ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાની ચિંતન બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ ભાજપાના સુપ્રીમો સી.આર. પાટીલે એક વાત સાફ કરી દીધી હતી કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સમેત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા લાગૂ કરી શકાય નહીં. તેમણે આ મુદ્દે ઉમેરતા કહ્યું કે કેટલાક ચોક્કસ ધોરણો લાગૂ થશે જેમકે કોઇ સભ્યની વય વધુ હોય અગર તો વોર્ડ સીમાંકનમાં પ્રતિનિધિત્વ નીકળી જતું હોય તો તેવા ક્રાઇટેરિયા લાગૂ કરવામાં આવશે એવો તેમનો સાફ સંકેત હતો.
ઉમેદવારોની પસંદગીને સમતોલ બનાવાશે એવી હીંટ આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં દરેક જ્ઞાતિ, સમાજને વસતિને અનુરૂપ પ્રાધાન્ય મળે તેવા હરએક પ્રયાસો કરવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો વ્યૂહ
સી.આર. પાટીલે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની સરકારે એટલી બધી યોજનાઓ લાગૂ કરી છે કે એ લોકો સુધી પહોંચાડીશું એટલે જ ભાજપાનો વિજય નિશ્ચિત બની જશે. બન્ને સરકારોએ સામાનય લોકો માટે સેંકડો યોજનાઓ અમલમાં મૂકી છે.
શંકરસિંહ વાઘેલા સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા અને મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની કરોડો રૂપિયાના નાણાકીય ગેરરીતિના મામલે આજરોજ તા.13મી ડિસેમ્બર 2020ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસ ફરીયાદમાં જણાવાયા મુજબ વિપુલ ચૌધરી ઉપરાંત અનેક લોકો આ નાણાંકીય ગેરરીતિ સબબના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાય આવે છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ત્રીજા દિવસે કેટલાક ઠેકાણે ટાઢોડું છવાયું હતું તેમજ શનિવારે સવારથી બપોર સુધી સમગ્ર રાજયમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.
રાજ્યમાં ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે સવાર સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ ૧.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. નવસારીના વાસદામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં ૧૦ થી ૧૨મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. શુક્રવારે ગુજરાતના ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. બે દિવસ પછી ૩થી ૪ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઊભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. દરમિયાન અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ૫૦૦ મીટરના અંતરે પણ સામેનું વાહન જોવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. વાતાવરણ ઠંડું બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાંના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકના નુકસાન થયું છે.
ભારતમાં આઇફોન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ શનિવાર તા.12મી ડિસેમ્બરના રોજ ભારે તોડફોડ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. પગારના મુદ્દે અસંતોષને પગલે કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કર્ણાટકના બેંગુલુરુ નજીક સ્થાપવામાં આવેલા વિન્સ્ટ્રોન કંપનીના આઇફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તોડફોડ કરી રહેલા કર્મચારીઓના વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા. બેંગલુરુમાં જે કંપનીમાં તોડફોડ થઇ છે એ વિસ્ટ્રોન કંપનીની હેડ ઓફિસ તાઇવાનમાં છે.
પગારના મુદ્દે બેકાબૂ બનેલા કર્મચારીઓએ કંપની કમ્પાઉન્ડમાં સ્થિત કારોને ઉથલાવી નાંખી હતી, સીસી ટીવી કેમેરા, ફર્નિચરની મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પગારના મુદ્દો બિચકતા કર્મચારીઓએ યુનિટમાં પથ્થરમારો કરી, બારી-બારણાંના કાચ ફોડી નાંખ્યા. કંપની સંપત્તિની ગાડીઓ, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને પણ નુકસાન પહોંચાડ્યું હતું,
ટ્રેડ યુનિયનના નેતાનું કહેવુ હતું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર સમયસર ચૂકવાતો નથી, તેમના નક્કી કરેલા પગારમાં પણ મનફાવે એવી રીતે કાપ મૂકીને ચૂકવવામાં આવી રહી હતી. વિદેશી કંપનીમાં તોડફોડ કરનારા કર્મચારીઓ આ વાતથી પણ રોષે ભરાયા હતા કે નોકરીમાં જોડાતા સમયે જે પગાર નક્કી કરાયો હતો, એ પણ ચૂકવાતો નથી. કંપનીના એક કર્મીનું કહેવુ હતું કે એક એન્જિનીયરને 21 હજાર મહિનાના પગારે નોકરી આપી હતી, પરંતુ અચાનક તેના પગારમાં કાપ મૂકી 16000 કરી દેવાયા અને હાલમાં તેના પગારમાં કાપ મૂકીને 12000 કરી દેવાયો હતો.
