ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.
બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.
જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.
રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.
એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.
સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી
તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.
સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી
એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.
દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા
આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા
ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.
હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા
સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.
ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.
સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો
ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.
ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.
મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.
JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.
JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.
એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.
(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)
અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી
કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.
હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા
અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.
હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે
છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.
( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)
સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.
બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.
આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.
A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)
મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે
મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.
હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો
મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.
મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.
રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.
રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.
કેસરી સિંહો અને ગીરની સુવિખ્યાત કેસર કેરીનું ઘર, ગણાતું ગીરની અન્ય એક વિશિષ્ટતા તેના એકમાત્ર મતદાર બાણેજને લીધે છે. આ ધાર્મિક જગ્યાના,મહંત ભરતદાસ બાપુ,જો અહીં મતદાન કરે તો,૧૦૦ ટકા મતદાન થયું ગણાય છે. મહંત દર ચૂંટણીમાં મતદાન કરે છે.
ચૂંટણીપંચના નિયમોનુસાર આ એક જ મતદાર અને મતદાન મથક માટે જરૂરી પૂરતો ચૂંટણી સ્ટાફ મતદાન સમયના પ્રારંભથી અંત સુધી રાખવામાં આવે છે.
બાણેજના મહંત ભરતદાસ બાપુ,ઉદાસીન સંપ્રદાયના સાધુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આ જગ્યા આવેલી છે.જે કોડિનારથી જામવાળાથી નજીક પડે છે.ગીર જંગલની છોડવડી ચેક પોસ્ટથી પરમીટ લઈને, સવારથી સાંજ અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં જઇ શકે છે. જીવનમાં એકવાર બાણેજની જગ્યા જોવા જેવી છે. ગીરના ગૌરવ સમાન છે.
ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કૉન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.
અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લૅટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.
હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લૅટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લૅટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.
ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ 8476 કરોડ રૂપિયા હતું.
વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.
બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ મૂકાયા પછી પણ સ્પાઇસ જેટ એ દિલ્હી સુરત રૂટની સાથે દેશમાં 6-6 લોકેશન્સ પર ઉડતા કોફીન સમાન બોઇંગ 737 મેક્સ વિમાનો બેરોકટોક ઉડાડ્યા
ભારતમાં બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ મૂકાયા પછી તમામ એરલાઇન્સ એ આ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા ફક્ત સ્પાઇસ જેટએ 6-6 ફ્લાઇટ્સ ઉડતા કોફિન જેવા વિમાનોમાં ઉડાડીને હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા
બુધવારે સવારે 11 વાગ્યે સ્પાઇશ જેટ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે આ સમાચારના અંત ભાગમાં રજૂ કરવામાં આવી છે
(ઉડતા કોફીન મનાય રહ્યા છે બોઇંગ 737 મેક્સ વિમાનો)
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એરલાઇન કંપનીઓ પોતાના બિઝનેસને જતો ન કરવો પડે તેટલા માટે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતી નથી, આ બાબતની પ્રતીતિ કરાવતી ઘટના તા.13મી માર્ચ 2019ના રોજ દિલ્હી સુરત ફ્લાઇટમાં બની છે. આજે તા.13મી માર્ચને બુધવારે સવારે દિલ્હીથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ 737 બોઇંગ મેક્સ વિમાનમાં મોકલવાની હતી. હજુ તા.12મીએ રાત્રે જ ડીજીસીએ સમેત ભારતીય ઉડ્ડયન ઓથોરિટીએ બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાંથી ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને એ મુજબ ભારતની સ્પાઇસ જેટ સિવાયની તમામ એરલાઇન્સ કંપનીઓએ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા હતા. પરંતુ, એકમાત્ર સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે 189 પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે. એથી વિશેષ દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ સુરતથી પરત દિલ્હી જવા માટે પણ એ જ પ્લેનનો ઉપયોગ કર્યો હતો.
