CIA ALERT

ગુજરાત Archives - Page 154 of 158 - CIA Live

July 4, 2018
kuvar1.jpg
1min16310

ગુજરાત વિધાનસભામાં ૧૮૨નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં ૧૮૨નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાતમાં ૧૪મી વિધાનસભા ફરીવાર ખંડિત થઈ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા વિધાનસભ્યનો આંક ૧૮૧ થઈ ગયો છે. કુંવરજીના કારણે બીજી વાર વિધાનસભા ખંડિત થઈ છે.

આ પહેલા ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી.

ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો છે, પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યા છે, જેમાં કોઈ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે ૧૮૨નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.૨૦૦૪થી વિધાનસભા ખંડિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

July 3, 2018
kuvar3.jpg
1min14620

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

June 29, 2018
1min9960

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં દસ-દસ વર્ષથી સંતાન સુખ માટે મથતાં દંપતીને કુદરતે એકસાથે ચાર-ચાર બાળક અવતર્યા છે.
ગાંધીધામમાં રહેતાં ક્રિષ્નાબેન દિપકભાઈ ભાનુશાલીની કૂખે એકસાથે ચાર સંતાનો જન્મ્યાં છે. ક્રિષ્નાબેન અને દિપકભાઈના ઘેર લગ્ન થયા બાદ દસ વર્ષથી પારણું બંધાયું નહોતું. પરંતુ આખરે તેમણે ભુજ અને ગાંધીધામમાં પ્રેક્ટિસ કરતાં ડોક્ટર પાસે સારવાર લેવાનું શરૂ કર્યું હતું.એક બાળકની ઝંખના હતી તેમના પર કુદરતની મહેરબાનીએ ચાર બાળકની ભેટ આપી દીધી.

 

ગાંધીધામના નર્સિંગ હોમમાં ગાયનેકોલોજીસ્ટ્સ, પેડીયાટ્રીશ્યન્સ અને એનેસ્થેટીસ્ટ સહિતના આઠ તબીબોની ટુકડીએ ક્રિષ્નાબેનની ડિલિવરી કરાવી હતી. જન્મેલાં ચાર બાળકોમાં બે દીકરા છે અને બે દીકરી છે. ચારેય બાળકો તંદુરસ્ત છે પણ તબીબી કારણોસર તેમને ઈન્ક્યુબેટર (કાચની પેટી)માં રખાયાં છે. માતાની તબિયત પણ એકદમ બરાબર હોવાનું જાણવા મળ્યું છે. ક્રિષ્નાબેનની સારવાર અને ડિલિવરી કરાવનારા ડૉ. નરેશ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સ્ત્રીબીજ અને પુરુષબીજના ફલિનીકરણ વખતે જો તેમાં વિભાજન થઈ જતું હોય તો જોડિયાં બાળકો જન્મતાં હોય છે. અલબત્ત, એકસાથે ચાર બાળકો જન્મવાનો કિસ્સો વીસ લાખ ડિલિવરીએ માંડ એકાદવાર નોંધાતો હોય છે.

June 29, 2018
minority.jpg
1min13010
170ની વસતિ ધરાવતા યહુદી સમાજને ધાર્મિક લઘુમતી દરજ્જો

વસતિની દ્રષ્ટીએ જેનું સંખ્યાબળ ગુજરાતમાં ફક્ત 170 લોકો જેટલું મર્યાદિત છે એ યહુદી કોમને માઇનોરિટીનો દરજ્જો આપવા અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય હાલમાં ઇઝરાયલના પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે અને તેની જાહેરાત કરી છે.

ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકાર યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા વહેલી તકે જાહેરનામુ બહાર પાડશે. તે પછી યહુદી સમાજને લઘુમતી સમાજને મળતા વિવિધ લાભ મળશે.

યહુદી સમાજના લોકોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે ખુશાલી પ્રવર્તી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે રાજયમાં યહુદી સમાજના ૧૭૦ લોકો વસે છે, તેમાંથી ૧૪૦ અમદાવાદના ખમાસા-મણિનગર વિસ્તારમાં રહે છે. બાકીના પરિવાર વડોદરા, સુરત ખાતે રહે છે. યહુદી સમાજ જે રીતે કાયમ તેની પર ખતરો હોવાનું અનુભવે છે તે જોતા સરકારનો ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપતો આ નિર્ણય યહુદી સમાજ માટે વધુ સુરક્ષાનો અહેસાસ કરાવનારો બની રહેશે.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ વર્ષના જાન્યુઆરીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સાથે ઇઝરાયલના ગુજરાત અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ થવા પામ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના પહેલા વિદેશ પ્રવાસ માટે ઇઝરાયલની પસંદગી કરી છે.

June 26, 2018
narmada.jpg
1min12560

ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદ તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી 9826 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી 1 સેન્ટિમીટર જેટલી વધી રહી છે.

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો જોવાયો હતો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

 

June 24, 2018
bapufeature.jpg
1min19310

જયેશ બ્રહ્મભટ્ટ

સ્વચ્છતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ જેનું વૈશ્વિક સ્તરે ઐતિહાસિક મૂલ્ય છે, એવા ગુજરાતના પોરબંદરમાં સ્વચ્છતાની પરિસ્થિત દયાજનક છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાના તા.22 જૂનના રોજ જાહેર થયેલા પરીણામોમાં ગાંધીબાપૂના જન્મસ્થળ પોરબંદરનો નંબર 225મો છે. કમનસીબી તો એ છે કે 2017ના સ્વચ્છ સર્વેક્ષણમાં પોરબંદરનો નંબર 184મો હતો જેમાં વધુ 41 નંબર પછડાઇને 2018માં પોરબંદર દેશના સ્વચ્છ શહેરોમાં 225માં નંબરે સરકી ગયું છે.

