CIA ALERT

ગુજરાત Archives - Page 104 of 158 - CIA Live

October 26, 2019
doctors-on-call.jpg
1min6110

અમદાવાદ મેડીકલ એસોશિએશન AMAની આવકારદાયક પ્રવૃત્તિ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે. એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર 2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી સેવાઓ મળી રહેશે.

દિવાળી એવો તહેવાર હોય છે કે આ તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ કરી છે.

અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે

અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.

અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.

AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.

સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.

October 25, 2019
crypto.jpg
1min5420

ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઇ કરવાના આરોપસર રાજકોટના પાંચ શખસની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રાજકોટના પાંચ ઉપરાંત વડોદરાના એક મળી કુલ છ શખસને ઉઠાવી લેવાયા છે.

બોગસ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરવા અંગે સાધુ વાસવાણી રોડ પર સંકલ્પ-2માં રહેતાં દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, જામનગર રોડ પર વિનાયક વાટીકાના’ કિરીટસિંહ તેજુભા જાડેજા, ગીત ગુર્જરી સોસાયટીના’ સ્વાગત એપાર્ટમેન્ટના ભોગીલાલ પ્રભુદાસભાઇ શાહ, આલાપ ગ્રીન સીટી પાસેના જીનિયસ હાઇટસના ધીરજલાલ મોહનલાલ જોગિયા સહિત પાંચ તથા વડોદરાના હરણી રોડ પર રહેતાં જયેશ શાંતિલાલ દલવાડીની સીઆઇડી ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી.

સીઆઇડી ક્રાઇમમાં થયેલી ફરિયાદ અરજી પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા, આઇજી’ શમશેરસિંઘ, અધિક્ષક’ રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ડીવાયએસપી બી.એમ. ટાંક અને પીઆઇ રાકેશ’ ઘરસંડિયાની ટીમે ગુપ્ત રાહે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પાંચ શખસને ઉઠાવી લેવાયા હતાં. સીઆઇડી ક્રાઇમના વર્તુળના જણાવ્યા પ્રમાણે વડોદરાના જયેશ દલવાડીના ઘેર કરાયેલી તપાસમાં લેપટોપ, ચેકબુક અને 48 જેટલા સમજુતી કરાર મળી આવ્યા હતાં. આ ટોળકી દ્વારા આરબીઆઇની મંજુરી લીધા વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીએ પ્રથમ કોઇનનું લોન્ચીંગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં” એ કોઇન બંધ કરી પાવર બીપી નામનો કોઇન લોન્ચ કર્યો હતો. તેના મારફતે 50.46 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 17.65 કરોડ ચુકવવામાં આવ્યા હતા. રૂ. 32.79 કરોડની રકમ ચુકવવાની બાકી હતી.’ બાદમાં આ ગેંગની કંપનીએ પાવર યાત્રા નામની સ્કીમ રજુ કરીને 7592 જેટલા આઇડી બનાવીને રૂ. 11.91 કરોડ એકત્ર કરાયા હતાં. તેમાંથી રૂ. 1.52 કરોડ ચુકવવામાં આવ્યા હતાં. આ રીતે કરોડોની રકમ એકત્ર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં’ અમદાવાદ અને વડોદરાના શખસોની સંડોવણી છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.

October 25, 2019
bjp_vs_congress.jpg
1min4880

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગ્ાૃહ પ્રધાન અમિત શાહના ગ્ાૃહ રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસે પોતાની બે બેઠકો યથાવત રાખીને ભાજપ પાસેથી એક બેઠક આંચકી લીધી હતી. છ બેઠકમાંથી ભાજપનો ત્રણ અને કૉંગ્રેસનો ત્રણ બેઠકો પર વિજય થયો હતો. સૌથી મોટો સેટબેક રાધનપુર બેઠક પર સર્જાયો હતો. અહીં કૉંગ્રેસમાંથી ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઇને ફરીથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થયો હતો તેમજ તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાનો પણ બાયડ બેઠક પરથી પરાજય થયો હતો.

