CIA ALERT

ગુજરાત Archives - Page 30 of 158 - CIA Live

December 2, 2021
cia_multi-1280x1045.jpg
1min588

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ ખાસ કરીને એમબીબીએસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સેકન્ડ ટ્રાયલનો ટ્રેન્ડ એટલી હદે વધી ગયો છે કે આ વર્ષે 2021માં ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કરનારા કુલ 24,228 પ્રવેશાર્થીઓ પૈકી 40 ટકા એટલે કે 9,331 પ્રવેશાર્થીઓ એવા છે જેમણે નીટની પરીક્ષા બીજી વખત આપીને સ્કોર મેળવ્યો છે. આવું કરવા પાછળ બે કારણો છે (1) એડમિશન મળે તેટલો નીટનો સ્કોર આવે એટલા માટે (2) સરકારી મેડીકલ કોલેજો કે જ્યાં ઓછી ફીમાં એમબીબીએસનો અભ્યાસ કરી શકાય તે માટે બીજી વખત નીટની પરીક્ષા આપવાના વલણનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે.

ગુજરાતની મેડિકલ કોલેજોમાં 2021માં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા કુલ 24,228 ઉમેદવારોમાંથી 9,331 એવા હતા જેમણે ધોરણ 12ની પરીક્ષા 2020 અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા MBBS સહિતની 5504 મેડિકલ બેઠકોની એડમિશન પ્રક્રિયા માટે વેરિફેકશન કરવામાં આવ્યું ત્યારે આ આંકડો બહાર આવ્યો હતો.

મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા રિપીટ કરવાનું પસંદ કરી રહ્યા છે તેની પાછળ નક્કર કારણ રહેલું છે. ખાનગી કોલેજમાં એમબીબીએસ કરવું હોય તો દર વર્ષે 8થી 14 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. મોટાભાગની પ્રાઈવેટ કોલેજો કરતાં સરકારી કોલેજોમાં કટ-ઓફ ઊંચું હોય છે અને ત્યાં વાર્ષિક ફી પણ 25,000 રૂપિયા જેટલી હોય છે. સરકારી ટ્રસ્ટ દ્વારા ચાલતી GMERS કોલેજોની વાર્ષિક ફી આશરે 3 લાખ રૂપિયા જેટલી હોય છે.

2021માં લેવાયેલી નીટ પરીક્ષાના સ્કોરથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ 2022માં મોટી સંખ્યામાં નીટની સેકન્ડ ટ્રાયલ આપે તેવી શક્યતા

જે રીતે નીટની સેકન્ડ ટ્રાયલ આપવાનો ટ્રે્ન્ડ વધી રહ્યો છે. 2017થી શરૂ થયેલો નીટ સેકન્ડ ટ્રાયલ આપવાના ટ્રેન્ડને જોઇએ તો દર વર્ષે સેકન્ડ ટ્રાયલ આપનારા વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને જોતા આ વર્ષે 2021માં પહેલી વખત નીટ આપનારા હજારો વિદ્યાર્થીઓએ તેમના સ્કોરથી અસંતોષ વ્યક્ત કરીને નીટ 2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાય રહ્યું છે. ક્લાસીસોના સંચાલકો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રમાણે બ્રેઇન વોશ કરીને નીટ સેકન્ડ ટ્રાયલ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે.

December 2, 2021
cbse.jpg
1min695

સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.

સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું

સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.

સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  

December 2, 2021
raining.jpg
3min450

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કારતકે અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પગલે તા.1લી અને આજે તા.2જી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત સમેત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે અને બર્ફીલા પવનના સુસવાટાથી કાશ્મીર જેવો માહોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. દીવમાં 3 ઇંચ જેટલો વરસદા વરસ્યો છે. તેવી જ રીતે કોડિનારમાં એક, ડોળાસામાં પોણો અને સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય વિસ્તારોમાં અમીછાંટણા થયા છે.

કોરોના બાદ લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે એવામાં વરસાદ વરસતા ઘણા લગ્નોમાં વિઘ્નો ઉભા થયા છે. આ કમોસમી વરસાદથી કપાસ સહિત રવિપાકને ભારે નુકસાન
પહોંચ્યું છે.’

