વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ ભારત સાથે અણગમો લાગે છે, ચંદ્રાબાબુ નાયડુ સાથે ફાવ્યું નહીં, કર્ણાટકમાં ભાજપ ફાવી નહીં, દક્ષિણના રાજ્યોમાં મુલાકાતો પણ ઓછી અને પ્રોજેક્ટ પણ ઓછા

મંગળવાર તા.2જી એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસનો મેનીફેસ્ટો જાહેર કરવા સાથે અનેક બાબતોના સ્પષ્ટીકરણ આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે કયા કારણોથી તેમણે વાયનાડ બેઠક પસંદ કરી તેની સ્પષ્ટતા કરી હતી. બીજી લોકસભા બેઠક પરથી લડવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાનને દક્ષિણ ભારતથી અણગમો હોય તેમ અહીંના લોકો અનુભવી રહ્યા છે. તેમને લાગે છે કે દેશના મહત્વના નિર્ણયોમાં તેમને સ્થાન મળતું નથી. હું તેમને સંદેશ આપવા માંગુ છું કે હું તેમની સાથે છું.’
રાહુલ ગાંધીએ એ બાબતે અંગુલી નિર્દેશ કરીને ભાજપને ઘેર્યું છે કે દક્ષિણ ભારત સાથે ભાજપા કે મોદીને ફાવતું નથી. દક્ષિણના રાજ્યો માટે કોઇ ખાસ પ્રોજેક્ટ નથી આપ્યા જેટલા ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરના રાજ્યોને આપ્યા છે.
વાયનાડ બેઠક રાજકીય દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની છે અને તે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ એમ ત્રણ રાજ્યોને જોડતી બેઠક છે. વાયનાડ એક ગ્રામ્ય જીલ્લો છે જ્યાં કોંગ્રેસ મજબૂત પકડ ધરાવે છે. નવા સીમાંકન બાદ 2008માં મલ્લપુરમ, કોઝીકોડ અને કન્નુરમાંથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે.
આ સાથે દક્ષિણ ભારતમાંથી લોકસભા બેઠક પસંદ કરનારા કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના ત્રીજા નેતા બન્યા છે. અગાઉ ઈન્દિરા ગાંધીએ 1978માં કર્ણાટકના ચિકમંગલુર બેઠકથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ 1998માં બેલારીથી સોનિયા ગાંધી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.



