ગુજરાતની છ બેઠકોમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર સામે ૨૯ હજાર જેટલા મતથી જીત્યા હતા જ્યારે થરાદ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને છ હજારથી વધુ મતની સરસાઇથી હરાવ્યા હતા. અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર કૉંગ્રેસના જશુભાઈ પટેલ તેમના હરીફ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે ૭૪૩ મતની નજીવી સરસાઇથી જીત્યા હતા. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ સામે ૫૬૦૧ મતથી જીત્યા હતા. તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગેશ સેવકે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને ૧૨ હજારથી વધારે મતની સરસાઇથી હરાવ્યા હતા. પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઇએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ૩૮૦૭ મતની સરસાઇથી હરાવ્યા હતા.

છ બેઠકોમાંથી લુણાવાડા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયેલા અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઇ ગયા હતા. આ બેઠક ઉપરાંત અમરાઇવાડી અને ખેરાલુ એમ ત્રણ બેઠકો જાળવી રાખી હતી જ્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક કૉંગ્રેસે આંચકી લીધી હતી. જ્યારે કૉંગ્રેસે બાયડ અને રાધનપુર એમ બન્ને બેઠકો જાળવી રાખી હતી.

અત્રે ગુજરાતની ૬ બેઠક ઉપર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર ૩૪.૬૯ ટકા જ્યારે ખેરાલુમાં ૪૬.૧૯ ટકા મતદાન થયું હતું. થરાદમાં ૬૮.૯૩ ટકા, રાધનપુરમાં ૬૨.૯૧ ટકા, બાયડમાં ૬૧.૦૫ ટકા અને લુણાવાડામાં ૫૧.૨૪ ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ ૫૬.૭૬ ટકા પુરુષ તેમજ ૫૦.૦૩ ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

October 24, 2019
amit_shah1.jpg
1min5260

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૫ અને તા.૨૬ ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના આશયે શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની એક કૉલેજમાં દિવ્યાંગોને કિટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. બાદમાં કલોલ એપીએમપીના નવા બનેલા કૉન્ફરન્સ હૉલનું લોકાપર્ણ કરશે સાથે નવ નિર્માણ પામનાર એપીએમપી ભવનનું ખાતમુહૂર્ત કરશે. ૨૬મીના શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વૉર્ડ ઑફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

October 23, 2019
CIA_Live_Logo_New2.jpg
5min8600

સૂરતીઓ માટે મૈત્રેય હોસ્પિટલ એટલે બ્રાન્ડ ન્યુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Jayesh Brahmbhatt 98253 44944

સૂરત શહેર ધંધાકીય દ્રષ્ટીએ જે પ્રકારની પ્રગતિ કરી રહ્યું છે એ પ્રકારની પ્રગતિ મેડીકલ ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં પણ થઇ રહી છે. અગાઉના વર્ષોમાં કેટલીક ક્રિટીકલ ટ્રીટમેન્ટ તેમજ ઓપરેશન્સ માટે મુંબઇ જવું પડતું પરંતુ, હવે સૂરત શહેર પોતે જ મેડીકલ ફિલ્ડમાં પગભર થઇ રહ્યું છે અને બહારગામથી લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે સૂરત આવી રહ્યા છે તેવી માળખાગત સુવિધાઓ સૂરતમાં ઉભી થઇ છે.

મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાલુ માસે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વરા બીઆરટીએસ નજીક, હાર્લે ડેવિડસન બાઇક શો રુમની સામે શરૂ થયેલી મૈત્રૈય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરત જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લોકો માટે મહત્વની ફેસેલિટી બનશે. કેમકે મૈત્રેય હોસ્પિટલની એક છતની નીચે સૂરતના મોટા ભાગના ખ્યાતનામ તબીબોની સેવા ઉપલબ્ધ બનશે.

