ટ તેમજ ઝેરોક્ષ વગેરે મળી આવી હતી. એસઓજીએ ડુપ્લિકેટ રિસીપ્ટ બનાવવા સાધનો વગેરે મળી કુલ રૂ. ૪૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
આ સમગ્ર કૌભાંડમાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૪૭ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે જૂનાગઢમાં ધોરણ ૧૨ની પરીક્ષાની બનાવટી રિસીપ્ટ બનાવવાનું કારસ્તાન ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.
આ કૌભાંડમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ડુપ્લિકેટ રિસીપ્ટના આધારે પાસ કરાવી દેવાના કૌભાંડની પણ આશંકા દર્શાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવટી રિસીપ્ટના આધારે ડમી વિદ્યાર્થીને પરીક્ષામાં બેસાડવાનું કૌભાંડ પણ હોય શકે છે.
ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા
આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.
કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,
ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.
ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.
કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.
કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.
પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તગડી કમાણી : તબીબોને સરકારી નોકરીમાં કોઇ રસ નથી
ગુજરાત વિધાનસભા સત્રમાં તા.3જી માર્ચ 2020ના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યની કૉલેજોમાંથી એમબીબીએસ પાસ ડૉક્ટરોની નિમણૂક અંગે સંદર્ભે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ પ્ર્શ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સરકારી કૉલેજોમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન, એમબીબીએસ થયેલા ૨૨૨૮ ઉમેદવારોને રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી હતી. જેમાંથી ૩૨૧ ડૉક્ટરો ફરજ પર હાજર રહ્યા હતા. ૧૯૦૭ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.
ક્યાં કેટલા તબીબોની એપોઇન્ટમેન્ટ થઇ હતી?
રાજ્યમાં એમબીબીએસ પાસ થયેલા ડૉક્ટરોમાંથી સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૨૯૩ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ ડૉક્ટરો હાજર અને ૨૭૭ ડોક્ટરો ગેરહાજર રહ્યા હતા.
છેલ્લાં બે વર્ષમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠામાં ૧૮૪ ડૉક્ટરોની, કચ્છમાં ૧૮૪ ડૉક્ટરોની, છોટા ઉદેપુરમાં ૧૩૮ ડૉક્ટરોની, ભરૂચમાં ૧૦૪ ડૉક્ટરોની, વલસાડમાં ૧૦૧ ડૉક્ટરોની સરકારી હૉસ્પિટલોમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાંથી ક્રમશ: બનાસકાંઠામાં ૨૮ ડૉકટરો હાજર અને ૧૫૬ ગેરહાજર રહ્યા છે.
કચ્છમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૧૭૯ ગેરહાજર, છોટાઉદેપુરમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૩૪ ગેરહાજર, ભરૂચમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૯૯ ગેરહાજર, વલસાડમાં ૨૭ ડૉક્ટરો હાજર અને ૭૪ ગેરહાજર, અમદાવાદમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૧ ગેરહાજર, ગાંધીનગરમાં બે ડૉક્ટરો ગેરહાજર અને એક હાજર રહ્યા હતા. જ્યારે પોરબંદરમાં નિમણૂક કરવામાં આવેલા ૧૧ ડૉક્ટરોમાંથી બધા ૧૧ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ આજે ગુરુવાર તા.5મી માર્ચ 2020 થી શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી ૫૯૭૩૩ પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા ૨૯૪ કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી રહી છે.
આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા (મોટા ભાગે ગુજરાતી) અન્ય માધ્યમોને અનુરૂપ પરીક્ષા લેવામાં આવી હતી..
બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા લેવામાં આવી રહી છે.
આમ, પ્રથમ દિવસે જ મહત્ત્વના પેપરો હોઈ વિદ્યાર્થી પૂરતી તૈયારી સાથે પરીક્ષા બેઠા હતા. પ્રથમ દિવસે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યાના અહેવાલો રાજ્યભરમાંથી મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ ૧૭.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અતિસંવેદનવાળી શાળાઓમાં સીસીટીવી કૅમેરા લગાડી ચોરી કરતા વિદ્યાર્થીઓ અને ચોરી કરાવતા શિક્ષકો ઉપર બાજનજર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાંથી ૧૭૫ જેટલા કેદીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના હોઈ રાજ્યની જેલો દ્વારા આ કેદીઓને પૂરતો બંદોબસ્ત ફાળવી પરીક્ષાઓ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમ જ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમ જ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મૂકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પણ મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા
ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.