દીવ:

ઉત્તર-પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રોમાં હવાનું દબાણ સર્જાવાનાં કાણે રાત્રીથી જ દીવમાં વરસાદ પડવાનું શરૂ થતાં તે સાંજ સુધી ધીમીધારે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો.
જામનગર: જામનગરમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવવા પામ્યો છે. આજે સવારે આકાશમાં વાદળછાંયુ વાતાવરણ રહેતા સૂર્ય નારાયણનાં દર્શન થયા ન હતાં. વાદળછાંયા વાતાવરણ વચ્ચે 3પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

લોઢવા:

લોઢવા તથા આજુબાજુનાં ગામડામાં ગઈકાલ રાત્રીથી ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયેલ છે અને હજુ પણ વરસાદી માહોલ હોય તેથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે. આ વરસાદથી રવી પાકમાં લાખો રૂપિયાનું નુકસાન આ વિસ્તારનાં ખેડૂતોને થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

જૂનાગઢ:

જૂનાગઢ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે આકાશમાં મેઘાવી માહોલ તથા સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે વિસાવદરમાં 8 મી.મી. ભેંસાણમાં ર મી.મી. અને જૂનાગઢમાં છાંટણા પડતા ટાઢોડું છવાયું છે.

બોટાદ:

બોટાદ જિલ્લામાં તા.1લી ડિસેમ્બર વહેલી સવારથી સાંજ સુધી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને બોટાદ જિલ્લાનું સમગ્ર વાતાવરણ એકદમ કાશ્મીરમય બની ગયું હતું.

સાવરકુંડલા:

તા.1લી ડિસેમ્બર રાત્રીનાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દુકાનનાં છાપરા પડી ગયા હતાં, તેમજ 0ાા ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મતિરાળા: તા.1લી ડિસેમ્બર બુધવારની વહેલી સવારે વરસાદી માહેલા સર્જાયો હતો. ધીમીધારે વરસાદ પડી જતાં રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતાં. ખુલ્લામાં પડેલ પશુચારો પલળી જવા પામ્યો છે.

બગસરા:

બગસરામાં આજે વહેલી સવારથી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદનાં લીધે ઠંડીથી ધ્રુજવા લાગ્યાં.

સરા:

સરા ગામના ખેડૂતોએ પાકની કાપણી સહિત માલઢોરનું ચરીયાણ સુરક્ષિત રીતે ઘરમાં ખસેડી લીધેલ હતું. પાકની કાપણી કે નવા પાકનું વાવેતર કરવાનું બંધ રાખી બે દિવસ બાદ કરવાનું મુનાસીબ માન્યું હતું.

કોડિનાર:

કોડિનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વાતાવરણમાં પલટો આવતા છાંટાની શરૂઆત થઈ જે આખી રાત અને આજે ધીમી ગતિએ વરસાદ શરૂ છે. ઈંચ ઉપર વરસાદ થયો છે.

ડોળાસા:

કોડિનાર તાલુકાનાં ડોળાસા વિસ્તાર ગત રાત્રીના આઠ વાગ્યાથી ધીમી ધારનો વરસાદ ચાલુ થયો હતો. આજે સાંજનાં પ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન માત્ર 16 મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદની સાથે હીમ જેવી ઠંડક પ્રસરી જતાં લોકોમાં બીમારી ફેલાવાનો ભય પેદા થયો છે.

તાલાળા(ગિર):

તાલાળા પંથકમાં દિવાળી બાદ ઉપરા ઉપરી કમોસમી વરસાદનાં બે રાઉન્ડે કિસાનોની કેડ ભાંગી નાખી છે. તાલાળા પંથકમાં મંગળવાર રાત્રીથી ફરી કમોસમી વરસાદ શરૂ થયેલ બુધવાર બપોરનાં પાંચ વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. તાલાળા પંથકમાં કમોસમી વરસાદનાં ઉપરા ઉપરી બે રાઉન્ડથી ખેડૂતો ભાંગી પડયા છે. મંગળવાર સાંજથી શરૂ થયેલ વરસાદથી કેસર કેરીનાં આંબામાં આવેલ મોર તથા ચણાનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલાળા પંથકનાં વિવિધ વિસ્તારોમાં ખુશ્બુદાર દેશી ગોળનું ઉત્પાદન કરતા 80 જેટલા રાબડા કાર્યરત હતા. કમોસમી વરસાદથી તમામ ગોળનાં રાબડા બંધ થઈ ગયા છે. જે વાતાવરણ ખુલ્લુ થયા બાદ શરૂ થશે. તાલાળા પંથકના ગોળનાં રાબડામાં દરરોજ એક હજારથી પણ વધુ ડબ્બા ગોળ તૈયાર થતો હતો.