કંપનીના ઉત્પાદન યુનિટમાં કામ કરતા લગભગ તમામ વર્ગના કર્મચારીઓ સાથે આવુ બની રહ્યુ હતું. જેના લીધે કર્મીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમની સહનશક્તિ તૂટી અને કંપનીમાં તોડફોડ સુધી વાત પહોંચી હતી.
વિસ્ટ્રોન કોર્પોરેશન એપ્પલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત કંપનીઓ માટે આઇટી ઉત્પાદનો બનાવે છે. અહીં 2900 કરોડ રુપિયાના રોકાણ અને 10,000થી વધુ લોકોને રોજગાર આપવાના પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારે બેંગુલુરુ પાસે યુનિટ નાંખવાની પરમિશન આપી હતી.
અત્યાર સુધી બોજ બનેલી ઉભરાટની જમીનોના ભાવ રાતોરાત ઉંચકાયા
ઉભરાટ ખાતે આવેલી સરકારની 1000 હેક્ટર સરકારી જમીન પણ સોનાની લગડી જેવી
એક બાજુ નદી એકબાજુ દરીયાને લીધે સ્થગિત થયેલો સુરતનો પોશ વિસ્તાર આભવા રોડ પર વિકાસ પામશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રપોઝલ મૂકાઈ ચૂકી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતના આભવાથી ઉભરાટ વચ્ચે બ્રીજ બનાવવા અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત અનેક લોકોની કિસ્મત પલ્ટી નાંખશે. અત્યાર સુધી આભવા-ઉભરાટ બ્રિજ બનવાનો છે એવી પાયાવગરની વાતોને પગલે જ આભવાથી લઇને ઉભરાટ વચ્ચે જમીનોના અબજો રૂપિયાના સોદાઓ થઇ ચૂક્યા છે, એટલે સુધી કે હવે બ્રિજ નહીં આવે એમ માનીને લોકોએ ઉભરાટ ખાતે લીધેલી જમીનો ખોટ ખાઇને પણ વેચવા માંડી હતી, પરંતુ, આજે 12મી ડિસેમ્બર 2020ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભરાટ બ્રિજને અનુલક્ષીને કરેલી સ્પેશયલ જાહેરાત બાદ ઉભરાટમાં જમીન, પ્લોટ લેનારાઓની કિસ્મતના બંધ દરવાજા ખૂલી જવા પામ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત
આ કારણોથી ઉભરાટ બ્રિજ સુરત માટે માસ્ટર સ્ટ્રોક સમાન
સુરતના બીગબાઝારથી સીધા ડુમસ સુધીનું અંતર 13 કિ.મી. છે, ઉભરાટ બ્રિજ બન્યા પછી બીગબાઝારથી ડાબી બાજુનો રોડ પકડીએ તો 13 કિ.મી.એ ઉભરાટ આવી જશે.
– સુરતના પોશ વિસ્તાર (અઠવા, પીપલોદ, ડુમસ)ની એક બાજુએ નદી અને એક બાજુએ સમુદ્રને લઇને પોશ વિસ્તારનો વિસ્તાર થતો અટકી ગયો છે, હવે આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજને કારણે પોશ એરિયાનું ડેવલપમેન્ટ થશે.
– સુરત મહાનગરપાલિકાએ 2015-16ના વર્ષમાં કરેલી પ્રપોઝલ કે જેના અંદાજો પણ મંજૂર થઇ ચૂક્યા છે એ ઉભરાટ-આભવા બ્રિજ અનુસાર કુલ 1.8 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ આભવા અને ઉભરાટ વચ્ચે બનશે જે સુરતનું ડિસ્ટન્સ ઘટાડી દેશે.
