CIA ALERT

ગુજરાત Archives - Page 153 of 158 - CIA Live

August 7, 2018
narmada.jpg
1min5390

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.

નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.

August 5, 2018
fraud.jpg
1min13760

રાજ્યની સી.આઇ.ડી.ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદેસર બનાવટી લે-ભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ – 2016થી મે- 2018 સુધી 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં 4,62,687 રોકાણકારોના અંદાજે રૂ.713 કરોડના નાણાં છેતરપિંડી કરીને લે-ભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધા છે અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઇ છે. જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે ત્યારે હવે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને તેની હરાજી કરીને લોકોના નાણાં પાછા આપવામાં આવશે.

ગુજરાતના ગ્રૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ શહેરો – જિલ્લાઓમાં કેટલીક લે – ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂક કરી દીધી છે. આ લે-ભાગું કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપિંડી કરતી હોય છે. આ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. કાયદામાં ડેઝીગેટેડ કોર્ટની નિમણૂક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.

July 27, 2018
Jaivel-Aerospace-MOU-with-Government-of-Gujarat-1280x854.jpg
1min6780
અમદાવાદમાં જયવેલ એરોસ્પેસ એન્જિનિયરિંગ-ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું

વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોયસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટુલીંગ અને પ્રિસિઝન ફલાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. ગઇ તા.26મી જુલાઇ 2018ના રોજ અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું હતું. બોમ્બાર્ડીયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટીયર-૨ સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મલ્ટીનેશનલ એરોસ્પેસ કંપનીઓના મોટા ઓર્ડરની કામગીરી વિસ્તરશે.

જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ Rs ૩૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવી ફેસિલિટી પર કામકાજ કરી રહી છે, જેમાં કંપની તબક્કાવાર રોકાણ વધારશે. સાણંદ GIDCમાં કંપનીએ જમીન હસ્તગત કરી છે, જ્યાં Rs ૧૦૩ કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થશે. આ પ્રિસિઝન ફલાઇંગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ ૨૦૧૯માં કાર્યરત થશે. સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશનર વેઇને જણાવ્યું કે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિટિશ કંપનીઓએ ૨૧ અબજ પાઉન્ડનુ રોકાણ કર્યું છે અને આઠ લાખ લોકોને રોજગારી આપી છે. બ્રેક્ઝીટ બાદ યુકેના સ્ટાર્ટઅપથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે અને બેથી ત્રણ કંપનીઓ નજીકના સમયગાળામાં ગુજરાતમાં તેમના પ્લાન્ટ સ્થાપીને રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.
July 22, 2018
cub2-1280x720.jpg
1min7810

સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ તેમ જ ગીર-સોમનાથ જિલ્લાઓ અને ગીર તથા ગિરનાર પર્વતના જંગલ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ છેલ્લા 6 દિવસથી વરસી રહ્યો છે. તેમા પણ ગીર- સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ, ગીરના બાળસિંહો માટે જોખમકારક બની રહી છે.

સિંહ જીવનના અભ્યાસીઓ અને વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિને લીધે બાળસિંહો અર્થાત્ સિંહના બચ્ચાંઓના મૃત્યુ દરમાં 35 ટકા ઉપરાંતનો વધારો થયો છે. હાલ ચોમાસાની ઋતુમાં સિંહણો બચ્ચાંને જન્મ આપે છે. સામાન્ય રીતે 2 થી 4 બચ્ચાંઓ જન્મે છે, પણ બધા ઉછરતા નથી. સતત વરસાદથી માસૂમ બચ્ચાંઓ ન્યૂમોનિયાને લીધે મૃત્યુ પામે છે. ડુંગરાળ વિસ્તારમાં રહેતા બચ્ચાઓને વાંધો નથી આવતો. જેવો વરસાદ પડે કે તૂર્ત જ તેઓ ડુંગરા ઉપર ચડી જાય છે, પરંતુ સપાટ વિસ્તારમાં વિહરતા સિંહબાળો, વરસાદમાં સતત પલળતા હોવાથી તેઓ ન્યૂમોનિયાનો ભોગ બને છે અને મરણ પામે છે. વનખાતાએ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને આવી રીતે મરણ પામતા સિંહબાળોને મૃત્યુના મુખમાં જતા બચાવવા જોઈએ તેવી સિંહપ્રેમીઓની લાગણી અને માગણી છે.

July 21, 2018
water1.jpg
1min4970

રાજ્યના કુલ 203 જળાશયો પૈકી 14 જળાશયો 100 ટકાથી વધુ, 25 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે, 24 જળાશયો 50 થી 70 ટકા, 50 જળાશયો 25 થી 50 ટકા તેમ જ 90 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે.

