CIA ALERT

Alert Archives - Page 61 of 521 - CIA Live

October 18, 2024
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min302

દિવાળી અને ધનતેરસ પહેલાં જ સોના-ચાંદીની ચમક વધી છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં સોના-ચાંદીમાં રેકોર્ડ વૃદ્ધિની અસર સ્થાનિક બજારોમાં જોવા મળી છે. સ્થાનિક બજારોમાં આજે સોના-ચાંદીના ભાવ રૂ. 500 વધ્યા છે.

અમદાવાદ ચોક્સી બજારમાં આજે સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 79800 પ્રતિ 10 ગ્રામ સાથે ઐતિહાસિક ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. 500 ઉછળી રૂ. 92500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે તેના રેકોર્ડ લેવલ રૂ. 93000 પ્રતિ કિગ્રા નજીક છે.

એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77294ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77667ના ઓલટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.77294ના સ્તરને સ્પર્શી, રૂ.77107ના આગલા બંધ સામે રૂ.482 વધી રૂ.77589ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.543 ઊછળી રૂ.62250ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.7564ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.533ના ઉછાળા સાથે રૂ.77073ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93135 અને નીચામાં રૂ.91995ના મથાળે અથડાઈ, રૂ.91744ના આગલા બંધ સામે રૂ.1257ના ઉછાળા સાથે રૂ.93001ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1210ની તેજી સાથે રૂ.92824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1209ના ઉછાળા સાથે રૂ.92824ના ભાવ થયા હતા.

વૈશ્વિક સ્તરે પણ કિંમતી ધાતુની માગ વધતાં સ્પોટ ગોલ્ડ પ્રથમ વખત 2700 ડોલરનું લેવલ ક્રોસ કરી 2729.30 ડોલર પ્રતિ ઔંશની રેકોર્ડ સપાટીએ નોંધાયુ છે. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ, અમેરિકાની ચૂંટણી અંગે અનિશ્ચિતતાઓ અને ડોલર ઈન્ડેક્સ નબળો પડવા સહિતના પરિબળોના પગલે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે.

LKP સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે, “સોનાના ભાવ તેની મજબૂત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આ મજબૂત વલણ ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા દ્વારા પ્રેરિત છે. નજીકના ભવિષ્યમાં અપેક્ષિત વધુ ઘટાડા સાથે MCX સોનામાં વ્યાપક વલણ સ્પષ્ટપણે હકારાત્મક રહ્યું છે, તે વર્ષની શરૂઆતમાં રૂ. 68,000ના લેવલથી ઊંચકાઈ રૂ. 77,500ની ટોચે પહોંચ્યું છે. જ્યાં સુધી વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ યથાવત રહેશે ત્યાં સુધી સોના માટેનો બુલિશ અંદાજ અકબંધ રહેશે.”

ચાલુ કેલેન્ડર વર્ષ 2024માં સોનામાં આકર્ષક 22 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. દિવાળીથી દિવાળીના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 30 ટકા રિટર્ન છૂટ્યું છે. આગામી સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 78,500ના સંભવિત અપસાઇડ સાથે બુલિશ રહેશે. સપોર્ટ લેવલ રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યો છે. વર્તમાન તેજીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા ગાળામાં કરેક્શન આવી શકે છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે.

October 18, 2024
sumul-ghari-24.png
1min341

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચંદી પડવાએ સુરતમાં ખવાતી ઘારી પૈકીની 70-75 ટકા ઘારી સુરતની સુમુલ ડેરી દ્વારા બનાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં કહીએ તો સુમુલ ડેરીએ ઘારીનું 70-75 ટકા માર્કેટ સર કર્યું છે, જ્યારે બાકીની 25 ટકા ઘારીએ સ્થાનિક મીઠાઇની દુકાનવાળાઓ, જુદી જુદી મંડળીઓ વગેરે દ્વારા બનાવીને બજારમાં વેચવા મૂકાય છે.

આ વખતે 2024ના ચંદી પડવાએ સુમુલ ડેરી દ્વારા કમસેકમ 95 ટન જેટલી ઘારી એકલે હાથે બનાવીને બજારમાં મૂકી છે અને જે પણ કાઉન્ટર પર સુમુલ ડેરીની ઘારી વેચાવા મૂકી છે ત્યાંથી એ ચપોચપ ઉપડી ગઇ છે કેમકે ઘારીના એડવાન્સ ઓર્ડર જ એટલા હતા કે સ્ટોક મૂકાય એટલે વેચાઇ જાય છે.

