CIA ALERT

Alert Archives - Page 395 of 521 - CIA Live

April 1, 2019
mohan_kundaria.jpg
1min6220
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
April 1, 2019
tapti-1.jpg
1min10990

તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.

બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.

April 1, 2019
bharuch-1280x1011.png
1min6320

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કૉંગ્રેસના હજુ ૧૩ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કૉંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોટો ખુલાસો કર્યો હતો.

અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, અમે અહેમદભાઈને ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ બે દિવસમાં નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. અન્ય બેઠકો પર પણ કૉંગ્રેસને સારું પરિણામ મળશે. સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.

જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કૉંગ્રેસમાં નવી ઊર્જા આવશે. અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કૉંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહિ તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ૧૯૮૯ અને ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

April 1, 2019
gujarat_map-1280x1023.png
1min7700

લોકસભાની ચૂંટણી માટે મધ્યગુજરાતની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો આ ચૂંટણીમાં ભાજપ માટે પડકારરૂપ બની શકે તેમ છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠકોમાંથી વડોદરા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ૨૦૧૪માં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો બાદ નવા રાજકીય સમીકરણ સર્જાઈ શકે તેમ છે. ભાજપ માટે પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક પડકાર રૂપ રહેશે તેમ મનાય છે.

એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર આદિવાસી પટ્ટામાં ભાજપને નવો પડકાર આપી શકે તેમ છે. ૨૦૧૪માં મધ્ય ગુજરાતમાં તમામ પાંચેય બેઠકો ભાજપને ફાળે રહી હતી, જ્યારે ૨૦૧૭માં વિધાનસભાની ૩૫ બેઠકોમાંથી ભાજપને ફાળે ૨૦ બેઠકો, કૉંગ્રેસને ફાળે ૧૧, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ને ૨ અને ૨ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. પાછળથી લુણાવાડાના અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો જાહેર કર્યો હતો, જ્યારે મોરવાના ધારાસભ્યએ કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વડોદરામાં ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને જંગી સરસાઈથી વિજયી થયા હતા. વડોદરા ૨૦૧૪ લોકસભા બેઠક પરથી ભાજપને ૭૧.૯૩ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૨૬.૯૪ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૧૪માં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના રંજનબેન ભટ્ટ ૭૨.૭૫ ટકા મત સાથે જંગી સરસાઈથી વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસને ફક્ત ૧૫.૩૫ ટકા મત જ મળ્યા હતા. આ ઉપરાંત લોકસભા ૨૦૦૯માં ભાજપને ૫૭.૪૦ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૯.૧૯ ટકા મત મળ્યા હતા. તે પૂર્વે લોકસભા ૨૦૦૪માં ૩૮.૪૫ ટકા મત ભાજપને ફાળે ગયા હતા, જ્યારે ૪૭.૪૪ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા. બીજી તરફ પંચમહાલમાં પ્રભાતસિંહ સોલંકી વિજયી થયા હતા. ૨૦૧૫ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫૪.૪૫ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૬.૧૭ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૪૬.૫૦ ટકા મત સામે કૉંગ્રેસને ૪૬.૧૫ ટકા મત મળ્યા હતા.

એવી જ રીતે ભરૂચ લોકસભા ૨૦૧૪માં મનસુખ વસાવા વિજય થયા હતા તેઓને ભાજપ વતી ચૂંટણી લડતા ૫૧.૭૭ ટકા મત મેળવ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૭.૩૨ ટકા મત મળ્યા હતા. લોકસભા ૨૦૦૯ના પરિણામ જોઈએ તો ભાજપને ૪૧.૫૦ ટકા મત જ્યારે કૉંગ્રેસને ૩૭.૮૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૪૪.૦૧ ટકા મત અને કૉંગ્રેસને ૩૩.૪૦ ટકા મત મળ્યા હતા, જ્યારે લોકસભા ૨૦૧૪માં છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા ૫૫.૨૪ ટકા મત સાથે વિજયી બન્યા હતા, જેની સામે કૉંગ્રેસને ૩૮.૯૧ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯માં ૪૬.૨૦ ટકા મત ભાજપને અને કૉંગ્રેસને ૪૨.૬૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૩૭.૮૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૪.૩૫ ટકા મત મળ્યા હતા. દાહોદ લોકસભા-૨૦૧૪ પર નજર નાખીએ તો જશવંતસિંહ ભાભોર ૫૬.૭૭ ટકા મત સાથે વિજયી થયા હતા જેની સામે કૉંગ્રેસને ૩૧.૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૩૫.૯૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૬.૮૯ ટકા મત મળ્યા હતા, જ્યારે ૨૦૦૪માં ૪૪.૬૬ ટકા મત ભાજપને જેની સામે ૪૩.૯૯ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા.

