અત્યાર સુધીમાં 21.08 કરોડ પરમેનેન્ટ અકાઉન્ટ નંબર (પેન)નું જોડાણ આધાર કાર્ડ સાથે કરવામાં આવ્યું હોવાની માહિતી સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી. સત્તાવાર આકડાં પ્રમાણે તા.25મી સપ્ટેમ્બર 2018 સુધીમાં આવક વેરા વિભાગે ઇસ્યુ કરેલા કુલ 21,08,16,676 પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યાં હતાં. આ સમયગાળામાં કુલ ઇસ્યુ કરેલા અથવા કાર્યરત 41.02 કરોડ (41,02,66,969) પેન કાર્ડ છે.

સીબીડીટીએ 30મી જૂન, 2018ના દિવસે જાહેર કરેલા આદેશમાં પેન-આધાર જોડાણ માટેની મુદત 31મી માર્ચ, 2019 સુધી લંબાવી હતી. તાજેતરની માહિતી પ્રમાણે ઇસ્યુ કરાયેલ 41.02 કરોડ પેન કાર્ડમાંથી 40.01 કરોડથી વધુ પેન કાર્ડ નાગરિકોને ઇસ્યુ કરાયા છે. બાકીના પેન કાર્ડ કંપનીઓ અને અન્ય કેટેગરીના કરદાતાને ઇસ્યુ કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ કહી શકાય કે ઇસ્યુ કરાયેલ પેનમાંથી લગભગ પચાસ ટકા કાર્ડ આધાર સાથે જોડવામાં આવ્યાં છે.
બાયોમેટ્રિક યોજના અને કાયદાને પડકારતી અરજીઓનો નિકાલ પાંચ જજની ખંડપીઠ ન કરે ત્યાર સુધી બંને કાર્ડના જોડાણની ડેડલાઇન લંબાવતા રહેવાના સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અત્યાર સુધીમાં પાંચ વખત ડેડલાઇન લંબાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલે આપેલા ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી.

