મેડીકલ પ્રોફેશનમાં હાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એ ટ્રેન્ડ એવો છે કે જેમાં જુદી ફિલ્ડ, જુદી જુદી સ્પેશ્યાલિટી ધરાવતા તબીબો ભેગા મળીને એક મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરે અને તેનો લાભ સૂરતના લોકોને બખૂબી મળે. એક તબીબ કે થોડા તબીબોના એક જૂથથી આગળ વધીને મૈત્રેય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલ બની છે કે જ્યાં હાર્ટથી લઇને પ્લાસ્ટિક સર્જરી સુધી, એનેસ્થેટિસ્ટથી લઇને ક્રિટિકલ કેર, ડેન્ટીસ્ટથી લઇને યુરોલોજી, હિમેટોલોજીથી લઇને ઓન્કો સર્જરી, મેડીકલ ક્ષેત્રમાં જરૂરી જણાય એવા તમામ એક્સપર્ટસ તબીબોની સેવા અહીં મળશે. એવા અનેક ફેમિલી ફિજિશ્યન્સ તેમજ નિષ્ણાંત તબીબો મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરશે અને જરૂર પડશે ત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે તેમના દર્દીઓ માટે ઘનિષ્ઠ સારવારની સુવિધા પણ મેળવી શકશે.

કઇ-કઇ સુવિધાઓ મળશે મૈત્રેય હોસ્પિટલમાં?

  • 70 બેડની હોસ્પિટલ
  • 20 બેડના લેવલ-3 ફુલ્લી ઇક્વિપ્ડ આઇ.સી.યુ., આઇ.સી.સી.યુ.
  • 24 કલાક એડવાન્સ્ડ ક્રિટીકલ કેર, કાર્ડિયોવાક્યુલર કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ કાર્ડિઆક કેથ લેબ
  • કોરોનરી ઇમેજિંગ એન્ડ ફિજિયોલોજી
  • કોરોનરી એન્ડ એન્ડોવાસક્યુલર ઇન્ટરવેનશન્સ
  • એડલ્ટ એન્ડ પીડીયાટ્રીક સ્ટ્રક્ચરલ હાર્ટ ઇન્ટરવેન્સન્સ
  • એડવાન્સ્ડ ટ્રોમા એન્ડ ન્યુરો ક્રિટિકલ કેર
  • જોઇન્ટ રિપ્લેશમેન્ટ, ઓર્થોસ્કોપી, સ્પોર્ટસ મેડિસીન
  • બેઝિક ટુ એડવાન્સ્ડ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ગાયનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટેટ્રીક્સ
  • એડવાન્સ્ડ યુરો સર્જરી
  • મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • હિમેટોલોજી એન્ડ ઓન્કોલોજી
  • નેફ્રો ક્રિટીકલ કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ ડાયાલિસીસ યુનિટ
  • ફાર્મસી એન્ડ પેથોલોજી સર્વિસ ચોવીસ કલાક
  • સીટી સ્કેન, એક્સ રે ચોવીસ કલાક
  • 2 લેમિનાર મોડ્યુલર સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટર્સ
  • ફુલ્લી ઇક્વિપ્ડ કાર્ડિયાક એબ્યુલન્સ
  • એડવાન્સ્ડ ગે સર્જરી
  • ન્યુરોલોજી એન્ડ ન્યુરો સર્જરી
  • many more are there

મૈત્રૈય ટીમ ફિઝિશ્યન્સ

  • ડો. અભય શાહ
  • ડો. અંકિત મુંદ્રા
  • ડો. ભાવિનકાંત ચૌધરી
  • ડો. દિનેશ શાહ
  • ડો. ગિરીશ પોંખરા
  • ડો. હેમાંશુ પટેલ
  • ડો. જયેશ પટેલ
  • ડો. કિશોર વિરડીયા
  • ડો. ક્રુનાલ જોશી
  • ડો. એમ.એમ. ભટ્ટાચાર્ય
  • ડો. નીતા શાહ
  • ડો. પરિમલ દેસાઇ
  • ડો. પારુલ આનંદ
  • ડો. પ્રકાશ ક્યાદા
  • ડો. સમીર ચૌધરી
  • ડો. સંદીપ પટેલ
  • ડો. વિજય લુખી
  • ડો. વિપુલ પટેલ (ભીંગરાડીયા)
  • ડો. યતીશ લાપસીવાલા
  • એનેસ્થેશિયોલોજી

