ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં (ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતું ફ્રીઝ કરી દેવું એક બંધારણીય અધિકારના ઉલ્લંઘન (ભંગ) સમાન છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ દરમિયાન બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા માટે તપાસની એજન્સીની સત્તા પર વિવાદ હોઈ શકે નહીં પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિની રીતે કરવો ખૂબ જરૂરી છે.
બેન્ક ખાતું ફ્રીઝ કરવા પર હાઇકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે સામાન્ય નાગરિકોના હિતમાં એક ઘણો મોટો અને મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. ઘણીવાર એવું બને છે કે સાયબર ક્રાઇમની તપાસના નામે પોલીસ કે તપાસ એજન્સીઓ કોઈ પણ વ્યક્તિની સાચી સંડોવણી કે ભૂમિકા સાબિત કર્યા વિના જ તેનું આખું બેન્ક ખાતું ફ્રીઝ કરી દે છે. આના કારણે જે-તે વ્યક્તિ ગુનામાં ક્યાંય સામેલ ન હોય તો પણ તેના પોતાના કાયદેસરના નાણાં બ્લોક થઈ જાય છે અને રોજિંદા ખર્ચ માટે તેને બિનજરૂરી રીતે ભારે હાલાકી ભોગવવી પડે છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શંકાસ્પદ રકમ કેટલી છે તેની ચોખવટ કર્યા વગર કે નાગરિકનો વાંક સાબિત કર્યા વિના આખું એકાઉન્ટ બંધ કરી દેવું એ તેના મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. અદાલતનો આ ચુકાદો સાયબર ક્રાઇમની તપાસના બહાને હેરાન થતા નિર્દોષ લોકો માટે બહુ મોટી રાહત સમાન સાબિત થશે, કારણ કે હવે તપાસના નામે આડેધડ આખા ખાતા ફ્રીઝ કરી શકાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટે ખાતાને તાત્કાલિક ડી-ફ્રીઝ કરવાનો કર્યો હુકમ
ગુજરાત હાઇકોર્ટે પીડિત ખાતાધારકને મોટી રાહત આપતા તેનું બેન્ક ખાતું તાત્કાલિક ચાલુ (ડી-ફ્રીઝ) કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે વચગાળાનો માર્ગ કાઢતા જણાવ્યું કે, ખાતામાં જે માત્ર 1100 રૂપિયાની રકમ શંકાસ્પદ જણાઈ છે, બેન્ક ફક્ત એટલા જ રૂપિયા હોલ્ડ (લીયન) પર રાખે અને બાકીનું આખું ખાતું ઓપરેટ કરવાની ખાતાધારકને છૂટ આપે. આ કેસનો છેલ્લો નિર્ણય હવે પોલીસ તપાસના પરિણામ પર આધારિત રહેશે, પરંતુ ત્યાં સુધી નાગરિક પોતાના ખાતામાંથી કાયદેસરની લેવડ-દેવડ ચાલુ રાખી શકશે.
હાઇકોર્ટમાં અરજદાર ખાતાધારકની રિટ અરજી
આ કેસમાં પીડિત ખાતાધારકે હાઇકોર્ટમાં રિટ અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમનું ગાંધીનગરની ઇન્ફોસિટી બ્રાંચની એચડીએફસી બેન્કમાં એક સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. આ તેમનું મુખ્ય બેન્ક ખાતું છે, જેનો ઉપયોગ તેઓ પોતાના પગાર મેળવવા તેમજ ઘરખર્ચ, મકાનનું ભાડું અને લોનના ઇએમઆઈ ચૂકવવા જેવી રોજિંદી જરૂરીયાતો માટે કરે છે.
પરંતુ સાયબર ક્રાઇમ વિભાગ તરફથી મળેલી માત્ર બે ફરિયાદોના આધારે, બેન્કે તેમના આ આખા ખાતામાંથી થતા તમામ નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી. આ આડેધડ લેવાયેલા પગલાના કારણે નિર્દોષ ખાતાધારકને પોતાના જ પૈસા વાપરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અરજદારનો સાયબર ગુનામાં કોઈ જ હાથ નથી
અરજદારનો કોઈ સાયબર ગુનામાં હાથ નથી અને તેઓ આ કેસમાં આરોપી કે શંકાસ્પદ પણ નથી. પરંતુ સાયબર ક્રાઇમની તપાસમાં જે ખાતાઓના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે, તેમાં અરજદારના ખાતાના રૂ. 1100ના બે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના કારણે આખું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું, જેના લીધે તેઓ પોતાની કાયદેસરની કમાણી વાપરી શકતા નથી કે ઉપયોગ કરી શકતા નથી.