સુરતીઓને સુમુલ ડેરીની ઘારી જ કેમ પસંદ એ અંગે જ્યારે સુમુલ ડેરીના રિટેલ કાઉન્ટર પરથી ઘારી ખરીદવા માટે આવેલા મહિલા નિકીતા શાહે જણાવ્યું કે સુમુલ ડેરીની ઘારી તેઓ છેલ્લા દસેક વર્ષથી આરોગી રહ્યા છે. તેઓ વિદેશમાં પણ પોતાના સગાસબંધીઓને સુમુલ ડેરીની જ ઘારી મોકલે છે. સુમુલની ઘારી એટલા માટે કે સુમુલ સહકારી ક્ષેત્રને અત્યંત વિશ્વસનીય સંસ્થા છે અને પોતાના જ દૂધ, શુધ્ધ ઘી તથા ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રુટમાંથી સુમુલ ડેરી દ્વારા ફ્રેશ ઘારી તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. ઘારીની બનાવટમાં જે પણ કોઇ મટીરીયલ વાપરવામાં આવે છે તેનું લેબોરેટરી પરીક્ષણ કરીને એ વાત નિશ્ચિત કરવામાં આવે છે કે જે તે મટિરિયલ હેલ્ધી છે કે નહીં. જો હેલ્ધી ન હોય તો જે તે ખરીદીનો સ્ટોક રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ પ્રકાર ડિટેલ માહિતી કેવી રીતે જાણો છો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ શિક્ષક છે અને અગાઉ તેમની શાળાના બાળકો સાથે સુમુલ ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી હતી.

આ પ્રકારનો રિવ્યુ સુમુલની ઘારી ખાનારા દરેક ગ્રાહકો પાસેથી મળી રહ્યો છે એટલે જ સુમુલ ડેરીએ ઘારીના માર્કેટમાં 75 ટકા જેટલો હિસ્સો સર કરી લીધો છે. અનેક લોકો સુમુલ ડેરીની ઘારી એટલા માટે પણ ખરીદી રહ્યા છે કેમકે સુમુલ ડેરીની ઘારીના ભાવ અને બજારમાં મળતી અન્ય ઘારીના ભાવમાં પણ ખાસ્સો ફરક છે. સુમુલ ડેરીની ઘારી સસ્તામાં સસ્તા દરે અને સારી ક્વોલિટીની હોવાથી સુરતીઓની મનપસંદ બની છે.

October 17, 2024
bomb-threat.png
1min309

ત્રણ દિવસમાં 19 જેટલી વિવિધ ફ્લાઈટસમાં બોમ્બ હોવાની ધમકીઓ મળતા ચોંકી ઉઠેલ દિલ્હી અને મુંબઈ પોલીસે આ મામલે અલગ-અલગ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરતાં છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ કરી હતી. આ કિશોરે તેના બાકી પૈસા નહીં ચૂકવતા મિત્રને ફસાવવા માટે તેના નામે ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના પરથી ધમકીઓ પોસ્ટ કરવાનું શરુ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો.

મુંબઈ પોલીસે એરલાઈન્સને મળેલી બોમ્બની ખોટી ધમકીના મામલે એક સગીર આરોપીને છત્તીસગઢના રાજનાંદગાવથ અટકાયતમાં લીધો હતો. પોલીસ આ પ્રકરણે સગીરના પિતાની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર બોમ્બની ધમકીભર્યામેસેદ છત્તીસગઢ રાજ્યના રાજનાંદગાવથી મોકલવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોનુસાર આરોપી સગીરનો તેના એક મિત્ર સાથે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. મિત્ર ઉધારી ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હોવાથી બદલો લેવાના આશયથી સગીરે તેના મિત્રતા નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને તેને ફસાવવા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.

મુંબઈથી ઉપડનારી ચાર ફ્લાઈટને સોમવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી હતી જેમાં ઈન્ડિગોની મુંબઈ-મસ્કત, મુંબઈ-જેદ્દાહ અને એર ઈન્ડિયાની મુંબઈ-ન્યુયોર્ક ફ્લાઈટનો સમાવેશ થતો હતો. આ બોમ્બ મુકવાની ધમકીઓ આપનાર 17 વર્ષનો છોકરો એક બિઝનેસમેનનો દીકરો છે. તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાતાં ચાર દિવસની કસ્ટડી આપવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર તેણે 12 ફેક કોલ અને મેસેજ કર્યા હતા.