– હીરાબુર્સની સાથે આભવા ઉભરાટનો બ્રિજ સમગ્ર એરિયાનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને ઇકોનોમિક ગ્રોથ બન્નેને ગીયરઅપ કરશે.
– સુરતવાસીઓને હરવા ફરવા માટે નવું ડેસ્ટિનેશન ઉભરાટ મળશે, આમેય ડુમસના દરીયા કિનારે પાણી નહીં હોવાનો પ્રશ્ન છે અને હજીરા, સુંવાલી કરતા ઉભરાટ જવાનું લોકો વધારે મુનાસિબ સમજશે.
– આભરા-ઉભરાટ બ્રિજને કારણે વચ્ચે સૌથી મોટો ફાયદો ગુજરાત સરકારને થશે, ગુજરાત સરકારની કમસેકમ 1000 હેક્ટર જગ્યા ઉભરાટ ખાતે આવેલી છે. આ સરકારી જમીનની કિંમત સોનાની લગડી કરતા પણ વધી જશે.
– ભૂતકાળમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે આવેલી સરકારી 1000 હેક્ટર જગ્યા પર બનાવવાની પ્રપોઝલ મૂવ થઇ ચૂકી છે, જો આ પ્રપોઝલ ફરીથી જીવંત બનાવવામાં આવે તો હયાત સુરતનું એરપોર્ટ ડોમેસ્ટિક ફલાઇટ્સ માટે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે નિર્માણ થઇ શકે. આ બાબતનો દારોમદાર સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.
અત્યારે આભવાથી ઉભરાટ વચ્ચે 42 કિ.મી.નું અંતર 4 કિ.મી. થઇ જશે
હાલમાં ગુગલ મેપ પ્રમાણે આભવાથી ઉભરાટ જવું હોય તો 42 કિ.મી. જેટલું ડિસ્ટન્સ બાયરોડ થાય છે. પરંતુ, આભવાથી ઉભરાટ વચ્ચે 1.8 કિ.મી. જેટલો િબ્રજ દરિયામાં બનાવાયા બાદ આ ડિસ્ટન્સ ઘટીને 4 કિ.મી. જેટલું થઇ જશે.
આભવા-ઉભરાટ વચ્ચે બ્રિજ આવવાનો છે એવી વાતોથી પ્રેરાઇને ઉભરાટ ખાતે 2006થી જમીનો લેનારા લોકો અત્યાર સુધીમાં એટલા નાસીપાસ થઇ ગયા હતા કે ઉભરાટ ખાતેની જમીન પડતર કરતા પણ ઓછી કિંમતે વેચી દેવા ફરી રહ્યા હતા. આ રીતે જમીન લેનારાઓ હવે સસ્તા ભાવે જમીન વેચવાનો નિર્ણય ફેરવી તોળશે.
સ્થાનિક જમીન દલાલો સાથે થયેલી વાતચીત મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉભરાટ બ્રિજની જાહેરાત બાદ પરિસ્થિતિ એટલી બદલાઇ ગઇ છે કે એવું લાગે છે કે હાલ કોવિડ-19ની સ્થિતિમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરજિયાત રીતે આરજો-મારજોના સોદા કરવા પડતા હતા પરંતુ, હવે ઉભરાટ, આભવાના કિસ્સામાં આરજો-મારજોના સોદા અટકી જશે.
ઉભરાટ બ્રિજ રિયલ એસ્ટેટને વેગ આપશે અનુભાઇ તેજાણી
સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાન શ્રી અનુભાઇ તેજાણીએ જણાવ્યું કે ઉભરાટ આભવા વચ્ચે રૂ.200 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા અંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત આવકાર્ય છે, આ બ્રિજને લીધે સુરત-ઉભરાટમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટસ ઝડપભેર થશે, ઉભરાટમાં સરકારની પણ મોટી જમીનો આવેલી છે, સરકારના પ્રોજેક્ટ પણ આવશે, સમગ્ર વિસ્તારને આ બ્રિજથી ફાયદો થશે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.
GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી
What could be a bigger confidence booster than the addition of a major financial institution like @YESBANK stepping up to finance the gem and jewellery trade, giving our manufacturers greater access to capital
GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.