જસ્ટિસ નિરલ આર. મહેતાએ પક્ષકારોને સાંભળ્યા બાદ આપ્યો આદેશ
જસ્ટિસ નિરલ આર. મહેતાએ આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, સાયબર ક્રાઇમની તપાસમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફરની જે કડી (ટ્રેલ) સામે આવી છે, તેમાં અરજદારનું બેન્ક ખાતું પણ જોડાયેલું જોવા મળ્યું હતું. જોકે, આ કેસમાં શંકાસ્પદ વ્યવહાર માત્ર 500 અને 600 રૂપિયા મળીને કુલ 1100 રૂપિયા જેટલો જ મર્યાદિત હતો, છતાં પણ એજન્સી દ્વારા નાગરિકનું આખું બેન્ક ખાતું જ ફ્રીઝ કરી દેવાયું હતું.
આ બાબતને ધ્યાને રાખીને હાઇકોર્ટે વચગાળાનો રસ્તો કાઢ્યો અને આદેશ આપ્યો કે ખાતામાં માત્ર વિવાદિત 1100 રૂપિયાની રકમ પર જ પ્રતિબંધ રહેશે, જ્યારે બાકીનું આખું એકાઉન્ટ અરજદાર પહેલાની જેમ જ ઓપરેટ કરી શકશે. તેની સાથે જ કોર્ટે અરજદારને એવો પણ આદેશ કર્યો છે કે જ્યારે પણ તપાસ એજન્સીને જરૂર જણાય ત્યારે તેમણે તપાસમાં પૂરો સહકાર આપવો પડશે.
ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે ગૌરવની વાત છે.
વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:
• કુલ થાપણો : ₹4,411.11 કરોડ
કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ
• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ
• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ
બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.
“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.
બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર પર્યાવરણલક્ષી કાર્યો હાથ ધરતું રહે છે. શુક્રવાર, 22 મે, 2026ના રોજ AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે વિસ્તરણ થઈ રહેલા પ્રોજેક્ટની એક સાઇટ ખાતે આ વર્ષની વૈશ્વિક થીમ “એક્ટીંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ”ને સુસંગત રહીને ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિલીપ ઊમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, દ્વારા છોડનું વાવેતર કરીને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ સાઇટ પર કુલ 1100થી વધુ છોડ જેવા કે લીમડો, જાંબુ અને ગુલમોહરનું છેલ્લાં 30 દિવસમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
સુરતના સરસાણામાં SGCCI દ્વારા 22, 23 અને 24 મે 2026 દરમિયાન એકસાથે યોજાશે 3 ભવ્ય મેગા એક્સ્પો અને સુરત સ્ટાર્ટ અપ સમિટ આ સાથે જ ચેમ્બરના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશનનો રેકોર્ડ સર્જાશે
• કેમિકલ-ફાર્મા એક્ષ્પોમાં ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ (CHEMEXCIL) અને indextbનો મુખ્ય સહયોગ
• સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના સહયોગથી યોજાશે, વિદ્યાર્થીઓ માટે કરિયર બનાવવાની અને નક્કી કરવાની સુવર્ણ તક
• ગુજરાત સરકારના સાહસ આઈ-હબ (i-Hub)ના સહયોગથી યોજાશે ત્રીજી સુરત સ્ટાર્ટઅપ સમિટ
• એસબીસી (SBC) બિઝનેસ એક્ષ્પો નેટવર્કિંગ અને બી2બી-બી2સી (B2B/B2C) માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
• 25000થી વધુ મુલાકાતીઓ, 200+ રોકાણકારો અને 50+ વીસી/એન્જલ્સ ભાગ લેશે એવી અપેક્ષા
સુરત, 18 મે 2026: દક્ષિણ ગુજરાતના વિકાસને સતત નવી દિશા આપતી અગ્રણી સંસ્થા ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) દ્વારા આગામી 22, 23 અને 24 મે 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે એકસાથે 4 મેગા ઇવેન્ટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ એક્સ્પો અને એની સાથે સુરત સ્ટાર્ટ અપ સમિટની ત્રીજી આવૃત્તિ એકસાથે સરસાણા ખાતે યોજાઈ રહી છે. સુરતની જાણીતી ટોરિન વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી યોજાનાર આ ચારેય ઈવેન્ટ્સ સુરત અને સમગ્ર રાજ્યના વ્યાપારી, ઔદ્યોગિક, સાહસિક અને શૈક્ષણિક માળખાને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. આ ત્રણ એક્ઝિબિશન સાથે જ ચેમ્બરના 85 વર્ષના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશન યોજવાનો રેકોર્ડ સર્જાશે.