October 15, 2024
Cia_business_news-1280x936.jpg
1min2723

કેન્દ્ર સરકારે ટફ બંધ કર્યાના અઢી વર્ષ બાદ રાજ્ય સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં અપગ્રેડેશન રૂંધાય નહીં તે માટે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પર 10થી 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી 2024નું લોકાર્પણ કર્યું અને જાણે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના ભાગ્ય ખૂલી ગયા હતા. કેન્દ્રએ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ખાસ કરીને નાના અને મધ્યમસ્તરના કાપડ ઉત્પાદક કારખાનેદારો માટેની ટફ સબસિડી સ્કીમ બંધ કર્યાના અઢી વર્ષ બાદ ગુજરાત સરકારે આજે જાહેર કરેલી ટેક્ષટાઇલ પોલિસીમાં ટેક્ષટાઇલ કારખાનેદારો માટે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની જાહેરાત કરી છે જેને લઇને સ્થાનિક ટેક્ષટાઇલ ઉદ્યોગકારોમાં ખુશાલી પ્રવર્તી ઉઠી છે.

મળતી પ્રારંભિક માહિતી મુજબ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી સ્વરૂપમાં નવું મૂડીરોકાણ કરનારા ઉદ્યોગ સાહસિકોને 10 ટકાથી લઇને 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કયા સંજોગોમાં 10 ટકા અને કયા સંજોગોમાં 35 ટકા સબસિડી મળશે તેની ડિટેઇલની રાહ જોવાય રહી છે. પરંતુ, રાજ્ય સરકારે ઇન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપવાની નીતિ વિષયક ઘોષણા કરીને સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને દિલ જીતી લીધા છે. ઇન્વેસ્ટમેન્ટ સબસિડીનો લાભ લેવામાં સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એકલા ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવે છે.

કેન્દ્ર સરકારની 1998થી ચાલી આવતી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ (ટફ) સ્કીમ માર્ચ 2022માં સમાપ્ત કરી દીધી હતી. ટફ સ્કીમમાં મશીનરીની કુલ કિંમતના 10 ટકા સબસિડી આપવામાં આવતી હતી. જેની સામે રાજ્ય સરકારે 10થી 35 ટકા સુધીની ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાની ઘોષણા કરી છે.

એથી વિશેષ બેંક ધિરાણ પર લાગૂ પડતા વ્યાજમાં 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી આપવાનું પણ એલાન ગુજરાત ટેક્ષટાઇલ પોલિસીમાં કરવામાં આવ્યું છે.

એવી જ રીતે ઇલેક્ટ્રીસિટી ટેરીફ પ્રતિ યુનિટ રૂ.1ના દરે આપવાની પણ નીતિ વિષયક ઘોષણાને કારણે સુરતના વીવીંગ નીટીંગ ઉદ્યોગકારોને મોટો ફાયદો થાય તેમ માનવામા આવે છે.

એવી જ રીતે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રોજગારીનું સર્જન વધારે થાય તે માટે રૂ.5 હજાર સુધી પ્રતિ કર્મચારી પેરોલ સપોર્ટ આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

October 15, 2024
traudo-vs-modi-1280x720.jpg
1min307

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની કથિત હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian PM Justin Trudeau) વારંવાર ભારત વિરુદ્ધ અવાર-નવાર ઝેર ઓકતા રહે છે. ટ્રુડો સરકારે નિજ્જર કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ‘વ્યક્તિગત હિત’નો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવી લીધા બાદ વધુ એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેનેડાના હાઈકમિશનર સહિત છ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી દીધા છે. ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા આદેશ આપ્યો છે. આ રાજદ્વારીઓમાં કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, ફર્સ્ટ સેક્રેટરી એડમ જેમ્સ, ફર્સ્ટ સેક્રેટરી પૌલ ઓર્જુએલાના નામ સામેલ છે.

આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સાંજે કેનેડાના કાર્યકારી રાજદ્વારીને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું છે કે, કોઈપણ પુરાવા વિના ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ લગાવવા અસ્વીકાર્ય છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા આરોપોથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે. અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષા માટે વર્તમાન કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકતા રહે છે. અગાઉ તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે તેમની સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે પોતાના રાજદ્વારીઓને ત્યાંથી પરત બોલાવી અને ભારતમાંથી કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢી ટ્રુડો સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે.

વાસ્તવમાં કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ નિજ્જરની હત્યાની તપાસમાં ‘વ્યક્તિગત હિત’ રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપી ભારતીય હાઈ કમિશનર પર આરોપ લગાવવાના કેનેડાના પ્રયાસોના જવાબમાં કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. હવે ભારતે આકરો નિર્ણય લઈ ભારતીય હાઈકમિશનરને તાત્કાલિક ભારત બોલાવી દીધા છે.

કેનેડાના પાયાવિહોણા આક્ષેપોને રદિયો આપતા ભારતે કહ્યું હતું કે, અમે કેનેડાના કોઈપણ આક્ષેપોને સાંભળવાના નથી. આ પહેલા વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય હાઈકમિશનર હત્યાની તપાસમાં રસ રાખનાર વ્યક્તિ હોવાના આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. ભારતે વળતો જવાબ આપી કહ્યું હતું કે, કેનેડાની સરકાર પુરાવા વગર અમારા અધિકારીઓને બદનામ કરી રહી છે. તેમની સરકાર પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીઓને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ પાયાવિહોણા દાવાઓ કરી રહી છે.

