આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.
સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો
બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.
સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી
તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.
સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી
એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.
દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા
આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા
ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.
હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા
સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.
ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.
સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
જો તમારા બાળકે ધો.10 કે ધો.12ની પરીક્ષા આપી હોય અને તમારા મોબાઇલ નંબર પર કોઇ કોચિંગ ક્લાસ, ક્રેશકોર્સ, એડમિશન અપાવનારા દલાલો વગેરે ઇન શોર્ટ અજાણ્યાનો નંબર પરથી કોલ અગર તો મેસેજ આવે તો એવું સમજી જજો કે તમારા બાળકની વ્યક્તિગત માહિતી ધંધાદારીઓને વેચી દેવામાં આવી છે અગર તો લિક કરવામાં આવી છે. એક વખત કોચિંગ ક્લાસીસોવાળા, એડમિશન અપાવવા વાળા વગેરે પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચી જાય પછી એ વિદ્યાર્થીઓને તેમના ક્લાયન્ટ બનાવવામાં ક્લાસીસોવાળા માહેર હોય છે.
વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે મેળવીને માર્કેટિંગ કરવાનો પેંતરો
બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ રહી છે અને હવે એડમિશન સીઝન શરૂ થઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા જેમાં જે તે વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે યેનકેન પ્રકારે મેળવીને પોતાનું માર્કેટિંગ કરવા માટે ધંધાદારી કોચિંગ ક્લાસીસો, ઇન્સ્ટિયુટ્સ, એડમિશન અપાવતા દલાલોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.
સુરત સમેત રાજ્યના મહાનગરોની અનેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી લીક થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને કેટલાક દિવસથી કોચિંગ ક્લાસીસ તરફથી ફોન આવી રહ્યા હોઇ તેમના કોચિંગ ક્લાસીસમાં એડમિશન લેવા માટે સ્કોલરશીપ આપવાની, એમબીબીએસમાં એડમિશન અપાવવાની, ફોરેન મોકલવાની વગેરે જેવી લલચામણી ઓફરો કરવામાં આવી રહી છે. કેટલાક બુદ્ધિજીવી વાલીઓને એવો પ્રશ્નો જરૂર ઉપસ્થિત થયો છે કે તેમના ફોન નંબર તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે કેવી રીતે પહોંચી
વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી સ્કુલથી શરૂ કરીને બોર્ડ સુધીની સિસ્ટમમાંથી અનેક રીતે અને અનેક પોઇન્ટસ પરથી ધંધાદારી કોચિંગવાળા, એડમિશનના દલાલો વગેરે યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે.
અનેક શાળાઓની મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા આરામથી બહાર જઇ રહ્યો છે
કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ રહ્યાનું વાલીઓ તેમ જ વાલી સંગઠનો દ્વારા પ્રકાશમાં લવાયું છે. અનેક નામાંકિત શાળા દ્વારા વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસને પૂરી પડાઇ રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે હોવા સંદર્ભેની ફરિયાદ છેલ્લા કેટલાક દિવસથી સુરત જ નહીં બલ્કે ગુજરાતભરમાંથી વાલીઓ કરી રહ્યા છે. કોચિંગ ક્લાસીસ પાસે આ માહિતી કેવી રીતે આવી તે અંગે પૂછપરછ કરાઇ, પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. અનેક નામાંકિત શાળાઓએ પોતાની ઍપ તૈયાર કરી હોઇ તેમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. આથી આ ડેટા કોચિંગ ક્લાસીસને હાથ તો લાગતો નથી ને? એ બાબતે વાલીઓ મૂંઝવણમાં છે. શાળાએ પણ આ અંગે ઇનકાર કર્યો હોવાથી આ ડેટા લીક કેવી રીતે થયો? એ બાબતે વાલીઓએ હવે અવાજ ઉઠાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓનો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ પરની માહિતી ક્યાં પણ લીક થવી જોઇએ નહીં. તેમ છતાં આવું બનતું હોવાથી વાલીઓમાં ભયનું વાતાવરણ છે.
એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.
(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)
અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી
કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.
હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા
અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.
હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે
છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.
( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)
સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.
બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.
ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.
માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.
ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે
ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.
અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.
કેસરી સિંહો અને ગીરની સુવિખ્યાત કેસર કેરીનું ઘર, ગણાતું ગીરની અન્ય એક વિશિષ્ટતા તેના એકમાત્ર મતદાર બાણેજને લીધે છે. આ ધાર્મિક જગ્યાના,મહંત ભરતદાસ બાપુ,જો અહીં મતદાન કરે તો,૧૦૦ ટકા મતદાન થયું ગણાય છે. મહંત દર ચૂંટણીમાં મતદાન કરે છે.