હાલમાં ત્રણ સ્તરીય હિયરિંગમાં પહેલા સ્તરે મામલતદાર કક્ષા થતી સુનાવણીની પ્રક્રિયા દૂર કરવામાં આવી, હવે સીધા પ્રાંત અધિકારી અને એ પછી કલેક્ટર કક્ષાએ હિયરિંગ હાથ ધરાશે
ગુજરાત સરકારે જમીન કાયદા સુધારણા અભિયાન અન્વયે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવામાં આવશે. અત્યાર સુધી જમીન દફતરે થયેલી તકરારી નોંધની સુનાવણી જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે સૌથી પહેલા મામલતદાર કક્ષાએ હાથ ધરાય એ પછી પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ હાથ ધરવાનો નિયમ અમલી હતો. જૂના નિયમને કારણે અરજદારોને ભારે અસંતોષ પ્રવર્તતો અને લિટીગેશન તેમજ કાયદાકીય પ્રકરણો પણ ઉભા થતા હતા. પરંતુ, હવે રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થિતિમાં સુધારો થાય તેવો આશાવાદ સેવાય રહ્યો છે.
જમીન દફતરે તકરારી નોંધની અપીલ હિયરિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં ગુજરાત સરકારે ત્રણ અલગ અલગ સ્તરે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.
ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.
કેન્દ્ર સરકારે આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ સર્જરીઓ કરવા માટે આપેલી મંજૂરી પરત ખેંચાવવા ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના નેજા હેઠળ વિરોધ કરી રહ્યા છે ભારતના એલોપેથી ડોક્ટરો
આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ સર્જરીઓ માટેની આપવામાં આવેલી પરવાનગીનો વિરોધ કરવા અને એ પરવાનગી પાછી લેવાની માગણી કરવા માટે આજે દેશભરના ઇન્ડિયન મેડિકલ અસોસિએશનનું સભ્યપદ ધરાવતા છ લાખથી વધુ ડૉક્ટરો અને મૉડર્ન મેડિસિનના પોસ્ટગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તેમની સર્વિસ અને તેમના દ્વારા આપવામાં આવતી (આઉટડોર પેશન્ટ) ઓપીડી સર્વિસ બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. આજે સવારથી તબીબોના દવાખાનાઓ બંધ જોતા નાની મોટી બિમારીઓની દવા લેવા ગયેલા દર્દીઓ અને તેમના સગાઓમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું.
ગુજરાત આઇ.એમ.એ., આઇ.એમ.એ. સુરત બ્રાન્ચ સમેત ગુજરાતભરના આઇ.એમ.એ. સાથે સંકળાયેલા તબીબો આજે સવારથી જ પોતાની ઓપીડી બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. તેમની માગણી છે કે આયુર્વેદિક સર્જરી સંદર્ભનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે.
ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ આંદોલનને ફેડરેશન ઑફ ગાયનેકોલૉજિસ્ટ, મહારાષ્ટ્ર સર્જિકલ સોસાયટી, ફિઝિશ્યન્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન અસોસિએશન ઑફ પીડિયાટ્રિશ્યન્સ, ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશન, અસોસિએશન ઑફ કોલોરેક્ટલ સર્જ્યન્સ, ઇન્ડિયન રેડિયોલૉજિકલ ઍન્ડ ઇમેજિંગ અસોસિએશન જેવા મૉડર્ન મેડિસિન સાથે સંકળાયેલા સ્પેશ્યલિસ્ટ અને સુપર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોનાં ૩૪ ઑર્ગેનાઇઝેશનો તરફથી સહકાર આપવામાં આવ્યો છે.
અલબત્ આ ડૉક્ટરો તેમની ઇમર્જન્સી સર્વિસ જેવી કે કોવિડના પેશન્ટની સારવાર, કૅઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટ, લેબર-રૂમ, ઇમર્જન્સી સર્જરીઓ, આઇસીયુ અને ક્રિટિકલ કૅર સર્વિસ માટે રાબેતા મુજબ કામ કરી રહ્યા છે.