રવિવાર. 11મી માર્ચ 2019ના રોજ ઇથોપિયાનું બોઇંગ 737 મેક્સ વિમાન તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ બોઇંગ 737 મેક્સ મોડેલના વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી છે. ભારતે પણ તાકીદની અસરથી સરકારી અને પ્રાઇવેટ બન્ને એરલાઇન્સને બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાં કોઇપણ સંજોગોમાં ઉપયોગમાં નહીં લેવાની કડક સૂચના જારી કરી છે.
અત્યાર સુધી ક્રેશ થયેલા મોટા ભાગના વિમાનો આ મોડેલના હોઇ આખી દુનિયામાં એ પુરવાર થઇ ચૂક્યું છે કે બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડતા કોફિન જેવા છે. આમ છતાં તા.12મી માર્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની પોતાની ફ્લાઇટ બોઇંગ મેક્સ 737 મોડેલમાં જ રવાના કરી હતી. જે લોકો સ્પાઇસ જેટની આ હરકતને પામી ચૂક્યા હતા તેમણે તાત્કાલિક ટ્વીટ કરીને પ્રાઇમ મિનિસ્ટર તેમજ ડીજીસીએને જાણ કરી હતી. સ્પાઇસ જેટ એ દિલ્હીથી સુરતની ફ્લાઇટ માં પ્રતિબંધિત બોઇંગ 737 મેક્સ વિમાન ઉડાડીને પેસેન્જરોનો તો જીવ જોખમમાં મૂક્યો હતો પરંતુ, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના નીતિ નિયમોના પણ ધજ્જીયા ઉડાડી મૂક્યા છે.
સુરતના એવીએશન ક્ષેત્રના એક્સપર્ટ રાજેશભાઇ મોદીએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તા.12મીએ સાંજે ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને ભારતમાં સ્પાઇસ જેટ સિવાય બાકીની તમામ કંપનીઓએ આજે સવારથી બોઇંગ 737 મેક્સ વિમાનોમાં એકેય ફ્લાઇટ ઉડાડી ન હતી. પરંતુ, સ્પાઇસ જેટની સુરત દિલ્હી રૂટ ઉપરાંત દેશમાં 6 ફ્લાઇટ્સ પ્રતિબંધિત 737 બોઇંગ મેક્સ વિમાનોમાં ચાલી રહી હતી. રાજેશ મોદીએ સી.આઇ.એ.ને બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ઉડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સની ઇમેજ પણ શેર કરી હતી.
ભારત સરકારે બોઇંગ 737 મેક્સ વિમાનોને પ્રતિબંધિત કર્યા પછી એક સાથે 6-6 ફ્લાઇટ્સ બેરોકટોક પણે ઉડાડનાર સ્પાઇસ જેટના સંચાલકોએ હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. સુરતના રાજેશ મોદીએ કહ્યું કે તેઓ આ મુદ્દે ડીજીસીએ સાથે પત્ર વ્યવહાર કરીને આવું કેમ થયું તેનો જવાબ માગવાના છે.
ડરી રહી છે દુનિયા બોઈંગ 737થી
ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.
માત્ર 6 મહિનામાં જ બોઈંગ 737 મેક્સ 8ના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાથી હવે વિશ્વભરના દેશો તેનાથી ડરી રહ્યા છે. ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.
મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના નિવેદન પ્રમાણે જ્યાં સુધી આ વિમાનની સુરક્ષા અંગેની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન પર પ્રતિબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા સર્વોપરિ છે. DGCAએ કહ્યું કે તેઓ એરલાઈન્સ અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં મુસાફરોની પરેશાની પર ચર્ચા થશે.
DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)
આ પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ, ઓમાન, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટિના જેવા દેશો પણ બોઈંગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. આ વિમાનનો ખૌફ એટલો જબરજસ્ત છે કે યુકેએ તો પોતાની એરસ્પેસમાં પણ બોઈંગના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
At 11 a.m. on 13 March 2019 Spice Jet has made a Clarification, As Given Below.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.