દામનગર:

તા. પહેલી ડિસેમ્બર ગઈ સાંજથી વાતાવરણમાં પલટો આવતા રાત્રીથી દિવસ દરમ્યાન કમોસમી માવઠાનો વરસાદ શરૂ રહ્યો છે. લગ્નસરા હોવા છતાં બજારો સુનકાર છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રાચી:

પ્રાચી તેમજ ગ્રામ્યવિસ્તારોમાં ગત રાતથી જ ધીભી ધારે શરૂ થયેલ વરસાદ આજે બપોર સુધી પણ શરૂ રહ્યો હતો. આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસતા અને ઠંડા પવનનાં કારણે વાતાવરણ ઠંડુગાર થયું હતું.

તળાજા:

તળાજા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનાં નવેક વાગ્યા બાદ કમૌસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. માવઠાની શરૂઆતનાં પગલે ડુંગળી, ચણા અને કપાસનાં પાકનો સર્વનાશનાં એંધાણ વર્તાઈ ગયા છે. કૃષિ તજજ્ઞ ડી.એન.ઝાલાએ જણાવ્યું હતું કે હાલ તળાજા પંથકમાં ઘઉંનું વાવેતર ઓછું અને ડુંગળી ચણાનું વાવેતર વધેલ છે. માવઠાનાં કારણે ડુંગળીમાં બાફીયો રોગ અને ચણામાં ફૂગ આવવાના કારણે પાકને મોટું નુકસાન થાય છે. માવઠા સામે પાકને બચાવવો અઘરો છે તેમ છતાંય માવઠાનું પાણી ખેતરને લાયક ન હોય તે ભરાયેલ પાણીને કાઢીને કૂવાનું થોડું પાણી આપવું જોઈએ. સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ, સાથે ઓર્ગેનિક અને પેસ્ટીસાઈટ ફંગી સાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ઉમરાળા:

ઉમરાળા પંથકમાં મંગળવારની સાંજથી ઘટાટોપ વાદળો છવાયા બાદ મોડી રાતથી હળવા છાંટા શરૂ થયા હતા જે આજે બુધવારે ઝરમર રૂપે ચાલુ રહ્યા છે.

ભાવનગર:

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયો વરસાદ પડયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે લગ્નનાં આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતાં. સિહોર તાલુકાનાં નાના સુરકા ગામે તો લગ્નનાં આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડયા હતા અને તાડપત્રી સહિતની વસ્તુઓ ગોતવા નીકળવું પડયું હતું. આ ઉપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું’ થયાના સમાચાર મળી રહ્યા છે.

સુરત:

તા.1લી ડિસેમ્બરને બુધવારની મોડી રાત્રીથી હળવો ધીમી ધારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર જિલ્લા સહિત નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં કમોસમી ઝરમર વરસાદ પડવા સાથે જનજીવન પ્રભાવિત થવા સાથે ખેત પેદાશને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.’

ઉના :

ઉના, ગીર ગઢડા પંથકમાં ગઈકાલ રાતથી આજ સાંજ સુધીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ માવઠાંથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

December 1, 2021
gujarat_map-1280x1023.png
1min562

અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાની સામે ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે.’

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાનાં 320 ગામ, રાજકોટ જિલ્લાનાં 156 ગામ, જૂનાગઢ જિલ્લાનાં 135 ગામ અને પોરબંદર જિલ્લાનાં 71 ગામ મળી કુલ’ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોનાં ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત અગાઉ પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેનાં જાહેર કરેલાં રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. આ ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પણ પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

November 30, 2021
mbbs.jpg
1min539

મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ

ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.

રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.

મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.

November 29, 2021
weather-forecast.jpg
1min475

ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ,’ નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડયું છે. ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, બે દિવસ બાદ

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.’
અહીં નોંધવું ઘટે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતનાં અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સ’ છવાઈ જાય છે. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી ફરજિયાત બની ગયું છે. તો સાથે જ વહેલી સવારના સમયે ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.

November 28, 2021
gandhinagar.jpg
1min552

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા અને તેની હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

હવે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ગાંધીનગર સહિત ગુજરાત પોલીસ એલર્ટ બની રહી છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. ગાંધીનગર પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગેના કેસોને શોધી કાઢીને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

November 24, 2021
gondal.jpg
1min451

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં કરૂણ મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ગોંડલ નજીક આવેલા ભુજપુરા અને બિલાયાળા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સરવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, કાર હાઈવે પર જઈ રહી હતી એ સમયે કોઈ કારણોસર કારનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ કાર રોંગ સાઈડમાં જતી રહી હતી અને એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકો તરત દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીમાં સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકનાં મોત
નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા હતા. ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના 2 અને નવસારીના 1 યુવકનું મોત નીપજ્યું હતું. વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

November 23, 2021
election_voting.jpg
1min580

ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’

ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.”
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.