ઉદ્ઘાટન સમારોહ
આ ચારેય ઈવેન્ટ્સનો સંયુક્ત ઉદ્ઘાટન સમારોહ તા. 22 મેના રોજ સવારે 10 કલાકે સરસાણા ખાતે યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી ડૉ. જિતિન પ્રસાદ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ચારેય ઈવેન્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટક: ડૉ. જિતિન પ્રસાદ, કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી મુખ્ય અતિથિ:
શ્રી એમ. નાગરાજન, મ્યુનિસિપલ કમિશનર, સુરત મહાનગરપાલિકા
ડૉ. સતીષ વામન વાઘ, ચેરમેન -કેમેક્સિલ
શ્રી હિરન્મય મહંતા, સીઈઓ, આઈહબ ગુજરાત
શ્રી જિજ્ઞેશ માધવાની, ડિરેક્ટર એન્ડ ચેરમેન, ટોરિન વેલ્થ મેનેજમેન્ટ
શ્રી હિમાંશુ પટેલ, ડિરેક્ટર, યશસ્વી રસાયણ પ્રા, લિમિટેડ
શ્રી અશ્વિન દેસાઈ, એમડી, એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ
શ્રી આનંદ દેસાઈ, એમડી, અનુપમ રસાયણ
શ્રી નરેશકુમાર પટેલ, એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ
ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ તથા પ્રમુખ (નિયુક્ત) અશોક જીરાવાલાએ આ ચારેય મેગા ઇવેન્ટ્સની સત્તાવાર અને વિસ્તૃત વિગતો જાહેર કરી છે:
કેમિકલ એન્ડ ફાર્મા એક્સ્પો 2026 :
તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00થી સાંજે 7:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત
ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ અને ચેમ્બર દ્વારા આયોજિત આ એક્સ્પો રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેનું આ એક ડાયનેમિક બી2બી (B2B) પ્લેટફોર્મ સાબિત થશે. તેને આ વખતે ગુજરાત સરકારના indextbનો પણ સહયોગ મળ્યો છે. આ એક્ષ્પો ઉત્પાદકો, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સંશોધકો અને ઉદ્યોગના આગેવાનોને એક જ મંચ પર લાવીને નવી તકો, અદ્યતન સોલ્યુશન્સ અને વ્યૂહાત્મક ભાગીદારીઓ વધારવા માટે કાર્ય કરશે. આ પ્રદર્શન ટકાઉ વિકાસ, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફના ઉદ્યોગના વિકાસને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.
આ મેગા એક્ષ્પોમાં સ્પેશિયાલિટી, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રો અને ફાઇન કેમિકલ્સના ઉત્પાદકો સહિત ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ, ફોર્મ્યુલેશન કંપનીઓ, એપીઆઈ અને બલ્ક ડ્રગ પ્રોડ્યુસર્સ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત લેબોરેટરી ઇક્વિપમેન્ટ, પ્રોસેસ મશીનરી, એન્જિનિયરિંગ સોલ્યુશન્સ, પેકેજિંગ, મટિરિયલ હેન્ડલિંગ, એન્વાયર્નમેન્ટલ-સેફ્ટી સોલ્યુશન્સ, આરએન્ડડી (R&D) સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ટેક્સટાઇલ ડાય્સના અગ્રણી ઉત્પાદકો પોતાની અદ્યતન ટેક્નોલોજી પ્રદર્શિત કરશે. ભાગ લેનાર કંપનીઓને અત્યંત ટાર્ગેટેડ પ્રેક્ષકો સમક્ષ બ્રાન્ડ પ્રસ્તુતિ કરવાની, ગુણવત્તાયુક્ત બિઝનેસ લીડ્સ મેળવવાની, નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની અને વૈશ્વિક સ્તરે વિતરણ વ્યવસ્થા વિસ્તારવાની ઉત્તમ તક મળશે.
આ પ્રદર્શનમાં દેશ-વિદેશના મેન્યુફેક્ચરર્સ, પ્લાન્ટ હેડ્સ, પ્રોક્યુરમેન્ટ અને સોર્સિંગ પ્રોફેશનલ્સ, ફાર્મા-કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ, સંશોધકો, વૈજ્ઞાનિકો, રેગ્યુલેટરી અધિકારીઓ, આયાતકાર-નિકાસકારો અને ઇન્વેસ્ટર્સ મુલાકાત લેશે.
