CIA ALERT

Alert Archives - Page 217 of 518 - CIA Live

October 30, 2020
Civil-Bribe.jpg
1min7060

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ચાલી રહેલા ભ્રષ્ટ વહિવટને ઉજાગર કરતી બનેલી ઘટનામાં ગઇ તા.29મી ઓક્ટોબર 2020ને ગુરુવારે અમદાવાદમાં બે સરકારી તબીબો રૂ.8 લાખની લાંચના કેસમાં આબાદ ઝડપાઇ ગયા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો હોસ્પિટલના કેટરિંગ કોન્ટ્રાક્ટરનું બિલ ક્લીયર કરાવી આપવાના બદલામાં રૂપિયા માગ્યા હતા. કેટરિંગ કોન્ટ્રાક્ટરના બાકી રહેલા 1 કરોડ પેમેન્ટને છૂટું કરાવી આપનાના બદલામાં લાંચ માગી હતી.

Sola Civil in-charge RMO, administrative officer caught taking Rs 8L bribe

સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

October 30, 2020
corona-gujarat.jpg
1min5100

રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર ઉત્તરોત્તર વધીને આજે ૯૦ ટકાને પાર થયો છે. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ ૯૮૭ કેસનો ઉમેરો થયો છે જ્યારે સારવાર હેઠળના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧,૭૧,૦૪૦ સુધી પહોંચી છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૧,૫૪,૦૭૮ થઇ છે એટલે કે ૯૦.૦૮ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અલબત્ત, મૃત્યુ આંક ૩૭૦૮ સુધી પહોંચ્યો છે જે ૨.૧ ટકા જેટલો થવા જાય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી ૨૨૩ કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી ૧૬૨ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાંથી ગુરુવાર સાંજ સુધીમાં નવા ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના ૧૨ કેસ છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. એક સપ્તાહમાં વધઘટ પછી વડોદરમાં એકાએક કેસ વધીને ૭૯ સુધી પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૮ કેસ ઉમેરાયા છે. રાજકોટમાં રફતાર ધીમી પડી હોય તેમ નવા ૫૭ કેસ અને ગ્રામ્યના ૩૯ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૦ મળી ૨૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાંથી કુલ ૩૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭ કેસ સાથે એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે. 

ખેડા અને મોરબી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, અરવલ્લીમાંથી ૧૧, આણંદ ૯, ભરૂચ ૭, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુરમાંથી ૪-૪ કેસ, દાહોદ, તાપી, નવસારીમાંથી ૩-૩ કેસ, બોટાદ, મહીસાગર અને પોરબંદરમાંથી ૨-૨ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે નવા ૫૨,૯૮૯ ટેસ્ટ કરાયા હતા એનો કુલ આંક ૫૯,૫૦,૬૧૬ સુધી પહોંચ્યો છે જ્યારે હાલ એક્ટિવ કેસ ૧૩,૨૫૪ છે એમાંથી ૬૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૩૧૯૩ સ્ટેબલ છે.

October 29, 2020
neetresults-1280x1168.jpg
1min15980

ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન નંબર રૂ.200 ઓનલાઇન પેમેન્ટ થકી મેળવવાનો રહેશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન નંબર મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પરથી મેળવી શકાશે.

http://medadmgujarat.org/

October 29, 2020
kesubhai.jpg
1min5850

ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

PM Modi

કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.

રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.

કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

October 28, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8720

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યના શિક્ષણ વિભાગથી ખાસ્સા નારાજ ગુજરાતના ખાનગી સ્કુલોના સંચાલકોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થાય તેમ છે. આમેય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સામે શાળા સંચાલકો મૂંગા મોઢે 25 ટકા બેઠકો પર બાળકોને સમાવી રહ્યા છે, હવે એ બાળકોના અભ્યાસની વાર્ષિક રૂ.10 હજાર ફીમાં પણ ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ 25 ટકા રાહત શાળાઓએ સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિએ તાજેતરમાં જારી કરેલા એક પરિપત્રમાં આ મતલબનો એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે જેમાં ચાલુ વર્ષે કોવીડ-19ની સ્થિતિમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ હોઇ, વાલીઓની માગણી અનુસાર ગુજરાત સરકારે શાળાઓને 25 ટકા ફી માફી આપવા જણાવ્યું છે. વાલીઓને ભલે સરકારની 25 ટકા ફી માફી નથી જોઇતી પરંતુ, સરકાર એટલે કે સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિના પરિપત્ર અનુસાર ત્યાંની સ્કુલોએ આર.ટી.ઇ.માં પ્રવેશાર્થી બાળકોની ચૂકવવાની થતી રૂ.10 હજારની વાર્ષિક ફીમાં 25 ટકા રાહત આપીને માગણું તૈયાર કરવું પડે એમ છે. આમ, આ રેલો જે સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે તો શાળા સંચાલકોની સ્થિતિ વધુ કફોડી બને તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિએ પરિપત્ર કર્યો છે. જેમાં આરટીઈ સંદર્ભની તમામ માહિતી ખાનગી શાળાઓ પાસેથી માગવામાં આવી છે. આ પરિપત્રમાં એક મુદ્દામાં જણાવ્યું છે કે ‘ગત વર્ષે ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલી ફીના વાર્ષિક 75 ટકા લેખે બે સત્રમાં ચૂકવવાની થતી હોય તે મજુબ શાળા ફી અંગેની માહિતી તૈયાર કરવાની રહેશે’.આ મુદ્દાનું અર્થઘટન સરકારે આરટીઈ હેઠળ ખાનગી શાળાને ચુકવવાની થતી ટયુશન ફીમાં 25 ટકા રાહત લીધી હોવાનું થઈ રહ્યું છે.

