ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.
રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.














