બીજા કાર્યકાળની પહેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે બધા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળશે, તે ઉપરાંત ખેડૂતો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ કિસાન યોજના પહેલા માત્ર લઘુ અને સીમાંત ખેડૂતો માટે હતી.
મોદી સરકારે વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. કેબિનેટે બીજો નિર્ણય નવા લોકસભા સત્રને લઈને કર્યો છે. આ બજેટ સત્ર હશે, જે 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી શકે છે. આ સત્ર દરમિયાન 5 જૂલાઈ એ બજેટ રજૂ કરવામાં આવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે.
આ અંગે તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 3 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. 2 કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
પરંતુ ભાજપે પોતાના ચૂંટણી સંકલ્પ પત્રમાં આ યોજનામાં બધા ખેડૂતોને સામેલ કરવાનું વચન આપ્યું હતું, જેના પર પહેલી કેબિનેટ મીટિંગમાં મહોર લગાવી દેવાઈ. આ યોજનાનો દેશના 14.5 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. તે ઉપરાંત 17 જૂનથી સંસદ સત્ર બોલાવવાનો નિર્ણય કરાયો છે, જે 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈએ બજેટ રજૂ કરાશે.

