અગ્રણી શાળા સંચાલકો કહે છે સરકારની ક્લેરિટી જરૂરી

સુરતના અગ્રણી પ્રાઇવેટ સ્કુલના ટ્રસ્ટી કહે છે કે આ મુદ્દો હજુ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ઉપસ્થિત થયો છે. પરંતુ, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને રાજ્ય સરકારે આ વિષયમાં સ્પષ્ટતા કરવી જોઇએ. આમેય શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ચૂકી છે ત્યારે જો સરકાર તરફથી 25 ટકા ફી કાપી લેવામાં આવશે તો વધુ ફટકો શાળા સંચાલકોએ સહન કરવો પડશે.

ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું કે..

મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ અંગે મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે આ પરિપત્ર મુજબ સરકારને પણ વાલીઓની જેમ રપ ટકા રાહત જોઈએ છે. અમને દર વર્ષે આરટીઈના વિદ્યાર્થીની ટોકન દરે માત્ર 10 હજાર રૂપિયા ફી ચુકવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે 25 ટકા ફી કાપીને આપવાનો પરિપત્ર થયો છે. જે અમને ખુબ અન્યાયકર્તા છે. આ મામલે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી મહામંડળે દર્શાવી છે.

October 28, 2020
voting.jpg
1min7540
Bihar Vidhan Sabha Chunav 2020 Live Updates Ist phase of Voting

ગત માર્ચ 2020માં કોરોના લૉકડાઉન બાદ ભારતમાં સૌથી પહેલી વખત ડાયરેક્ટ વોટિંગ યોજાઇ રહ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે તા.28મી ઓક્ટોબરે સવારે 7ના ટકોરે બિહારની કુલ 71 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે વોટિંગ શરૂ થયું હોવાના અહેવાલો મળ્યા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મંદ ગતિએ ઠીકઠીક મતદાન નોંધાયું હતું.

પ્રથમ તબક્કાના મતદાનમાં 1066 ઉમેદવારોનું ભાવિ બે કરોડ કરતાં વધુ મતદારો પૈકી સાંજે 6 વાગ્યા સુધીમાં જેટલા મતદારો મતદાન કરશે એ ઇવીએમમાં સીલ થઇ જશે.

Bihar Assembly Election 2020 Voting Live Updates: Bihar Vidhan Sabha  Election/Chunav, Voting Percentage, Exit Poll Results, Latest News

આજે કુલ 54 બેઠકો પર એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જ્યારે બાકીની 17 બેઠક પર ત્રિકોણીય મુકાબલો યોજાઇ રહ્યો છે.

આજે પહેલા તબક્કાના મતદાન બાદ બીજા બે તબક્કા સાથે બિહાર વિધાનસભા ચૂંટણી ૩ તબક્કામાં પૂર્ણ થશે.

પ્રથમ તબક્કાની બેઠકોમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી RJD 42, કોંગ્રેસ 21 અને સીપીઆઇ માલેના 8 ઉમેદવાર મેદાનમાં છે જ્યારે નીતીશકુમારની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન તરફથી JDUના 35, ભાજપના 29, હિંદુસ્તાન અવામ મોરચાના 6 અને વીઆઇપીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

October 27, 2020
ipl2020.jpg
1min5190

આઇ.પી.એલ. માં જાણો ચોથી ટીમ કઇ હશે

મુંબઇ ઇન્ડીયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ ત્રણ ટીમ ટોપ થ્રી ટીમ બને એવી શક્યતા 95 ટકા છે.

આ ત્રણ ટીમો જ આઇ.પી.એલ. 2020માં મેક્સિમમ 20 પોઇન્ટ સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં છે. આ ત્રણ પૈકી જો કોઇ એક ટીમ મેક્સિમમ 20 પોઇન્ટ સુધી પહોંચશે તો બાકીની બન્ને ટીમ 20 પોઇન્ટ સુધી પહોંચી શકશે નહીં.