આ એક્સ્પો માટે એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ, એથર ઈન્ડસ્ટ્રી લિમિટેડ, અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ, એચએલઈ ગ્લાસકોટ લિમિટેડ અને યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્સ્પો 2026 • તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00 થી સાંજે 07:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
આજના યુવાનો પોતાની કરિયર અને સફળતા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત અને પસંદગીયુક્ત બન્યા છે. તેઓ પરંપરાગત ડિગ્રી-ડિપ્લોમાને બદલે પોતાની પ્રતિભાને વિકસાવે તેવા નવા અને સ્માર્ટ વિકલ્પો શોધી રહ્યા છે. ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી આયોજિત આ એક્ષ્પો વિદ્યાર્થીઓને ગુજરાત, ભારત તેમજ વિદેશની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ સાથે એક જ છત હેઠળ સીધો સંપર્ક કરવાની અદ્ભુત તક આપે છે. તેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ, જાણીતી સ્કૂલ્સ અને પ્રતિષ્ઠિત કોલેજો ભાગ લઈ રહી છે. ધોરણ 10-12 અને કોલેજના વિદ્યાર્થીઓ, ડિપ્લોમા/ડિગ્રી ધારકો, ગ્રેજ્યુએટ્સ અને ઉચ્ચ અભ્યાસના વાંચ્છુઓ, નવી કરિયર અને કોર્સિસની શોધમાં રહેલા જોબ સીકર્સ, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકો વગેરે માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેવી રહી.
૩. સુરત સ્ટાર્ટ અપ સમિટ 2026 (ત્રીજી આવૃત્તિ)
• તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00થી સાંજે 07:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
“Surat Startup Summit 2026” એ દેશભરના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો, ઇન્વેસ્ટર્સ, ઇન્ક્યુબેટર્સ અને ટેક્નોલોજી નિષ્ણાતો માટેનું એક પ્રમુખ પ્લેટફોર્મ છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈ-પોટેન્શિયલ ધરાવતા સ્ટાર્ટઅપ્સને એવો મંચ આપવાનો છે, જેથી તેઓ પોતાના આઇડિયા અને પ્રોડક્ટ્સને એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સ, સરકારી અધિકારીઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સમક્ષ પ્રસ્તુત કરીને ફંડિંગ અને બિઝનેસ વેલિડેશન મેળવી શકે. આમાં ટેક, હેલ્થટેક, ફિનટેક, એગ્રીટેક અને સસ્ટેનેબિલિટી સેક્ટર્સના સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેશન્સ રજૂ કરે એવી અપેક્ષા છે. વિવિધ વિષયો પર રસપ્રદ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે.
આ સમિટને એઆઈસી સુરતી આઈલેબ ફાઉન્ડેશન, ટાઈ સુરતનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
સુરત સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય આકર્ષણો:
• લાઇવ સ્ટાર્ટઅપ પિચિંગ અને કોમ્પિટિશન: બિઝનેસના શ્રેષ્ઠ આઇડિયાઝ વચ્ચે લાઈવ સ્પર્ધા.
• સ્પીડ ઇન્વેસ્ટર ડેટિંગ: રોકાણકારો સાથે વન-ટુ-વન ઝડપી સંવાદની તક.
• બી2બી નેટવર્કિંગ: કોર્પોરેટ અને વ્યાપારી જોડાણ મજબૂત કરવાનો મંચ.
એસજીસીસીઆઈ બિઝનેસ કનેક્ટ (એસબીસી) બિઝનેસ એક્સ્પો 2026 • તારીખ: 22, 23 અને 24 મે 2026 • સમય: સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
બિઝનેસ એક્સ્પો 2026 : આ એક્ષ્પો વિવિધ સેક્ટર્સના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ અને કોર્પોરેટ પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવીને પરસ્પર સહયોગ, નવીનતા અને વ્યાપારી વિકાસને પ્રોત્સાહન આપવાનું મોટું કાર્ય કરશે. તેનો ઉદ્દેશ સુરતને વૈશ્વિક વ્યવસાયિક હબ તરીકે વધુ મજબૂત કરવાનો અને ઉદ્યોગો વચ્ચે અર્થપૂર્ણ પાર્ટનરશિપ તેમજ નવી વ્યાપારી તકો ઊભી કરવાનો છે. આ એક્ષ્પો વ્યાપારી નેટવર્કિંગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બિઝનેસ ગ્રોથ માટેનું સૌથી મોટું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં એફએમસીજી, ફાઇનાન્સ, આઇટી અને ડિજિટલ ટેક્નોલોજી, ગાર્મેન્ટ્સ, ઓટોમોબાઇલ, હેલ્થ-વેલનેસ અને કન્સલ્ટન્ટ્સ સહિતના અનેક સેક્ટર્સના અગ્રણી ધંધાર્થીઓ અને પ્રોફેશનલ્સ બી૨બી (B2B) અને બી૨સી (B2C) મીટિંગ્સ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે.