ઉતર ગુજરાતના 15 જળાશયોમાં 28.90 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.90 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 27.01 ટકા, કચ્છના 20 જળાશયોમાં 10.09 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 44.37 એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 32.94 ટકા એટલે 1,83,311 મીટર ઘન ફૂટ છે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના તા.20/07/2018ના રોજ સવારે 8-00 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના 18 જળાશયો હાઇએલર્ટ, 11 જળાશયો એલર્ટ તેમજ 9 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-3 અને ફુલઝર-1, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી અને હીરણ-2, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ 18 જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયના કુલ 11 જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય 9 ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં 1,32,752 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની 39.74 ટકા છે. જયારે રાજયના કુલ 203 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 1,83,311 એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના 32.94 ટકા છે.

July 19, 2018
dam.jpg
1min6360

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા અનેક જળાશયોના કેચમેન્ટ એરીયામાં છેલ્લા પખવાડિયા દરિમયાન પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક પૂરજોશમાં થઈ રહી છે.

ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત સરકારના તાબા હેઠળના રાજ્ય પૂર નિયંત્રણ એકમની માહિતી અનુસાર ગુજરાતના 13 જળાશયો છલકાઈ જતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ રહી હોવીથી આ ડેમોના નીચાણવાળા વિસ્તારો સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં જે જળાશયો સૂંપર્ણ ભરાઈ ગયા છે. તેમાં નવસારી જિલ્લાના ઝૂંજ, અમરેલીના વડિયા, જામનગરના પુના, ભાવનગરનાં રોજકી અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, જામનગરનાં ઉન્ડ-3, નવસારીનાં કેલીયા અને તાપીનાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે.જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના રાવલ, શિંગોડા ડેમ તથા રાજકોટના ભાદર-2, જૂનાગઢના ઓઝત-2, મધુવંતી એમ કૂલ પાંચ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે.

ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સારી એવી પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી 111.24 મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમ 39.79 ટકા ભરાયો છે.  રાજ્યમાં કુલ જળાશયોનો જથ્થો ગણીએ તો, હાલની સ્થિતિએ ગુજરાતના તમામ જળાશયોનો સરેરાશ જથ્થો 34.41 ટકા છે. એટલે કે, ગુજરાતમાં તમામ જળાશયો (નર્મદા ડેમ સહિત)ની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ જળાશયોમાં 34.42 ટકા પાણીથી ભરાયેલા છે.

અતિભાર વરસાદની સ્થિતિની બીજી તરફ કચ્છની સ્થિતિ વિપરીત છે. કેમ કે, કચ્છ જિલ્લાના જળાશયોમાં હવે માત્ર 4.42 ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે અને નોંધપાત્ર વરસાદ હજુ કચ્છમાં પડ્યો નથી. સૌરાષ્ટ્રના તમામ જળાશયોમાં હાલની સ્થિતિએ 37 ટકા પાણીનો જથ્થો છે અને આમાં વધારો થઈ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના જળાશયો 85 ટકા જેટલા ભરાઈ ગયા છે. તા.18મી જુલાઇએ સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 43.83 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 29 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે.

July 18, 2018
jr2.jpg
1min6080

સમગ્ર ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગરીબ મધ્યવર્ગીય પરિવારો પર જાણે આકાશી આફત તૂટી પડી છે. આવા સંજોગોમાં લોકોની વચ્ચે જઇને તેમના દુખદર્દ પૂછનારાઓ જ ખરા લોકનેતા ગણાય છે.

રાજ્યના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રમાં ઉદભવેલી સ્થિતિની સ્વયં સમીક્ષા કરી હતી. શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમ જૂનાગઢના કેશોદ, માણાવદરના અસરગ્રસ્ત ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નો સાંભળવા સાથે તેના ઉકેલ માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમે જૂનાગઢ જીલ્લાના કેશોદ તેમજ માણાવદર તાલુકાના ધેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી મદદ પહોંચાડવા સુચન કરીને જીલ્લા અને તાલુકાના કંટ્રોલરુમની મુલાકાત લઈને કલેકટરશ્રી તેમજ પ્રાંત અધિકારીઓ સાથે પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

July 17, 2018
rai1.jpg
1min5920

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં રહી રહીને પડેલા ભારે વરસાદને પગલે જનજીવન તેમજ જાનમાલને ભારે નુકસાની થઇ છે. કમસે કમ 29 વ્યક્તિઓના મોત વરસાદી હોનારતોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. 110 પશુઓના પણ મોત વરસાદી ઘટનાઓને પગલે થયા હોવાની વિગતો સરકારી યાદીમાં જણાવવામાં આવી છે.