November 19, 2021
rain_forecast.png
2min932

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ ભાગોમાં વાદળિયુ વાતાવરણ છવાયેલ રહ્યું હતું અને રાજ્યનાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.’ અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ પડયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતા. આજે આખો દિવસ વાદળછાયું વાતારણ રહ્યું હતું.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. કેશોદના શેરગઢમાં આજે બપોરે જાણે કે ચોમાસું હોય તેમ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે અત્યારે ખેતરમાં તૈયાર પાક પડયો છે જેને નુકસાન થયું છે. તેમજ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને પણ અસર પહોંચશે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના એપીએમસી દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે વાતાવરણ ચોખ્ખુ ન થાય ત્યા સુધી જણસો લાવવી નહીં.’

શેરગઢ :

કેશોદ તાલુકાના શેરગઢ તથા આજુબાજુ વિસ્તારમાં આજરોજ બપોર પછી 1 ઈંચ વરસાદ પડયો હતો. આ વરસાદ પડતાં ખેતીમાં તૈયાર થતા મગફળી અને તેના ચારામાં મોટુ નુકસાન થયું છે.

જામનગર :

જામનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા જોરદાર પલટાના કારણે ગઈકાલે મિનિ વાવાઝોડા જેવો પવન ફૂંકાયા પછી આજ સવારથી જામનગર શહેર, જોડિયા અને લાલપુરમાં વાદળછાંયા વ્તાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડયા હતાં. સાથોસાથ બર્ફીલો પવન પણ અવિરત રહેતા શહેર જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું.

ગારિયાધાર :

ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ હળવા કમોસમી વરસાદના ઝાપટાં વરસી પડયા હતા. શહેર ઉપરાંત નાનીવાવડી, પરવડી, નવાગામ, વિરી જેવા ગામે પણ ઝાપટું વરસી પડયું હતું.

સરા :

મૂળી તાલુકાના સરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતાં. ઠંડાગાર વાતાવરણ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પાથરા કરેલ પાક બચાવવા પ્લાસ્ટિકથી ઢાકવા દોડધામ કરવી પડી હતી.

જામખંભાળિયા :

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંથકમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજ વહેલી સવારથી વરસાદી માહોલ સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે ખંભાળિયા પંથકના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદના છૂટા છવાયા છાંટાઓ પડયા હતાં. અત્યારે ખેડૂતોને ચોમાસુ પાક ખેતરમાં હોય અને માલ ઢોરના ચારા પણ ખુલ્લામાં પડયા હોય ત્યારે આ કમોસમી વરસાદ થવાની સંભાવના ઉભી થતા ચોમાસુ પાકની ઉત્પાદન થયેલ ખેત પેદાસને ભારે નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

મોરબી :

મોરબી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતાં. જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ :

સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં 1 થી 7 મી.મી.કમોસમી વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને સર્વત્ર ટાઢોડુ છવાઈ ગયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી છાંટા તથા ઝાપટા રૂપે કમોસમી વરસાદ શરૂ થયો હતો.

માણાવદર :

માણાવદર તાલુકાનામાં કમોસમી વરસાદથી પાકને નુકસાની થયેલ છે તેમજ ખુલ્લામાં પડેલ ચારો બગડયો છે. વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

સુરત :

માવઠાની આગાહીની અસર સુરત જિલ્લાના બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કપરાડામાં કમોસમી વરસાદ પડયો હતો. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બારડોલીમાં બપોરના સમયે 2 થી 4 વાગ્યાના સુમારે અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

મોડાસા :

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ થતા કારતકે શ્રાવણ જેવો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં કાર્તકી પૂર્ણિમાના મેળા ટાણે વરસાદ ખાબકતા મેળામા લાગેલ ટેન્ટ પલળી ગયા હતાં. વહેલી સવારે વરસાદથી ભકતોએ ભારે હાલાકી અનુભવી હતી. સતત 15 મિનિટસ સુધી વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

અમદાવાદ :

રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ પડયો છે. રાજ્યમાં હજુ પણ 47 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ માવઠાની આગાહીના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્રએ એપીએમસીમાં ચાર દિવસ દરમિયાન પાક લઈને ન આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.