બિઝનેસ એક્સ્પોના આકર્ષણો
• નેટવર્કિંગ: હાઈ-ઈમ્પેક્ટ બી2બી (B2B) અને બી2સી (B2C) નેટવર્કિંગ.
• પેવેલિયન: અદ્યતન સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પેવિલિયન.
• ફંડિંગ: ઇન્વેસ્ટર કનેક્ટ અને ફંડિંગ મેળવવાની ઉત્તમ તકો.
• પ્રદર્શન: વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું લાઈવ લોન્ચિંગ તથા પ્રદર્શન.
• જોડાણ: વ્યૂહાત્મક જોડાણ અને એમઓયુ સાઇનિંગની તક.
ચેમ્બરના પદાધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “આ ચારેય મેગા ઇવેન્ટ્સ સુરત અને ગુજરાતના આર્થિક તથા સાહસિક વિકાસમાં ગેમ ચેન્જર સાબિત થશે. અમે તમામ ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ પ્રદર્શનોની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.”
ટેરિફ તથા યુદ્ધને કારણે આવેલા કરેકશનને પગલે દેશની કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ
28મી ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઇરાન અને અમેરીકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ પછીની સ્થિતિમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપની હાલમાં સ્થાન ધરાવતી નથી.
અમેરિકાના ટેરિફ તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીમાં આવેલા કરેકશનથી ભારતની જાણીતી કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ થયું છે જેને પગલે તેઓ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઈ હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.૨૦૨૫ના પ્રારંભમાં ભારતની ત્રણ કંપનીઓ રિલાયન્સ ઈન્ડ., ટીસીએસ તથા એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં સ્થાન ધરાવતી હતી.
રિલાયન્સ જે ૨૦૨૫ના પ્રારંભમાં પ્રથમ ૧૦૦ની યાદીમાં ૫૭મું અને ૨૦૨૬ના પ્રારંભમાં ૭૩મું સ્થાન ધરાવતી હતી તે આજે પાછળ ધકેલાઈને ૧૦૫માં સ્થાને પહોંચી ગઈ છે. એચડીએફસી બેન્ક જે ૨૦૨૫ના પ્રારંભમાં ૯૭માં ક્રમે હતી તે પણ આજે એકદમ પાછળ ધકેલાઈને ૧૯૦ના સ્થાને પહોંચી ગઈ છે.
ટોચની ૧૦૦ કંપનીઓની યાદીની બહારની કંપનીઓ જેમ કે ભારતી એરટેલ જે વર્તમાન વર્ષના પ્રારંભમાં ૧૬૪માં સ્થાને હતી તે આજે ૨૦૨માં સ્થાન પર આવી ગઈ છે. એસબીઆઈ આ ગાળામાં ૨૩૧માં સ્થાનેથી ૨૭૬માં સ્થાન પર આવી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
જો કે વૈશ્વિક સ્તરના ક્રમમાં ભારતની કંપનીઓમાં ૧૦૫માં ક્રમ સાથે રિલાયન્સ સૌથી આગળ છે, ત્યાર બાદ ૧૯૦માં ક્રમ સાથે એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની બીજી મોટી કંપની છે.
ટોચની પ૦૦ કંપનીઓમાં ૨૦૨૫માં ભારતની જે ૧૫ કંપનીઓ હતી તે સંખ્યા ઘટી હાલમાં ૧૩ સુધી આવી ગઈ છે. ભારતમાં જ ૧૦૦ અબજ ડોલર કે તેથી વધુની માર્કેટ કેપ સાથેની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વર્તમાન વર્ષમાં જે છ હતી તે હાલમાં ઘટી ત્રણ પર આવી ગઈ છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ તથા ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ સાથેની કંપનીઓમાંથી બહાર નીકળી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે માર્કેટ કેપનો આધાર બજારની દૈનિક વધઘટ પર વધુ નિર્ભર રહેતો હોવાથી તેમાં સતત બદલાવ રહ્યા કરે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો અને યુદ્ધની દહેશત વચ્ચે આજે તા.18મી મે 2026ને સોમવારે વૈશ્વિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરીકાના ડાઉ જોન્સથી લઇને જાપાનના નિક્કેઇ અને ભારતના સેન્સેક્સ નિફ્ટી સમેત દુનિયાનું કોઇ એવું શેરબજાર નથી જે આજે પ્લસમાં હોય. તમામ શેરબજારો એટલા માટે ક્રેશ થાય છે કેમકે ફરીથી અમેરીકા અને ઇરાન વચ્ચે યુદ્ધની ભીંતી સેવાય રહી છે.