આઇએમએના કહેવા પ્રમાણે સીસીઆઇએમએ ૫૮ વિવિધ સર્જરીઓની આયુર્વેદિક ડૉક્ટરોને પરવાનગી આપવા માટે કે આયુર્વેદના અભ્યાસક્રમમાં આ સર્જરીઓનો સમાવેશ કરવા માટે મૉડર્ન મેડિસિનની શાખા નૅશનલ મેડિકલ કમિશનની કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી. એના વગર જ આ સર્જરીઓ માટે આયુર્વેદિક ડૉક્ટરોને પરવાનગી આપી દીધી છે. આ ૫૮ સર્જરીઓ જેવી કે દાંત, કાન, આંખ, પેટ, ગૉલબ્લૅડર અને કિડની વગેરે આધુનિક મેડિસિનના આઠ વર્ષના અભ્યાસ અને અનુભવ પછી સુપર સ્પેશ્યલિસ્ટ સર્જ્યન દ્વારા કરવામાં આવે છે.
વીરપુરનું જલારામ મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરમાં બાપાના દર્શન કરવા માટે આવતા ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દરેક દર્શનાર્થીઓને સ્ક્રીનિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ દરેક ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજે ગુરૂવારથી મંગલ મંદિરનાં દ્વાર ખુલ્યાં છે. સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટાઈઝેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે.
ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને શિયાળાની ખુશનુમા સવારે વરસાદ પડે એવી ક્યારેય નહીં થઇ હોય તેવી કલ્પના આજે વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળી. સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું અને કમૌસમી વરસાદે તા.11મી ડિસેમ્બર 2020ના શિયાળાની ખુશનુમા સવારે વરસાદી માહોલ સર્જી દીધો છે. જાણકારો કહે છે કે જો સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રખાય તો આ એવું ક્લાઇમેટ છે જે ભલભલા તંદુરસ્ત વ્યક્તિને બિમાર કરી દેશે. વિચિત્ર વાતાવરણની અનુભૂતિ સાથે સુરતીઓએ સોશ્યલ મિડીયામાં વિદાય થઇ રહેલા 2020ના વર્ષને અનુલક્ષીને પોસ્ટ મૂકવા માંડી હતી.
કેરલેસ લોકો બિમાર પડી શકે
તબીબો અને જાણકારો જણાવે છે કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે ક્લાઇમેટ ખરાબ થયું છે. આવી સ્થિતિમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર લોકોના બિમાર પડી જવાના ચાન્સિસ છે. ખાસ કરીને ઠંડુ, વાસી ખાણું તેમજ અનિયમિત લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને તકલીફ ઉભી કરી દે તેવું ક્લાઇમેટ સર્જાયું છે.
ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ
લાંબું ચાલેલું ચોમાસું અને હવે કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરુ, ઘઉં, કપાસ જેવા પાકને વરસાદના લીધે નુકસાન થઈ શકે છે. કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં હાલ થઇ રહેલી ખેતીને પણ વ્યાપક નુકસાનની થવાની ભીંતી સેવાય રહી છે.
તા.10મી ડિસેમ્બરે બપોરથી જ આમ તો ગુજરાતના આકાશમાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. ગુરુવારે સાંજથી જ કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજે તા.11મી ડિસેમ્બરે મળસ્કેથી જ ઝરમરીયો વરસાદ એવો શરૂ થયો કે જાણે ચોમાસું યાદ આવી ગયું. આજે સવારે નિત્યક્રમ અનુસાર નોકરી ધંધે જવાવાળા લોકોએ આ સિઝનમાં ભલે સ્વેટર-જેકેટ પહેરવાનું હજુ મૂહૂર્ત કર્યું ન હોય પરંતુ, આજે શુક્રવારની સવારે રેઇનકોટ જરૂર પહેરવા પડ્યા છે.
વરસાદ થવાથી એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે ઠંડી, સવારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦મી થી ૧૨મી ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યાના અહેવાલો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલો સવારથી જ મળી રહ્યા છે. ગતરોજથી જ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવારણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વાતાવારણમાં પલટો આવવાથી પંથકમાં ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. નવસારી, બિલીમોરા, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
એવી જ રીતે ભાવનગર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, ગીરગઢડા, તળાજા વગેરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ક્લાઇમેટ ચેન્જના અહેવાલો સાંપડ્યા છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા, જ્યારે ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ શિયાળુ પાક જીરૂં, ચણા અને ઘઉંને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના મોડાસા, મહેસાણા, કડીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.