October 13, 2024
mohan-bhagwat.png
1min313

દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.

નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક રીતે યોજાતી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ઓટીટી પ્લેટફોર્મ છે અને તેના પર કાયદાકીય અંકુશો લાદવા જરૂરી છે. ઓટીટી પર દેખાડવામાં આવતી વસ્તુઓ એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેના વિશે વાત કરવું પણ અસભ્ય ગણાશે, એટલે હું કહું છું કે તેના પર કાયકાદીય અંકુશો લાદવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંઘ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની સ્થાપનાના દિવસે આજે નાગપુરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ નિમિત્તે મોહન ભાગવત બોલી રહ્યા હતા અને એ દરિમયાન તેમણે ઓટીટી પર પીરસવામાં આવતી હિંસક તેમ જ અશ્લીલ સામગ્રી સામે આંગળી ચીંધી હતી. આ સામગ્રીના કારણે યુવાનો, બાળકો, કુમળી વયના જનમાનસ પર અવળી અસર પડતી હોવાનું મોહન ભાગવતે જણાવ્યું હતું.

આ વર્ષે આરએસએસ 100મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેના કારણે આ વખતના સ્થાપના દિવસનું મહત્ત્વ હોઇ બધાની નજર મોહન ભાગવત શું કહે છે તેના પર હતી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ એક પોડકાસ્ટમાં આરએસએસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.

October 13, 2024
baba-siddiqui.png
1min417

મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.

બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.

બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.

ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે

ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’

નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.

બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.

બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.

બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.

October 10, 2024
milton.jpg
1min281

ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટામ્પા બે વિસ્તારમાં કેટેગરી ફાઇવ હરિકેન મિલ્ટન બુધવારે મોડી રાત્રે અથવા ગુરૂવારે સવારે 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. સત્તાવાળાઓએ આ વિસ્તારને ખાલી કરવાની તાકીદ કરી હોવા છતાં ઘણાં રહેવાસીઓએ આ સ્થળે રહેવાનો આગ્રહ રાખતાં અધિકારીઓએ તેમના બચવાની તકો ઓછી હોવાનું જણાવી તેમને ચેતવ્યા છે. હરિકેન સેન્ટર દ્વારા અપાયેલી ચેતવણી અનુસાર વેસ્ટ સેન્ટ્રલ ફલોરિડામાં મિલ્ટન સૌથી વિનાશક વાવાઝોડું બની રહેશે. ચેતવણીને પગલે ફલોરિડાવાસીઓએ કારમાં બેસી વિસ્તાર ખાલી કરવા માંડતા હાઇવે પર કારોની લાંબી લાઇન જોવા મળી હતી. દરિયામાં પંદર ફૂટ ઉંચા પાણીના મોજાં ઉછળશે તો શહેરમાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઇ જશે તેવી આગાહી ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કરી હતી.

સૌથી વિનાશક ગણાતું આ વાવાઝોડું હાલ ટેમ્પાથી 485 કિમીના અંતરે 260 કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ફલોરિડા તરફ કલાકે 22 કિમીની ઝડપે આગળ ધસી રહ્યું છે. ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ છે. ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને કારણે વિનાશક પૂર આવશે.

હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકવાની તૈયારીમાં છે. હેલેન વાવાઝોડામાં ૨૩૦ લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે મિલ્ટન વાવાઝોડાંમાં આ ભંગાર ઉડશે તો તે વિનાશક બની જશે. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે સરકારે ૩૦૦ કચરાં ગાડીઓને તહેનાત કરી 1300 ટન ભંગાર દૂર કર્યો છે.

હેલેન વાવાઝોડાંનો ભોગ બનેલા લોકો હવે મિલ્ટન વાવાઝોડાં સામે કોઇ ચાન્સ લવા માંગતા નથી. લોકોના પેટમાં આ વાવાઝોડાની આગાહી થતાં જ ફાળ પડી છે. મોટાભાગના લોકો કારમાં બેસી ફલોરિડાથી રવાના થવા માંડયા છે. તો અમુક લોકો એવા પણ છે જેમણે હેલેન હરિકેન દરમ્યાન ભારે નુકસાન થવા છતાં હરિકેન મિલ્ટન દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવાની તૈયારી કરી લીધી છે.

October 10, 2024
ratan-tata.png
1min353

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 9, 2024
crime.jpg
1min451

રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.