દુનિયાભરના શેરબજારો ફરી એકવાર ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેલના કુવા અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર સતત થઈ રહેલા હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધીના બજારોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે યુએસ શેરબજારો (US Stock Market) મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા, જ્યારે આજે તા.18મી મે 2026ને સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેરબજારોમાં ભારે કોહરામ મચી ગયો છે.
હોર્મુઝ સંકટ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) નો ભાવ પ્રતિ બેરલ $111 ની સપાટીને વટાવી ગયો છે. વધતી જતી ઉર્જા કટોકટી અને મોંઘવારીના ભયથી બ્રિટન, જાપાન અને હોંગકોંગ સહિતના તમામ મોટા દેશોના શેરબજારોમાં રોકાણકારો વચ્ચે નાસભાગ મચી ગઈ છે. તમામ મોટા ઇન્ડેક્સ લાલ રંગના નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અબજો ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે.
વૈશ્વિક મંદી અને કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજાર માટે અતિ મહત્ત્વનો સંકેત ગણાતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) 18 મે 2026ને સોમવારે સવારે ખુલતાની સાથે જ ગગડી ગયો હતો. સમાચાર લખાયા ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી આશરે 195 પોઈન્ટ ના મોટા ગાબડા સાથે 23550 ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. સામાન્ય રીતે ગિફ્ટ નિફ્ટીમાં આવો મોટો ઘટાડો સ્થાનિક બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) માટે પણ ભારે કડાકાના સંકેતો આપે છે. નિષ્ણાતોના મતે મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઈલના કારણે આગામી દિવસોમાં ભારતીય બજાર પર દબાણ વધુ વધી શકે છે.
દેશમાં સતત વધી રહેલા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ મજબૂત કરવા માટે સરકારે સોના બાદ હવે ચાંદી પર પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે ચાંદીની આયાતને ‘મુક્ત’ શ્રેણીમાંથી હટાવીને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ચાંદીની આયાત કરવા માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત બનશે.
આ અગાઉ સરકારે ગત 13 મેના રોજ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી હતી, જ્યારે પ્લેટિનમ પર આયાત ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટને કારણે વધી રહેલા ખર્ચને રોકવા અને બિનજરૂરી આયાત ઘટાડવા આ પગલું લેવાયું છે.
આ ઉપરાંત, સરકાર દ્વારા સોનાની આયાત પર પણ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT) ના આદેશ અનુસાર, હવેથી સોનાની આયાત માટેની એડવાન્સ મંજૂરી મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદાને આધીન જ આપવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત એડવાન્સ મંજૂરી માટે અરજી કરશે, તો તેની પ્રોડક્શન યુનિટની ફરજિયાત ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે.
સરકાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયો પાછળ તાજેતરમાં સોના-ચાંદીની આયાતમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ ભારતની સોનાની આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદીની આયાતમાં 157.16 ટકાનો બમ્પર ઉછાળો આવતા તે 41.1 કરોડ ડોલર થઈ ગઈ હતી. આ સિવાય, નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની કુલ આયાત મૂલ્યની દૃષ્ટિએ 24 ટકા વધીને 71.98 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ હોવાને કારણે સરકારે આ આકરા નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.
સોના-ચાંદીના ભાવમાં આજે 15 મેના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદી 19,693 રૂપિયા ઘટીને 2.68 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 2.87 લાખ રૂપિયા પર હતી.
સોનું એક મહિનામાં 3,000 રૂપિયા ઘટ્યું
બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,000 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ અગાઉ ગત મહિનાની 16 એપ્રિલે તે 1.61 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 106 દિવસમાં 17,962 અને ચાંદી 1,18,433 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી 3.86 લાખ/કિલો હતી. મહત્વનું છે કે રવિવારે કર્ણાટક અને તેલંગાણાની સભા તેમજ સોમવારે ગુજરાતની સભામાં વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી.
સોનું ઓલ ટાઈમ હાઈથી 18 હજાર રૂપિયા સસ્તું થયું
આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): 1.33 લાખ રૂપિયા
ઓલ ટાઈમ હાઈ (29 જાન્યુઆરી 2026): 1.76 લાખ રૂપિયા
ચાંદીમાં ક્રેશ: 3.86 લાખ થી 2.68 લાખ રૂપિયા સુધી
ચાંદીમાં સોનાની સરખામણીએ વધુ ઉતાર-ચઢાવ રહ્યો અને તે ઓલ ટાઈમ હાઈથી ઝડપથી નીચે આવી છે.