ડો. આલોક રંજન (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

ડો.પ્રણવ ઠાકર (ડાયરેક્ટ, ક્લિનિકલ એક્સેલન્સ)

ડો. સુચય પરીખ ( ફિઝિશ્યન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ)

ડો. નરેન્દ્ર તંવર ( ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

શ્રી પરિમલ મોદી ( બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર)

શ્રી વિમલ પટેલ (ચીફ ઓપરેટિંગ ઓફિસર)

  • એનેસ્થેશિયોલોજી
  • ડો. રાજેશ શાહ અને ડો. પૂજા રાજન
  • ક્રિટિકલ કેર મેડિસીન
  • ડો. રાજેશ પ્રજાપતિ અને ડો. રોનક નાગોરીયા
  • ડેન્ટીસ્ટ્રી – ડો. ઉમંગ દેસાઇ
  • ગેસ્ટ્રોએન્ટ્રોલોજી – ડો.સૌરભ અગરવાલ
  • જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ડો. નરેશ અરોરા, ડો. હિતેશ અરોરા અને ડો. પ્રિતેશ ગાંધી
  • ગાઇનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટ્રેટ્રીક્સ
  • ડો. કોમલ પરીખ, ડો. કલ્પના ચૌધરી અને ડો.ટીમ શારડા હોસ્પિટલ
  • નેફ્રોલોજી – ડો. સિદ્ધાર્થ જૈન
  • ન્યુરોલોજી – ડો. પાર્થિવ દેસાઇ
  • ન્યુરો સર્જરી – ડો. કિરીટ શાહ
  • નોનઇન્વેસિવ કાર્ડિયોલોજી – ડો. વિભા તંવર
  • ઓન્કોલોજી એન્ડ હિમેટોલોજી
  • ડો. અંકિત પટેલ અને ડો. તન્વીર મકસુદ
  • ઓન્કોસર્જરી – ડો. નિકુંજ વિઠલાણી
  • ઓર્થોપેડિક્સ એન્ડ જોઇન્ટ રિપ્લેશમેન્ટ
  • ડો. હર્ષદ જોશી, ડો. નિરલ શાહ અને ડો. દેવ પડીયા
  • પેથોલોજી
  • ડો. અમિતા પટેલ અને ડો.ભક્તિ શાહ
  • ફિઝિયોથેરાપી – ડો. મિતલ વશી
  • પ્લાસ્ટિક સર્જરી એન્ડ કોસ્મેટોલોજી – ડો. આશુતોષ શાહ
  • રેડીયોલોજી – ડો. નિખિલ શાહ
  • સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • ડો. દર્શન પટેલ અને ડો. જય ચોક્સી
  • યુરોલોજી ડો. કૌશિક શાહ
October 22, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12340

RCEP એવું નથી કે ફક્ત ભારતના ઉદ્યોગ-ધંધા ખોરવશે, જાપાની યાર્ન પ્રોડ્યુસર્સમાં પણ ગભરાટ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ RCEPને કારણે 16 દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે અને તેના લીધે સૌથી માઠી અસર જે ઉદ્યોગ પર થવાની છે એમા ટેક્સટાઇલ ઉદ્યોગ સામેલ છે. સૂરત ટેક્સટાઇલ સિટી હોવાના નાતે RCEP સામે અત્યારથી જ લડતના મંડાણ સૂરતથી શરૂ થયા છે.