ચૂંટણીપંચના નિયમોનુસાર આ એક જ મતદાર અને મતદાન મથક માટે જરૂરી પૂરતો ચૂંટણી સ્ટાફ મતદાન સમયના પ્રારંભથી અંત સુધી રાખવામાં આવે છે.
બાણેજના મહંત ભરતદાસ બાપુ,ઉદાસીન સંપ્રદાયના સાધુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આ જગ્યા આવેલી છે.જે કોડિનારથી જામવાળાથી નજીક પડે છે.ગીર જંગલની છોડવડી ચેક પોસ્ટથી પરમીટ લઈને, સવારથી સાંજ અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં જઇ શકે છે. જીવનમાં એકવાર બાણેજની જગ્યા જોવા જેવી છે. ગીરના ગૌરવ સમાન છે.
92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.
(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)
ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે
આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.
ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.
રાજ્યમાં આગામી ઉનાળાના સમયમાં ગરમી સાથે પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાય રહ્યા છે. સૌથી દુષ્કર પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થાય તેમ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે 45.51 ટકા જળસ્તર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે રાજ્યના 65 જળાશયો તળિયાઝાટક થઇ ગયા છે. ઉનાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા મધ્યે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.
રાજ્યસરકારે ખેડૂતોને સિંચાઇનું પાણી પર રોક લગાવીને માત્ર પીવાના પાણી માટે જળાશયોના પાણીને અનામત રાખવાના આદેશો આપી દીધા છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ 76 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું હતું.
ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્યના 203 જળાશયોમાં હવે સરેરાશ માત્ર 31.92 ટકા જ પાણી રહ્યું છે. જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કર સ્થિતિ સર્જાઇ છે. જ્યારે 138 જળાશયોમાં સરેરાશ 16.31 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં હાલ માત્ર 17.23 ટકા જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.56 ટકા , દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.94 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.39 ટકા જળસ્તર રહ્યું છે. ગુજરાતના કુલ 203 જળાશયોમાં કુલ 15760 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશ્કિત સામે હાલની સ્થિતિએ માત્ર 5030 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. જે કુલ જથ્થાના 31.92 ટકા છે. આ પૈકી 3910 મિલિયન ક્યુબીક મીટર એટલે કે કુલ જથ્થાના 26.82 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લાવી શકાય તેમ છે.
રાજ્યના 17 મોટા બંધોમાં કેટલું પાણી બચ્યું છે
પાનમમાં 69 ટકા,
કરજણમાં 59 ટકા,
કડાણામાં 57 ટકા,
દમણગંગામાં 41 ટકા
સરદાર સરોવર નર્મદા બંધમાં 45.51 ટકા
ઉકાઇમાં 30 ટકા
ધરોઇમાં 22.57 ટકા,
દાંતીવાડામાં 8.97 ટકા,
શેત્રુંજીમાં 19.25 ટકા,
ભાજરમાં 12.11 ટકા,
સુખીમાં 38.08 ટકા,
વાત્રકમાં 24.17 ટકા,
હાથમતીમાં 24.26 ટકા,
સિપુમાં 11.13 ટકા,
મચ્છુ-2માં 43.07 ટકા,
મચ્છુ-1માં 10.41 ટકા
ઉંડ-1માં 0.12 ટકા
મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમાં જળસ્તર સારુ રહેતા અત્યાર સુધી પાણીની ખેંચ વર્તાતી ન હતી પરંતુ હવે સરદાર સરોવર નર્મદા બંધમાં પણ જળસ્તર નીચે જઇ રહ્યુ ંછે ત્યારે ઉનાળામાં જળસંકટ હજુ વધુ ઘેરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે.
અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.
ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.
બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.
ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપાના વિવાદાસ્પદ નેતા જયંતિ ભાનુશાળીના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલે સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ભાનુશાળીનું મર્ડર થયું ત્યારે છબીલ પટેલ અમેરિકામાં હતા. સીઆઈડી ક્રાઈમના દાવા અનુસાર, તેઓ તા.12મી માર્ચે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.
ગઇ તા.8મી જાન્યુઆરીએ ભાજપાના પ્રાદેશિક નેતા જંયતિ ભાનુશાળીનું ભૂજ-દાદર એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચમાં મધરાતે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના પોલિટીકલ પ્લેટફોર્મને હચમચાવતી આ રાજકીય હત્યામાં ભાજપના જ અન્ય નેતા અને જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા છબીલ પટેલનો હાથ હોવાનો સીધો આક્ષેપ ભાનુશાળીના પરિવારજનોએ કર્યો હતો. પરીણામે પોલીસે આ કેસમાં અગાઉ છબીલ પટેલના દીકરાની ધરપકડ કરી લીધી છે
અત્યારસુધી છબીલ પટેલ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપનારા શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના શાર્પશૂટર્સની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપાના નેતા છબીલ પટેલ ઉપરાંત મનિષા નામની મહિલાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.