વડાપ્રધાને કહ્યું કે, ‘એક સમય હતો, જ્યારે સંકટ આવવા પર દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે વર્ષભર સુધી ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી હૂંડિયામણ બચાવવું પડશે.’
PM મોદીએ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે આ અપીલ કરી. ભારત તેના વપરાશનું લગભગ 99 ટકા સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઈમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9 ટકા હિસ્સા સાથે સોનું બીજા ક્રમે છે.
એસજીસીસીઆઈ અને જીતો (JITO) સુરતના સંયુક્ત ઉપક્રમે સરસાણા ખાતે ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રનું વિશાળ પ્લેટફોર્મ તૈયાર
દેશના જાણીતા રોકાણકાર શ્રી સુનિલ સિંઘાનિયાના હસ્તે 8મીએ ઉદ્ઘાટન , નિર્મલ જૈન, વિશાલ મલકાન અને વિકાસ ખેમાણી જેવા દિગ્ગજો માર્ગદર્શન આપશે, વારી ગ્રૂપના ચેરમેન શ્રી હિતેશ દોશી પણ ઉપસ્થિત રહેશે
એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિગત રોકાણકારો માટે સંપત્તિ સર્જનની સુવર્ણ તક, એસેટ મેનેજમેન્ટને સમજવાની ઉમદા તક
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય વ્યવસ્થાપન અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (એસજીસીસીઆઈ) અને ‘જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (જીતો- JITO) સુરત દ્વારા સંયુક્તપણે ‘વેલ્થ એક્ષ્પો 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો આગામી 8, 9 અને 10 મે, 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાશે. આ એક્ષ્પોનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન 8 મે 2026 ના રોજ સવારે 10:00 AM કલાકે અબાક્કસ એસેટ મેનેજમેન્ટના સ્થાપક શ્રી સુનિલ સિંઘાનિયાના વરદ્ હસ્તે કરવામાં આવશે.
ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, “સુરત હવે માત્ર ઉત્પાદનનું કેન્દ્ર જ નથી રહ્યું, પણ તે એક મોટા ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ‘વેલ્થ એક્ષ્પો 2026’ દ્વારા અમે સ્થાનિક ઉદ્યોગકારો અને એમએસએમઈને અગ્રણી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, લીઝિંગ કંપનીઓ અને ફિનટેક ઇનોવેટર્સ સાથે એક જ મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ એક્ષ્પો ઉદ્યોગોને જરૂરી મૂડી અને રોકાણકારોને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં સેતુરૂપ સાબિત થશે. તેમાં એઆઈએફ જેવા રોકાણના નવા માર્ગો વિશે જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.”
જીટો સુરતના મિલન પરીખે જણાવ્યું હતું કે, “નાણાકીય સાક્ષરતા અને યોગ્ય દિશામાં રોકાણ એ આજના સમયની માગ છે.આ એક્ષ્પોમાં અમે દેશના જાણીતા નિષ્ણાતોને આમંત્રિત કર્યા છે જેઓ ભારતની ‘ગ્રોથ સ્ટોરી’ અને ‘જીઓ પોલિટિક્સ’ની અસરો વિશે ઊંડાણપૂર્વક સમજ આપશે. રોકાણકારો માટે રોકાણના વિવિધ માર્ગો સમજીને માહિતગાર નિર્ણય લેવાની આ એક અનોખી તક છે.” આ એક્ષ્પો બેન્કો, એનબીએફસી, ઇન્સ્યુરન્સ, સ્ટોક માર્કેટ અને લીઝિંગ કંપનીઓનું વિશાળ પ્રદર્શન બની રહેશે અને ગુજરાતનું નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું એક્ઝિબિશન હશે. એસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને કોર્પોરેટ્સ માટે રોકાણ, આઈપીઓ અને ફાયનાન્સિંગની વિશેષ તકો રહેશે. ફિનટેક ઇનોવેશન્સ અને ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ, પેનલ ડિસ્કશન્સ, વર્કશોપ્સ અને નોલેજ સેશન યોજાશે. આ એક્ષ્પોમાં વન–ટુ–વન બિઝનેસ મીટિંગ અને રોકાણકારો સાથે સીધી મુલાકાત કરી શકાશે.