આ ત્રણ સિવાય કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ચોથા પ્લેસ માટે કોમ્પિટીશન જોવા મળે તેવા સંજોગો છે.

આઇ.પી.એલ.માં હવે 10 મેચ બાકી છે અને આ 10 મેચના પરીણામો કુલ 1024 રીતે આઇ.પી.એલ.ને પ્લેઓફમાં સ્પર્શી શકે તેમ છે.

હાલના તબક્કે 8 પૈકી ચેન્નઇ સુપર કિંગ્સ એવી ટીમ છે જેના પ્લેઓફ રાઉન્ડમાં જવાના કોઇ જ ચાન્સિસ નથી.

રાજસ્થાનની શક્યતાઓ

રાજસ્થાન રોયલ્સની હવે 2 મેચ બાકી છે. આ બન્ને મેચો રાજસ્થાન રોયલ જીતે એ પછી પણ પ્લેઓફ માટે તેની શક્યતાઓ ફક્ત 3 ટકા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની શક્યતાઓ

સનરાઇઝર્સ હૈદરાબાદની હજુ 3 મેચ બાકી છે. આ ત્રણેય મેચો હૈદરાબાદ જીતે આમ છતાં પણ તેના પ્લેઓફમાં જવાના ચાન્સિસ જો અને તો પર રહેશે. ફક્ત 7 ટકા પોસિબ્લિટી છે કે હવે પછીની ત્રણેય મેચો જીત્યા પછી પણ હૈદરાબાદ આઇ.પી.એલ. પ્લે ઓફમાં ચોથી ટીમ બની શકે.

ઉપરોક્ત કારણો અને શક્યતાઓને જોતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બે ટીમો વચ્ચે ચોથા ક્રમના સેમિફાઇનલિસ્ટમાં સ્થાન પામવા ભારે રસાકસી જોવા મળે તેમ છે.

October 27, 2020
Sanket_mehta.jpg
1min4920

કોરોના ઇન્ફેકશનના સૌથી જૂજ લક્ષણોનો શિકાર બનેલા સુરતના યુવા ડોક્ટર સંકેત મહેતા બિલકુલ સ્વસ્થ થઇને ચેન્નઇ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થયા છે. ડો.સંકેત મહેતા જયારે કોરોનાગ્રસ્ત હતા અને ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ પેશન્ટને ઓક્સિજન સપોર્ટ આપવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 28 જુલાઈના રોજ પહેલીવાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરતના BAPS હોસ્પિટલમાં દાખલ ડો. મહેતાની તબિયત વધુ ખરાબ થતા તેમને ચેન્નઇની MGM હોસ્પિટલ બાય એર એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવ્યા હતા.

તબીબોના જણાવ્યા અનુસાર ડો. સંકેત મહેતાને એવા પ્રકારનું ઇન્ફેકશન થયું હતું જેના કેસો વિશ્વમાં કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હશે. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ડો.સંકેત મહેતાને વધુ સારવાર માટે ચેન્નઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચેન્નઇ ખાતે ડો. સંકેત મહેતાના ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવ્યા હતા.

ડો. મહેતા 96 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ગુજરાતમાં કોઈપણ કોવિડ 19ના દર્દી માટે હોસ્પિટલમાં રહેવાનો આ સૌથી વધુ સમય છે.

ડો. મહેતાના પત્ની પિનલના જણાવ્યા મુજબ હાલમાં ડો.સંકેત મહેતાનું સ્વાસ્થય નોર્મલ સ્થિતિ ધરાવે છે, બોલવામાં હજુ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ સાઇન લેંગવેજમાં વાત કરે છે. પરંતુ તેઓ નોર્મલ રીતે શ્વાસોશ્વાસ લેવામાં સક્ષમ છે. તેમણે પોતાની સાઇન લેંગવેજથી જણાવ્યું કે વૃદ્ધ દર્દીને ઓક્સિજન સપ્લાયની મદદ કરીને તેઓ ખૂબ જ ખુશ છે.’


ચેન્નઇની MGM હોસ્પિટલ જ્યાં ડો. સંકેત મહેતાની ટ્રીટમેન્ટ થઇ એ હોસ્પિટલના કાર્ડિયાક સાયન્સના ડિરેક્ટર અને ચેરમેન ડો. કે.આર. બાલાક્રિશ્નને કહ્યું કે ‘આગામી એક મહિનાના સમયગાળામાં ડો. સંકેત મહેતા ફરી તેમનો તબીબી વ્યવસાય કરી શકશે. તેઓ હવે ફૂલ રિકવર થઈ ગયા છે અને હવે તેમને ફક્ત સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની જરુર છે.’


October 27, 2020
naresh_kanodia.jpg
1min5810

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

October 27, 2020
ground_nuts.jpg
1min5490

મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.

મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.

ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.

જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.

સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.

જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી

જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.