April 1, 2019
rahul.jpg
1min4850

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ‘પ્રાઇમ મિનિસ્ટર’ (વડા પ્રધાન) કરતાં વધુ ‘પબ્લિસિટી મિનિસ્ટર’ છે. તેમણે જણાવ્યું હતું કે મોદી ધમંડી હોવાથી નબળા પડી ગયા છે. તેઓ માત્ર પોતાને જ પ્રમૉટ કરવામાં માને છે.

શું તમે લોકસભાની ચૂંટણી પછી વડા પ્રધાન બનશો? એવા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જનતા ‘માસ્ટર્સ’ છે અને હું તેઓ માટે કામ કરું છું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી વખતે આપેલા વચન હજી સુધી પૂરા કરી નથી શક્યા.

કૉંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, નિષ્ફળ અર્થતંત્ર અને મોદીનો ‘અંગત ભ્રષ્ટાચાર’ દેશ સામેના મહત્ત્વના મુદ્દા છે. તેમણે જણાવ્યું હતું કે મોદીએ દરેકના બૅન્ક ખાતામાં રૂપિયા ૧૫ લાખ જમા કરવવાનું, બે કરોડ રોજગારી ઊભી કરવાનું, ૧૦૦ સ્માર્ટ સિટી તૈયાર કરવાનું અને વિદેશમાંથી કાળું ધન પાછું લાવવાનું ખોટું વચન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રસારમાધ્યમોને ફૉન કૉલ્સથી તેમ જ સીબીઆઇ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટની ધમકી આપીને તેઓ પાસે ખોટો પ્રચાર કરાવાય છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની નીતિ નિષ્ફળ ગઇ છે અને બેરોજગારી તેમ જ ખેડૂતોની સમસ્યા વધી ગઇ છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમને લોકસભાની આ ચૂંટણીમાં ગયા વખતની સરખામણીમાં ઘણી વધુ બેઠક મળવાની આશા છે.

તેમણે દાવો કર્યો હતો કે અમારો પક્ષ કાર્યકરોની સાથે સંદેશવ્યવહાર કરવામાં આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યો છે. ‘શક્તિ’ નામના પ્લેટફૉર્મ પર એક કરોડથી વધુ કાર્યકર નોંધાયા છે.

March 31, 2019
sachin-1280x901.jpg
1min4810

ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરે મુંબઇમાં સિલ્વર ઓકમાં આવેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાને શનિવારે સવારે ખાસ મુલાકાત કરી હતી. બંને વચ્ચે સવારે 10.45 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી ચર્ચા થયા બાદ સચિન પણ ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી મારે તેવા એંધાણ દેખાઇ રહ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીની લહેર ચાલી રહી છે અને તે દરમિયાન સચિન અને શરદ પવારની મુલાકાત રાજકારણના વિષયની હોઇ શકે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, પણ અત્યાર સુધી તે મુલાકાતનું કારણ બહાર પાડવામાં આવ્યું નથી. આ પહેલા સચિન રાજ્યસભાનો સભ્ય હતો, પરંતુ ગૃહમાં તેની ઓછી હાજરીને કારણે વિવાદ થયો હતો.

March 31, 2019
ANND.png
1min9690

આણંદ લોકસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસાકસીભરી બનશે. જેમાં યુવા મતદારોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતા આણંદ જિલ્લામાં નોંધાયેલા કુલ 16,52,739 મતદારો પૈકીના 18 થી 40 વર્ષની વયના 8 લાખ જેટલા યુવા મતદારો છે. જેઓ આ વખતની લોકસભાની ચૂટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. રાજકીય પક્ષો પણ યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે આધુનિક ટૅકનોલૉજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પચાસ ટકા યુવા મતદારો આ વખતે નિર્ણાયક બનશે.

આણંદ જિલ્લામાં 16,52,739 મતદારો નોંધાયેલા છે. જેમાં 18 થી 19 વર્ષના 28,102 અને 20થી 29 વર્ષના 3,41,730 તેમજ 30થી 39 વર્ષના 4,13,831 સાથે કુલ 7,83,663 લાખ જેટલા યુવા મતદારો છે. જે કુલ મતદારો પૈકીના પચાસ ટકા જેટલાં થાય છે. જેમાંથી 18 થી 19 વર્ષની વય ધરાવતા 28,102 મતદારો પ્રથમવાર જ આ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 40થી 49 વર્ષના 3,31,604, 50થી 59 વર્ષના 2,59,802, 60થી 69 વર્ષના 1,63,710, 70થી 79 વર્ષના 81,917 અને 80 વર્ષની વધુ ઉંમરના 26,643 મતદારો નોંધાયા હતા. જેઓ પણ આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાના ભાવિ નેતાને ચૂંટવા માટે અગત્યની ભૂમિકા ભજવશે.

ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આધુનિક ટૅકનોલૉજીનો ઉપયોગ કરતા યુવાઓને આકર્ષવા માટે ઇન્ટરનેટના માધ્યમથી, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ઇ-મેઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2009 અને 2014ની લોકસભા ચૂંટણીઓમાં પણ આ જ યુવા મતદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ 50 ટકા મતદારોમાં પણ 25 ટકા ઉપરાંત મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ શહેરી વિસ્તારના છે.

March 31, 2019
modi.jpg
1min11000

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક રેલીને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસ સરકારની નીતિના કારણે આસામ અને ઈશાનનાં રાજ્યો વર્ષોથી ઘૂસણખોરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

તેમણે યુવા વર્ગને કહ્યું હતું કે તમારા પિતા-દાદા પાસેથી જાણો કે આસામનો કૉંગ્રેસે વારંવાર વિશ્ર્વાસઘાત કર્યો છે. દેશહિતની વિરુદ્ધ કામ કરનારાને આસામની જનતા ટેકો આપશે? એવો પ્રશ્ર્ન રેલીમાં કર્યો હતો. દેશની પ્રગતિથી કૉંગ્રેસ ખુશ નથી, તેઓ આસામના વિકાસની કાળજી શું લેવાના? એવો પ્રશ્ર્ન કર્યો હતો. ચૂંટણીમાં જનતાના સમર્થન માટે તેમણે અપીલ કરી હતી.

કૉંગ્રેસે હંમેશાં જનતાને છેતરી છે, પરંતુ તમારો ચોકીદાર ઘૂસણખોરી, આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડતો રહેશે. રાષ્ટ્રહિત માટે જનસંઘ અને પક્ષના ટોચના નેતા જેવા કે અટલ બિહારી વાજપેયીએ બંગલાદેશની આઝાદી દરમિયાન અવાજ ઉઠાવ્યો હતો.

સરકારની સિદ્ધિ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે ચાના બગીચામાં કામ કરતા લોકો માટે પીએમ શ્રમયોગી માન ધન યોજના તમારા ચોકીદારે શરૂ કરી છે. આ યોજના સાથે સંલગ્ન લોકોને 60 વર્ષ બાદ મહિને રૂ. 3000નું પેન્શન મળશે.

એનડીએ સરકાર આસામ કરાર બાબતમાં પ્રતિબદ્ધ છે અને છ કોમ્યુનિટીનો શિડ્યુલ્ડ ટ્રાઈબ દરજ્જો અપાશે એમ મોદીએ કહ્યું હતું. આઝાદીનાં 70 વર્ષ બાદ ફક્ત 40 ટકા પરિવારને વીજજોડાણ મળ્યા હતા અમારી સરકારે તમામને જોડાણ

આપ્યાં છે.

March 31, 2019
Tej_Pratap_Yadav-1.jpeg
1min5000

લશ્કરના જવાનોને ગુણવત્તાસભર ખોરાક આપવામાં ન આવતો હોવાની ફરિયાદ કરનાર બીએસએફના જવાન તેજ બહાદુર યાદવે હરિયાણાના રેવારી ખાતે શુક્રવારે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તે ઉત્તર પ્રદેશના વારાણસી મતદારક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઊભો રહેશે.

 

હું અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસી મતદારક્ષેત્રમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડીશ એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે લશ્કરી દળમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા હું ચૂંટણી લડવા માગું છું.

લશ્કરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો મેં ઊપાડ્યો હતો, પરંતુ મને બરતરફ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે મારું સૌપ્રથમ લક્ષ્ય લશ્કરી દળને મજબૂત કરવાનું અને તેમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું છે.

જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પાસેના પર્વતીય વિસ્તારમાં ફરજ બજાવતા લશ્કરી દળના જવાનોને હલકી ગુણવત્તાનો ખોરાક પૂરો પાડવામાં આવતો હોવાનું દર્શાવતો વીડિયો યાદવે વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો જેને પગલે તેને બરતરફ કરવામાં આવ્યો હતો.

March 30, 2019
eway_bill.jpg
1min10300

GSTની ચોરી અટકાવવા ઇ-વે બિલમાં નવા ફેરફાર થશે

જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

  • એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાશે
  • પોસ્ટલ પીનલ કોડના આધારે માલ હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે
  • ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે


ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.

સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્‌નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.

અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.  જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.

નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.

ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.