સિલ્ક વેરાઇટી ઉત્પાદિત કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ બેમ્બર્ગ યાર્ન જાપાનમાં બને છે અને આ જાપાની યાર્નના સૌથી મોટા ઉપભોક્તા વિશ્વમાં જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે. જાપાનમાં બનતા બેમ્બર્ગ યાર્નનો 60 ટકા હિસ્સો સૂરતના વિવર્સ ઇમ્પોર્ટ કરીને ઉપયોગમાં લે છે. RCEP આવશે તો જાપાનના આ બિઝનેસને પણ કોમ્પિટીશનનો સામનો કરવો પડે તેમ છે.

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના અંગ વિવર્સ છે અને વિવર્સ હાલ ગ્રે બનાવવા માટે અનેક દેશી-વિદેશી પ્રોડ્યુસર્સ પાસેથી યાર્ન મેળવે છે. સૂરતના કેટલાક વિવર્સ હાઇક્વોલિટી ગ્રે, સિલ્ક ગ્રે બનાવવા માટે ઇમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ કરે છે અને એમાં જાપાન ખાતે ઉત્પાદિત બેમ્બર્ગ યાર્નનો સમાવેશ થાય છે.

સૂરતના વિવર્સ આગેવાન મયૂરભાઇ ગોળવાલા અને આશિષભાઇ ગુજરાતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે એવું નથી કે RCEPથી સૂરતના કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને જ મોટી અસર થવાની છે. જાપાનમાં ઉત્પાદીત થતા બેમ્બર્ગ યાર્ન કે જેમાંથી સિલ્ક ગ્રે ની વેરાઇટીઓ સૂરતમાં બની રહી છે, એ જાપાનીઝ બનાવટના બેમ્બર્ગ યાર્નનો વિશ્વભરમાં સૌથી મોટો ઉપભોક્તા જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે.

કલેક્ટીવ ઇન્ફર્મેશન અનુસાર આશિષભાઇ અને મયૂરભાઇ જણાવે છે કે જાપાનમાં ઉત્પાદિત બેમ્બર્ગ યાર્ન પૈકીનું 60 ટકા યાર્ન સૂરતમાં ઠલવાય રહ્યું છે. જો RCEP આવશે તો બેમ્બર્ગ યાર્ન કે જે જાપાન ઉપરાંત ચીન, હોંગકોંગ તેમજ અન્ય દેશો બનાવી રહ્યા છે એમનો માલ પણ સૂરતમાં ઠલવાશે, અને સંભવ છે કે જાપાનની ક્વોલિટી અને રેટની સામે અન્ય કોઇ દેશનું બેમ્બર્ગ યાર્ન ચઢીયાતું હશે તો જાપાને સૂરતને બેઠ્ઠો મળતો બિઝનેસ ગુમાવવો પડે એમ છે.

જાપાનથી સૂરત આવતા બેમ્બર્ગ યાર્નમાંથી સિલ્ક વેરાઇટીનું ગ્રે તૈયાર થાય છે.

હાલ તો જાપાનના સૂરતમાં કે ભારતમાં ઠલવાતા બેમ્બર્ગ યાર્નના વેચાણમાં કોઇ સ્પર્ધા નડતી નથી અને મોટા ભાગે મોનોપોલી ટાઇપનો બિઝનેસ જાપાનીઝ બેમ્બર્ગ યાર્ન પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. પણ સૂરત પાસેથી, ભારત પાસેથી જાપાની પ્રોડ્યુસર્સે પણ આ બિઝનેસ ગુમાવવો પડે એવી નોબત આવીને ઉભી છે.

જાપાની મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે

આશિષભાઇ ગુજરાતી અને મયૂરભાઇ ગોળવાલાએ જણાવ્યું કે RCEPના આવ્યા બાદ જાપાનના બેમ્બર્ગ યાર્નના સૂરતમાં વેચાણ પર, ભારતમાં વેચાણ પર શું અસર થઇ શકે તેની શક્યતાઓ ચકાસવા માટે આજરોજ તા.22મી ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 10 વાગ્યે જાપાનના મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે. આ સાથે જ મુંબઇ અને ભીવંડીમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉધોગ પ્રતિનિધિઓ પણ સૂરત આવી રહ્યા છે. તા.23મી ઓક્ટોબરે આખો દિવસ જાપાની ડેલિગેટ્સ મિટીંગો કરશે, કેટલાક યુનિટ્સની મુલાકાત લેશે તેમજ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે.