Godhara: Residents wade through flood water after heavy rains in Godhara, Gujarat on Monday. PTI Photo (PTI7_4_2016_000213B)

રાજ્યમાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં પડેલા અતિભારે વરસાદને પગલે કુલ 5 સ્ટેટ હાઇવે સમેત 126 મુખ્ય માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. ક્યાં તો પાણી ભરાવાના કારણે અગર તો બિસ્માર બની જવાના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લાખો લોકોનું સામાન્ય જનજીવન ત્રણથી પાંચ દિવસ માટે ખોરવાય જવા પામ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

July 14, 2018
rajkot1.jpg
1min9070

દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.

ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.

ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.

July 12, 2018
bullet-1280x720.jpg
1min6090

મુંબઇ-અમદાવાદ વચ્ચેનો હાઇસ્પીડ રેલ પ્રોજેકટ- બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતમાં આવતાં મોટા ભાગના 175 ગામો કે તે વિસ્તારોએ જમીન સંપાદન અંગે મંજુરી આપી છે. જયારે 21 ગામોની જમીનના ભાવ અંગેનો મુદ્દો વાટાઘાટથી કે કોઇની નારાજગી વિના ઉકેલવામાં આવશે તેમ રાજયના મહેસુલ પ્રધાન કૌશીક પટેલે જણાવ્યું હતું.

રાજય સરકારના જણાવ્યા અનુસાર અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેનના 508 કિમીના રૂટ માટે 676 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. આ રૂટ 8 જિલ્લાના 196 ગામોમાંથી પસાર થાય છે જે પૈકીના 170 ગામોનું જમીન સંપાદન જાહેરનામું સેકશન 11 અંતર્ગત સ્થાનિક સ્તરે પ્રસિદ્ધ થઇ ચુકયુ છે, જે મોટી બાબત છે. અને હવે તેમાં 21 ગામોની રજુઆત સરકારને મળી છે, તે ભાવ બાબતે છે. જેમાં કયાંક વધુ ઉંચા ભાવની માંગ જમીન ધરાવનાર કરી રહ્યાં છે.

રાજયના બુલેટ ટ્રેનના રુટમાં આવતાં 170 ગામોમાં જમીન સંપાદન કામગીરી માટેના જાહેરનામા બહાર પડયા છે. 21 ગામોના જમીનધારકોની માંગ અંગે અમારો હકારાત્મક અભિગમ છે. અમે આ લોકોને બજાર ભાવ મુજબ વળતર આપીશું. આ ઉપરાંત જે પણ વાંધાઓ હોય તેને ચર્ચા કરીને ઉકેલાવાની દિશામાં પણ અમે આગળ વધ્યા છે અને રાજયના મુખ્યપ્રધાને ખાતરી આપી છે કે કોઇ પણ ખેડુત કે ને નારાજ નહીં કરીએ તમામને સાંભળવામાં આવશે.

હાલના ગુજરાતનો સુધારેલો જમીન સંપાદન કાયદો- 2016 કે જેમાં શહેરી વિસ્તારમાં જંત્રી કરતાં બે ગણી અને ગ્રામ્યમાં 4 ગણું વળતર અથવા બજારભાવ બે માંથી જે વધુ હોય તે આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જે અગાઉ સુધારો કર્યો હતો ત્યાર બાદ રાજય સરકારે વળતર આપવા નવો કાયદો લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેઓ જમીન સંપાદનની પ્રપોઝલ સ્વેચ્છાએ આપે તેને 0.25 ટકા વધુ રકમ આપવાની એટલે 4.25 ગણું વળતર આપવાની પણ જોગવાઇ છે.

રાજયમાં કોઇનો વિરોધ બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે નથી. મુદ્દો ભાવ અને વળતર બાબતે છે, જેને સ્થાનિક સ્તેરે વાટાઘાટ કરીને ઉકેલ લાવીશું. રાજયમાં જે આઠ જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે, તેમાં અમદાવાદ, ખેડા આણંદ વડોદરા, સુરત, નવસારી, ભરુચ, વલસાડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ પ્રોજેકટ મોટા ભાગે જમીન પર સાકાર થશે જયારે મહારાષ્ટ્રમાં દરિયા કિનારો આવતો હોઇ કયાંક એલીવીટેડ રુટનો સમાવેશ થાય છે.