સમગ્ર વિશ્વના લોકો ગાંધીબાપૂમાંથી સ્વચ્છતાની પ્રેરણા લઇ રહ્યા છે. ભારતમાં સ્વચ્છ ભારત મિશનના સિમ્બોલ તરીકે મહાત્મા ગાંધી બાપૂના ચશ્માને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ સ્થાનિક રાજકારણીઓએ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને સ્વચ્છ રાખવામાં જરૂર ચૂક કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન જે તે શહેરમાં થયેલી કામગીરીના આધારે નિર્ણય લેવાય છે જેમાં પોરબંદર ખાતે શૌચાલયોના નિર્માણ, કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા, સ્વચ્છતા જાગૃતિ વગેરે બાબતોમાં પોરબંદર નગરપાલિકાની કામગીરી કંગાળ રહેવા પામી છે. 2016માં તો પોરબંદરએ સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ જ લીધો ન હતો. 2017માં એ 184 નંબર પર આવ્યું હતું.

June 23, 2018
whether23.jpg
1min33290

તા.23 જુન, 2018

ભારતના હવામાન ખાતા દ્વારા તા.23મી જુનને શનિવારે જારી કરાયેલી સેટેલાઇટ વેધર ઇમેજ અનુસાર સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સેટેલાઇટ ઇમેજ પરથી સ્પષ્ટ નજરે પડે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો પર મોન્સુન લઇને આવનારા વાદળો વ્યાપક પ્રમાણમાં છે અને તે સમય જતા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેને પરીણામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આમેય દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત શહેરમાં સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. બપોરે એક વાગ્યાથી મૂળશધાર વરસાદ જોવા મળી રહ્યો છે.

June 23, 2018
rain.jpeg
1min15730

તા.23 જુન, 2018

આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધામણા થયા છે. આજના શુકનવંતા દિવસે સવારથી જ વરસાદી માહોલ સર્જાતા શોખીન સુરતીઓ માટે મજાનું વીકએન્ડ સેટ થઇ ચૂક્યું છે. વરસાદી વીકએન્ડ માટે જાણે સુરતીઓ તૈયાર થઈ ચૂક્યા છે. શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારે સાડા નવ વાગ્યાથી છુટા છવાયા ઝાપટા પડ્યા બાદ બપોરે એક વાગ્યે સૂસવાટાભેર પવન સાથે ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો.

સવારે 10 વાગ્યાના અરસામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં મૂશળધાર વરસાદનું ઝાપટું આવતા જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોર પડતા સુધીમાં સમગ્ર શહેરમાં કાળા ડીબાંગ વાદળો છવાય જવા પામ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ડાંગ વિસ્તારમાં મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાની શરૂઆત થયાને હજી માંડ બે દિવસ થયા છે ત્યાં જ આજે વહેલી સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વ્યારા વગેરે વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે વાવણી ભીમ-અગિયારસના શુભ દિવસે થતી હોય છે, એ પરંપરાને અનુસારતા આ વખતે આજે ભીમ-અગિયારસ પહેલાં જ અગિયાર દિવસ પહેલાં જ વાવણી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું શરૂઆતના પચ્ચીસ દિવસમાં સૌથી સારું રહેતું હોવાથી આ દિવસોમાં વાવણીનો પૂરો લાભ લઈ શકાય એ હેતુથી ગુજરાતમાં ઠેર-ઠેર વાવણી શરૂ કરી દેવામાં આવી છે.

June 22, 2018
rajkot_hubwife.jpg
1min14160

તા.20 જૂન, 2018

ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી  જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.

પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’

 

June 22, 2018
liquor.jpg
1min13770

તા.22 જૂન 2018

ગુજરાતમાં એક તરફ દમણ અને રાજસ્થાન તરફથી આવતા દારૂને રોકી નહીં શકતા નશાબંધી વિભાગે દારૂની સત્તાવાર પરમીટ ધરાવતા લોકો પર ભીંસ વધારવા માંડી છે. દારૂની નવી પરમિટ આપવાની તો બંધ કરી દેવાઇ છે તો બીજી તરફ તાજેતરમાં નિવૃત અને પૂર્વ સૈનિકોને આઝાદીના સમયથી મળતી દારૂની પરમિટ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા હવે નિવૃત સૈનિકો પણ કચવાય રહ્યા છે.

ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોને આઝાદી પહેલાથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. નિવૃત સૈનિકોએ બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેમને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી કરવાની હોય છે. દારૂની પરમિટને કારણે જ દારુનું સ્મગલિંગ થઇ રહ્યું હોવાનું માનતા અધિકારીઓના ઇશારે રાજ્ય સરકારે નિવૃત સૈનિકોને આ પ્રકારે દારૂ ની પરમીટ ગત માર્ચ 2018થી જ રદ કરી દીધી છે.

સરકારની નશાબંધી નીતિના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોમાં પડ્યા છે. નિવૃત સૈનિક સંગઠનોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા નવી નશાબંધીની જાહેરાત થાય તે પહેલા જ નિવૃત સૈનિકોની દારૂની પરમીટ આશ્ચર્યજનક રીતે બંધ કરી દેવાઇ છે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.ગુજરાતમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છતાં પણ સરકાર કઈ કરી શકતી નથી.

પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરવાનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આ કેન્દ્ર સરકારનો વિષય છે. જો રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ પુન: શરૂ નહીં કરાય તો તેમના દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે, એવું પૂર્વ સૈનિકોએ નિવેદનમાં જણાવ્યું હતું.