‘વેલ્થ એક્ષ્પો 2026’ના મુખ્ય આકર્ષણો: નોલેજ સેશન્સનું સંપૂર્ણ શિડ્યુલ 8 મે 2026, શુક્રવાર * સવારે 11:00 કલાકે: શ્રી સુનિલ સિંઘાનિયા (સ્થાપક – અબાક્કસ એસેટ મેનેજમેન્ટ) o વિષય: ભારતનો આગામી દાયકો
સ્માર્ટ મનીનું રોકાણ ક્યાં કરવું જોઈએ? * બપોરે 12:00 કલાકે: શ્રી કરણ દત્તા (જીઓ-પોલિટિકલ એક્સપર્ટ અને પૂર્વ સીબીઓ – એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ) o વિષય: જીઓ-પોલિટિકલ ફેરફારોને સમજો અને ફાઇનાન્શિયલ માર્કેટ્સ પર તેની વાસ્તવિક અસરને જાણો.
9 મે 2026, શનિવાર * સવારે 11:00 કલાકે: શ્રી સંદીપ જૈન (સહ-સ્થાપક – ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ) o વિષય: સ્ટોક્સ ઓળખવા પાછળની કળા અને વિજ્ઞાન.
બપોરે 12:00 કલાકે: શ્રી વિશાલ બી. મલકાન (સહ-સ્થાપક – મલકાન્સવ્યૂ) o વિષય: RSI સાથે ટોપ ડાઉન એનાલિસિસ – 2026 માટે ટોચના સેક્ટર્સની ઓળખ.
સાંજે 4:00 કલાકે: શ્રી રાહુલ કપૂર જૈન (માઇન્ડસેટ કોચ અને લેખક) o વિષય: વેલ્થ બિયોન્ડ “વેલ્થ”.
10 મે 2026, રવિવાર * સવારે 11:00 કલાકે: પેનલ ડિસ્કશન – બુલ માર્કેટથી આગળ સંપત્તિ સર્જન o વક્તાઓ: શ્રી વિકાસ ખેમાણી (સ્થાપક – કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ) અને શ્રી સંજય ડાંગી (સ્થાપક – ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર).
બપોરે 12:00 કલાકે: પેનલ ડિસ્કશન – ટકાઉ સંપત્તિનું નિર્માણ: ઉદ્યોગસાહસિકોથી સંપત્તિ સર્જકો સુધી o વક્તાઓ: શ્રી નિર્મલ જૈન (સ્થાપક અને ચેરમેન –આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ) અને શ્રી હિતેશ દોશી (ચેરમેન – વારી ગ્રૂપ).
આ એક્ષ્પોને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે, જેમાં મહેતા વેલ્થ, જૈનમ, નિવેશ આય, યુનિસનનો સમાવેશ થાય છે. સુરતના રોકાણકારો, ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ, સ્ટાર્ટઅપ્સ અને નાણાકીય ઉકેલ શોધતા તમામ લોકો માટે આ એક્ષ્પો આશીર્વાદરૂપ સાબિત થશે.
ઇરાન યુદ્ધથી ક્રૂડનાં ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7 ટકાનો વધારો
અગાઉનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં રૂ. 2.23 લાખ કરોડ હતું
ઇરાન યુદ્ધને કારણે ક્રૂડનાં ભાવ વધ્યા હોવા છતાં એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન ૮.૭ ટકા વધી લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેમ શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ આંકડા વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનાં સંકેત આપી રહ્યાં છે.
આ અગાઉ સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટીથી થનાર અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં નોંધવામાં આવ્યું હતું. જે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.
સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૪.૩ ટકા વધીને ૧.૮૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૬માં આયાતમાંથી જીએસટી કલેક્શન ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થયું હતું.
એપ્રિલમાં કુલ સીજીએસટી અને એસજીએસટી કલેક્શન અનુક્રમે ૫૨,૧૪૦ કરોડ રૂપિયા અને ૬૧,૩૩૧ કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિના દરમિયાન આઇજીએસટી કલેક્શન ૧.૨૯ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.
એપ્રિલ દરમિયાન રિફંડમાં ૧૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૩૧,૭૯૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી કલેક્શન ૭.૩ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
નવા નાણાકીય વર્ષનાં પ્રથમ મહિનાનાં જીઅસટી કલેક્શનમાં મોટો ઉછાળો એ વાતનાં સંકેત આપી રહ્યાં છે દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.
જીએસટી કલેક્શનમાં ટોચનાં પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર (૧૩, ૭૯૩ કરોડ રૂપિયા), કર્ણાટક (૫૮૨૯ કરોડ રૂપિયા), ગુજરાત (૫૪૫૫ કરોડ રૂપિયા), તમિલનાડુ (૪૭૨૪ કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (૪૩૯૯ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.