RCEP કરાર નહીં કરવા સ્થાનિક ઉદ્યોગકારોની માગ

સૂરતના ટેક્સટાઇલ ઉધોગકારો સમેત અન્ય ઉદ્યોગ ધંધાર્થીઓએ RCEP કરાર નહીં કરવા સંદર્ભે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવાનું મન બનાવી લીધું છે. RCEPમાં જોડાઇ રહેલા 16 દેશો પૈકી ઘણાં દેશો અને તેમના ઉદ્યોગપતિઓ રૂલ્સ ઓફ ઓરિજિન પત્ર પર સહીસિક્કા કરવાના મૂડમાં જણાતા નથી, આવી સ્થિતિમાં ભારતે પણ શું કામ RCEPને ગળે વળગાડવો જોઇએ એવી દલીલ છે સ્થાનિક ઉદ્યોગકારોની.

October 22, 2019
Gandhinagar-Gujarat.jpg
1min4330

ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટાચૂંટણી માટે સોમવારે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, રાજ્યની તમામ છ બેઠક પર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. હવે ૨૪મી ઓક્ટોબરે

મત ગણતરી થશે. મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા મતદાનના અંદાજિત આંકડાઓ

અનુસાર સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર ૬૮.૯૫ ટકા મતદાન થયું હતું. જ્યારે રાધનપુરમાં ૫૯.૮૭ ટકા, બાયડ ૫૭.૮૧ ટકા, લુણાવાડા ૪૭.૫૪ ટકા, ખેરાલુ ૪૨.૮૧ ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરની અમરાઈવાડીમાં ૩૧.૫૩ ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કૉંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કૉંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં ૭ ઉમેદવારો મેદાનમાં છે.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4980

CM રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન ગયેલા GJEPC રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મહત્વના MOU કર્યા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોના હિત માટે સતત પ્રયાસો કરી રહેલા સૂરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન અને સ્થાનિક હીરા ઉદ્યોગ આગેવાન શ્રી દિનેશ નાવડીયા હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન દેશની બિઝનેસ ટૂર પર છે.

ઉઝબેકીસ્તાનની ગોલ્ડ માઇન્સ તેમજ હીરાની લે-વેચ અંગે મહત્વના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા

ઉઝબેકિસ્તાનમાં આવેલી સોનાની ખાણ સાથે વિવિધ પાસાઓ પર ભવિષ્યમાં બેઝનેસ બ્રિજ બની શકે કે કેમ એ અંગેની શક્યતાઓ તપાસવા માટે એક મહત્વનો એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યો છે. જીજેઇપીસી રિજિયોનલ કાઉન્સિલ વતી શ્રી દિનેશ નાવડીયાએ આ ડીલ સાઇન કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા તેમજ સૂરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય ડેલિગેટ્સની યાદગાર તસ્વીર

ઉઝબેકિસ્તાન સ્થિત ગોલ્ડ માઇન્સ સાથે ભવિષ્યમાં કોઇ બિઝનેસ ડિલ સંભવ છે કે કેમ એ અંગે સ્ટડી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ આ શક્યતાઓ તપાસવા માટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લે એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન તરીકે ફરજ અદા કરી રહેલા શ્રી દિનેશ નાવડીયા

એવી જ રીતે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ડાયમંડ સપ્લાય મળી શકે કે કેમ એ અંગે પણ સમજૂતિ કરવામાં આવી રહી છે. એવી જ રીતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2019માં યોજાઇ રહેલા સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.

October 21, 2019
beach_festival-1280x851.jpg
1min7380

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

October 21, 2019
raining.jpg
1min8900

તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.

ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.

મહીસાગરમાં વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની આશંકા

મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો